દિલ્હીમાં 'ન્યૂઝક્લિક' સાથે જોડાયેલા કેટલાય પત્રકારોનાં ઘરે દરોડા, શું છે મામલો?

ઇમેજ સ્રોત, ANI
ન્યૂઝ વેબસાઈટ 'ન્યૂઝક્લિક' સાથે જોડાયેલા અનેક પત્રકારોનાં ઘરે મંગળવારે સવારે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે.
પોલીસે દરોડા દરમ્યાન મોબાઇલ, લૅપટૉપ, કમ્પ્યુટર સહિતનો ઇલેક્ટ્રૉનિક સામાન જપ્ત કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક નવો મામલો નોંધી તપાસ શરૂ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ન્યૂઝક્લિક સંબંધિત 30થી વધારે સ્થળો પર દરોડા પાડ્યા છે.
પોલીસે આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે.
2009માં શરૂ થયેલું આ ન્યૂઝ પોર્ટલ સરકારની ટીકા કરવા માટે પણ જાણીતું છે. થોડા સમય પહેલાં આ ન્યૂઝ પોર્ટલ પર ચીનથી ફંડિંગ લેવાનો આરોપ લાગ્યો હતો અને EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
જે લોકો સામે આ કથિત કાર્યવાહી કરાઈ છે તેમાં વેબસાઇટના સંપાદક પ્રબીર પુરકાયસ્થ, પત્રકાર અભિસાર શર્મા, ઓનિંદ્યો ચક્રવર્તી, ભાષાસિંહ, કાર્ટૂનિસ્ટ સંજય રાજૌરા અને ઇતિહાસકાર સોહેલ હાશમી છે.
આમાંથી કેટલાક લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમને ત્યાં દરોડા પડ્યા એ લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, URMILESH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે, “પત્રકારો અને ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા લોકોનાં ઘરો પર દરોડા અત્યંત ચિંતાજનક બાબત છે. અમે આ મામલે નજર રાખી રહ્યા છીએ. અમે પત્રકારો સાથે ઊભા છીએ અને સરકાર પાસે માગ કરીએ છીએ કે તેઓ આ મામલે વધુ માહિતી આપે.”
પત્રકાર અભિસાર શર્માએ એક ટ્વીટમાં કહ્યું, “દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી છે. પોલીસે મારું લૅપટૉપ અને ફોન લઈ લીધાં છે.”
પત્રકાર ભાષાસિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ ફોનથી આ મારું છેલ્લું ટ્વીટ છે. દિલ્હી પોલીસે મારો ફોન જપ્ત કરી લીધો છે.”
કાર્ટૂનિસ્ટ રાજૌરના વકીલ ઇલિન સારસ્વતે બીબીસીને જણાવ્યું કે પોલીસ મંગળવારે સવારે સાડા છ વાગે તેમના ઘરે પહોંચી હતી.
સરકારના મુખ્ય ટીકાકાર રાજૌરા અગાઉ ન્યૂઝક્લિક માટે વીડિયો બનાવતા હતા. વકીલ મુજબ પોલીસે તેમનું લૅપટૉપ, બે ફોન અને તેમના જૂના કામકાજની કેટલીક ડીવીડી અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
વકીલે કહ્યું, “પોલીસે કહ્યું કે હાલની તપાસમાં રાજૌરાનું નામ નથી પણ તેમણે અગાઉ વેબસાઇટ સાથે કામ કરેલું છે આથી તેમની પૂછપરછ કરાશે. અમને એફઆરઆઈની કૉપી કે નોટિસ કંઈ નથી અપાયું.”
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, ANI
ઓડિશામાં એક પત્રકારપરિષદ દરમ્યાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. જો કોઈએ ખોટું કર્યું છે તો તેની સામે તપાસ એજન્સીઓ કાર્યવાહી કરે છે.”
તેમણે કહ્યું, “એવું ક્યાંય નથી લખ્યું કે જો તમારી પાસે ખોટી રીતે રૂપિયા આવ્યા હશે, કંઈક આપત્તિજનક હશે અને તેમની સામે તપાસ એજન્સીઓ કાર્યવાહી નહીં કરી શકે.”
ઑગસ્ટમાં પણ આ ન્યૂઝ પોર્ટલ ચર્ચામાં હતું. આ વેબસાઇટનો હવાલો આપતા એ સમયે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો હતો, “રાહુલજીની નકલી મોહબ્બતની દુકાનમાં ચીનનો માલ દેખાવા લાગ્યો છે.”
તેમણે આરોપ લગાવ્યો હતો કે એક એજન્ડા હેઠળ ભારતનો દુષ્પ્રચાર કરાય છે.
