ગુજરાતમાં જીવલેણ દુર્ઘટનાઓ વખતે પીડિતોના પરિવારજનોને આપવામાં આવતું ચાર લાખ રૂપિયાનું વળતર કેટલું પૂરતું ગણાય?

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
9 જુલાઈ, 2025ના રોજ ગુજરાતમાં એક પુલ દુર્ઘટના થઈ જેમાં મહી નદી પર આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ અધવચ્ચેથી તૂટી જવાથી લગભગ 20 લોકોનાં મોત થયાં હતાં.
આ ઘટના પછી રાજ્ય સરકારે તરત મૃતકોના સ્વજનોને ચાર લાખ રૂપિયાના વળતરની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર તરફથી બે લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.
અગાઉ પણ ગુજરાતમાં જે મોટી દુર્ઘટનાઓ થઈ તેમાં રાજ્ય સરકારે મૃતકોના સ્વજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. જ્યારે કેન્દ્ર સરકારે બે લાખ રૂપિયાની સહાય કરી હતી. તેમાં મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના, રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના અને વડોદરાનો હરણી બોટ દુર્ઘટના સામેલ છે.
હવે આ તમામ દુર્ઘટનાઓને લઈને સરકાર સામે સવાલો થતા હોય ત્યારે ચાર લાખ રૂપિયાનું વળતર કેટલા અંશે પૂરતું ગણાય?
સવાલ એ થાય છે કે બાળકોની શિક્ષણ, રહેઠાણ, મેડિકલ સુવિધાઓ જે રીતે મોંઘી થઈ છે ત્યારે ચાર લાખ રૂપિયાની રકમ અત્યારના સમયમાં મૃતકના પરિવારને કેટલી મદદ કરી શકે?
બીબીસીએ આ વિશે કાયદાના જાણકારો અને પીડિતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે ચાર લાખ રૂપિયાની રાજ્ય સરકારની સહાય વિશે તેઓ શું માને છે?
'જીવનના મૂલ્યને આંકડાથી આંકી જ ન શકાય'

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટમાં મે 2024માં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બની હતી જેમાં બે ડઝનથી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાં ઘણાં બાળકો પણ હતાં .
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍડ્વોકેટ સુરેશભાઈ ફળદુ ગેમ ઝોનના પીડીતો વતી કોર્ટમાં કેસ લડી રહ્યા છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "રાજ્ય સરકાર બે-ચાર લાખનું વળતર આપે કે એક કરોડ રૂપિયા આપે, પરંતુ શું આપણે આંકડાથી જ સંતોષ માની લેવાનો?"
સુરેશભાઈ કહે છે કે માનવજીવનના મૂલ્યની કિંમત નથી.
તેઓ કહે છે, "માનવજીવનના મૂલ્યને રકમમાં આંકી જ ન શકાય. આટલી મોંઘવારીમાં ચાર લાખ રૂપિયા તો કેટલીક સ્કૂલોની ફી હોય છે. વળતર તરીકે કરોડ રૂપિયા આપો તે પણ ઓછા છે. આટલી રકમની બૅન્ક ડિપૉઝિટ કરો તો તેના વ્યાજમાંથી પણ ઘર ન ચાલે."
રાજકોટના અશોકભાઈ મોડાસિયાની બે દીકરીઓ અને જમાઈ ટીઆરપી ગેમ ઝોનની આગમાં મૃત્યુ પામ્યાં હતાં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અશોકભાઈએ કહ્યું કે, "અમને કેન્દ્ર સરકાર તરફથી બે લાખ રૂપિયા અને રાજય સરકાર તરફથી ચાર-ચાર લાખ રૂપિયા મળ્યા હતા. ઘટનાના એક મહિના પછી કેન્દ્ર સરકાર તરફથી વળતર મળી ગયું હતું, જ્યારે રાજ્ય સરકાર તરફથી વળતર એક સપ્તાહમાં મળી ગયું હતું."
એક વ્યક્તિના જીવના બદલામાં ચાર લાખ રૂપિયાનું વળતર કેટલું પૂરતું ગણાય તેવા સવાલના જવાબમાં અશોકભાઈ કહે છે, "અમારાં સંતાનો ગયાં પછી વળતર શું કામનું? હવે એ વિચારવાનું છોડી દીધું છે. અમે એકલા માણસો છીએ અને અમારા કામમાં લાગી ગયા છીએ."
વડોદરાની હરણી બોટ દુર્ઘટનામાં ન્યાય માટેની લડત

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC
જાન્યુઆરી 2024માં વડોદરાના હરણી તળાવમાં એક બોટ ડૂબી ગઈ હતી જેમાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત 14 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
આ કેસમાં પણ રાજ્ય સરકારે ચાર-ચાર લાખ રૂપિયા અને કેન્દ્ર સરકારે બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. પીડિતોના કહેવા પ્રમાણે તેમને સરકારી વળતર મળી ગયું છે, પરંતુ આ રકમ બહુ નાની છે.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં પોતાના પુત્રને ગુમાવનાર કલ્પેશ નિઝામાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "સરકાર તરફથી છ લાખ રૂપિયાનું વળતર મળી ગયું છે. ત્યાર પછી સરકારે આદેશ કર્યા પ્રમાણે અમને બોટના સંચાલકો તરફથી 31.75 લાખ રૂપિયા મળવા જોઈએ જે હજુ નથી મળ્યા. આ રકમ અમને ચાર હપ્તામાં ચૂકવવાપાત્ર છે."
રાજકોટના ઍડ્વોકેટ સુરેશભાઈ ફળદુએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "ગંભીરા બ્રિજ 2022થી ઉપયોગને લાયક નથી તેવી ફરિયાદ થવા છતાં તે ચાલુ રખાયો, દુર્ઘટના થવા દેવાઈ, માણસો મરી ગયા પછી તેનો ભાવ નક્કી કરાયો."
તેમણે સવાલ કર્યો કે "લોકોના ટૅક્સના પૈસાથી અધિકારીઓ વિદેશ જાય છે, સેમિનારોમાં હાજરી આપે છે તો પછી ત્યાંથી શું શીખી લાવ્યા?"
"ટીઆરપી ઝોનના પીડિતો વતી હું લડું છું, બધા આરોપીઓ ડિસ્ચાર્જ અરજી કરે છે અને એક-બીજા પર દોષારોપણ કરે છે. તેઓ એક-બે વર્ષ જેલમાં રહીને બહાર નીકળી જતા હોય છે."
વળતરની રકમથી અસંતોષ

ઇમેજ સ્રોત, ANI
ઑક્ટોબર 2022માં મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો તેમાં કુલ 134 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તે સમયે પણ રાજ્ય સરકારે ચાર-ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. ત્યાર પછી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
નવેમ્બર 2022માં ગુજરાત હાઇકોર્ટે ચાર લાખ રૂપિયાની રકમ બહુ ઓછી ગણાવીને દરેક મૃતક દીઠ 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ આપ્યો હતો.
ત્યાર બાદ રાજ્ય સરકારે ઍફિડેવિટ ફાઇલ કરીને જણાવ્યું કે મૃતકોના સ્વજનોને કુલ 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.
અત્યાર સુધીમાં દરેક મૃતકના પરિવારને રાજ્ય સરકારે આઠ-આઠ લાખ રૂપિયા, કેન્દ્ર સરકારે બે-બે લાખ રૂપિયા, મોરબીના રાજપરિવારે એક-એક લાખ રૂપિયા આપ્યા છે. તો ઓરેવા ગ્રૂપે દસ-દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવી દીધું છે.
ઝૂલતા પુલ અકસ્માતમાં માર્યા ગયેલા 22 વર્ષીય નરેશ સોલંકીના પિતા ભીખાભાઈ સોલંકીને સરકાર સામે ફરિયાદ છે.
તેમણે બીબીસી ગુજરાતીના સંવાદદાતા ગોપાલ કટેશિયાને જણાવ્યું હતું કે "જે રીતે કેસ ચાલી રહ્યો છે તે જોતા હાલ તો અમને નથી ન્યાય મળ્યો કે નથી કાયદેસરનું વળતર મળ્યું. અમે ન્યાય અને કાયદેસરના વળતરની રાહ જોઈ રહ્યા છીએ."
'વળતરની રકમ મજાક સમાન'

