You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની સડકો પરથી સીધા હંગેરીના હાઈવે પર ટ્રક ચલાવનારી 6 'ડ્રાઇવર-બેન' કોણ છે?
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું મહિલા ડ્રાઇવર હોવાને કારણે વાલીઓ તેમનાં બાળકોને મારી સ્કૂલ બસમાં મોકલતા નહોતા."
આ શબ્દો છે 34 વર્ષનાં રેખા કહારના. તેઓ અમદાવાદનાં એ છ મહિલાઓમાં સામેલ છે, જેમણે યુરોપના દેશ હંગેરીમાં ટ્રક ડ્રાઇવર તરીકે કૅરિયરની નવી રાહ પકડી છે.
રેખા કહાર અમદાવાદમાં બીઆરટીએસ બસનાં પ્રથમ મહિલા ડ્રાઇવર પણ હતાં.
પરંતુ હવે તેઓ હંગેરીમાં કૉમર્શિયલ કે ટ્રેઇલર ટ્રક ચલાવશે. તેમની સાથે ગુલનાઝ પઠાણ, દીપાલી પરમાર, રજની રાજપૂત, ભારતી ઠાકોર અને સ્નેહા પુરોહિત નામની મહિલાઓ પણ હંગેરીમાં નોકરી માટે જઈ રહી છે.
આ એ મહિલાઓનું ગ્રૂપ છે જેમાં કોઈ બાળપણમાં ભંગાર વીણતાં, તો કોઈ મૃતદેહો પૅક કરીને શબવાહિની ચલાવવાનું કામ કરતાં તો કોઈ પતિના અવસાન બાદ અચાનક ઘરનું ગુજરાન ચલાવવા ઘરની બહાર કામ કરવાં પ્રથમ વખત નીકળેલી મહિલાઓ છે.
હંગેરી જઈ રહેલી તમામ 6 મહિલાઓએ જીવનમાં આવેલી કોઈકને કોઈક મુશ્કેલીનો મક્કમ મનોબળ સાથે સામનો કરીને પોતાની જાતને હારવા દીધી નથી.
ડ્રાઇવિંગ શીખેલી આ મહિલાઓ અલગ-અલગ જગ્યાએ કાર અને કૉમર્શિયલ વાહનો ચલાવવાનું કામ કરે છે અને આર્થિક રીતે પગભર છે.
‘ડ્રાઇવર-બેન એક નઈ પહેચાન’
રેખા કહાર મૂળ ઉત્તર પ્રદેશના ફરુખાબાદનાં છે, પરંતુ લગ્ન કરીને 2006થી ગુજરાતમાં જ સ્થાયી થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા તેમના પતિનું 2015માં માર્ગ અકસ્માતમાં અવસાન થયું, ત્યારથી તેમનાં બે સંતાનો અને પરિવારનું જીવનગુજરાન ચલાવવાની જવાબદારી તેમના માથે આવી પડી.
જોકે, હિંમતવાન રેખાબહેને એ પડકાર પણ ઝીલી લઈને 2016માં 'ડ્રાઇવર-બેન' કાર્યક્રમ સાથે જોડાઈને ફોર-વ્હિલર ડ્રાઇવિંગની તાલીમ લીધી. એટલું જ નહીં, તેઓ છેલ્લાં અઢી વર્ષથી બીઆરટીએસ બસ ચલાવે છે. તેની પહેલાં રેખાબહેને અમદાવાદના એક પરિવારની કાર ચલાવવાનું તેમ જ બે સ્કૂલોની બસ ચલાવવાનું કામ પણ કર્યું છે.
તેઓ કહે છે કે, “મહિલાઓ માટે આવું બિન-પરંપરાગત કામ કરવું આપણે માનીએ એટલું સહેલું નથી હોતું."
રેખાને પણ કડવા અનુભવો થયા, પરંતુ તેમણે તેની કડવાશને હૃદયમાં ઘર કરવા ન દીધી. તેમનાં ડ્રાઇવર તરીકેના અનુભવો વિશે તેઓ કહે છે, “મને સારા-ખરાબ બન્ને અનુભવો થયા છે."
"એક પરિવારની કાર ચલાવતી ત્યારે તે લોકો મને એક પણ રજા આપતા નહોતા. હું પિરિયડ્સમાં હોઉં કે બીમાર હોઉં ત્યારે પણ મારી સ્થિતિ સમજતા નહોતા."
તેઓ વધુમાં ઉમેરે છે, "એ જ રીતે અમદાવાદની એક સ્કૂલની બસ ચલાવતી હતી ત્યારે એક દિવસ અચાનક મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. હું બહુ કાળજી રાખીને એકદમ સલામત ડ્રાઇવિંગ કરું છું છતાં મને કાઢી મૂકવામાં આવી તેથી મને બહુ દુ:ખ થયેલું. "
“મને વધારે દુ:ખ તો ત્યારે થયું જ્યારે મને તેનું સાચું કારણ ખબર પડી. મને કહેવામાં આવ્યું કે, સ્કૂલના વાલીઓએ, સ્કૂલ-બસ મહિલા ડ્રાઇવર ચલાવે છે, એટલે બસમાં તેમનાં બાળકોને મોકલવાની ચોખ્ખી ના પાડી દીધી છે.”
આ ધક્કો લાગ્યા બાદ રેખા હિંમત ન હાર્યાં અને તેમણે ટ્રક અને ટ્રેઇલર જેવાં ભારે વાહનો ચલાવવાની તાલીમ લીધી.
‘પશ્ચિમી દેશોમાં આવનારાં પાંચ વર્ષમાં 60થી 80 હજાર ટ્રક ડ્રાઇવર્સની જરૂર પડશે’
રેખાની જેમ અનેક મહિલાઓએ અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા ‘જનવિકાસ’ સાથે વાહન ચલાવવાની તાલીમ લીધી છે.
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે અમદાવાદમાં શરૂ કરાયેલા કાર્યક્રમ ‘ડ્રાઇવર-બેન : એક નઈ પહેચાન’ સાથે સંકળાયેલાં શયાની ભટ્ટ કહે છે કે પહેલાં આ કાર્યક્મમાં માત્ર એક જ મહિલા જોડાયાં. પરંતુ સમય જતાં 400 જેટલી બહેનોને ટુ-વ્હિલર અને ફોર વ્હિલર ચલાવવાની તાલીમ આપવામાં આવી છે.
સ્વૈચ્છિક સંસ્થા ‘જનવિકાસ’ અનુસાર યુરોપ અને અમેરિકાના કેટલાક દેશોમાં આવનારાં પાંચ વર્ષમાં 60થી 80 હજાર ટ્રક ડ્રાઇવરોની જરૂર પડશે. ત્યાં વસતિ ઓછી છે અને ત્યાંનાં લોકો તેમની પસંદગીના વ્યવસાયમાં જ જાય છે.
થોડા સમય પહેલાં વિદેશની કેટલીક સંસ્થાઓ-કંપનીઓના પ્રતિનિધિઓ આવ્યા હતા. તેમની સાથે મળીને જનવિકાસ તથા આઝાદ ફાઉન્ડેશને મહિલાઓને ત્યાં ટ્રક ડ્રાઇવર તરીકે મોકલવાનું નક્કી કર્યું. તેનું એક કારણ એ હતું કે, અહીં આ બહેનોને 12થી 15 હજાર રૂપિયાનો પગાર મળે છે અને વિદેશમાં તેમને તેનાથી 10 ગણું કમાવા મળશે.
યુરોપમાં અમારી 6 બહેનો ટ્રક ચલાવશે તે ગુજરાત માટે ગૌરવ હશે’
હંગેરી જનારી 6 મહિલાઓમાંથી 33 વર્ષનાં રજની રાજપૂત, ડિવોર્સ લીધા પછી પોતાની એક દીકરી અને મા-બાપ સહિતના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં એક આંતરરાષ્ટ્રીય કંપનીની કેબ ચલાવવાનું કામ કરે છે.
તેમણે પોતાની કમાણીમાંથી, કાર ખરીદીને ઓલા, ઉબેર જેવી કંપનીઓ સાથે પોતાનો ડ્રાઇવિંગ વ્યવસાય પણ શરૂ કર્યો છે.
તેઓ કહે છે, “મહિલા જ્યારે કોઈક પહેલ કરે ત્યારે તેને શરૂઆતમાં સહયોગ મળતો નથી, પણ તે જ્યારે પોતાની જાતને પુરવાર કરે ત્યારપછી જ લોકોનો તેનામાં વિશ્વાસ ઊભો થાય છે. મારી સાથે પણ એવું જ થયું. આજે હું કોઈ પણ જાતના ડર વગર, રાતે પણ કૅબ-ટૅક્સી ચલાવું છું અને પૅસેન્જરોને લઈને છેક મુંબઈ-મહારાષ્ટ્ર સુધી જઉં છું. હવે હું હંગેરીમાં ભારે ટ્રક ચલાવીને તેની કમાણીમાંથી મારી પાંચમા ધોરણમાં ભણતી દીકરીને આગળ ઉચ્ચ શિક્ષણ અપાવી શકીશ.”
