ટામેટાં ભારતમાં કોણ લાવ્યું અને સૌથી પહેલા કોણે વાવ્યાં?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, પેડાગડી રાજેશ
- પદ, બીબીસી સંવાદદાતા
બજારમાં ટમેટાંની કિંમત ઝડપથી વધી રહી છે. ટમેટાં કે જેની કિંમત અમુક મહિનાઓ પહેલાં 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી તે હવે ગુજરાતમાં 160થી 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ચૂકી છે.
ટમેટાંનો ઉપયોગ લગભગ બધાં શાક અને દાળમાં થાય છે તે હવે રસોઇમાં દેખાતા બંધ થઇ ગયા છે.
પણ આ ટમેટાં આપણા જીવનનો હિસ્સો કેવી રીતે બની ગયા? તેમનો પરિચય આપણને કોણે કરાવ્યો?
ટમેટાંનું વૈજ્ઞાનિક નામ કઇ સૉલેનમ લાઇકોપર્સિકમ છે. તે સોલાનેસી સમૂહનું ફળ છે.
ટમેટાંમાં 95 ટકા પાણી હોય છે. બાકી 5 ટકામાં મૅલિક, સાઇટ્રિક એસિડ, ગ્લૂટામેટ, વિટામિન સી અને લાઇકોપિન જેવાં પોષકતત્ત્વો હોય છે.
ટમેટાં લાલ દેખાય છે તેનું કારણ લાઇકોપિન છે.
અંગ્રેજી શબ્દ ‘ટૉમેટૉ’ એ સ્પેનિશ શબ્દ ‘ટૉમેટે’ પરથી લેવામાં આવ્યો છે. આ સ્પેનિશ શબ્દના મૂળ ઍઝટેક ભાષામાં છે.
ઍઝટેકમાં તેને ઝોટોમેટિલ કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૉટાનિસ્ટ રવિ મહેતાએ ‘આઇવીઓએસઆર’ જર્નલમાં પ્રકાશિત થયેલા તેમના રીસર્ચ પેપર ‘હિસ્ટરી ઑફ ટૉમેટૉ: પૂઅર મેન્સ એપલ’ માં નોંધ્યું છે કે ઝોટોમેટિલ શબ્દ પુસ્તકોમાં પહેલીવાર 1595ના વર્ષમાં વાપરવામાં આવ્યો હતો.
“પરંતુ એવો કોઇ પુરાવો નથી કે ટમેટાંનો ઉદ્ભભવ અહીં થયો હોય. જોકે તેમનું અત્યારનું સ્વરૂપ સૉલાનાસી પ્લાન્ટમાં થયેલી લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી બન્યું છે” રવિ સમજાવે છે.

સૌથી પહેલાં ટમેટાં કોણે ઉગાડ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધનપત્રમાં રવિ જણાવે છે, “એવું માનવામાં આવે છે કે ટમેટાં સૌથી પહેલાં દક્ષિણ અમેરિકાની ઍન્ડીસ પર્વતમાળામાં થયાં હોવાનું મનાય છે. જે વિસ્તાર અત્યારે પેરુ બૉલિવિયા, ચિલી અને ઇક્વાડૉરમાં આવેલો છે. ઇ.પૂ. સાતમી સદીમાં ઍઝટેક અને ઇન્કાસ જેવી સંસ્કૃતિઓમાં પણ ટમેટાં ઉગાડવામાં આવ્યા હોય તેનું પ્રમાણ જોવા મળે છે.”
જોકે, મૂળભૂત રીતે ઍન્ડીસમાં ઊગતાં ટમેટાં સ્વાદમાં ખૂબ કડવાં હતાં. તે કદમાં પણ ખૂબ નાનાં હતાં.
ઇતિહાસ મુજબ કેટલાક પ્રવાસીઓ આ ટમેટાંનાં છોડને દક્ષિણ અમેરિકાથી મધ્ય અમેરિકા લઈ ગયા હતા.
ત્યાં જ માયા સભ્યતાનાં લોકોએ તેની ખેતી શરૂ કરી હતી. જોકે તે સાબિત કરવા માટે કોઇ પુરાવા મળતા નથી કે હકીકતમાં તેની ખેતી ક્યાં શરૂ થઈ અને કોણે કરી.
જોકે રવિ જણાવે છે કે ઇ.પૂ. પાંચમી સદીમાં તેની ખેતી શરૂ થઇ હશે.

