હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં અગ્નિપથ યોજના ભાજપને પરેશાન કરી રહી છે?

- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભિવાનીનું એક વ્યસ્ત બજાર. 24 વર્ષના અનિલ પોતાની નાનકડી દુકાનમાં ચા બનાવીને આજુબાજુના દુકાનદારોને પિવડાવે છે. થોડાક સમય પહેલાં સુધી તો અનિલના જીવનનું એક અલગ ધ્યેય હતું : અનિલ તનતોડ મહેનત કરીને સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા હતા.
પરંતુ હવે તેમનું એ સપનું તૂટી ચૂક્યું છે અને તૈયારી છૂટી ગઈ છે. 2020માં તેઓ પોતાનું સપનું સાકાર કરવાની નજીક પહોંચી ગયા હતા. તેમણે સેનામાં ભરતીની શારીરિક પરીક્ષા પાસ કરી લીધી હતી, પરંતુ ભરતી રદ થઈ ગઈ અને બે વર્ષ પછી સેનામાં જવાના નિયમો જ બદલાઈ ગયા.
2022માં કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી. જેના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતીનો પ્રસ્તાવ હતો. પરંતુ, અનિલને આ યોજના માફક ન આવી અને તેના જેવા ઘણા યુવાએ સેનામાં જવાનો ઇરાદો બદલી નાખ્યો.
હરિયાણાના ગામમાં અનિલ જેવા હજારો યુવા છે, જેમની પોતપાતાની કહાની છે અને અલગ અલગ સંઘર્ષ છે.
અનિલે જણાવ્યું, “અગ્નિવીર યોજનાને હું નફરત કરું છું. અગ્નિવીર પછી મેં ભરતી જોવાનું જ બંધ કરી દીધું છે. ચાર વર્ષની નોકરી કરતાં તો માણસ દાડિયા મજૂરી જ કરી લે, એ સારું છે”.
અગ્નિવીર યોજના શરૂ થાય બાદ હરિયાણામાં પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે.
આ ચૂંટણીમાં એવા ત્રણ મુદ્દા છે, જેના પડઘા બધી દિશાઓમાં સંભળાઈ રહ્યા છે, અને તે છે : ખેડૂત, પહેલવાન અને જવાન.
શું અગ્નિવીર યોજનાની અસર હરિયાણા વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે? શું ભારતીય જનતા પાર્ટીને એનાથી નુકસાન થશે કે વિપક્ષના આ મુદ્દાનો મજબૂત જવાબ ભાજપે શોધી લીધો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમજવા માટે અમે રાજ્યના એવા જિલ્લાની મુલાકાત લીધી, જ્યાંથી મોટી સંખ્યામાં યુવા સેનામાં ભરતી થાય છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભિવાનીનું ભીમ સ્ટેડિયમ, જેમાં બનિયાન, શોર્ટ્સ અને ટ્રૅક સૂટ પહેરેલાં ઘણાં છોકરા-છોકરીઓનો સમૂહ દોડી રહ્યો છે.
અગ્નિવીર માટે નવેમ્બરમાં ભરતી પરીક્ષા યોજાવાની છે અને યુવાઓ પાસે તૈયારી માટે બહુ ઓછા દિવસ જ રહ્યા છે.
જોકે, આમાંના મોટા ભાગના યુવાની તૈયારીમાં ઉત્સાહ ઝળકી રહ્યો છે.
ચરખી દાદરીના નિવાસી ગણેશ અગાઉના પ્રયત્નમાં સેનાની શારીરિક પરીક્ષા પાસ નહોતા કરી શક્યા. તેમણે કહ્યું, “મારી સાથે ગામનાં ઘણાં બાળકો ફૌજ માટેની તૈયારી કરી રહ્યાં હતાં, પરંતુ, અગ્નિવીર પછી તેમનું ઝનૂન ખતમ થઈ ગયું છે”.
તેમણે કહ્યું, “બીજી નોકરી મળવી પણ સરળ નથી, તેથી આમાં જ શક્તિ ખરચીશું. આ મારા માટે માત્ર નોકરી નથી, બલકે, આખી જિંદગીનો સવાલ છે”.
સ્ટેડિયમમાં તૈયારી કરી રહેલાં બાળકોને કોચિંગ આપી રહેલા રાજેશે કહ્યું, “આ ગ્રાઉન્ડ પર અગાઉ દોઢ હજાર જેટલાં બાળકો પ્રૅક્ટિસ કરતાં હતાં. અગ્નિવીર પછી તે સંખ્યા ઘટીને 300 થઈ ગઈ છે”.
તેમણે કહ્યું, “ચાર વર્ષની અવધિ બાબતે બાળકોનાં માતાપિતા ખૂબ નિરાશ છે અને હવે તેઓ પોતાનાં બાળકોને તૈયારી માટે મોકલવા નથી ઇચ્છતાં”.
પરંતુ, અગ્નિવીર માટે અહીંના બધા જ લોકો નિરાશ છે કે મજબૂરીમાં તૈયારી કરી રહ્યા છે, સાવ એવું પણ નથી. લોહારુનિવાસી જિતેન્દ્ર ખૂબ જ ઉત્સાહથી તૈયારી કરી રહ્યા છે.
દોડની પ્રૅક્ટિસ દરમિયાન મળેલા બ્રેકમાં પરસેવાથી તરબતર પણ રોમાંચ ભરેલા દેખાતા જિતેન્દ્રે કહ્યું, “મેં બાળપણથી વિચારી રાખેલું કે મારે દેશની સેવા કરવી છે”.
તેમણે કહ્યું, “ભલે ને ચાર મહિના હોય કે ચાર વરસ, કશો ફરક નથી પડતો”.
જિતેન્દ્રે કહ્યું, “જેમણે પણ અગ્નિવીર આવ્યા પછી વિચાર બદલ્યો, હકીકતમાં તેમણે આર્મીમાં જવું જ નહોતું”.
વિપક્ષ આક્રમક

અગ્નિપથ યોજના લૉન્ચ થયા પછીથી એને મુદ્દો બનાવીને વિપક્ષી પાર્ટીઓ આક્રમક છે.
આ યોજનાની શરૂઆતથી જ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટી સામે આક્રમક છે. તેમણે એક રેલીમાં સંબોધન કરતાં કહેલું, “અગ્નિવીર યોજનાને અમે કચરાપેટીમાં નાખી દઈશું. એક સૈનિકને શહીદનો દરજ્જો મળશે, જ્યારે બીજાને શહીદનો દરજ્જો નહીં મળે.
“એક સૈનિકને પેન્શન મળશે, તો બીજાને નહીં મળે. એક શહીદના પરિવારને સુરક્ષા મળશે, બીજા શહીદના પરિવારે નહીં મળે. અગ્નિપથ યોજનાને અમે ડસ્ટબિનમાં ફેંકવાના છીએ”.
હરિયાણાની કૉંગ્રેસ લીડરશિપ પણ અગ્નિવીરને ચૂંટણીમુદ્દો બનાવી રહી છે.
ભૂપેન્દ્રસિંહ હુડ્ડાથી લઈને રણદીપ સુરજેવાલા સુધીના બધા નેતા ચૂંટણીમંચો પર અગ્નિવીર યોજનાની ટીકા કરે છે.
નારનૈલમાં ચૂંટણીસભાને સંબોધતાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહેલું, “અગ્નિવીર યોજનાનું સૌથી મોટું નુકસાન હરિયાણાને, એમાંય ખાસ કરીને દક્ષિણ હરિયાણાને થયું છે. રાજ્યમાંથી અગાઉ દર વર્ષે પાંચ હજાર યુવા ફૌજમાં ભરતી થતા હતા, પરંતુ હવે, માત્ર 250 જ ભરતી થઈ શકે છે”.
પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર દરમિયાન કૉંગ્રેસ ઉમેદવારો પણ અગ્નિવીર યોજનાને મુદ્દો બનાવી રહ્યા છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ભિવાની જિલ્લાની બવાની ખેડા બેઠક માટેના કૉંગ્રેસ ઉમેદવાર પ્રદીપ નરવાલે કહ્યું, “ભિવાનીએ દેશને સિપાહીથી લઈને જનરલ રૅન્ક સુધીના અધિકારી આપ્યા છે, પરંતુ અગ્નિવીર યોજના પછીથી સ્ટેડિયમ ખાલી થઈ ગયાં છે”.
તેમણે કહ્યું, “માત્ર સેના જ નહીં, બલકે, બાળકોના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે. અમારે ત્યાં આ ખૂબ મોટો મુદ્દો છે અને અમે અગ્નિવીરને પાછી ખેંચાવવા માટે સંઘર્ષ કરતાં રહીશું”.
શું ભાજપ બૅકફૂટ પર છે?

