અમદાવાદ: પ્રેમલગ્ન કર્યાં, પતિનું મોત, માબાપે તરછોડી, પોલીસમાં 'લોકપ્રિય રિક્ષાવાળી'ની કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારે ગમે તેટલા વધુ પૈસા મળે એવું ભાડું હોય પણ સાંજે સાત વાગ્યા પછી અમદાવાદના શાહીબાગ અથવા રાણીપની આસપાસ ફરતી હોઉં છું, ગમે તે સમયે પોલીસ કર્મચારીનો ફોન આવે અને મારે એમની પાસે જવું પડે."

આ શબ્દો છે 33 વર્ષીય રિક્ષાચાલક ઊર્મિલા ગોહિલના.

ઊર્મિલા ગોહિલ અમદાવાદમાં છેલ્લા 18 મહિનાથી રિક્ષા ચલાવે છે. એમનું રિક્ષા ચલાવવા પાછળનું કારણ છે એમનાં પ્રેમલગ્ન.

નાની ઉંમરમાં જીવનમાં અનેક ઉત્તરચઢાવ જોનાર ઊર્મિલા ગોહિલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "હું ક્ષત્રિય કુટુંબમાં જન્મી છું અને અમે ચાર ભાઈબહેન છીએ. મારા પિતા અમદાવાદમાં નોકરી કરે છે અને થોડા રૂઢિચુસ્ત વિચારધારાવાળા છે એટલે છોકરીઓને અક્ષરજ્ઞાનથી વધુ ભણવાની જરૂર નથી એવું તેઓ માને છે."

"મારે ભણવું હતું એટલે મારી માતા અને ફોઈએ મને હૉસ્ટેલમાં ભણવા મૂકી. મારે ભણીગણીને ઑફિસર થવું હતું, પણ ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે બારમા પછી મારે ભણવાનું છોડવું પડ્યું."

"હું કમ્પ્યુટર શીખેલી હતી, ઘરની આર્થિક મદદ માટે મારા પિતાને મનાવી મારા ઘરની નજીક એક ઇમ્પૉર્ટ એક્સપૉર્ટનું કામ કરતી રેડીમેડ કપડાંની ફેક્ટરીમાં કમ્પ્યુટર ઑપરેટર-કમ-એકાઉન્ટન્ટની નોકરી શરૂ કરી. સવારે નોકરીએ જાઉં અને સાંજે ઘરે પરત આવું એટલે મારા પિતાને મારા નોકરી કરવાના નિર્ણય સામે વાંધો હતો એ પૂરો થઈ ગયો."

પ્રેમલગ્ન અને કોરોનામાં પતિનું મૃત્યુ...

ઊર્મિલા કહે છે કે રેડીમેડ કપડાંની નવી ડિઝાઇન બનાવવાનું કામ કમલેશ ગોહિલ કરતો હતો. એ પણ ક્ષત્રિય હતો, સિલાઈકામ પણ સારું કરતો. અમે સાથે જમતાં અને એ મને ગમવા લાગ્યો. સમય જતાં ઘરમાં અમારા પ્રેમની ખબર પડી ગઈ.

"મારા પિતાને વાંધો પડ્યો અને મારી નોકરી છોડાવી દીધી. તેમજ મારાં લગ્ન કરવાનું વિચાર્યું. પછી એક દિવસ હું ઘરેથી ભાગી ગઈ કમલેશ પાસે. અમે કોર્ટમાં લગ્ન કરી લીધાં. ગામમાં ખબર પડી મેં અમારાથી નીચી જ્ઞાતિના ક્ષત્રિય સાથે લગ્ન કર્યાં હતાં એટલે મારા ઘરના લોકોએ તો મારો બહિષ્કાર કર્યો, પણ અમારા કુટુંબનો સમાજે બહિષ્કાર કર્યો. આ દરમિયાન કમલેશની નોકરી છૂટી ગઈ."

સમય જતાં બંને અલગઅલગ જગ્યાએ ફર્યાં અને છેવટે અમદાવાદના વાડજમાં એક ભાડે ઘર લીધું. કમલેશને કામ મળી ગયું અને જીવનની ગાડી પાટે ચડી. લગ્નજીવન દરમિયાન તેમના ઘરે બે બાળકનો જન્મ થયો.

બંને બાળકોને રાઇટ ટુ ઍજ્યુકેશન હેઠળ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ઍડમિશન અપાવ્યું, બંને બાળકો હાલ ભણે છે.

ઊર્મિલા કહે છે, "અમે સુખેથી જીવતા હતા પણ કોરોના આવ્યો અને અમારી અવદશા શરૂ થઈ. કમલેશનું કામ બંધ થઈ ગયું, બે વર્ષ સુધી ક્યાંય કામ ના મળ્યું અને બચત પૂરી થઈ ગઈ. આ દરમ્યાન કમલેશને ફેફસાની તકલીફ થઈ."

