જીએસટીની 55મી બેઠક : શું સસ્તું થયું, કઈ ચીજ મોંઘી થશે? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @nsitharamanoffc
રાજસ્થાનના જેસલમેરમાં શનિવારે જીએસટી પરિષદની 55મી બેઠક મળી હતી. આ બેઠકનું અધ્યક્ષપદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું હતું.
બેઠક દરમિયાન જીએસટી કાઉન્સિલે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે. તેમાં ઘણી ચીજવસ્તુઓ અને અને સેવાઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણ ખતમ કરવામાં આવ્યા છે.
કેટલીક ચીજો અને સર્વિસિસ પર જીએસટીના દર વધ્યા પણ છે.
જીએસટી પરિષદની 55મી બેઠકમાં કયા મહત્ત્વના નિર્ણયો લેવાયાઃ
- ફોર્ટિફાઇડ કર્નેલ ચોખા પર જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. જીન થૅરપી પર જીએસટી દર હટાવી દેવાયા છે.
- જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનાં ઉપકરણો પર આઇજીએસટીની રાહત વધારાઈ છે.
- દેશની બહાર માલ મોકલતા વેપારીઓ પર લાગતો સેસ ઘટ્યો છે.
- ખેડૂતો કાળા મરી અને કિસમિસને સપ્લાય ન કરે તો તેના પર કોઈ જીએસટી નહીં લાગે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- બે હજારથી ઓછી ચુકવણીની સુવિધા આપનારને જીએસટીમાં રાહત મળશે. પરંતુ આ પેમેન્ટ ગેટવે અને ફિનટેક સર્વિસ પ્લૅટફૉર્મે જીએસટી ચૂકવવો પડશે.
- લોનની શરતો ન માનનાર પર બૅન્કો કે એનબીએફસી જે પેનલ્ટી લગાવે, તેના પર જીએસટી નહીં લાગે.
- તાત્કાલિક ડિલિવરીની સુવિધા આપતાં ઍપ્સ, ઇ-કૉમર્સ અને ફૂડ ડિલિવરી ઍપ્સ પર જીએસટી મિટિંગમાં ચર્ચા થઈ છે, પરંતુ ટૅક્સ વિશે નિર્ણય નથી લેવાયો.
- કેરમલાઇઝ્ડ પૉપકૉર્ન પર પણ ચર્ચા થઈ. જે ઉત્પાદનોમાં ખાંડ વધારે હશે તેને અલગ ટૅક્સ બ્રેકેટમાં રાખવામાં આવશે. પ્રિપેક્ડ પૉપકૉર્ન પર 12 ટકા જીએસટી લાગશે જ્યારે કેરમલાઇઝ્ડ પૉપકૉર્ન પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.
- વીમા ક્ષેત્રે કોઈ રાહત નથી મળી. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાનો કોઈ નિર્ણય નથી લેવાયો.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો-હાઉસ ખાતેના એક મકાનમાં શનિવારે વહેલી સવારે પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમને અમદાવાદ ખાતેની સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખેસડાયા છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે તેમજ અન્ય આરોપીઓને ધરપકડ કરવાના પ્રયાસ ચાલુ છે.
બ્લાસ્ટની માહિતી મળતાં ઘટનાસ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત, બૉમ્બ સ્ક્વૉડ અને એફએસએલની ટીમ પહોંચી હતી.
પોલીસે આપેલી માહિતી અનુસાર 'અંગત અદાવત'ને કારણે હુમલો કરાયો હોવાની આશંકા છે.
ઘટના અંગે મળી રહેલ માહિતી અનુસાર સાબરમતીના રહેવાસી બળદેવભાઈ સુખડિયાના ઘરે વહેલી સવારે એક પાર્સલ આવ્યું હતું.
બળદેવભાઈએ ઘટનાસ્થળે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ઍડ્વોકેટ ક્લાર્ક છે.
તેમણે કહ્યું હતું કે તેમણે કોઈ ઓનલાઇન પાર્સલ મગાવ્યું ન હોવા છતાં તેમના ઘરે પાર્સલ આવતાં તેમને શંકા ગઈ હતી. તેઓ કહે છે કે, "હું પાર્સલ લઈને આવનાર વ્યક્તિની પૂછપરછ કરી રહ્યો હતો. તેને પૂછી રહ્યો હતો કે આ કોણે મોકલ્યું અને મોકલનાર વ્યક્તિ કોણ છે. તે સમયે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો."