સાંજે ક્યારેય એકલાં બહાર ન નીકળતાં દિપાલી, હંગેરીમાં ટ્રક ચલાવશે
હંગેરી જવાની તૈયારી કરી રહેલાં ભારતી ઠાકોરે તો બાળપણમાં ભંગાર વીણવાનું અને લોકોના ઘરે કચરા-પોતાં કરવાનું કામ કરીને શાળા-કૉલેજની ફી ભરી છે.
તેમના પિતા પૅડલ રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે અને એક ટંકનાં ખાવાનાં પણ ફાંફા હતા એવી સ્થિતિમાં ભારતીને કૉમ્પ્યુટર તથા કાર ચલાવવા જેવી ટૅકનિકલ સ્કિલ કેળવવાનું બહુ મન હતું.
તેઓ કહે છે, “મેં કૉલેજનો અભ્યાસ કર્યા પછી જુદીજુદી જગ્યાએ નોકરી મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા. મારી પાસે ડિગ્રી હતી પણ બીજી કોઈ સ્કિલ નહોતી તેથી મને નોકરી મળતી નહોતી. મેં મારા પરિવારને કહ્યા વગર, જનવિકાસમાં ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યું અને શીખ્યા પછી મને મારુતિ ડ્રાઇવિંગ સ્કૂલમાં લોકોને ડ્રાઇવિંગ શીખવવાની નોકરી મળી. એ સિવાય મને આંતરરાષ્ટ્રીય સંસ્થા એકેઆરએસપીઆઈમાં એકમાત્ર મહિલા-ડ્રાઇવર તરીકે કામ કરવાની તક મળી. તેમાંથી મારું ઘણું ઘડતર થયું.”
28 વર્ષનાં દિપાલી પરમારે 2017માં તાલીમ લીધી અને 2023માં તેમણે ભારે વાહન ચલાવવાનું લાઇસન્સ મેળવ્યું છે. તેમણે બાળકોને કારમાં સ્કૂલે લાવવા-લઈ જવાનું કામ કરી, તેની આવકમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
બેંગલુરુમાં ટ્રક-ટ્રેઇલરની પ્રૅક્ટિસ કરવાનો અનુભવ યાદ કરતાં તેઓ કહે છે, “જ્યારે હું સ્ટિઅરીંગ વ્હીલ પર હતી અને ટ્રક રિવર્સ લઈને પાર્કિંગ કરવાની પ્રૅક્ટિસ કરી રહી હતી ત્યારે હું થોડીક નર્વસ થઈ ગઈ હતી અને વારંવાર પાછળ જોયા કરતી હતી. કારણ કે, તે બહુ જ ભારે અને લાંબી ટ્રક હતી. પરંતુ, મેં હિંમત હાર્યા વગર મારી પ્રૅક્ટિસ ચાલુ રાખી અને હું પહેલા જ પ્રયાસે ટેસ્ટમાં પાસ થઈ ગઈ.”
પહેલાં, સાંજે ક્યારેય એકલાં બહાર ન જતાં દિપાલી, હવે હંગેરી જઈને ટ્રક ચલાવશે તેનો તેમને રોમાંચ છે.
દિપાલી મહિલાઓને સંદેશો આપતાં કહે છે, “મહિલાનું સુંદર હોવું જરૂરી નથી, પણ તેમનું સશક્તિકરણ થયેલું હોય એ જરૂરી છે.”
દિપાલીને, ડ્રાઇવિંગ પ્રૅક્ટિસ દરમિયાનનો એક અનુભવ બરાબર યાદ રહી ગયો છે.
તેઓ કહે છે, “એક વાર અમે બધી મહિલાઓ, નારોલથી નડિયાદના રોડ ઉપર ટ્રક ચલાવવાની પ્રૅક્ટિસ કરતાં હતાં. દરમિયાન, એક ચાની કીટલી પર ચા પીવા ઊભાં હતાં. તે પછી ટ્રક ચલાવવાનો મારો વારો છે એમ મેં મારી બીજી ડ્રાઇવર-બહેનોને કહ્યું. તે સાંભળીને ત્યાં બેઠેલા થોડાક છોકરાઓ જોરજોરથી હસવા લાગ્યા. તેમના માન્યામાં જ નહોતું આવતું કે અમે બહેનો ટ્રક ચલાવી શકીએ. ત્યારપછી મેં ટ્રક ચલાવવાનું શરૂ કર્યું તે જોઈને તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. જોકે, ક્યારેક લોકો અમને હાઈવે પર ટ્રક ચલાવતા જોઈને, અમને ઊભાં રાખે છે અને તાલીઓ વગાડીને અમને બીરદાવે છે, ત્યારે મને બહુ સારું લાગે છે.”
