Direct To Mobile: જેનાથી મોબાઇલ ફોનમાં સિમકાર્ડ કે ઇન્ટરનેટ વિના પણ ટીવી જોઈ શકાશે

mobil girl

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારે દેશના 5G ઇન્ટરનેટના માળખા ઉપરનું ભારણ ઘટાડવા 'ડાયરેક્ટ ટુ મોબાઇલ' પ્રસારણની ટેકનૉલૉજીને પ્રાથમિક ધોરણે દેશનાં 19 શહેરમાં લાગુ કરવાની યોજના ઘડી છે.

આ ટેકનૉલૉજીની મદદથી વ્યક્તિ પોતાના સ્માર્ટફોન પર ઇન્ટરનેટ કે મોબાઇલમાં સિમકાર્ડ વગર પણ ટેલિવિઝન ચેનલો જોઈ શકશે. D2Mની મદદથી શિક્ષણના પ્રસાર, ઇન્ટરનેટની સ્પીડ અને આપદા પ્રબંધન જેવાં ક્ષેત્રોમાં લાભ થશે.

આઈઆઈટી-કાનપુર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પબ્લિક બ્રૉડકાસ્ટર પ્રસાર ભારતી દ્વારા બે-એક વર્ષથી આ ટેકનૉલૉજી પર કામ ચાલી રહ્યું છે અને હવે તેનું મોટાપાયે પાઇલટ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. આના માટે પ્રસાર ભારતીના પ્રાદેશિક માળખાનો ઉપયોગ કરવામાં આવશે.

સ્માર્ટફોન અને પ્રસારણવ્યવસ્થાને જોડતી અને 'નેક્સ્ટજેન' બ્રૉડકાસ્ટિંગ' તરીકે ઓળખાતી આ ટેકનૉલૉજીને સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવી છે. વિશ્વભરમાં એનું આટલા મોટાપાયે પરિક્ષણ કરનારો પ્રથમ દેશ છે.

જોકે, મોબાઇલનિર્માતા, મોબાઇલસેવા પ્રદાતા અને ટીકાકારો ટેકનૉલૉજીનો મોટાપાયે અમલ કરતાં પહેલાં તેની કેટલીક બાબતો સામે લાલબત્તી ધરે છે.

મોબાઇલ જ ટીવી બની જશે

મોબાઇલ

ઇમેજ સ્રોત, YT/PRASAR BHARATI

હાલમાં દેશમાં 80 કરોડ કરતાં વધુ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને આગામી ત્રણેક વર્ષમાં આ આંકડો એક અબજને પાર કરી જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. હાલમાં ઇન્ટરનેટના કુલ ટ્રાફિકના લગભગ 70 ટકાનો ઉપયોગ વીડિયો જોવા માટે થાય છે.

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ, વર્લ્ડકપની મૅચો, આઈપીએલ, બિગબૉસ, અયોધ્યાના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વગેરે જેવી મોટી ઘટનાઓ સમયે ઇન્ટરનેટનો ટ્રાફિક વધી જતો હોય છે.

લોકો ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લૅટફૉર્મ્સ મારફત કન્ટેન્ટ જોતા હોય છે. આવી સામગ્રી મોબાઇલ્સ સુધી પહોંચાડવામાં D2M ટેકનૉલૉજી મોટી ભૂમિકા ભજવશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

D2M મારફત કન્ટેન્ટને સાતત્યપૂર્ણ રીતે સીધું જ મોબાઇલ ઉપર ડિલિવર કરી શકાશે. ઑન-ડિમાન્ડ કન્ટેન્ટ, રિયલ-ટાઇમ ટ્રાન્સમિશન અને ઇન્ટરેક્ટિવ સર્વિસીઝ પણ પૂરી પાડી શકાશે.

D2M મદદથી છેવાડાના વિસ્તારોનાં બાળકોને શૈક્ષણિકવર્ગો મોબાઇલ ઉપર જ ઉપલબ્ધ કરાવી શકાશે. દૂરદર્શન પાસે શૈક્ષણિકસામગ્રીની મોટી લાઇબ્રેરી છે.

આ સિવાય કૃષિલક્ષી કાર્યક્રમો પણ સીધા જ ખેડૂતો સુધી પહોંચાડી શકાશે, જેના આધારે તે બજારની સ્થિતિ, નવાં-નવાં સંશોધનો અને નિષ્ણાતોનું માર્ગદર્શન સીધું જ મોબાઇલ પર મેળવી શકશે.

દેશના 28 કરોડ ઘરોમાંથી લગભગ 19 કરોડ ઘરોમાં જ ટેલિવિઝન છે. સરકાર આ પ્રોજેક્ટ દ્વારા નવ કરોડ 'ટીવી ડાર્ક' ઘરો સુધી પહોંચવા માગે છે.

આ સિવાય ઇન્ટરનેટ કનૅક્શનની સ્પીડના કારણે 'બફરિંગ' થાય છે, જે વીડિયો જોવાના અનુભવમાં અવરોધ ઊભો કરે છે.

પરંતુ નવીન ટેકનૉલૉજીમાં ડાયરેક્ટ-ટુ-હૉમ કે ઍન્ટેના મારફત જે ગુણવત્તાનું પ્રસારણ મળે છે, એવો જ અનુભવ મળશે. છતાં તે અસામાન્ય સંખ્યામાં લોકો સુધી પહોંચી શકાશે.

આ ટેકનૉલૉજી માટે મોબાઇલમાં સિમકાર્ડ કે ઇન્ટરનેટની પણ જરૂર નથી પડતી. પૂર તથા વાવાઝોડાં વખતે સામાન્ય સંચારપ્રણાલી ખોરવાઈ જતી હોય છે અને લોકો સુધી સમયસર, સાચી માહિતી અને હવામાનની ચેતવણી પહોંચાડવાનું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે આ ટેકનૉલૉજી મદદરૂપ થઈ શકે છે.

જો કોઈ કારણસર સૅટેલાઇટ વ્યવસ્થા ખરવાઈ જાય તો રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માહિતી સીધી જ નાગરિકો સુધી પહોંચાડી શકાશે. સરકારનો દાવો છે કે તેના કારણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર ઝડપભેર ફેલાતા ફૅકન્યૂઝને અટકાવવામાં પણ મદદ મળશે.

D2Mના હિતધારકોએ દિલ્હીમાં કર્તવ્યપથ, યુપીમાં નોઇડા તથા બૅંગલુરુનાં ચુનંદા સ્થળોએ આ નવીન પ્રૌદ્યોગિકીનું 'પ્રૂફ ઑફ કૉન્સેપ્ટ' પરિક્ષણ કર્યું હતું. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાના કહેવા પ્રમાણે, ટૂંક સમયમાં દેશભરનાં 19 શહેરમાં પાઇલટ ધોરણે તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવશે.

સમસ્યાનું સમાધાન જરૂરી

મોબાઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હાલમાં જે હૅન્ડસેટ્સ બજારમાં ઉપલબ્ધ છે, તેના ઉપર આ ચેનલોનું સીધું પ્રસારણ જોઈ નહીં શકાય. જો તેના માટેની વિશેષ ચીપને ફોનમાં જ બેસાડવામાં આવશે તો મોબાઇલની કિંમત વધી જશે. વળી, જ્યાર સુધી આ ચીપનું મોટાપાયે વ્યવસાયિક ઉત્પાદન નહીં થાય, ત્યારસુધી તે મોંઘી રહેવાની છે.

હાલના હેન્ડસેટ્સમાં D2M સેવા મેળવવા માટે ડૉંગલ જેવું સાધન ખરીદવું પડશે, જેની બજારકિંમત રૂ. 600 થી 800ની વચ્ચે રહેવાનો અંદાજ મૂકવામાં આવે છે. આ પ્રકારનાં ઉપકરણો અમેરિકામાં ઉપલબ્ધ છે. આ ટેકનૉલૉજી માટે જરૂરી ચીપની પેટન્ટ ધરાવતા સાંખ્ય લૅબ્સના ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર પરાગ નાઇકના કહેવા પ્રમાણે:

"ભારતમાં એક અબજ સ્માર્ટફોન વપરાશકર્તા છે. એમાંથી જો એક કરોડ ડિવાઇસ સુધી પણ આ ટેકનૉલૉજી પહોંચે તો ડિવાઇસદીઠ કિંમતમાં માત્ર રૂ. બસ્સો જેટલો જ વધારો થશે."

