You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયાના સિડનીમાં મૉલમાં ચાકુબાજી : પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું – ‘મેં હુમલાખોરને ચાકુ લઈને દોડતા જોયો...’
ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક ભીડભાડવાળા મૉલમાં એક વ્યક્તિ દ્વારા અન્ય લોકો પર ચપ્પુથી કરાયેલા હુમલામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે આ ઘટના વિશે મીડિયા સાથે વાત કરી છે. એક વ્યાકુળ જણાઈ રહેલાં મહિલાએ કહ્યું કે, “એ ગાંડપણ હતું.”
તેમણે તળિયા પર પડેલાં એક ઈજાગ્રસ્ત મહિલાને જોયાં હતા, જે વિશે તેઓ જણાવી રહ્યાં હતાં.
બોંદીના વેસ્ટફીલ્ડ શૉપિંગ સેન્ટર પર ઘટના સમયે ભારે સંખ્યામાં લોકો હાજર હતા. બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી.
એક સાક્ષી ત્યાં નિકટના એક કાફેમાં પોતાનાં બે બાળકો સાથે મોજૂદ હતા. તેમણે જોયું કે એક વ્યક્તિ અંધાધૂંધપણે લોકો પર ચપ્પા વડે હુમલો કરી રહી છે. ઑસ્ટ્રેલિયાના એબીસી ન્યૂઝને તેમણે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે, “આ એક હત્યાકાંડ જેવી ઘટના હતી.”
પોલીસે શું કહ્યું?
આસિસટન્ટ કમિશનર ઍન્થની કુકીએ કહ્યું કે સંદિગ્ધ હુમલાખોર શૉપિંગ મૉલમાં સ્થાનિક સમયાનુસાર બપોરે ત્રણ વાગીને દસ મિનિટે પ્રવેશ્યો હતો. તે બાદ અમુક સમય માટે બહાર ગયો અને દસ મિનિટ બાદ ફરી વાર આવીને લોકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.
હજુ સુધી હુમલાના કારણ અંગે ખબર નથી પડી, પરંતુ પોલીસનું કહેવું છે કે તેના હેતુ તરીકે ઉગ્રવાદની સંભાવનાને નકારી ન કરી શકાય.
આ હુમલો ત્યારે ખતમ થયો જ્યારે ત્યાં ડ્યૂટી પર તહેનાત એક મહિલા પોલીસકર્મીએ હુમલાખોરનો સામનો કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે જણાવ્યું કે હુમલાખોર મહિલા પોલીસ અધિકારી તરફ ચપ્પુ લઈને આગળ વધ્યો, જે બાદ અધિકારીએ તેને ગોળી મારી દીધી.
પ્રેસ કૉન્ફરન્સમાં પોલીસે જણાવ્યું કે હુમલાખોરે ઓછામાં ઓછા નવ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે.
નજરે જોનારાએ શું કહ્યું?
એવું જણાવાઈ રહ્યું છે કે શૉપિંગ મૉલમાં હુમલાખોરે જે લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો, જેમાં એક નવ મહિનાનું બાળક પણ સામેલ છે.
33 વર્ષના જૉનીએ ખરીદી કરતી વખતે હંગામાનો અવાજ સાંભળ્યો. પાછું ફરીને જોતાં તેમને એક શખ્સ એક મહિલા અને બાળક પર હુમલો કરતો દેખાયો.
જૉની કહે છે કે, “તેમના પર ચાકુ વડે હુમલો કરાઈ રહ્યો હતો. ત્યાં ઊભેલી દરેક વ્યક્તિ આઘાતમાં હતી અને ઘટનાનું કારણ નહોતું સમજી શકી રહી.”
તેમણે જણાવ્યું કે ઈજાગ્રસ્ત મહિલા કોઈક રીતે ભાગીને સામેના સ્ટોરમાં ઘૂસી ગયાં અને ત્યાં હાજર સ્ટાફે ફટાફટ દરવાજો બંધ કરી દીધો.
તેમણે કહ્યું કે કેટલાક અન્ય લોકોએ ત્યાં રહેલાં કપડાં અને બીજી વસ્તુઓ મારફતે લોહી વહેતું રોક્યું.
તેઓ કહે છે કે બાળકને ઓછી ઈજા થઈ હતી, પરંતુ મહિલાને વધુ ઈજા થઈ હતી. એ ગભરાયેલાં હતાં.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)