ઇમેજ સ્રોત, ugc
અમદાવાદસ્થિત માનવ અધિકાર ઍડ્વોકેટ અમરિશ પટેલના માનવા પ્રમાણે ચાર લાખ રૂપિયાનું વળતર આપવું એ 'પીડીતોની ક્રૂર મજાક' છે.
તેઓ કહે છે કે, "સરકારની બેદરકારીના કારણે લોકોનાં મૃત્યુ થયાં છે. સરકારને ત્રણ વર્ષથી ફરિયાદ થતી હતી અને છતાં બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો હતો."
પીપલ્સ યુનિયન ઑફ સિવિલ લિબર્ટી (પીયુસીએલ) સાથે સંકળાયેલા અમરિશ પટેલે જણાવ્યું કે, "મારી દૃષ્ટિએ આ રકમ કંઈ જ નથી. વળતર નક્કી કરવામાં વૈજ્ઞાનિક ધોરણ એવું હોવું જોઈએ કે લઘુત્તમ વેતનધારા મુજબ એક વ્યક્તિને જીવવા માટે ઓછામાં ઓછા 18 હજાર રૂપિયા દર મહિને મળવા જોઈએ. આ ઉપરાંત આ રકમ ફુગાવા સાથે ઍડજસ્ટ હોવી જોઈએ."
તેઓ કહે છે કે, "ફૅક્ટરીમાં અકસ્માત થાય ત્યારે ઉંમરના પ્રમાણમાં વળતર મળે છે અને નવા કાયદા પ્રમાણે વળતર સુધારવામાં આવ્યું છે. હવે ઓછામાં ઓછા 15થી 16 લાખ રૂપિયા આપવામાં આવે છે."
તેમણે જણાવ્યું કે, "એમ્પ્વૉયીઝ પ્રોવિડન્ટ ફંડના ઍક્ટમાં તો પેન્શનની જોગવાઈ છે, ઈએસઆઈ ઍક્ટમાં પણ આવી રીતે વ્યક્તિનું મૃત્યુ થાય તો દર મહિને તેને 15થી 17 હજાર રૂપિયા મળે છે. તે ધોરણ આમાં પણ લાગુ થવું જોઈએ."
ચાર લાખ રૂપિયાના રાજ્ય સરકારના વળતર વિશે તેમણે કહ્યું કે, "આનાં કોઈ ધારાધોરણો નથી અને તેમાં કોઈ તર્ક નથી. આ ઉપરાંત આ સહાય ફુગાવા સાથે પણ તે ઍડજેસ્ટ નથી."
અન્ય રાજ્યોમાં કેટલું વળતર?

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર બંદૂકધારીઓએ હુમલો કર્યો તેમાં ગુજરાતના ત્રણ પર્યટકો માર્યા ગયા હતા. તે વખતે ગુજરાત સરકારે મૃતકો માટે પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે પહલગામમાં માર્યા ગયેલા મહારાષ્ટ્રના રહેવાસીઓને શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. ત્યાર પછી કૅબિનેટે મૃતક દીઠ 50 લાખ રૂપિયાનું વળતર અને નિકટના સ્વજનને સરકારી નોકરી આપવાનો નિર્ણય લીધો હતો.
ઑક્ટોબર 2024માં ચેન્નાઈ ખાતે ઍર શો જોતી વખતે પાંચ લોકો મૃત્યુ પામ્યાં હતાં, જેના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની તામિલનાડુ સરકારે જાહેરાત કરી હતી.
મરીના બીચ પર ઍરફોર્સના ઍર શો વખતે અસહ્ય ગરમીના કારણે ડિહાઈડ્રેશનથી પાંચ લોકોનાં મોત થયાં હતાં.
કેરળમાં ઑગસ્ટ 2024માં વાયનાડમાં ભૂસ્ખલનના કારણે જે લોકો માર્યા ગયા હતા તેમના પરિવારજનોને છ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
જૂન 2024માં કુવૈતના માંગફ શહેરમાં એક ઈમારતમાં આગ લાગતા લગભગ 49 કામદારો મૃત્યુ પામ્યાં હતાં જેમાં કેરળ અને તામિલનાડુના કામદારો મોટી સંખ્યામાં હતા. તે વખતે કેરળ સરકારે મૃતકોના પરિવારોને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
વડોદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડીતોને અપાતી ચાર લાખ રૂપિયાની વળતરની રકમ વિશે બીબીસી ગુજરાતીએ વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી સાથે વાત કરી હતી.
ડૉ. જોશીએ જણાવ્યું કે, "હજુ આ અંતિમ સહાય નથી. અધિકારીઓ દ્વારા પીડિતોના સ્વજનોને મળવાની પ્રક્રિયા ચાલુ છે. એક વખત રૅસ્ક્યૂ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. મને આશા છે કે સરકાર રકમ વધારવા અંગે વિચાર કરશે."
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલનો આ મામલે સંપર્ક થઈ શક્યો ન હતો. તેમની સાથે વાત થઈ શકશે તો આ અહેવાલમાં અપડેટ કરવામાં આવશે.
જોકે, ગુજરાત સરકારની એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર સંવેદનશીલ છે.
પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટનાના પીડિતોને કુલ 62 લાખની આર્થિક સહાય ચૂકવી છે. જેમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયનો સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