તાજેતરનાં વર્ષોમાં સરકારના પ્રયાસથી બહુપ્રચલિત અમેરિકન જીપીએસ સિસ્ટમના બદલે 'નાવિક' સેવા માટેની ચીપ બેસાડવાનો પડકાર હતો. હવે, સરકાર દ્વારા D2Mને ફરજિયાત કરવામાં આવશે તો મોબાઇલની કિંમત વધશે. મોબાઇલને 'લાઇટ ઍન્ડ સ્લીમ' રાખવાનો પણ પડકાર રહેશે.

ભારતીય બજારને 'પ્રાઇસ સૅન્સિટિવ' માર્કેટ છે, ત્યારે કોઈપણ ભાવવધારોએ ગ્રાહકોના એક મોટાવર્ગને મોબાઇલ ખરીદવાના નિર્ણય પર વિચારતો કરી મૂકશે. જોકે સરકાર આ ટેકનૉલૉજીને સુલભ બનાવવા 'પ્રૉડક્શન લિંક્ડ ઇન્સૅન્ટિવ'નો (પીએલઆઈ) ઉપયોગ કરીને સંભવિત ભાવવધારો ટાળી શકે છે.

mobile mother daughter

ઇમેજ સ્રોત, Getty Images

શરૂઆતનાં વર્ષોમાં ટેલિકોમ ઑપરેટર્સ કૉલ કરવા ઉપરાંત કૉલ રિસિવ કરવા માટે પણ ચાર્જ વસૂલતા. એસએમએસ તથા વૅલ્યૂ-ઍડેડ-સર્વિસીઝ દ્વારા ઍવરેજ રેવન્યૂ પર યૂઝર વધારવાનો પ્રયાસ થતો. જ્યારે સેવાપ્રદાતા વધ્યા, ત્યારે ઇન્કમિંગનો ચાર્જ નીકળી ગયો.

એ પછીના વર્ષો દરમિયાન પ્લાનની વૅલિડિટી એ આવકનો મુખ્યસ્રોત હતો. 5G ટેકનૉલૉજીમાં ઇનકમિંગ-આઉટગોઇંગ કૉલ ફ્રી છે, પરંતુ તેના માટે મોબાઇલનો ડેટા વપરાય છે. તાજેતરનાં વર્ષોમાં ડેટાપ્લાન એ આવકનો મુખ્ય હિસ્સો છે. તેઓ ઓટીટી પ્લૅટફૉર્મ્સની ઍક્સેસ મળે તે રીતે પણ પ્લાન ડિઝાઇન કરતા હોય છે.

ઉપરાંત હાલમાં ભારતમાં ટેલિકોમના દર વિશ્વમાં સૌથી નીચા છે. જે પ્રતિ માસ માંડ બે ડૉલર આસપાસ છે. જેથી આનાથી વધુ ઓછા દરો સૅક્ટરમાં અંધાધૂંધી ફેલાવી દેશે.

કથિત 2જી સ્પૅક્ટ્રમ કૌભાંડ, ગળાકાપ હરિફાઈ, ભાવયુદ્ધને કારણે હાલમાં આ ક્ષેત્રમાં જિયો, ઍરટેલ, બીએસએનએલ અને વીઆઈ એમ ચાર જ કંપનીઓ છે.

બીએસએનએલ સરકારી કંપની છે અને વૉડાફોન-આઇડિયાની આર્થિકસ્થિતિ નબળી છે. આ સંજોગોમાં આવકનો એક મોટો સ્રોત સૂકાવોએ આ ક્ષેત્રમાં નવાં રોકાણ અને રોજગારની તકો માટે નવા પડકાર ઊભા કરશે. સરકારની ટૅક્સની આવકને અસર કરશે અને ટેલિકોમ કંપનીઓની 5G ટેકનૉલૉજીના વપરાશ પર આધારિત ભવિષ્યની વ્યૂહરચનાઓ ખોરંભે પડી જશે.