ઘટનામાં પાર્સલ લઈને આવનાર તેમજ પરિવારના લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.
સમગ્ર મામલા અંગે મીડિયા સાથેની વાતચીતમાં ઘટના અંગે માહિતી આપતાં અમદાવાદ શહેર સૅક્ટર-1 જૉઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે. "પાર્સલમાં બ્લાસ્ટથી બે લોકોને ઈજા થઈ છે. અંગત અદાવતમાં બ્લાસ્ટ કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. ભોગ બનનારે પોલીસને જણાવ્યા અનુસાર પાર્સલ આપવામાં આવ્યું ત્યારે બે લોકોએ દૂર ઊભા રહીને રિમોટકંટ્રોલમાં સ્વીચ દબાવતાં બ્લાસ્ટ થયો હતો."
નીરજ બડગુજરે સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્સલ ડિલિવરી કરવા આવનાર ગૌરવ ગઢવી નામની વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.
"એફએસએલની ટીમે ઘટનાસ્થળ પરથી બૅટરીના અવશેષો તેમજ રિમોટકંટ્રોલ કબજે લીધું છે. આગળની તપાસ ચાલી રહી છે.આ મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. બળદેવભાઈને થોડાક સમય પહેલાં હત્યાની ધમકી મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપીઓ ડી-કૅબિન રહેતા હોવાનું જાણવા મળ્યું છે."
અમિત શાહની આંબેડકર અંગેની ટિપ્પણી મામલે માયાવતીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ઇમેજ સ્રોત, ANI
સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર પર આપેલા નિવેદન બાદ દેશમાં રાજકીય ઘમસાણની શરૂઆત થઈ ગઈ છે.
હવે અમિત શાહના નિવેદન અંગે ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને બીએસપી પ્રમુખ માયાવતીએ 24 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં આંદોલન કરવાની વાત કરી છે.
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, "દેશના દલિત, વંચિત તેમજ અન્ય ઉપેક્ષિતોના આત્મસન્માન અને માનવીય હકો માટે અતિ માનવતાવાદી અને કલ્યાણકારી બંધારણ સ્વરૂપે ઑરિજિનલ ગ્રંથના ઘડવૈયા બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભગવાનની માફક પરમ પૂજનીય છે. અમિત શાહ દ્વારા તેમના અપમાને લોકોનાં દિલને ઠેસ પહોંચાડી છે."
તેમણે કહ્યું, "આવા મહાપુરુષ અંગે સંસદમાં બોલાયેલા અપશબ્દોથી સમગ્ર દેશમાં સર્વસમાજના લોકો ઘમઆ આક્રોશિત અને આંદોલિત છે. આંબેડકરવાદી બીએસપીએ આ ક્રમમાં પોતાનું નિવેદન પાછું ખેંચવા અને પશ્ચાતાપ કરવાની માગ કરી છે, જેના પર અત્યાર સુધી અમલ નથી કરાયો."
માયાવતીએ કહ્યું કે, "આવી સ્થિતિમાં માગ ન પૂરી થવાને કારણે ફરી એક વાર સમગ્ર દેશમાં અવાજ ઉઠાવવાની વાત બીએસપી દ્વારા કરાઈ. તેથી હવે પાર્ટીએ માગના સમર્થનમાં 24 ડિસેમ્બર 2024ના રોજ દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે. એ દિવસે દેશનાં તમામ જિલ્લા મુખ્યાલયો ખાતે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરાશે."
જર્મની: ક્રિસમસ માર્કેટમાં ગાડી ઘૂસતાં બેનાં મૃત્યુ અને 68 ઘાયલ, સાઉદી નાગરિકની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીના મૅગડેબર્ગમાં ક્રિસમસની બજારમાં ગાડી ઘૂસી ગઈ હતી, જેના કારણે ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 68 અન્ય ઘાયલ થયા છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં ફૂટેજમાં એક સાંકડી ગલીમાં પૂરપાટ ઝડપે ઘૂસતી કારને જોઈ શકાય છે. વીડિયોમાં અનેક લોકો આ ગાડીની અડફેટે ચઢતા જોઈ શકાય છે.