"કમલેશથી કામ થઈ શકતું નહોતું આથી મેં રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. ઘરેણાં ગિરવી મૂકીને રિક્ષા લીધી. મહિને સાડા સાત હજારનો હપ્તો આવતો હતો. સમય જતાં કમલેશને ફેફસાની તકલીફ વધી ગઈ અને એક દિવસ કમલેશનું મોત થઈ ગયું."

આટલું કહેતા ગળગળા અવાજ સાથે ઊર્મિલા આગળની વાત કરે છે.

ઊર્મિલા કહે છે કે "મારાં લગ્નને 13 વર્ષ થયાં પણ મારા પતિના અવસાન વખતે પણ મારા પિયરમાંથી મારાં માતાપિતા મળવા ના આવ્યાં, કારણ કે મેં પ્રેમલગ્ન કર્યાં હતાં. મારા માથા પર અચાનક જવાબદારીનો બોજ આવી ગયો."

"બે બાળકને મોટાં કરવાનાં હતાં, રિક્ષાના હપ્તા ભરવાના હતા, ઘર ચલાવવાનું હતું. આખરે મેં નક્કી કર્યું કે હું પોતે રિક્ષા શીખીશ. મારા પતિના એક દોસ્તે મને રિક્ષા શીખવી પણ લાઇસન્સ નહોતું. છેવટે મેં મારી કાનની બુટ્ટી વેચીને લાઇસન્સની ફી ભરી અને અમદાવાદમાં રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું."

ઊર્મિલા કહે છે, "શરૂઆતમાં હું રાણીપ એસટી સ્ટેન્ડ પાસે રિક્ષા ચલાવતી હતી. અહીં ગામડેથી આવનાર મુસાફરો પાસેથી રિક્ષાવાળા મનફાવે એમ ભાડું લેતા હતા, હું મીટરથી રિક્ષાભાડું લેતી હતી એટલે મારા ગ્રાહકો વધવા લાગ્યા. સ્થાનિક રિક્ષાવાળા કરતાં મારો ધંધો વધુ થવા લાગ્યો, એ લોકો મને પરેશાન કરવા લાગ્યા."

પોલીસને પ્રિય રિક્ષાવાળી

એ દિવસે વરસાદ વરસતો હતો, રાતના સમયે એક ભાઈ અને ત્રણ બહેનો એસટી સ્ટેન્ડ પર આવ્યાં, કોઈ રિક્ષા નહોતી.

"મને કહ્યું કે શાહીબાગ પોલીસ ક્વાર્ટર જવું છે. મેં કહ્યું કે ચાર લોકોને રિક્ષામાં નહીં બેસાડું. એ ભાઈએ કહ્યું કે ચિંતા ના કરો, રસ્તામાં કોઈ હેરાન નહીં કરે, આ બહેનોને ઉતારી મારે પાછું રાણીપ આવવું છે. મેં એમને ઉતાર્યા ત્યારે મીટર પ્રમાણે જ ભાડું લીધું. પછી મને ખબર પડી કે એ લોકો પોલીસવાળાં હતાં અને બે દિવસ કોઈ વી.આઈ.પી.ના બંદોબસ્તમાંથી થાકીને પાછા આવ્યાં હતાં."

ઊર્મિલાના કહેવા પ્રમાણે, એ દિવસે મહિલા પોલીસની એમની સાથે દોસ્તી થઈ ગઈ. એ લોકોએ નંબરની આપ-લે કરી અને ત્યારથી આજ સુધી એમની ડ્યૂટી પૂરી થાય એટલે એ લોકો ઊર્મિલાને ફોન કરીને તેમની રિક્ષાને પ્રાધાન્ય આપે છે.

પોલીસ ક્વાર્ટરમાં રહેતી મોટા ભાગની મહિલા પોલીસ બહારગામથી આવતી હોય છે. તેઓ અમદાવાદથી ખાસ પરિચિત હોતી નથી. ઘણી વાર તેઓ મોડી રાતે ડ્યૂટીથી પરત ફરતી હોય છે.

ઊર્મિલા વધુમાં કહે છે, "મહિલા પોલીસને મારા પર ભરોસો હોવાથી તેઓ મારી રિક્ષા વધુ પસંદ કરે છે. રોજ સાંજ પડે એટલે રાણીપ પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી મહિલા પોલીસને ઘરે ઉતારવાની જવાબદારી મારી રહે છે."

"હું સવારે વહેલા ઊઠીને મારા છોકરાઓ માટે ટિફિન બનાવું છું, પછી સ્કૂલની વર્ધી માટે બાળકોને લઈ આવું છું. બપોરે સ્કૂલની વર્ધી પતાવી મારા દીકરાને લાવી રસોઈ બનાવી જમાડું છું અને પછી હું રિક્ષા લઈને નીકળી જાઉં છું. દિવસભર અમદાવાદની ગલીઓમાં ફરું છું પણ સાંજ પડે એટલે પોલીસવાળાના ફોન આવી જાય છે અને હું નીકળું જાઉં છું."

