You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરબ સાગરમાં 643 કન્ટેનર સાથેનું જહાજ ડૂબ્યું, દરિયામાં કેવી ભયાનક અસર થશે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ન્યૂઝ
કેરળ નજીક અરબી સમુદ્રમાં લાઇબેરિયાનું એક માલવાહક જહાજ MSC ELSA-3 ડૂબી ગયું છે. જહાજમાંથી ઑઇલ સમુદ્રમાં ઢોળાતું હોવાથી કેરળ સરકારે કિનારાના ક્ષેત્રમાં ઍલર્ટની જાહેરાત કરી છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના કારણે હાલમાં કેટલું નુકસાન થયું તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.
લાઇબેરિયાના ધ્વજ સાથેના કાર્ગો શિપમાં કુલ 643 કન્ટેનર હતાં. તેમાંથી 73 ખાલી હતાં. આ કન્ટેનરોમાંથી 13માં કૅલ્શિયમ કાર્બાઈડ રસાયણ ભરેલું હતું જેમાંથી ઍસિટિલિન ગૅસ નીકળે છે.
આ ઉપરાંત જહાજમાં 84.44 ટન ડીઝલ અને 367.1 ટન ફર્નેશ ઑઇલ પણ હતું.
તેથી ખતરાને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે કિનારાવર્તી જિલ્લા, ખાસ કરીને અલાપ્પુઝા, કોલ્લમ, અર્નાકુલમ અને તિરુવનંતપુરમમાં સતર્કતા વધારી દીધી છે.
ગઈ રાતે આ વિસ્તારમાં નવ કન્ટેનર તણાઈ આવ્યાં હતાં જેમાંથી ચાર કન્ટેનર અલાપ્પુઝામાં જુદી જુદી જગ્યાએથી મળી આવ્યાં છે.
માછીમારોને કેવી સૂચના અપાઈ
સરકારે ખાસ કરીને માછીમારોને જહાજ જ્યાં ડૂબ્યું છે ત્યાંથી 20 નૉટિકલ માઈલના દાયરામાં માછલી પકડવાની મનાઈ કરી છે.
મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં એક ઇમર્જન્સી મિટિંગ પછી આ નિર્ણય લેવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ માછીમારોને કહ્યું છે કે તેઓ તણાઈ આવેલાં કન્ટેનરો નજીક ન જાય. "કન્ટેનર દેખાય તો તરત 112 નંબર પર જાણ કરો. ઓછામાં ઓછા 200 મીટરનું અંતર રાખો, ભીડ ન કરો. આ ચીજોને હટાવાતી હોય ત્યારે અધિકારીઓના કામમાં દખલ ન કરો."
ચાલકદળને બચાવી લેવાયું
ગઈકાલે ઇન્ડિયન કૉસ્ટ ગાર્ડે રૅસ્ક્યૂ ઑપરેશન કરીને 24 ચાલકદળના જહાજમાંથી છેલ્લા ત્રણ સભ્યોને બચાવી લીધા હતા. તેમાં કૅપ્ટન અને એન્જિનિયર સામેલ હતા. શનિવારે એક જહાજ એક બાજુ નમી જતું અને ડૂબતું જોવાં મળ્યાં પછી બચાવકાર્ય શરૂ થયું હતું.
આ દરમિયાન ત્રણ આઈસીજી જહાજને ગોઠવવામાં આવ્યાં. 1.5 નૉટિકલ માઇલના અંતરમાં તેલનું ગળતર જોવા મળ્યું હતું. ત્યાર પછી તે 2.2 નૉટિકલ માઇલ સુધી ફેલાઈ ગયું.
ઑઇલનું પ્રદૂષણ ફેલાતું રોકવા માટે મુંબઈથી એક ખાસ જહાજ રવાના કરવામાં આવ્યું છે, જે આ ઑપરેશનમાં મદદ કરશે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કમાન્ડર અતુલ પિલ્લઈ (કોચી)એ બીબીસીને જણાવ્યું કે "અમે આકલન કરવા ડૉર્નિયર વિમાન મોકલ્યું હતું જેણે ઑઇલનું લીકેજ જોતાં જ પ્રદૂષણ રોકવાની કામગીરી શરૂ કરી છે. ઑઇલ સ્પિલ ડિસ્પર્સેન્ટ (ઓએસડી)નો તાત્કાલિક ઉપયોગ કરાયો હતો. જોકે, ગઈકાલે સાંજે અને આજે સવારે આકલન ન થઈ શક્યું કારણ કે ભારે વરસાદને કારણે બહુ અંધારું હતું."
શરૂઆતમાં કેવી તકલીફ પડી?
આ જહાજ અરબી સમુદ્રમાં અલાપ્પુઝા જિલ્લાના થોટ્ટાપલ્લી બંદરથી 14.6 નૉટિકલ માઇલ દૂર ડૂબ્યું છે.