ભિવાનીના ભીમ સ્ટેડિયમથી અડધો કિમીના ઘેરાવામાં ઘણાં પીજી છે, જેમાં આજુબાજુનાં ગામડાંમાંથી આવેલાં બાળકો રહે છે અને સેનામાં ભરતીની તૈયારી કરે છે.
દીવાલો પર કપડાં ટિંગાય છે. સામાન મૂકી શકાય તેવી દરેક જગ્યાએ કશુંક ને કશુંક મૂકેલું છે. કમર સીધી કરી શકાય એટલી જગ્યામાં સૂવા માટેની પથારીઓ છે. નાનકડા–સાંકડા રૂમોમાં ગરીબ પરિવારોમાંથી આવેલા આ યુવાએ મોટાં મોટાં સપનાં જોઈ રાખ્યાં છે.
ખાવાનો થોડો સામાન ઘરેથી લાવ્યા હોવા છતાં આ યુવકોનો મહિને લગભગ સાતે હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેને પહોંચી વળવું એ તેમના પરિવારો માટે ભારે તકલીફનું કામ છે.
રેવાડીથી આવેલા મંજિત સ્ટેડિયમમાં દોડીને પાછા આવ્યા છે અને નાસ્તામાં બનેલા દલિયા ગોળ નાખીને ખાઈ રહ્યા છે.
મંજિતે કહ્યું, “અગ્નિવીર પહેલાં અમારા ગામનાં 20-25 બાળકો તૈયારી કરતાં હતાં, હવે માત્ર અમે બે છીએ. અગ્નિવીર બન્યા બાદ મહિને 21 હજાર રૂપિયા મળશે. એટલા પૈસામાં શું થશે? પાંચસાત હજાર તો અમે મહિનાની તૈયારી પાછળ ખર્ચી રહ્યા છીએ. દેવું કરીને તૈયારી કરી રહ્યો છું. ભવિષ્યમાં આ દેવું ચૂકવવું પણ પડશે.”
ભારતીય જનતા પાર્ટીને પણ, કદાચ, એવો અંદેશો છે કે આ યોજનાને કારણે રાજ્યના યુવાનોનો ગુસ્સો તેમને ભારે પડી શકે છે.
ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ ભિવાનીમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં એલાન કરેલું, “હરિયાણાના એક પણ અગ્નિવીરે જો ત્યાંથી (સેનામાંથી) પાછા આવવું પડશે, તો તે નોકરી વગરના નહીં રહે, તેની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે”.
એટલું જ નહીં, અગ્નિવીરના મુદ્દોનો સામનો કરવા માટે રાજ્યના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ નિવૃત્ત થઈને ઘરે પાછા જનારા અગ્નિવીરો માટે ઘણી જાહેરાતો કરી છે.
તેમણે કહેલું, “અમારી સરકાર હરિયાણામાં અગ્નિવીરોને રાજ્ય સરકાર દ્વારા ભરતી કરાતા સિપાહી, માઇનિંગ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, જેલ વૉર્ડન અને એસપીઓનાં પદો પર સીધી ભરતીમાં દસ ટકા અનામત આપશે”.
એની સાથે જ રાજ્ય સરકારે અગ્નિવીરોને આર્મ્સ લાઇસન્સ આપવા અને અન્ય નોકરીઓમાં પણ પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું છે.
ચૂંટણી પર કેટલી અસર થશે?

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં અગ્નિવીર મુદ્દાની પડઘો દૂર સુધી સંભળાઈ રહ્યો છે. અગ્નિવીર યોજના બાબતે વિપક્ષો રાજ્યમાં દસ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ પર હુમલા કરી રહ્યા છે.
90 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભા માટે પાંચમી ઑક્ટોબરે મતદાન થવાનું છે અને આઠમી ઑક્ટોબરે પરિણામો જાહેર થશે.
વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રીએ કહ્યું કે, “2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 24 સીટો પર જીતનો તફાવત 5,000થી ઓછો અને પાંચ સીટો પર 1,000થી ઓછો હતો. એને ધ્યાનમાં રાખતાં અગ્નિવીર યોજના નિર્ણાયક સાબિત થશે”.
તેમણે કહ્યું, “ભાજપ વિરુદ્ધ એક મોટું સત્તાવિરોધી મોજું છે અને આ સ્થિતિમાં અગ્નિવીર યોજના આગમાં ઘી હોમવાનું કામ કરશે”.
ભિવાનીના સ્થાનિક વરિષ્ઠ પત્રકાર ઇન્દ્રવેશ દુહને કહ્યું કે, “અગ્નિવીર યોજનાની દક્ષિણ હરિયાણાના જિલ્લામાં મોટી અસર જોવા મળશે. ભિવાની, દાદરી, મહેન્દ્રગઢ, નારનૌલ અને રેવાડી જેવા જિલ્લા સૈન્ય ક્ષેત્ર છે. અહીં દર બીજાત્રીજા પરિવારમાંથી એકાદ વ્યક્તિ સેનામાં છે, અને આ પરિવારો આ યોજનાથી ઘણા નારાજ છે”.

