જામનગર : ડૉક્ટરનું હૃદયરોગથી મોત, ઍટેક પહેલાંનાં લક્ષણો જણાય તો કેવા ટેસ્ટ કરાવવા જોઈએ?

ભારતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયની બીમારીઓને કારણે મૃત્યુની ઘણી ઘટનાઓ બની છે.

લોકોને અચાનક બેઠાં-બેઠાં, નાચતાં, કસરત કરતી કે ક્રિકેટ રમતી વખતે હાર્ટ ઍટેક થયાના અહેવાલો આવતા રહે છે.

તાજેતરમાં જામનગરના જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે હૃદયરોગના હુમલામાં મોત થયું હતું.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જામનગરની એમ. પી. શાહ મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. નંદિની દેસાઈએ કહ્યું હતું કે, “મંગળવારે સવારે ચાર વાગ્યે ડૉ. ગાંધીને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તેમને તેઓ જ્યાં પ્રૅક્ટિસ કરે છે એ જ હૉસ્પિટલે લઈ જવાયા હતા. કાર્ડિયોગ્રામ બાદ તેમની એસિડિટી માટે સારવાર કરાઈ હતી. તે બાદ તેમને ઠીક અનુભવાતાં તેમને ઘરે પાછા લઈ જવાયા હતા.”

ગાંધીના પરિવાર અનુસાર, સારવાર લીધાના બે કલાક બાદ જ્યારે તેઓ ઘરે હતા ત્યારે તેઓ બાથરૂમ પાસે પડી ગયા અને તેમને જી. જી. હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં શિફ્ટ કરાયા હતા.

ડૉ. દેસાઈએ કહ્યું કે, “તેઓ હૉસ્પિટલે પહોંચ્યાની 45 મિનિટમાં જ મૃત્યુ પામ્યા હતા. પોસ્ટમૉર્ટમ થયું છે, જેના રિપોર્ટો આવવાના બાકી છે, પરંતુ પ્રાથમિક નિરીક્ષણથી લાગે છે કે ડૉ. ગાંધીને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.”

તેમની સાથે કામ કરતા લોકો અનુસાર તેઓ સોમવારે ‘એકદમ સ્વસ્થ’ લાગી રહ્યા હતા, તેમજ તેમણે એ દિવસે પોતાનું કામ પણ ચાલુ રાખ્યું હતું.

‘સાવ સ્વસ્થ લાગી રહેલા’ ડૉક્ટરના મૃત્યુથી દાક્તરી આલમમાં ‘આશ્ચર્યનું મોજું’ ફરી વળ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

ત્યારે આપણે આ હાર્ટ ઍટેક પહેલાંનાં લક્ષણો માટે કયા પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ તે વિશે વિગતે જાણીએ.

શું કહેવું છે ડૉક્ટરનું?

જામનગરના ડૉ. એસ.એસ. ચેટરજીએ હાર્ટ ઍટેકનાં લક્ષણો માટે કયા પ્રકારના ટેસ્ટ કરાવવા એ અંગે વાત કરતાં કહ્યું છે કે, “હાર્ટ ઍટેકનાં મુખ્ય લક્ષણો- જેવાં કે છાતીમાં દુખાવો, ગભરામણ જેવું લાગવું, દબાણ લાગવું, છાતીમાં દુખાવાની સાથે ડાબા હાથની કોણી અને કાંડામાં ઝણઝણાટી થવી અથવા ખાલી ચડી જવી, ગરદનમાં દુખાવો થવો, પરસેવો થવો તેમજ ઊલટી અને ચક્કર આવવા જેવી સ્થિતિ ઊભી થાય છે.”

“આ પ્રકારનાં લક્ષણો દેખાય ત્યારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે 35 વર્ષથી વધુની ઉંમરના લોકો જેમને ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની તકલીફ પહેલાંથી જ હોય તેમણે છ મહિને એક વાર કાર્ડિયોગ્રામ, શુગર અને લીપીડ પ્રોફાઇલના ટેસ્ટ ફરજિયાત કરાવવા જોઈએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “જે વ્યક્તિના બ્લડ રિલેશનમાં કોઈને ડાયાબિટીસ હોય તેમણે વર્ષે એક વાર તમામ ટેસ્ટ કરાવવા જોઈએ. ઉપરાંત હાર્ટ ઍટેકનાં મુખ્ય લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ભાગ્યે જ ડૉ. ગાંધી જેવા કેસ હોય છે જેમાં હાર્ટ ઍટેકનાં લક્ષણોની ખબર ના પડી હોય.”

