ઇઝરાયલી સૈન્યએ મધરાતે 'અભિયાન વિસ્તાર્યું', ગાઝામાં ઠેરઠેર વિસ્ફોટ

શુક્રવારની મધરાતે ગાઝામાં ઇઝરાયલી યુદ્ધવિમાનોએ ભારે હુમલા કર્યા છે. ઇઝરાયલી સૈન્ય અને ટૅન્કો ગાઝામાં ઘૂસ્યાં હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. ઇઝરાયલે જણાવ્યું છે કે તેનું સૈન્ય 'અભિયાનો વિસ્તારી રહ્યું છે' અને ગાઝામાં હમાસને નિશાન બનાવી રહ્યું છે. આ પહેલાં ઇઝરાયલી સૈન્યના પ્રવકતાએ ગાઝાવાસીઓને પોતાની સુરક્ષા માટે દક્ષિણમાં જતા રહેવા જણાવ્યું હતું. હમાસે જણાવ્યું છે કે ઉત્તર ગાઝામાં ઘર્ષણ ચાલી રહ્યું છે.

છેલ્લા કેટલાક કલાકોથી ઇઝરાયલે ગાઝામાં તેમનાં લક્ષ્યો પર એકધારા બૉમ્બ વરસાવવાના ચાલુ રાખ્યા છે અને તેની તીવ્રતા પણ વધારી દીધી છે.

ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે તે ગાઝા પર કરવામાં આવી રહેલા જમીની હુમલાની તીવ્રતા વધારી રહી છે પરંતુ આ કેટલો સમય લાંબુ ચાલશે તે અંગે તેણે કંઈ જણાવ્યું નથી. આ દરમિયાન ગાઝામાં મોબાઇલ અને ઇન્ટરનેટની સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે.

ગાઝામાં નાગરિકોને મદદ કરતી તબીબી સહાય સંસ્થાઓ કહે છે કે શુક્રવારે અહીં તમામ ઇન્ટરનેટ અને ફોન કમ્યૂનિકેશન બંધ થઈ ગયાં પછી તેઓ તેમની ટીમોનો સંપર્ક સાધી શકાયો નથી. તેઓ કહે છે, “અમારા માટે અત્યારે શું થઈ રહ્યું છે તેના વિશે માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ બનાવી રહ્યું છે.”

ગાઝામાં હજારો લોકો બેઘર થઈ ગયા છે અને ખોરાક-પાણીની ભયંકર અછતનો સામનો કરી રહ્યા છે. ભારતીય સમય અનુસાર 28 ઑક્ટોબર સવાર સુધીમાં ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક 7 હજારને પાર પહોંચ્યો છે.

ભીષણ સંઘર્ષનો ભય

બીબીસીના રાજદ્વારી બાબતોના સંવાદદાતા પૉલ ઍડમ્સના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે સ્પષ્ટપણે તેના હુમલાની તીવ્રતા વધારી હોવાનું જણાય છે પરંતુ એ કહેવું અઘરું છે કે શું આ તેમના ગાઝામાં સંપૂર્ણ લશ્કરી ઑપરેશનનો જ એક ભાગ છે કે કેમ?

પશ્ચિમી દેશોના રાજદ્વારીઓ ઇઝરાયલને એકસામટો હુમલો કરવાને બદલે ધીમેધીમે આગળ વધવાની સલાહ આપી રહ્યા છે જેથી હિઝબુલ્લાહ, ઇરાક અને સીરિયાના શિયા ઉગ્રવાદીઓ અને યમનના હૌથીઓ આમાં ભાગ ન લે અને યુદ્ધને વિસ્તરતું અટકાવી શકાય.

આ યુદ્ધ મધ્ય-પૂર્વ દેશોમાં વિસ્તરીને મોટું ક્ષેત્રીય યુદ્ધ બની જાય તેવો ડર સૌને લાગી રહ્યો છે અને એ ડર ખરેખર વાસ્તવિક પણ છે.

'ગાઝાના સંપૂર્ણ બ્લૅકઆઉટથી અત્યાચારો પર પડદો પડી જશે'

‘હ્યુમન રાઇટ્સ વૉચ’ સંસ્થાના સીનીયર રિસર્ચરે કહ્યું છે કે, “ગાઝામાં કમ્યૂનિકેશનના સંપૂર્ણ બ્લૅકઆઉટથી સામૂહિક અત્યાચારોને મોકળું મેદાન મળશે.”

સિનિયર ટેકનૉલૉજી અને માનવાધિકાર સંશોધક ડેબોરાહ બ્રાઉને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ ઇન્ફોર્મેશન બ્લૅકઆઉટ એ સામૂહિક અત્યાચારો માટે જાણે કે કવચ પૂરું પાડે છે અને માનવઅધિકારોના ઉલ્લંઘન માટે ખુલ્લી છૂટ આપે છે."

અગાઉ કમિટી ટુ પ્રૉટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) એ પણ ગાઝામાં સંદેશાવ્યવહાર પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે વિશ્વ સંઘર્ષ અને યુદ્ધની વાસ્તવિકતાની બારીને બંધ કરી રહ્યું છે.

સીપીજેએ તેમના નિવેદનમાં ઊમેર્યું હતું કે હમાસે કરેલા 7 ઑક્ટોબરના હુમલા પછી ફાટી નીકળેલા આ યુદ્ધને કવર કરતા અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 પત્રકારોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાએ સીરિયા પર કર્યો હુમલો

આ દરમિયાન યુએસ ડીફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તેનાં યુદ્ધવિમાનોએ સીરિયામાં કરેલા હુમલા દરમિયાન ઈરાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતાં હથિયારોના એક મોટા ભંડારને નષ્ટ કરી દેવાયો છે.

અમેરિકાના જણાવ્યા અનુસાર તેનો ઉપયોગ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. અમેરિકાએ કહ્યું છે કે તેણે પોતાના લોકોને બચાવવા માટે આ હુમલો કર્યો છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

પેન્ટાગોનના બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે કહ્યું છે કે પૂર્વ સીરિયા પર તેના હુમલાનો ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ સાથે કોઈ સંબંધ નથી.

રાયડરે કહ્યું કે 17 ઑક્ટોબરથી ઇરાક અને સીરિયામાં અમેરિકા અને તેનાં સાથી દળો પર 20થી વધુ હુમલા થયા છે. આમાંના મોટા ભાગના હુમલા રૉકેટ અને વન-વે ડ્રૉનથી કરવામાં આવ્યા છે. જોકે, મોટા ભાગના હુમલાઓને નિષ્ફળ કરવામાં આવ્યા છે.