ઇમેજ સ્રોત, BJP
જોકે, દુહને એમ પણ કહ્યું કે, “જે લોકોને અગ્નિવીરની અસર થઈ છે, તેઓ એક મંચ પર એકઠા નથી થઈ શક્યા. વિરોધ તો જરૂર છે, પરંતુ, અગાઉનાં વર્ષોમાં એક મોટો મોરચો તૈયાર થઈ શક્યો નથી”.
બીજી તરફ, ઘણા પત્રકારો અને જાણકારો એવું માને છે કે આ યોજના સંબંધમાં યુવા ગુસ્સે જરૂર છે પરંતુ, તેની અસર કેટલીક આંશિક બેઠકો પર જ પડશે.
હિસારના વરિષ્ઠ પત્રકાર કુમાર મુકેશે જણાવ્યા અનુસાર, દક્ષિણ હરિયાણાના અમુક જિલ્લામાં તેની અસર જરૂર છે પરંતુ, ઉત્તર હરિયાણામાં આ મુદ્દો વધુ અસરકારક નહીં રહે, કેમ કે, આ વિસ્તારમાંથી વધારે લોકો સેનામાં નથી જતા.
ચાલુ વર્ષે જ થયેલી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના સરેરાશ પ્રદર્શન માટે તેઓ અગ્નિવીર યોજનાને જવાબદાર ગણાવે છે.
લોકસભા ચૂંટણીમાં હરિયાણાની 10 લોકસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટી માત્ર પાંચ સીટ જીતી શકી હતી, જ્યારે પાંચ વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં ભાજપે રાજ્યની બધી 10 લોકસભા બેઠકો પોતાના ખાતે કરી હતી.
કોચિંગ ક્લાસ બંધ થઈ રહ્યા છે

અગ્નિપથ યોજના લૉન્ચ થયા પછી દક્ષિણ હરિયાણાના અનેક જિલ્લામાં સેનામાં ભરતીની તૈયારી કરાવતી સંસ્થાઓને તાળાં લાગી ગયાં છે.
મહેન્દ્રગઢના બલજિત શર્મા 2016થી શહેરમાં આવી જ એક સંસ્થા ચલાવી રહ્યા હતા, પરંતુ અગ્નિવીર પછી તેને બંધ કરવા માટે તેમણે મજબૂર થવું પડ્યું.
બલજિત શર્માએ અકૅડેમીનો સામાન હજી પણ એક રૂમમાં રાખી મૂક્યો છે. ધૂળ ભરેલાં ગાદલાં, બૅંચ અને અન્ય સામાન બતાવતાં તેમણે કહ્યું કે, “સ્થિતિ એવી છે કે આ સામાનનો કોઈ ખરીદનાર સુધ્ધાં નથી. અમને લગભગ 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે”.
શહેરમાં અમુક અકૅડેમી ચાલી રહી છે, તેમની હાલત પણ ખૂબ સારી નથી. શહેરની લાયન ડિફેન્સ અકૅડેમીમાં રહીને પણ બાળકો સેનાની ભરતીની તૈયારી કરે છે.
આ અકૅડેમીના કોચ સંજય ઘોડાએ કહ્યું કે, “અમારી અકૅડેમી 2021થી ચાલે છે. અત્યારે અમારી પાસે 60-65 બાળકો છે, જ્યારે અગ્નિવીરની પહેલાં લગભગ 300 બાળકોને તૈયારી કરાવતા હતા. જે ગામમાંથી 20 બાળકો આવતાં હતાં ત્યાંથી આજે એક બાળક પણ મુશ્કેલીથી આવે છે.”
પૂર્વ સેનાધ્યક્ષના ગામમાં કેવો માહોલ છે?

પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહના ગામ બાપોડા પણ ભિવાની જિલ્લામાં છે. વીકે સિંહ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ હતા. આ ગામમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો ભારતીય સેનામાં જોડાય છે.
અગ્નિવીર યોજના પછી ગામમાં શું બદલાયું છે તે જાણવા માટે અમે તે ગામમાં પણ પહોંચ્યા. લગભગ 35 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં બધે જ ગંદકી જોવા મળે છે. ગલીઓમાં અમુક ફૂટ સુધી પાણી ભરેલાં છે.
ગામના ચોરાએ સેનામાંથી રિટાયર થયેલા કેટલાક ફૌજી પત્તાં રમી રહ્યા છે. અગ્નિપથ યોજનાનું નામ લેતાં જ તે સૌએ પોતાની નારાજગી જાહેર કરી.
અહીં અમારી મુલાકાત 1971ના યુદ્ધમાં સામેલ કરનૈલસિંહ સાથે થઈ.
તેમણે કહ્યું કે, “બાપોડા ગામમાં 1,000થી વધુ લોકો સેનામાં છે, પરંતુ હવે બાળકોનાં દિલ તૂટી ગયાં છે”.
જોકે, કરનૈલસિંહે કહ્યું કે તેઓ અગ્નિપથ યોજનાના કારણે ગુસ્સે જરૂર છે, પરંતુ, ચૂંટણીમાં તેની બહુ મોટી અસર પડશે એવું દેખાતું નથી.
તેઓ માને છે કે લોકો સ્થાનિક ઉમેદવારને જોઈને મત આપશે.
તો, સેનામાંથી રિટાયર મદનપાલે કહ્યું, “અગ્નિવીર યોજનાથી લોકો ગુસ્સે છે, જેની અસર ચૂંટણીમાં જોવા મળશે. વધારે નહીં તો લગભગ 25 ટકાનો ફરક તો જરૂર પડશે”.

અગ્નિપથ યોજના શું છે?
સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાની જાહેરાત જૂન 2022માં કરવામાં આવી હતી અને તેના હેઠળ ભરતી થનારા જવાનોને અગ્નિવીર કહેવામાં આવે છે. આ કારણે આ યોજના અગ્નિવીર યોજનાના નામથી ઓળખાય છે.
ભારતીય સેનાનાં ત્રણ અંગો : ભૂમિદળ, હવાઈદળ અને નૌકાદળમાં જવાન, એરમેન અને નાવિકનાં પદો માટે ભરતી કરવા માટે સુરક્ષા મંત્રાલયની આ યોજના છે.
અગ્નિવીર યોજનાની સાથે જ સુરક્ષા મંત્રાલયે આ બધાં પદો પર ભરતી કરવા માટે ચાલતી બીજી યોજનાઓ બંધ કરી દીધી.
આ યોજના હેઠળ ભરતી થનાર જવાનોનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.
યોજના અંતર્ગત ભરતી થનારામાંથી ફક્ત 25% જવાનોને જ કાયમી સેવામાં રાખવાની જોગવાઈ છે. બાકી રહેલા 75% માટે ફક્ત ચાર વર્ષમાં જ રિટાયર થવાની જોગવાઈ છે.
એટલું જ નહીં, અગ્નિવીરો માટે પેન્શન, મેડિકલ સુવિધા અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી અને ચાર વર્ષની સેવા પૂરી થઈ ગયા પછી લમ્પસમ 10 લાખ રૂપિયાનું સર્વિસ ફંડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી.

આ યોજનામાં એવી પણ જોગવાઈ છે કે સેવામાં હોય તે દરમિયાન જો સંઘર્ષ કે યુદ્ધમાં કોઈ અગ્નિવીરનું મૃત્યુ થઈ જાય તો તેને શહીદનો દરજ્જો આપવામાં નહીં આવે.
જો કોઈ અગ્નિવીરનું ઑન ડ્યૂટી મૃત્યુ થાય તો તેના પરિવારને સેના તરફથી 48 લાખ રૂપિયાનું વીમા કવર અને 44 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
બીજી તરફ, જો અગ્નિવીર ઑન ડ્યૂટી ન હોય તો તેને ફક્ત 48 લાખ રૂપિયાનું વીમા કવર જ આપવામાં આવે છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારે અગ્નિવીરોને અર્ધસૈનિક દળોમાં 10% અનામત આપવાની જાહેરાત કરી છે. જેના હેઠળ, સીઆઇએસએફ, બીએસએફ અને એસએસબી જેવાં અર્ધસૈનિક દળોમાં અનામત આપવામાં આવશે.
તે સમયે આ યોજના વિરુદ્ધ દેશનાં જુદાં જુદાં રાજ્યો, ખાસ કરીને બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં. આ વિરોધપ્રદર્શનો બાદ સેનાનાં ત્રણેય અંગોના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા પણ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