અનુરાગ ઠાકુરે ઑગસ્ટમાં કહ્યું હતું, “અમે 2021માં જ ન્યૂઝક્લિક વિશે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે ભારત વિરુદ્ધમાં વિદેશીઓનો હાથ છે. કેવી રીતે વિદેશી પ્રોપગૅન્ડા ભારત વિરુદ્ધ છે અને ઍન્ટી ઇન્ડિયા, બ્રૅક ઇન્ડિયા કેમ્પેઇનમાં કૉંગ્રેસ અને વિપક્ષીદળો તેમના સમર્થનમાં સામે આવ્યા.”
તેમણે ત્યારે આરોપ લગાવ્યો હતો કે ચીનની કંપનીઓ ન્યૂઝક્લિકને નેવિલ રૉય સિંઘમના માધ્યમથી ફંડ આપી રહી હતી પણ તેમના જે સેલ્સમેન છે તે ભારતીય છે અને જ્યારે ભારત સરકારે ન્યૂઝ વેબસાઇટ સામે કાર્યવાહી કરી તો આ લોકો તેમના સમર્થનમાં આવી ગયા.
વિપક્ષે ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, ANI
અખિલેશ યાદવે કહ્યું કે આ દરોડા હાર ભાળી ગયેલા ભાજપની નિશાની છે.
તેમણે ટ્વીટ કરી લખ્યું, “આ કોઈ વાત નથી. ઇમાનદાર પત્રકારો પર ભાજપના પદાધિકારીઓએ હંમેશાં દરોડા પાડ્યા છે. પણ સરકારી પ્રચારપ્રસારના નામે કેટલા કરોડ રૂપિયા દર મહિને ‘મિત્ર ચેનલો’ને અપાઈ રહ્યા છે એ પણ કોઈ છાપે.
રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય જનતાદળના નેતા મનોજ ઝાએ કહ્યું, “હું માનું છું કે દુર્ભાગ્યપૂર્ણ અને દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી અને એ પણ ગાંધી જયંતીના બીજા જ દિવસે બીજી કોઈ ના હોઈ શકે. કેમ આવું કરી રહી છે દિલ્હી પોલીસ? તે ગૃહમંત્રી હેઠળ આવે છે અને એમની મરજી વિના પાંદડું હલે છે ખરું? જે લોકો તમને સવાલ પૂછે, જે લોકો તમારી ભજનમંડળીમાં સામેલ ના થાય, તમે એમની સાથે આવું કરો છો, હવે આ તમારી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ સિસ્ટમ બની ગઈ છે.”
તેમણે કહ્યું, “તમારી પાસે ફાસીવાદી રાજ્યના તમામ ઘટકો છે. તમે કેવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છો. જો હું જો હું કટોકટીના ટૂંકા સમયગાળાને છોડી દઉં તો આજ સુધી સ્વતંત્ર ભારતમાં કોઈ પણ સરકારે પોતાની ટીકા કરનારા સામે આવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ કાર્યવાહી નથી કરી.”
રાજ્યસભાના સાંસદે કહ્યું, “કોણ કોણ છે, કેટલી લાંબી તેમની કાર્યવાહી છે, કેવી રીતે તેમણે એક ચિંતકના રૂપમાં એક પત્રકારના રૂપમાં જ નહીં... ઉર્મિલેશ હોય, સોહેલ હોય, અભિસાર, પ્રબીર કે ભાષા કોઈ પણ હોય...તમારે એનાથી શું? આ લોકો નથી કહી રહ્યા કે રાજા તમારી સવારની જય... રાજા તમારી સાંજની જય.. .આજની કાર્યવાહી ઇતિહાસમાં નોંધાશે અને વિરોધ રસ્તા પર કરાશે.
મનોજ ઝાએ કહ્યું, “કાલે બિહારમાં જાતિગત સર્વેક્ષણનો અહેવાલ આવ્યો, તમારું સ્થાન હલી ગયું છે. જમીન સરકી રહી છે. આજે તમે આ કાર્યવાહી કરી. થોડી વાર હેડલાઇન મૅનેજમૅન્ટ પણ થયું, એ ભારે પડશે.”
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું, “ભારત સરકાર વિદેશોમાં દાવો કરે છે કે ભારત લોકતંત્રની જનની છે અને અહીં પ્રેસ સ્વાતંત્ર્ય છે. પણ બરાબર એ જ સમયે આંગળીના વેઢે ગણી શકાય એટલા બચી ગયેલા સ્વતંત્ર મીડિયા આઉટલૅટ્સ સામે સરકારી એજન્સીઓનો ઉપયોગ થાય છે. ત્યાં સુધી કે ટેલિફોન ડિવાઇસ છીનવી લેવાયા, જેથી આગળ ફિશિંગ થાય. ગેરકાયદેસર ધરપકડ અને પછી ખોટા આરોપ લગાવવાના, આ વારંવારની પૅટર્ન છે જે ચિંતાજનક છે.”
કૉંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું, "ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા પત્રકારો પર વહેલી સવારના દરોડા એ બિહારના જાતિ સર્વેક્ષણ પરથી ધ્યાન હટાવવાના પ્રયાસનો મામલો છે. કારણ કે દેશમાં જાતિગણતરીની માગ જોર પકડી રહી છે. જ્યારે પણ તેમની સામે અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન આવે તેઓ માત્ર એક અભ્યાસક્રમનો આશરો લે છે - ધ્યાન ભટકાવો."
ઇન્ડિયા ગઠબંધને પણ એક નિવેદન બહાર પાડી ન્યૂઝક્લિક પર દિલ્હી પોલીસની કાર્યવાહીને મીડિયા પર નવો હુમલો ગણાવ્યો છે.
ગઠબંધને જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે, “ઇન્ડિયા ગઠબંધન ભાજપ સરકારના મીડિયા પરના તાજેતરના આ હુમલાની સખત નિંદા કરે છે. અમે બંધારણમાં આપેલી મીડિયાની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે છીએ.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “છેલ્લાં નવ વર્ષમાં ભાજપ સરકારે જાણીજોઈને તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી મીડિયાને દબાવી પરેશાન કર્યા છે. ઉદાહરણ તરીકે બીબીસી, ન્યૂઝલૉન્ડ્રી, દૈનિક ભાસ્કર, ભારત સમાચાર, કાશ્મીરવાલા અને ધ વાયર જેવી સંસ્થાઓ સામે કાર્યવાહી કરાઈ હતી. તાજેતરમાં ન્યૂઝક્લિક પર કાર્યવાહી કરાઈ.”
મહિલા પત્રકારોની સંસ્થા નેટવર્ક ઑફ વીમેન ઇન મીડિયા, ઇન્ડિયાએ ન્યૂઝક્લિક પરની કાર્યવાહીની ટીકા કરતું નિવેદન બહાર પાડ્યું છે.
નિવેદનમાં જણાવાયું છે, "NWMI વરિષ્ઠ પત્રકારો, વૈજ્ઞાનિકો, વિવેચકો અને કટારલેખકોનાં ઘરો અને ન્યૂઝક્લિક પર દરોડા પાડવા બદલ દિલ્હી પોલીસની સખત ટીકા કરે છે."
કેમ પડ્યા દરોડા, શું છે મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ મહિનામાં પણ આ ન્યૂઝ પૉર્ટલ ચર્ચામાં હતું.
ન્યૂયૉર્ક ટાઇમ્સે ઑગસ્ટ મહિનામાં પ્રગટ કરેલા એક અહેવાલમાં એવો આરોપ લગાવ્યો હતો કે અમુક ન્યૂઝ ઑર્ગેનાઇઝેશનને અમેરિકી અબજોપતિ નેવિલ રોય સિંઘમ દ્વારા ફંડ આપવામાં આવી રહ્યું છે અને તેઓ તેના મારફતે ચીનના પ્રૉપેગેન્ડાને ફેલાવી રહ્યા છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે એવો દાવો કર્યો હતો કે તેમાં ભારતની ન્યૂઝ વેબસાઇટ ‘ન્યૂઝક્લિક’ પણ સામેલ છે.
આ વેબસાઇટને ટાંકીને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, "રાહુલજીની નકલી મહોબ્બતની દુકાનમાં ચાઇનીઝ સામાન દેખાવા લાગ્યો છે."
કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે એક ઍજન્ડાના ભાગરૂપે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો હતો.
અનુરાગ ઠાકુરે ઑગસ્ટમાં કહ્યું હતું કે, "2021માં જ અમે ન્યૂઝક્લિક વિશે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે વિદેશી લોકો ભારતની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કેવી રીતે વિદેશથી ભારત વિરુદ્ધ પ્રચાર થાય છે. ઍન્ટી ઈન્ડિયા, બ્રેક ઈન્ડિયા કૅમ્પેઈનમાં કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ તેમના સમર્થનમાં બહાર આવી હતી.
ત્યારબાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે ચીનની કંપનીઓ નેવિલ રોય સિંઘમ મારફતે ન્યૂઝક્લિકને ફંડિંગ કરી રહી છે જે તેમના સેલ્સમૅન છે. તેઓ ભારતીય છે. જ્યારે ભારત સરકારે ન્યૂઝ વેબસાઇટ વિરુદ્ધ કાર્યવાહી કરી તો તેઓ તેમના સમર્થનમાં ઊભા રહ્યા.