હૃદયરોગની નિદાન માટે માત્ર ઈસીજી પૂરતું છે?

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મોટા ભાગના દરદીઓને હૃદયરોગનાં મુખ્ય લક્ષણો જેવાં કે હાથ, ગરદન, જડબા અને છાતીમાં દુખાવો, ચક્કર આવવા, ગભરામણ થવી અને પરસેવો થવાનો અનુભવ થતો નથી. કેટલાક કિસ્સામાં નિયમિત ગૅસ જેવી સ્થિતિ લાગ્યા કરે છે, તેથી લોકો તેને ગણકારતા નથી.

10 નવેમ્બર, 2015ના રોજ અમેરિકન મેડિકલ ઍસોસિયેશનના જર્નલમાં 45થી 84 વર્ષની વયના લગભગ 2,000 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ તમામ લોકો પરીક્ષણ સમયે કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મુક્ત હતા. જેમાંથી આઠ ટકાને માયોકાર્ડિયલ સ્કાર્સ થયા હતા, જે હાર્ટ એટેકના પુરાવા છે. આમાંથી લગભગ 80 ટકા લોકો તેનાથી અજાણ હતા.

આપણે ત્યાં એક ખોટી માન્યતા છે કે ઈસીજી એ હૃદયરોગની તપાસ માટેનું એકમાત્ર નિદાનનું સાધન છે. આ સાથે બીજી એક ખોટી માન્યતા એ છે કે ઈસીજીથી માત્ર જૂના હૃદયરોગનું નિદાન થઈ શકે છે. જૂની હૃદય સંબંધી ઘટનાઓ અથવા દરદીના પરીક્ષણ સમયે હાર્ટ ઍટેક આવે, ત્યારે આપણે સાધારણ ઈસીજીથી સાઇલન્ટ હૃદયરોગનું નિદાન કરી શકતા નથી.

સાઇલન્ટ હૃદયરોગને ચકાસવા માટે ઈસીજી સિવાયના અન્ય કેટલાક ટેસ્ટની સલાહ આપવામાં આવે છે. તેની ખાતરી કરવા માટે ટ્રોપોનિન ટી અથવા ટ્રોપ ટી ટેસ્ટ કરાવવો જોઈએ. તે લોહીમાં ટ્રોપોનિન ટી અથવા ટ્રોપોનિન આઈ પ્રોટીનનું સ્તર માપે છે.

સામાન્ય રીતે ઍટેક બાદ જ્યારે પ્રોટીન રિલીઝ થાય છે, ત્યારે હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે. હૃદયમાં જેટલું વધારે નુકસાન થાય, તેટલું જ લોહીમાં ટ્રોપોનિન ટીનું પ્રમાણ વધે છે. આ કાર્ડિયાક ઇવેન્ટનું ચોક્કસ માર્કર છે. તેથી દરદીને થોડા કલાકો માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે.

સાઇલેન્ટ બ્લૉકેજની ખબર કેવી રીતે પડે?

આવા જ મહત્ત્વપૂર્ણ ટેસ્ટમાંથી એક ઇકોકાર્ડિયોગ્રાફી છે, જે હૃદયનું 10 મિનિટનું અલ્ટ્રાસાઉન્ડ છે. આ એક સરળ ઓપીડી પ્રક્રિયા છે.

બીજી પ્રક્રિયા ટ્રેડમિલ ટેસ્ટ અથવા આપણે જેને એક્સસાઇઝ ટ્રેડ ટેસ્ટ કહીએ છીએ. જો આ બંને ટેસ્ટમાં કેટલીક અસામાન્યપણું જોવા મળે તો હૃદયરોગના નિષ્ણાતો ઝડપથી બીજા ટેસ્ટ કરવવાની સલાહ આપે છે.