ટમેટાં યુરોપ કઈ રીતે પહોંચ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ખાદ્ય ઇતિહાસકારોનું કહેવું છે કે, 1490માં કોલંબસ જ્યારે દક્ષિણ અમેરિકા પહોંચ્યા ત્યારે ટમેટાંથી યુરોપના લોકો પરિચિત થયા હશે.
રવિએ તેમના સંશોધનપત્રમાં કહ્યું છે કે યુરોપીય સાહિત્યમાં ટમેટાંનો પહેલો ઉલ્લેખ 1544માં થયો છે. ઇટાલિયન ચિકિત્સક અને વનસ્પતિશાસ્ત્રી ઍંડ્રિયા મૅટિયોલી દ્વારા લખવામાં આવેલ 'હર્બલ'માં ટમેટાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ટમેટાં ભૂમધ્ય સાગરના વિસ્તારોમાં કોઇ સમસ્યા વગર આરામથી ઊગી શકે છે.
રવિએ જણાવ્યું કે શરૂઆતમાં યુરોપમાં ઉગાડવામાં આવતાં ટમેટાં પીળા રંગનાં હતાં અને તેમને પીળું સફરજન કહેવામાં આવતું હતું.

ટામેટાં ઝેરીલાં હતાં?
જોકે, બ્રિટનમાં ટમેટાંને એક સમયે ઝેરીલું ફળ માનવામાં આવતું હતું. એવો ભ્રમ એટલે હતો કારણ કે ટમેટાંના છોડના પાંદડા સોલાનેસી જીનસ નામના એક ઘાતક છોડ જેવા દેખાતા હતા.
રવિએ જણાવ્યું કે ટેબલને સુંદર રીતે સજાવવા માટે પણ ટમેટાંનો ઉપયોગ થતો હતો. જોકે, 1800નાં દાયકામાં પણ અમેરિકામાં ટમેટાંને લઇને લોકોમાં ખૂબ સંદેહ હતો.
તે સિવાય તેને ઝેરીલું સફરજન પણ કહેવામાં આવતું હતું. કેટલાક પુસ્તકોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને ખાવાને કારણે કેટલાક ધનિક લોકોનું મૃત્યુ થઇ ગયું હતું. જોકે, આ ખોટા સમાચારો છે. ત્યારપછી એવી ખબર પડી કે ટમેટાં કાપવા માટે જે ચપ્પુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના કારણે આમ બન્યું હતું. તેમાં સીસું વધુ માત્રામાં હતું.
ટમેટામાં ઍસિડનું પ્રમાણ વધુ હોય છે. રવિએ સંશોધનપત્રમાં કહ્યું છે કે ઍસિડ સીસા સાથે પ્રક્રિયા કરીને ઝેરીલો પદાર્થ બનાવે છે.

ભારતમાં ટમેટું કઇ રીતે પહોંચ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ખાદ્ય ઇતિહાસકાર કૅટી અચૈયાએ તેમના પુસ્તક ‘ઇંડિયન ફૂડ: અ હિસ્ટૉરિકલ કમ્પેનિયન’માં કહ્યું છે કે પૉર્ટુગીઝ લોકો જ ભારતમાં ટમેટાં લાવ્યા.
કૅટી અચૈયા તેમના પુસ્તકમાં કહે છે કે, "ટમેટાં, મકાઇ, ઍવોકાડો, કાજુ અને શિમલા મરચાં જેવી અનેક ફસલો પૉર્ટુગીઝો જ ભારતમાં લાવ્યા."
રવિ કહે છે, અહીંનું તાપમાન ટમેટાંના પાક માટે બિલકુલ અનુકૂળ છે. ભારતની માટી પણ ખૂબ અનુકૂળ છે.
જોકે એ કહેવું મુશ્કેલ છે કે ભારતમાં સૌથી પહેલાં ટમેટાં કોણે વાવ્યાં હશે. જોકે બ્રિટિશ શાસન દરમિયાન ટેમટાં ખૂબ મોટા ક્ષેત્રફળમાં ઉગાડવામાં આવ્યાં હતાં.

ટમેટાં ક્યારે આટલા લોકપ્રિય બન્યાં?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખાદ્ય ઇતિહાસકાર ડૉ. પૂર્ણચંદુએ બીબીસી સાથે આ વિષય પર વાત કરી હતી.
તેઓ કહે છે કે, "આપણા દેશમાં ટમેટાંનો બસ્સો વર્ષથી વધુ જૂનો ઇતિહાસ નથી. શરૂઆતમાં ટમેટાંનું કદ નાનું હતું. પરંતુ પછી હાઇબ્રિડ ટમેટાં આવવા લાગ્યા અને પછી તેનો વપરાશ પણ વધુ થવા લાગ્યો. આજે આપણે એ સ્ટેજ સુધી પહોંચી ગયા છીએ કે તેના વગર આપણે રસોઈ પણ કરતા નથી."
શરૂઆતમાં આમલીને તેના વિકલ્પ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ પછી તેની સરખામણીમાં ટમેટાંની ઓછી કિંમતને કારણે, અનોખા સ્વાદને કારણે અને બધાં શાકભાજી સાથે અનુકૂળ હોવાને કારણે તેની માગ વધતી જ રહે છે. આ બધું છેલ્લાં 30 વર્ષમાં થયું છે. પરંતુ તેઓ કહે છે કે તેની માગ એટલે વધી છે કે તેનું ઉત્પાદન એ સ્તરે નથી વધી રહ્યું.
જેએનયુનાં પૂર્વ પ્રૉફેસર અને ખાદ્ય ઇતિહાસકાર ડૉ. પુષ્પેશ પંત કહે છે કે ઉત્તર ભારતનાં તમામ વ્યંજનોમાં ટમેટાં આટલી હદે ભળી જવાનું કારણ પંજાબી વ્યંજનોનો પ્રભાવ છે.
"એક સમયે તેલુગુ રાજ્યો અથવા યુપીમાં ટમેટાંનો આટલો વપરાશ ન હતો. પરંતુ, પંજાબી ઢાબાના કારણે ટમેટાંની ગ્રૅવી લગભગ તમામ પ્રદેશોમાં જોવા મળે છે. શું તમે ક્યારેય ટમેટાંના ઢોસા ખાધા છે?"
"દક્ષિણમાં તો લાલ રંગની વસ્તુઓને તામસિક માનવામાં આવે છે. મંદિરોમાં પણ તેનો ઉપયોગ થતો નથી. રાજસ્થાનમાં અને કાશ્મીરમાં પણ એવું જ મનાય છે."
તેઓ જણાવે છે કે, "જોકે આજે સ્થિતિ ખૂબ બદલાઇ ગઇ છે. અંગ્રેજોના પ્રભાવને કારણે ટમેટાંનો સૉસ બધી જગ્યાએ જોવા મળે છે. મોમોઝ, પકોડી અને બર્ગર આ બધામાં ટમેટાં જોવા મળે છે. દક્ષિણમાં ઢોસા સાથે તેઓ લાલ ચટણી પીરસે છે, જે ટમેટાંમાંથી બનાવવામાં આવે છે."”

ભારત ઉત્પાદનમાં બીજા સ્થાને

ઇમેજ સ્રોત, Getty Images
આજે ભારત સમગ્ર વિશ્વમાં ટમેટાંના ઉત્પાદનમાં બીજા સ્થાને છે. રાષ્ટ્રીય બાગાયતી બૉર્ડનું અનુમાન છે કે 2022માં ટમેટાનું ઉત્પાદન 20 મિલિયન ટનથી વધારે હતું.
રાજ્યોની વાત કરીએ તો મધ્ય-પ્રદેશમાં 14.63 ટકા, આંધ્ર-પ્રદેશમાં 10.92 ટકા અને કર્ણાટકમાં 10.23 ટકા ટમેટાં ઉગાડવામાં આવે છે.
જ્યાં સુધી કિંમતની વાત છે ત્યાં સુધી તે અસ્થાયી છે અને જલ્દીથી ઘટી જશે તેમ કેન્દ્રીય મંત્રી રોહિત કુમાર સિંહે પીટીઆઇને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, “કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. તો અન્ય કેટલીક જગ્યાએ વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી હવે બધે પાણીમાં ભરતી આવી રહી છે. આ માંગ-પુરવઠાના અંતરને કારણે ઊભી થતી સમસ્યાઓ છે. તેથી ભાવમાં વધારો અસ્થાયી છે."














