વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત સિરીઝ હાર્યું, રેકૉર્ડ તૂટ્યો, હાર્દિક પંડ્યાની કેમ ટીકા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટઇન્ડીઝે ભારતીય ટીસ સામેની પાંચ મૅચોની ટી-20 સિરીઝના છેલ્લા મુકાબલામાં આઠ વિકેટે જીત મેળવી.
આ સાથે જ ભારતનો ટી20 ક્રિકેટનો ઐતિહાસિક રેકૉર્ડ તૂટી ગયો, આ રેકૉર્ડ છે પાંચ મૅચોની ટી-20 સિરીઝમાં અજેય રહેવાનો. સિરીઝની છેલ્લી અને ફાઇનલ મૅચ ફ્લોરિડામાં રમવામાં આવી, જેમાં ભારતે પ્રથમ બૅટિંગ કરતા નવ વિકેટે 165 રન બનાવ્યા હતા.
જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે માત્ર બે વિકેટ ગુમાવીને 171 રન બનાવીને આ મૅચ જીતી સિરીઝને પોતાના નામે કરી દીધી. ભારતીય ટીમે રોહિત શર્માની કૅપ્ટનશિપમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીમાં જીત સાથે કરી અને ત્યારબાદ વન-ડે સિરીઝ પર પણ કબજો કર્યો. પરંતુ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટી-20 સિરીઝમાં હાર ખમવી પડી છે.
ટી-20માં હાર્દિક પંડ્યાની ઘણી ટીકા થઈ રહી છે.
છેલ્લી મૅચમાં તેમણે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમના માટે સારો સાબિત ન થયો. ટીમે 17 રનમાં જ 2 વિકેટો ગુમાવી દીધી હતી.
આ પહેલાંની મૅચના બંને હીરો યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ડબલ ડિજીટ પાર નહોતા કરી શક્યા. બંને અનુક્રમે પાંચ અને નવ રને આઉટ થયા.
ત્યારબાદ સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્ઝને સંભાળી અને 45 બૉલમાં 61 રનની અર્ધ સદી ફટકારી. સૂર્યકુમારની ઇનિંગ્ઝને કારણે જ ભારતની ટીમ 165 રનનો સ્કોર બનાવી શકી.
જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત નબળી રહી. પહેલી ઓવરમાં કાયલે માયર્સ આઉટ થઈ ગયા પરંતુ બ્રૅન્ડન કિંગ અને નિકોલસ પૂરને ભારતીય બૉલરો સામે પૂરું જોર લગાવી દીધું અને 107 રનની ભાગેદારી કરી. પૂરન 47 રન પર આઉટ થયા પણ ત્યારબાદ આવેલા શાઈ હોપ અને કિંગે 18 ઓવરમાં જ વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેસ્ટ ઇન્ડિઝની ટીમે ભારત વિરુદ્ધ પાંચ મૅચોની ટી20 સિરીઝની છેલ્લી મૅચને આઠ વિકેટથી જીતી લીધો છે અને સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી છે. પાંચમી ટી20 મૅત ભારતે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે એણે 18 ઓવરમાં બે વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
ટીમ તરફથી બ્રૅડન કિંગે અણનમ 85 રન કર્યા હતા જ્યારે નિકોલસ પૂરને 47 રનની ઇનિંગ રમી. 166 રનનો પીછો કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત કંઈ ખાસ નહોતી રહી. જોકે, કિંગ અને નિકોલસના પ્રદર્શન થકી એમે સરળતાથી મૅચ પર કબજો કરી લીધો હતો.

પંડ્યાની કૅપ્ટનશિપ પર સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાર્દિક પંડ્યાની કૅપ્ટનશિપ પર તો સવાલો ઉઠ્યા જ સાથે તેની ધીમી બૅટિંગની પણ ટીકા થઈ. તેમણે 18 બૉલ રમીને માત્ર 14 રન બનાવ્યા. આ રનરેટ ટી-20 ફૉર્મેટમાં ઘણો ધીમો ગણવામાં આવે છે.
બૉલિંગમાં પણ હાર્દિકે પહેલી ઓવર કરી. જેમાં તેમણે 11 રન આપ્યા. ત્રીજી ઓવર પણ તેમણે જ કરી અને તેમાં તેમણે 13 રન આપ્યા. હાર્દિકે કુલ ત્રણ આવરમાં 32 રન આપ્યા. નિષ્ણાતો માને છે કે તેઓ વેસ્ટ ઇન્ડીઝની માફક પહેલી ઓવર કોઈ સ્પિનર પાસે કરાવી શક્યા હોત.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી કૅપ્ટન રોવમૅન પૉવેલે તેમના તરફથી પહેલી ઓવર સ્પિનર અકીલ હુસૈન પાસે કરાવડાવી હતી. તેમણે યશસ્વી અને ગિલને જલ્દી આઉટ કરી દીધા હતા.
તેમણે શરૂઆતની 13 ઓવર સુધી અક્ષર પટેલને બૉલિંગ ન આપી જ્યારે કે મુકેશ કુમાર પાસે પણ એક જ ઓવર કરાવવામાં આવી. કુલદીપ અને ચહલનો પણ યોગ્ય ઉપયોગ નહીં કરી શક્યા.
અક્ષર પટેલે એક જ ઓવર મળી હતી. જ્યારે ભારતીય બૉલરોની પીટાઈ થતી હતી ત્યારે હાર્દિક પાસે બે વિકલ્પો હતા. એક મુકેશ કુમાર અને બીજા અક્ષર. પરંતુ બંનેને એક-એક ઓવર જ મળી હતી.
આ પહેલીવાર નથી કે અક્ષર પટેલને એક જ ઓવર મળી હોય. પહેલાંની બે મૅચમાં પણ અક્ષર પટેલનો ઉપયોગ નહોતો થયો. હવે જાણકાર સવાલ ઉઠાવે છે કે જો અક્ષર પટેલને ઓવર જ ન મળવાની હોય તો તેને ટીમમાં શા માટે સમાવવામાં આવે છે?
હાર્દિક પંડ્યાએ 14મી ઓવર તિલક વર્માને આપી. તિલકે નિકોલસ પૂરનની વિકેટ લીધી પરંતુ ત્યારબાદ તિલકને ઓવર જ ન મળી જ્યારે કે ત્રણ ઓવરમાં 35 રન આપી ચૂકેલા ચહલને ઓવર મળી જેમાં તેમણે 16 રન આપ્યા.
જોકે મૅચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં જણાવ્યું કે "આ સિરીઝમાં અમે ભલે હાર્યા પણ શીખવાનું ઘણું મળ્યું છે."
બૉલિંગ પરિવર્તન મામલે પોતાની ભૂલોનો બચાવ કરતાં તેમણે કહ્યું, "તે વખતે મને જે લાગ્યું તે મેં કર્યું. હું બહુ પ્લાનિંગ નથી કરતો. જો મને લાગે અને મારા ખેલાડીઓ મને કહે તો હું તે કરું છું."
તેમણે આવનારા વિશ્વકપ માટે કહ્યું કે "હાર-જીત મહત્ત્વની નથી પરંતુ રમત પ્રત્યે પ્રતિબદ્ધતા વધારે જરૂરી છે. તેમણે કહ્યું કે "અમારું લક્ષ્ય મોટું છે."

ભારતીય ટીમનો ઐતિહાસિક રેકૉર્ડ તૂટ્યો

ઇમેજ સ્રોત, Getty Images
આ હાર સાથે ભારતીય ટીમનો એક ઐતિહાસિક રેકૉર્ડ પણ તૂટી ગયો. આ રેકૉર્ડ પાંચ મૅચોની દ્વિપક્ષીય સિરીઝમાં અજેય રહેવાનો છે.
હકીકતમાં ભારતીય ટીમે પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર પાંચ મૅચોની ટી-20 સિરીઝમાં શ્રેણી ગુમાવી છે. ટીમ ઇન્ડિયાની આ પાંચમી પાંચ મૅચોની ટી-20 સિરીઝ હતી.
આ પહેલાં ભારતે ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મૅચોની દ્વિપક્ષીય ટી-20 સિરીઝ રમી હતી.
વેસ્ટ ઇન્ડીઝ સામે આ પ્રકારની બે સિરીઝ રમી હતી. આ દરમિયાન ભારતે ચાર પૈકી ત્રણ પર કબજો જમાવ્યો હતો જ્યારે કે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ બરાબરી પર રહી હતી.
હવે ભારત આ શ્રેણી હારી છે એટલે પાંચ મૅચોની ટી-20 મૅચોની દ્વિપક્ષીય શ્રેણીમાં અજેય હોવાનો ભારતનો રેકૉર્ડ તૂટ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝે ભારતને છ વર્ષ બાદ કોઈ સિરીઝમાં હરાવ્યું છે. આ પહેલાં તે 2017માં શ્રેણી જીત્યું હતું.