ટ્રેડમિલ ટેસ્ટ અથવા ટીએમટી એ એક સરળ ટેસ્ટ છે, જેમાં દરદીઓ તેમની વ્યાયામક્ષમતા મુજબ ટ્રેડમિલ મશીન પર ચાલે છે.

જો કસરત દરમિયાન ઈસીજીમાં કોઈ પણ ફેરફાર જોવા મળે, તો તે કોઈ સમસ્યાનો સંકેત છે. પરંતુ લગભગ દસ-20 ટકા કેસોમાં ટીએમટી ખોટી રીતે હકારાત્મક અથવા નકારાત્મક પણ હોઈ શકે છે, તેથી કાર્ડિયોલૉજિસ્ટ માત્ર ટીએમટી પર આધાર રાખતા નથી.

જો આ સમસ્યા જોખમકારક હોય અને જો હૃદયરોગનાં લક્ષણો ખૂબ જ લાક્ષણિક હોય, તો વિવિધ ટેસ્ટની સલાહ આપવામાં આવે છે.

ત્રીજો સૌથી મહત્ત્વપૂર્ણ ટેસ્ટ કૅલ્શિયમ સ્કોરિંગ છે, જે ધમનીઓમાં બાઝેલા ટુકડાને મૅપ કરે છે. જો તેનો સ્કોર 100થી વધારે હોય તો તેનો અર્થ એ થાય છે કે દરદીને ગંભીર હૃદયરોગનું જોખમ વધુ છે. પરંતુ આ ટેસ્ટની સારી બાબત એ છે કે તેનું તબીબી હસ્તક્ષેપ ઝડપથી કરી શકાય છે.

કાર્ડિયોલૉજિસ્ટમાં તણાવનું પ્રમાણ વધુ?

એક વૈશ્વિક સરવેનાં પરિણામો અનુસાર એક ચતુર્થાંશ કરતાં વધુ કાર્ડિયોલૉજિસ્ટ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત, પ્રાથમિક ચિંતા અને તાણથી ગ્રસ્ત હોય છે.

નોંધનીય છે કે હૃદયરોગનાં ઘણાં કારણોમાં ઉપરોક્ત સમસ્યાઓ પણ સામેલ છે.

આ સરવેનાં વરિષ્ઠ લેખિકા એસ. મહેતા કૉલમ્બસમાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી વેક્સનર મેડિકલ સેન્ટર સાથે સંકળાયેલાં ડૉક્ટર છે.

તેમણે આ સરવેનાં તારણો વિશે કહ્યું હતું કે, “આ પ્રમાણ માટે આપણે કાર્ડિયોલૉજી સાથે સંકળાયેલા માનસિક આરોગ્યનાં પાસાં અંગે વિચારતા નથી એ જવાબદાર હોઈ શકે.”

સરવેનાં તારણો અનુસાર આ મામલામાં માનસિક આરોગ્ય, મનોવૈજ્ઞાનિક તાણ સંબંધિત મામલા 76 ટકા હતા. આ મામલામાં મોટા ભાગે કારકિર્દીની શરૂઆત કરનારા લોકો અને મહિલાઓ સામેલ હતાં.

સરવેનાં તારણો મુજબ ઘણા કાર્ડિયોલૉજિસ્ટ આ સમસ્યાને લઈને વાત કરતા ન હોવાનું પણ સામે આવ્યું હતું.

ડૉ. ગાંધીના કિસ્સાને ધ્યાને રાખીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ભૂતપૂર્વ વડા ડૉ. દિલીપ માવળંકર કહે છે કે, “ડૉ. ગાંધી એક કાર્ડિયોલૉજિસ્ટ હોવાના કારણે તેમની કામની પરિસ્થિતિ વધુ તાણ સર્જે તેવી જરૂર હતી. ઘણા ડૉક્ટરો પણ પોતાના કામની રોજબરોજ સ્થિતિનો સામનો કરવાના કારણે સ્ટ્રેસમાં વધારો થવાની સમસ્યાથી પીડાતા હોય છે.”