ટેલિકોમ ઑપરેટર્સ 526 MHz - 582 MHz વચ્ચેની ફ્રિક્વન્સીને ફાળવવાના બદલે વેંચવા ઉપર ભાર મૂકી રહ્યા છે, જેથી કરીને તમામ પક્ષકારો વચ્ચે 'તકની સમાનતા' જળવાય રહે.

હાલમાં આ ફ્રિક્વન્સીનો ઉપયોગ સાર્વજનિક પ્રસારણકર્તા પ્રસારભારતી દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ દેશને સંચાર અને પ્રસારણ પ્રણાલી માટે તરંગોની જરૂર પડે છે, જે ખૂબ જ મર્યાદિત હોય છે.

આવા સમયે સરકાર પ્રસારભારતી માટે ફાળવવામાં આવેલી ફ્રિક્વન્સીનો ઉપયોગ કરીને સ્પૅક્ટ્રમનો મહત્ત્મ ઉપયોગ કરવા માગે છે અને સરકાર પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલથી આ ક્ષેત્રને વિકસાવવા માગે છે.

mobile girl

ઇમેજ સ્રોત, Getty Images

માળખાકીય સુવિધાના વિકાસ, તેના ઉપયોગો તથા તેમાંથી થનારો આર્થિકલાભની ઉપર આ પ્રકારના રોકાણનો આધાર રહેશે. જોકે, સરકાર આને માટે 'યુનિવર્સલ સર્વિસ ઑબ્લિગેશન ફંડ'નો ઉપયોગ કરી શકે છે.

પ્રસાર ભારતી ઉપરાંત આઈઆઈટી-કાનપુર, તેજસ નેટવર્ક, સાંખ્ય લૅબ્સ, બૉર્ક્સ અને ટેલિકૉમ્યુનિકેશન્સ ડેવલ્પમૅન્ટ સોસાયટી ઑફ ઇન્ડિયા સહિત અનેક સંસ્થાઓ અને કંપીઓ પ્રૌદ્યોગિકીને વિકસાવવા માટે પ્રયાસરત છે.

વર્ષ 2024ના અંતભાગ સુધીમાં ભારતનો પ્રતિમાસ મોબાઇલ ડેટાવપરાશ 44.3 અબજ બાઇટ સુધી પહોંચી જવાની સંભાવના છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનું અનુમાન છે કે જો વીડિયો જોવાનું 25-30 ટકા ભારણ પણ નવી ટેકનૉલૉજી ઉપર આવી જાય તો પણ 4G અને 5G સ્પૅક્ટ્રમ પરથી ખાસ્સું ભારણ ઘટશે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ તથા ઇન્ટરનેટ-ઑફ-થિંગ્સ માટે વધુ અસરકારક પુરવાર થશે.

યુએસ, બ્રાઝિલ, મૅક્સિકો અને કૅનેડા જેવા દેશો પણ D2M ટેકનૉલૉજી ઉપર કામ કરી રહ્યા છે, પરંતુ આટલા મોટાપાયા પર પાઇલટ હાથ નથી ધર્યો. જો ભારતના આ પ્રયાસોને સફળતા મળશે, તો તે ન કેવળ દેશમાં પરંતુ વૈશ્વિકકક્ષાએ મોટી સિદ્ધિ હશે અને ટેલિકોમ સર્વિસ પ્રૉવાઇડર તથા D2M એકબીજાના હરીફ બનીને નહીં, પરંતુ પૂરક બની તેમનું સહઅસ્તિત્વ પુરવાર કરી શકે છે.

(આ અહેવાલ માટે બીબીસી તેલુગુના શ્રીકાંત બક્ષીના રિપોર્ટના અહેવાલનો આધાર લેવામાં આવ્યો છે. મૂળ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. )