સ્થાનિક અધિકારીઓનું કહેવું છે, "અમને આશંકા છે કે આ જાણીજોઈને કરવામાં આવેલો હુમલો છે."
સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે હુમલા પાછળનો હેતુ શું છે તે નિર્ધારિત કરવું એ તેમની પ્રાથમિકતા છે.
ટીવી પરનાં દૃશ્યોમાં પોલીસને ધરપકડ વેળાએ એક શખ્સ તરફ બંદૂક તાકતી જોઈ શકાય છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે, તે સાઉદી મૂળનો નાગરિક છે, જે વર્ષ 2006થી જર્મનીમાં રહે છે.
જર્મનીના ગૃહમંત્રીએ ગયા મહિને જ ક્રિસમસના અનુસંધાને બજારોમાં વિશેષ સતર્કતા જાળવવા સૂચના આપી હતી.
સ્પેન અને યુકેએ આ ઘટના ઉપર આઘાત વ્યક્ત કર્યો છે અને સતર્કતા વધારી છે.
અણિના સમયે અમેરિકામાં શટડાઉન અટક્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં બજેટ પાસ ન થવાને કારણે શુક્રવાર મધ્ય રાત્રિથી સંઘીય સરકારનું શટડાઉન શરૂ થવાનું હતું. જોકે, તેની ત્રણેક કલાક પહેલાં જ ડૉનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના નિયંત્રણવાળા હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવ્ઝે બજેટ ડીલ ઉપર મંજૂરીની મહોર મારી હતી.
આ પહેલાં બે બજેટ ઉપર સહમતિ સાધી નહોતી શકાઈ. અમેરિકાની રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીના વિજેતા ડૉનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થક ધનિક ઇલોન મસ્કે એ મુસદ્દાઓની ટીકા કરી હતી.
ટ્રમ્પ ઇચ્છતા હતા કે દેવાની ટોચમર્યાદા વધારવામાં આવે, પરંતુ મંજૂર થયેલા બજેટમાં તેની જોગવાઈ કરવામાં નથી આવી. સત્તારૂઢ જો બાઇડનનો પક્ષ તેને પોતાના વિજય તરીકે જુએ છે.
આ બજેટ ઉપર સેનેટની મંજૂરી જરૂરી છે. જ્યાં માત્ર એક સભ્ય પણ આ બજેટના મુસદ્દાનો વિરોધ કરી શકે છે, ત્યાં આવતા વર્ષે જ ચર્ચાઓ હાથ ધરાશે.
એ સમય સુધી સરકારી ફંડ મળતું રહેશે. સેનેટ બિલને પસાર કરશે એટલે તે મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે જશે.
ઉલ્લેખનીય છે કે તા. 20 જાન્યુઆરીના રોજ ડૉનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળશે. જેમાં ઇલોન મસ્કને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
સહકારી મંડળીઓને કરોડોની આઈટી નોટિસ
અમરેલી જિલ્લાની પાંચ સહકારી મંડળીઓને ઇન્કમટૅક્સ રિટર્ન નહીં ભરવા બદલ આવકવેરા ખાતા દ્વારા નોટિસો કાઢવામાં આવી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી ફારુખ કાદરી જણાવે છે કે નેસડી, ડેડકડી, મઢડા, પીઠવડી અને ભુવા સહકારી મંડળીઓને નોટિસો કાઢવામાં આવી છે.
આ સહકારી મંડળીઓને રૂ. 19 લાખથી લઈને દસ કરોડ સુધીની નોટિસો કાઢવામાં આવી છે. બીજી બાજુ આ મંડળીઓનાં ભંડોળ અમુક લાખ રૂપિયાનાં જ છે.
નોટિસને કારણે ખેડૂતોના ધિરાણ તથા આર્થિક વ્યવહારો અટકી ગયા હોવાનું પણ કાદરી ઉમેરે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન સહકારને કેન્દ્રીય સ્તરે અલગ મંત્રાલય તરીકે ઊભું કર્યું હતું અને અમિત શાહને તેના મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્તમાન સરકારમાં પણ તેઓ જ આ મંત્રાલય સંભાળી રહ્યા છે.
સ્થાનિક અગ્રણીઓએ આ અંગે રાજ્ય તથા કેન્દ્રીય સ્તરે રજૂઆત કરવા તજવીજ હાથ ધરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













