આકાશતીર : ભારતમાં બનેલી ઍર ડિફેન્સ સિસ્ટમ જેના ઑપરેશન સિંદૂરમાં વખાણ થયાં, શું છે ખાસિયતો?

ઇમેજ સ્રોત, PIB
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા પછી ભારતની પાકિસ્તાન સામેની સૈન્ય કાર્યવાહી અને બંને દેશો વચ્ચે થયેલા સૈન્યસંઘર્ષ દરમિયાન ઘણાં હથિયારોની ચર્ચા થઈ હતી; તેમાંનું એક 'આકાશતીર ઍર ડિફેન્સ સિસ્ટમ' પણ છે.
હકીકતમાં, સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના પ્રમુખ સમીર વી કામતે કહ્યું કે, "ભારતની સ્વદેશનિર્મિત 'આકાશતીર' ઍર ડિફેન્સ સિસ્ટમે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું."
બીજી તરફ, ભારત સરકારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્યસંઘર્ષ દરમિયાન 'આકાશતીર'નું મહત્ત્વ જણાવ્યું.
તો, આ 'આકાશતીર' શું છે, તે કઈ રીતે કામ કરે છે અને 'આકાશતીર' વિશે સરકારે શું કહ્યું છે?
માહિતી અને પ્રસારણ મંત્રાલયે 'આકાશતીર' વિશે કહેલું, "તેણે દુશ્મન (પાકિસ્તાન)નાં મિસાઇલો અને ડ્રોનના હુમલાને અટકાવ્યો."
"પાકિસ્તાને જ્યારે ભારતીય સેના અને નાગરિક ક્ષેત્રો પર હુમલો કર્યો હતો, ત્યારે આકાશતીરે આવનારી દરેક મિસાઇલ (પ્રક્ષેપાત્ર)ને રોકીને તેને નિષ્ફળ કરી દીધી."
હકીકતમાં, 22 એપ્રિલ 2025એ પહલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યાર પછી ભારતે 6-7 મે વચ્ચેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં ઘણી જગ્યાએ હુમલા કર્યા.
આ બાબતે ભારત સરકારે કહેલું કે તેણે ચરમપંથી થાણાંને લક્ષ્ય બનાવ્યાં છે. તેના જવાબમાં પાકિસ્તાને પણ હુમલા કર્યા અને બંને દેશ વચ્ચે 10 મેની સાંજ સુધી સૈન્યસંઘર્ષ ચાલ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'આકાશતીર'ની ખાસિયતો શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારે નિવેદન બહાર પાડીને 'આકાશતીર'ની ઘણી વિશેષતા જણાવી છે.
સરકારે કહ્યું છે, "આકાશતીર સ્વયંચાલિત એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ સિસ્ટમ છે, જે દુશ્મનનાં વિમાનો, ડ્રોન અને મિસાઇલોને શોધવામાં, ટ્રેક કરવામાં અને તેનો સામનો કરવામાં સક્ષમ છે."
સરકારે પોતાના નિવેદનમાં કહ્યું, "પાકિસ્તાન આયાત કરાયેલી એચક્યૂ-9 અને એચક્યૂ-16 સિસ્ટમ પર નિર્ભર હતું, જે ભારતીય હુમલાને શોધી કાઢવામાં અને તેને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી. આકાશતીરે વાસ્તવિક સમયના આધારે સ્વયંચાલિત હવાઈ સંરક્ષણ યુદ્ધમાં ભારતના વર્ચસ્વને પ્રદર્શિત અને સ્થાપિત કરી દીધું."
"આકાશતીરે બતાવી દીધું કે તે દુનિયાના કોઈ પણ અસ્ત્રને ત્વરિત શોધી કાઢે છે, નિર્ણય લે છે અને હુમલો નિષ્ફળ કરી દે છે."
'આકાશતીર' કઈ રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, ANI
ભારત સરકારે જણાવ્યું કે, આકાશતીર સી4આઇએસઆર (કમાન્ડ, કંટ્રોલ, કમ્યુનિકેશન, કમ્પ્યૂટર, ઇન્ટેલિજન્સ, સર્વિલન્સ અને રિકૉનિસેન્સ) ફ્રેમવર્કનો ભાગ છે. તે અન્ય સિસ્ટમ સાથે મળીને કામ કરે છે.
સરકારનું કહેવું છે કે, આકાશતીરમાં લગાડવામાં આવેલાં સેન્સરમાં ટૅક્ટિકલ કંટ્રોલ રડાર રિપોર્ટ, થ્રીડી ટૅક્ટિકલ કંટ્રોલ રડાર, લો-લેવલ લાઇટવેટ રડાર અને આકાશ વેપન સિસ્ટમ રડાર સામેલ છે.
સરકારે કહ્યું, "આકાશતીર સાથે ત્રણેય સેનાઓ (ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ) સંકલિત રહે છે. તેથી ભૂલથી પોતાનાં જ લક્ષ્યો પર હુમલો કરવાનું જોખમ પણ ઘટી જાય છે. વાહન પર રાખવામાં આવી હોવાના કારણે આકાશતીર ખૂબ જ ગતિશીલ રહે છે અને તેથી દુર્ગમ અને સક્રિય યુદ્ધક્ષેત્રોમાં તહેનાત કરવા માટે તે સર્વોત્તમ છે."
કેન્દ્ર સરકારનો દાવો છે કે તે ત્વરિત શોધવા, નિર્ણય લેવા અને દુનિયાભરમાં કોઈ પણ અન્ય સિસ્ટમની તુલનામાં ઝડપી હુમલો કરવામાં સક્ષમ છે.
ઍર ડિફેન્સ સિસ્ટમ શું હોય છે?
અમે પહેલાં જ જણાવ્યું કે, 'આકાશતીર' ઍર ડિફેન્સ સિસ્ટમ છે. હકીકતમાં, ઍર ડિફેન્સ સિસ્ટમ એટલે કે હવાઈ સંરક્ષણ પ્રણાલી એક એવું સૈન્ય તંત્ર છે, જે દુશ્મનનાં વિમાનો, મિસાઇલો, ડ્રોન અને અન્ય હવાઈ જોખમોથી કોઈ દેશની આકાશી સીમાની સુરક્ષા કરે છે.
આ પ્રણાલીમાં રડાર, સેન્સર, મિસાઇલ અને ગન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કરીને હવાઈ જોખમોને શોધી કાઢીને, પછી તેને ટ્રેક કરીને નષ્ટ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.
ઍર ડિફેન્સ ઘણા તબક્કામાં કામ કરે છે. જેમ કે, જોખમ શોધી કાઢવું, જોખમને ટ્રેક કરવું અને તે નુકસાન પહોંચાડે તે પહેલાં તેને ખતમ કરવું.
કોઈ પણ દેશની એર ડિફેન્સ સિસ્ટમનો મુખ્ય હેતુ હવાઈ હુમલાથી લોકો અને સૈન્ય થાણાંનું રક્ષણ કરવાનું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