6 મહિલાઓમાંના એક, સ્નેહા પુરોહિત સાવ નોખું કામ કરે છે. તેઓ શબવાહિની અને ઍમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરે છે.
તેમના પતિ પવન, અમદાવાદની હૉસ્પિટલોમાં ઍમ્બ્યુલન્સ સર્વિસ ચલાવે છે. તેમને એક વાર ડ્રાઇવરની અછત વર્તાતી હતી તે જોઈને સ્નેહાએ પણ ડ્રાઇવિંગ શીખવાનો નિર્ધાર કર્યો અને સ્નેહા આજે મૃતદેહો પૅક કરવાનું અને તેને આખા ભારતમાં જે-તે જગ્યાએ ઍમ્બ્યુલન્સમાં પહોંચાડવાનું કામ કરે છે.
સ્નેહા કહે છે, “મને મારા પતિએ બહુ સહયોગ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એટલે જ હું મારી 11 વર્ષની દીકરી વિશ્વાને મૂકીને મારા ડ્રાઇવિંગના કામે ગમે ત્યાં જઈ શકું છું.”
‘વધુને વધુ મહિલાઓ ટ્રાંસપૉર્ટમાં આવે તે જરૂરી છે’
2021થી આ કાર્યક્રમ સાથે જોડાયેલાં અને હંગેરી જવા માટે તૈયાર 20 વર્ષનાં ગુલનાઝ પઠાણને તેમના પિતા દિદાર ખાને બધાં જ વાહનો ચલાવવા માટે બહુ જ પ્રોત્સાહન આપ્યું છે.
ગુલનાઝ ડ્રાઇવિંગ વ્યવસાયના સૌથી ખરાબ અનુભવ બાબતે કહે છે, “અમને મહિલા તરીકે આ વ્યવસાયમાં ટૉઇલેટ જવા બાબતે બહુ તકલીફોનો સામનો કરવો પડે છે. અમારી 8-10 કલાકની જૉબ હોય અને રસ્તામાં પૂરતી સંખ્યામાં લેડીઝ ટૉઇલેટ હોતાં નથી, અને હોય છે તે એટલાં ગંદાં હોય છે કે તેમાં જઈ જ ન શકાય. તેથી અમારે બાથરૂમ જવા માટે પણ મજબૂરીવશ અમારી કારના બે દરવાજા ખોલીને તેની વચ્ચે બેસવું પડે છે.”
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડૅપ્યુટી કમિશનર નેહાકુમારીએ આ ડ્રાઇવર-બહેનોની વાત સાંભળીને તેમના ઉત્સાહ અને આત્મવિશ્વાસને બિરદાવ્યાં છે. નેહાકુમારી કહે છે, “હવે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદની 100 મહિલાઓને રિક્ષા ચલાવતા શીખવવાની તાલીમ આપવાનું આયોજન કરી રહી છે. આ ડ્રાઇવર-બહેનોની જેમ બીજી અનેક બહેનો આત્મનિર્ભર બને એવું અમે ઇચ્છીએ છીએ.”
‘ડ્રાઇવર-બેનઃ એક નઈ પહેચાન’ કાર્યક્રમના સહયોગી ‘આઝાદ ફાઉન્ડેશન’નાં અનિતા માથુર કહે છે, “વધુ ને વધુ મહિલાઓ પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં આવે તે બહુ જરૂરી છે. તેના કારણે સમાજમાં મહિલા-સશક્તિકરણનો એક મજબૂત સંદેશો જશે.”
‘જનવિકાસ’નાં કીર્તિ જોશી કહે છે, “કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી એ ન્યાયે અમે બહેનોને સતત કોશિશ કરતા રહેવાનું પ્રોત્સાહન આપતા રહીએ છીએ. તમે સ્રી છો અને નહીં કરી શકો એવી વાતને પડકાર તરીકે લઈને તમે તમારી જાતને પુરવાર કરો એવું અમે તેમને શીખવીએ છીએ. તમે તમારી જાતમાં વિશ્વાસ રાખશો તો પરિવાર, સમાજ, સરકાર અને દુનિયા તમને માનશે એવું અમે તેમને કહેતા. આમાં અમને હવે હંગેરીની તક રૂપે પુરાવા આધારિત સફળતા મળી છે તેનો જનવિકાસને બહુ આનંદ છે. હવે આ આત્મવિશ્વાસથી ભરપૂર બહેનો જિંદગીની ડ્રાઇવિંગ સીટમાં બેસીને તેમની જિંદગી સરસ રીતે ચલાવી શકશે એવો દ્રઢ વિશ્વાસ અમને સૌને છે.”