'મિનિટોમાં જ બધું સળગી ગયું', લગ્નપ્રસંગમાં આગ લાગતાં 100 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
ઇરાકના સૌથી મોટા ક્રિસ્ટિયન નગરમાં લગ્ન સમારોહમાં આગ ફાટી નીકળતાં 100 લોકોનાં મોત થયાં છે અને 150 લોકો ઘાયલ થયા છે.
કારાકોશમાં સમારોહ જે હોલમાં યોજાઈ રહ્યો હતો તેમાં સંખ્યાબંધ લોકો ઉજવણી કરી રહ્યાં હતાં. એ સમયે એકાએક આગ ફાટી નીકળી હતી.
એ હજી સુધી જાણી શકાયું નથી કે આગ કેમ લાગી ગઈ પરંતુ કેટલાક અહેવાલો અનુસાર સમારોહમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાની ચિનગારીઓથી હૉલની છતમાં આગ લાગી અને પછી એ નીચે પડી ગઈ અને પછી આગ ફાટી નીકળી.
ઇરાકના સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટે કહ્યું કે, “આગના લીધે હૉલની છતનો કેટલોક ભાગ નીચે પડી ગયો, કેમ કે હૉલમાં ખૂબ જ સસ્તુ અને અત્યંત જ્વલનશીલ બિલ્ડિંગ મટીરિયલ વાપરવામાં આવ્યું હતું.”
હજુ સુધી એ પણ નથી જાણી શકાયું કે વર અને વધૂ પણ પીડિતોમાં સામેલ છે કે નહીં.
સોશિયલ મીડિયામાં વાઇરલ ફૂટેજમાં જોઈ શકાય છે કે યુગલ ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યું છે અને પછી ડાન્સ ફ્લોર પર છતનો ભાગ પડવાનો શરૂ થઈ જાય છે.

'મોતનો આંકડો હજુ વધી શકે'

ઇમેજ સ્રોત, Getty Images
ફાયર ફાઇટરો પીડિતોને શોધવા માટે બિલ્ડિંગની કાટમાળમાં ઉપર ચઢતા પણ જોવા મળ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મંગળવારે જ્યારે આગ લાગી ત્યારે તે હૉલમાં સંખ્યાબંધ લોકો હોવાનું પ્રત્યક્ષદર્શીનું કહેવું છે.
34 વર્ષીય ઇમાદ યોહાના જેઓ આગ લાગતા ભાગી ગયા અને બચી ગયા હતા તેમણે કહ્યું, “અમે જોયું કે હૉલમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી છે. જે લોકો બહાર ન આવી શક્યા તેઓ અંદર ફસાઈ ગયા. જેઓ બહાર આવ્યા હતા તેમની હાલત પણ ખરાબ હતી.”
લગ્નમાં આવેલા અન્ય એક મહેમાન રાનિયા વાદે કહ્યું કે તેમના હાથ દાઝી ગયા છે. એકાએક છત પડી અને પછી જ્વાળાઓ ફેલાવવા લાગી.
અન્ય પીડિતો કહે છે કે તેમના પરિવારો પણ પીડિત બન્યા છે. કેટલાક હજુ પણ તેમને શોધી રહ્યા છે.
ઇરાકના વડા પ્રધાને અધિકારીઓને શક્ય તેટલી બધી જ મદદ પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. અને બચાવ કામગીરી માટે પણ કહ્યું હતું.
હજુ સુધી કુલ કેટલાં મોત થયાં અને ઘાયલ એ જાણી શકાયું નથી. માત્ર પ્રાથમિક આંકડો જ બહાર આવ્યો છે. પરંતુ સત્તાધીશોનું કહેવું છે કે મોતનો આંકડો હજુ વધી શકે છે.
પીડિતોનો જ્યાં ઇલાજ થઈ રહ્યો છે ત્યાં ઇરાકી પત્રકારે બીબીસીને જણાવ્યું કે લોકોને બચાવવા માટે સાધન-સુવિધા પૂરતાં નહોતાં અને મોસૂલમાં ઍમ્બ્લુલન્સની સંખ્યા પણ ઓછી છે. મેડિકલ સ્ટાફની પણ અછત છે.
અત્રે નોંધવું કે વર્ષ 2017માં મોસૂલ આઈએસના ત્રણ વર્ષના કબજા બાદ મુક્ત કરાયું હતું.