એક મહિલા રિક્ષાચાલક ઊર્મિલાને સારા અને ખરાબ અનુભવો પણ થાય છે.

તેઓ કહે છે, "મોટા ભાગે અમદાવાદના પોશ વિસ્તારના યુવાનો ઘણી વાર એકાંત રસ્તામાં ખરાબ વાતો કરે તો હું એમને રસ્તામાં ઉતારી દઉં છું. રાત્રે 12 વાગ્યા સુધી રિક્ષા ચલાવું છું, ઘણા પુરુષો પરેશાન કરવાનો પ્રયાસ કરે છે, પણ જે લોકો દારૂ પીને મારી રિક્ષામાં બેઠા હોય એ કોઈ દિવસ પરેશાન નથી કરતા."

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા સોરાબજી કમ્પાઉન્ડમાં ભાડે રહેતાં ઊર્મિલાનાં પાડોશી લતાબહેન કેશવાણી બીબીસી સાથેની વાતચીત કહે છે "ઊર્મિલાના પતિના અવસાન પછી એમની હાલત ખરાબ હતી, લોકો એ રિક્ષા ચલાવે તો એની મશ્કરી કરતા, પણ હવે કોઈ એની મશ્કરી નથી કરતું. આસપાસની મહિલાઓ પહેલેથી ઊર્મિલાની રિક્ષામાં જવાનું પસંદ કરે છે. ઊર્મિલા ગરીબ-ઘરડા લોકોને દવાખાને લઈ જવાના હોય તો રિક્ષાભાડું નથી લેતી."

અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં કામ કરતાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ રવીના મોરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું સોમનાથથી આવું છું, અમદાવાદ મારા માટે નવું છે. હું ઑફિસમાંથી છૂટું એટલે કાયમ ઊર્મિલાની રિક્ષામાં ઘરે જવાનું પસંદ કરું છું. એ મહિલા હોવાથી મારી જેમ બીજી મહિલા કૉન્સ્ટેબલ પણ એની જ રિક્ષામાં જાય છે."

રાણીપ પોલીસ સ્ટેશનમાં કામ કરતાં શિલ્પાબહેન ચૌધરી કહે છે કે હું રાધનપુરથી આવું છું, મારાં માતાપિતાની પાસે પણ ઊર્મિલાબહેનનો નંબર છે, હું ડ્યૂટી પર હોઉં અને એમનો ફોન ના ઉપાડી શકું તો એ લોકો ઊર્મિલા ગોહિલને ફોન કરી મારી સલામતીની ખબર પૂછી લે છે."

"ઊર્મિલાબહેનને સાંજ પડે અથવા નાઇટ ડ્યૂટી હોય ત્યારે લગભગ તમામ મહિલા પોલીસ એમને જ બોલાવે છે. સાંજ પડે એટલે બહારગામથી અમદાવાદમાં નોકરી કરી રહેલી મોટા ભાગની મહિલા પોલીસ ઊર્મિલાબહેનને ફોન કરીને પોલીસ ક્વાર્ટર જવા શોધતી હોય છે. એકસાથે ત્રણ-ચાર પોલીસકર્મી એમની રિક્ષામાં જઈએ છીએ અને સુખ દુઃખની વાત કરીએ છીએ, જેથી અમને અમારું વતન યાદ નથી આવતું."

એક વાર રિક્ષા ચલાવતાં ઊર્મિલા પોતાના જૂના ઘર પાસે પહોંચી ગયાં. પાડોશી એમને ઓળખી ગયાં અને ચા-નાસ્તો કરાવ્યો પણ બાજુના ઘરમાં રહેતાં એમનાં માતાપિતાએ એમને ન બોલાવ્યાં, કેમ કે તેમણે પ્રેમલગ્ન કર્યાં હતાં.

આ વાતનો અફસોસ વ્યક્ત કરતાં ઊર્મિલા કહે છે, "સાબરમતી નદીના એક છેડે હું બાળકો સાથે એકલી રહું છું, બીજા છેડે માતાપિતા રહે છે. હું દોડીને જવા તૈયાર છું પણ મને ખબર નહીં કે પ્રેમ કરવાની આટલી મોટી સજા મળશે."

બીબીસીએ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતાં ઊર્મિલાનાં માતાપિતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એમણે પોતાની દીકરી વિશે કોઈ વાત કરવાનો ઇન્કાર કરી કર્યો હતો.

ઊર્મિલા રિક્ષા ચલાવીને મહિને 12થી 13 હજાર રૂપિયા કમાઈ લે છે. સાડા સાત હજાર રૂપિયા રિક્ષાનો હપ્તો ચૂકવે છે, ઘરનું ભાડું ભરે છે. તેમને આશા છે કે રિક્ષાની લોન પૂરી થશે પછી એમનું જીવન સારું ચાલવા લાગશે.