મુખ્ય મંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર આને ટિયર-2 શ્રેણીની આફત ગણવામાં આવે છે, તેથી તેનાં પ્રતિભાવ અને નિવારણ કામગીરી રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ, સંસાધનો અને સુવિધાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. નૅશનલ ઑઇલ ફિલ્ડ પ્રિવેન્શન પ્રોજેક્ટના વડા કૉસ્ટ ગાર્ડના મહાનિર્દેશક છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેઠળ ફૅક્ટરી અને બૉઇલર વિભાગની બે રેપિડ રિસ્પોન્સ ટીમો (RRT)ને પહેલાંથી જ કન્ટેનર કિનારા તરફ તરતાં આવે તો તેનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.
જહાજ જ્યારે એક તરફ નમ્યું ત્યારે લગભગ 100 કન્ટેનર દરિયામાં પડી ગયાં હતાં અને ચોમાસાને કારણે તે હવે કિનારા તરફ આગળ વધી રહ્યાં છે.
જહાજમાં રહેલું ઑઇલ સમુદ્રના ઊંડાણમાં બેસી શકે છે, તેથી કૉસ્ટ ગાર્ડ, નેવી, વન વિભાગ અને ફૅક્ટરી, બૉઇલર વિભાગને જોડીને વિગતવાર કાર્ય યોજના તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
માછલીઓના શરીરમાં રસાયણ પ્રવેશી જશે?
કેરળ યુનિવર્સિટી ઑફ ફિશરિઝ ઍન્ડ ઓશન સ્ટડીઝમાં ઍક્વેટિક એન્વાયર્નમેન્ટલ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર અનુ ગોપીનાથ કહે છે કે આગામી દિવસોમાં પર્યાવરણ, સમુદ્રસૃષ્ટિ અને માછીમારોની રોજીરોટી પર થયેલી અસરનો અંદાજ કાઢવો અશક્ય છે.
તેમણે બીબીસીને કહ્યું કે, "સ્થિતિની ગંભીરતા સમજવા આપણે આંકડાની રાહ જોવી પડશે. કેટલાં કન્ટેનર ખુલ્લાં હતાં, તેમાં કેવાં રસાયણો હતાં તે જાણવું પડશે. માત્ર જહાજમાંથી જ ઑઇલ લીક થયું કે નહીં તે હજુ સ્પષ્ટ નથી."
તેમણે કહ્યું કે, "અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે કન્ટેનરો સ્ટીલનાં બનેલાં છે. આવું હશે તો સમુદ્રીજીવન કે માછીમારોની આજીવિકાને નુકસાન થવાનો ભય નથી. કન્ટેનરોમાં રહેલો સામાન સમુદ્રમાં ફેલાયો નહીં હોય તો ગભરાવાની જરૂર નથી."
"પરંતુ જો રસાયણો સમુદ્રમાં ફેલાય તો આગામી 6થી 12 મહિના સુધી આ વિસ્તાર પર નજર રાખવી પડશે. કારણ કે કૅલ્શિયમ કાર્બાઈડ જેવા રસાયણોને ઍક્વિટિક સિસ્ટમમાં ભળવામાં સમય લાગે છે. આ રસાયણ માછલીઓના શરીરમાં પહોંચે તેવી પૂરી આશંકા છે. તેથી માછીમારોને થોડા સમય માટે ત્યાં માછલી પકડતા રોકવા પડશે. આખા વિસ્તાર પર નજર રાખવી પડશે."
તેઓ કહે છે કે એવી પણ અટકળો છે કે કૅલ્શિયમ કાર્બાઇડ ધરાવતાં 13 કન્ટેનર પાણીના સંપર્કમાં આવે તો ઍસિટિલિન ગૅસની જેમ વિસ્ફોટ કરી શકે છે. તેઓ કહે છે, "કન્ટેનર સ્ટીલનાં બનેલાં છે તેની પુષ્ટિ ન થાય ત્યાં સુધી આપણે સંપૂર્ણપણે ખાતરી કરી શકતા નથી. જો તે સ્ટીલનાં કન્ટેનર હશે તો આગ લાગવાની શક્યતા નહીં રહે."
પ્રોફેસર ગોપીનાથે એમ પણ કહ્યું કે, "અમે રસાયણોની મદદથી ઑઇલને ખતમ કરવાના પ્રયાસ કર્યા છે. પરંતુ ઑઇલનાં લિકેજ પર નજર રાખવી જરૂરી છે. અમને ખબર છે કે અંતે આ ઑઇલ સમુદ્રના તળિયે બેસી જશે અને તેના ઘટક સમુદ્રીજીવોના શરીરમાં જમા થશે. ખાસ કરીને માછલીઓ પર લાંબા સમય સુધી અસર રહેશે જેની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન