'હું નગ્ન પુરુષોની તસવીર ખેંચું છું, કેમ કે એમનું શરીર જાતીય આકર્ષણનું કેન્દ્ર છે'

    • લેેખક, ઍલેનૉર વૉઇસાર્ડ અને અન્ના બ્રૅસન
    • પદ, બીબીસી રીલ

એક ઓરડામાં છ પુરુષો છે. તેઓ એકબીજા પર ગુલાબની પાંદડીઓ ફેંકી રહ્યા છે. એક મહિલા તેમને કૅમેરા પાછળથી જોઇ રહી છે અને તેમને અલગઅલગ પૉઝ ચીંધી રહી છે.

મૅકઅપ ફૉટોશૂટ ચાલી રહ્યું છે પણ એક વાત ચોંકાવનારી છે. બધા પુરુષો નગ્ન છે અને એક વ્યવસ્થિત તૈયાર થયેલી મહિલા તેમનું ફૉટોશૂટ કરી રહી છે. એક સૌમ્ય અને કામુક ફૉટોશૂટ ચાલી રહ્યું છે.

આ ફૉટોગ્રાફરનું નામ યુશી લી છે. ચીનમાં જન્મેલા લી હવે યુકેમાં રહે છે.

તેઓ ફૉટોગ્રાફીના ક્ષેત્રમાં કંઇક બદલાવ લાવવા માગે છે અને ખાસ કરીને મૅકઅપ ફૉટોગ્રાફીમાં કંઇક નવું કરવા માગે છે.

'પુરુષનું શરીર એ જાતીય આકર્ષણનું કેન્દ્ર છે'

પુરુષ તસવીરકારો અને ચિત્રકારોએ સદીઓથી મહિલાઓની નગ્ન તસવીરો ખેંચી છે અને ચિત્રણ કર્યું છે. લી આ ટ્રૅન્ડને બદલવા માગે છે.

“હવે કૅમેરો મારા હાથમાં છે અને મારું મન જેમ કહે તેમ હું તસવીરો ખેંચીશ.”

ઘણા પુરુષોએ તેમના ટૉપલેસ ફોટો 'ટિન્ડર' જેવી ડેટિંગ સાઈટ્સ પર મૂક્યા છે પરંતુ લી કહે છે કે તે "મને આકર્ષિત કરી શકતા નથી." તેઓ કહે છે કે "પુરુષો સુંદર કે આકર્ષિત દેખાવા તરફ વધુ ધ્યાન આપતા નથી."

લી કહે છે, "હજુ પણ પુરુષ મૉડલોને ન્યૂડ ફૉટોગ્રાફ માટે પોઝ આપતાં આવડતું નથી. એક પુરુષ પોતાની વિશે બહુ વિચારતો નથી. હું પણ મારી જાતને વધુ આકર્ષિત બનાવવા વિશે બહુ વિચારતી નથી.’

યુશી લી કહે છે કે તેની આ કળા લિંગ, જાતીય આકર્ષણ અને જાતીય ઇચ્છાઓની સાથે જોડાયેલી છે. તેઓ કહે છે કે 'પુરુષનું શરીર એ જાતીય આકર્ષણનું કેન્દ્ર છે.'

લી કહે છે, “આપણી પરિકલ્પનાઓમાં સ્ત્રી સુંદર હોય એવી જ ધારણા હંમેશાં કરવામાં આવતી રહી છે. એટલે આપણે હંમેશાં એવું વિચારીએ છીએ કે સ્ત્રીનું શરીર સુંદર હોય અને એ જ રીતે આપણે પુરુષના શરીર કરતાં સ્ત્રીના શરીરને વધુ વખાણીએ છીએ.”

“જોકે, આપણે આ દુનિયામાં પ્રાણીઓ તરફ નજર કરીએ તો નર પ્રાણીઓનું શરીર સૌથી વધુ સુંદર હોય છે. જેમ કે, સિંહ અને મોર. મૅકઅપ ફૉટોગ્રાફીના ક્ષેત્રમાં કાયમ પુરુષ શરીરને ઓછું આંકવામાં આવ્યું છે. મને તેમાં અસંતુલન લાગે છે. પુરુષોનાં શરીરને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી.”

'તસવીરો મારી ઇચ્છાઓનું પ્રતીક છે'

“પુરુષોની કુદરતી સુંદરતા મારા દ્વારા ખેંચવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે. હું માનું છું કે જે તસવીરો હું ખેંચું છું એ મારી ઇચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે.” એવું લી કહે છે.

કેટલીક તસવીરોમાં યુશી લી નવો જ રસ્તો કંડારે છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની તસવીરો દર્શકો અને ફૉટોગ્રાફ્સ વચ્ચેનો સંબંધ વિશેષ બનાવશે.

લી ચીનનાં વતની છે. પશ્ચિમી દેશોમાં નાનું કદ હોવા છતાં પણ એશિયાઇ મહિલાઓને સુંદર માનવામાં આવે છે. તેઓ કહે છે કે 'મારું કામ એ આવી ધારણાઓની પ્રતિક્રિયા છે. '

ન્યૂડ મૉડલો આ વિશે શું માને છે?

મૉડલ ઉલ્સ્ટર ગ્રૅહામ કહે છે કે જ્યારે મહિલાઓ પુરુષો પાસેથી તેમની તસવીરો માગે છે ત્યારે પુરુષોને એ વાતનો ખ્યાલ હોતો નથી કે તેમની અપેક્ષા શું છે.

"જ્યારે મહિલા કોઇ પુરુષને તસવીરો મોકલવા માટે કહે છે ત્યારે પુરુષો તેમને તેમના લિંગની તસવીરો મોકલે છે. "

ઇમ્યુનેલ એડનેયે એક ન્યૂડ મૉડલ છે. તેઓ કહે છે કે તેણે વિચાર્યું પણ ન હતું કે તેના શરીરમાં કોઈ સુંદરતા છે. તે કહે છે, "મને હંમેશાં લાગ્યું છે કે શરીરના દેખાવ કરતાં શરીરનું કાર્ય વધુ મહત્ત્વનું છે."

“હું કારને માત્ર જોવા કરતાં કારનું એન્જિન બનવાનું પસંદ કરીશ. મેં ક્યારેય માણસના શરીરને આનંદના સાધન તરીકે જોયું નથી."

એડનેયે કહે છે, "મેં હંમેશાં તેની ઉપયોગિતા જ જોઈ છે."

શું પુરૂષોનાં શરીરને માત્ર વસ્તુ તરીકે જોવામાં આવે છે?

યુશી લીના ફૉટોશૂટ એ સામાન્ય રૅપ વીડિયોથી અલગ છે. રૅપ વીડિયોમાં પુરુષ ગાયકોની આજુબાજુ નગ્ન મહિલાઓ નાચતી જોવા મળે છે. એડનેયેનું કહેવું છે કે અહીંની પરિસ્થિતિ બિલકુલ અલગ છે. પરંતુ સવાલ એ પણ ઊભો થાય છે કે શું પાડવામાં આવેલી તસવીરોમાં પુરુષોને માત્ર 'એક વસ્તુ' તરીકે જ જોવામાં આવ્યા?

પુરુષ મૉડલોએ કહ્યું કે આ બધું તેમની અનુમતિથી થઈ રહ્યું હતું અને લી એ તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કર્યો છે.