You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
17 વર્ષીય વિદ્યાર્થી કોણ હતો, જેના મોત બાદ ફ્રાન્સમાં હિંસા બેકાબૂ થઈ, 1,300ની ધરપકડ
- લેેખક, નોબેર્તો પારેદેસ
- પદ, સંવાદદાતા, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
છેલ્લા ચાર દિવસથી હિંસામાં સપડાયેલા ફ્રાન્સમાં લાગેલી આગ હવે યુરોપના અન્ય એક દેશ બેલ્જિયમ સુધી પહોંચી ગઈ છે.
ચાર દિવસથી ફ્રાન્સની પોલીસ અને અન્ય સશસ્ત્રદળો હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યાં છે.
પેરિસના એક વિસ્તારમાં નાહેલ એમ નામના કિશોરનું પોલીસની ગોળીથી મોત થયું હતું ત્યાર બાદથી પેરિસમાં ફેલાયેલી હિંસા સતત અન્ય વિસ્તારોમાં પ્રસરી રહી છે.
શનિવારે નાહેલની અંતિમયાત્રામાં હજારો લોકો ન્યાયની માગ સાથે જોડાયા હતા.
શુક્રવારની રાત્રે ફ્રાન્સનાં હિંસાગ્રસ્ત શહેરોના રસ્તાઓ લૂંટફાટ, આગચંપી, જાહેરભવનો પર હુમલાના સાક્ષી બન્યા હતા.
ફ્રાન્સના આંતરિક મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે 1300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે શુક્રવારની રાત સુધી 667 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ફ્રાન્સના ફૂટબૉલર કિલિયન એમબાપે સહિત અનેક સેલેબ્રિટીઝે શાંતિની અપીલ કરી છે પરંતુ તેની કોઈ અસર નથી થઈ.
17 વર્ષી કિશોર નાહેલને પોલીસ અધિકારીએ છાતીમાં ગોળી મારી ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રારંભિક તપાસ મુજબ મોટરસાઇકલ પર સવાર બે પોલીસકર્મીઓ નાહેલ જે ગાડી ચલાવી રહ્યા હતા તેને કાબૂમાં કરવા માગતા હતા. નાહેલ પેરિસના એક વિસ્તારમાં બસલેનમાં સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા.
પોલીસકર્મીઓએ તેમને રેડ લાઇટ પર ગાડી રોકવા કહ્યું પરંતુ તેમણે ફરીથી ગાડી શરૂ કરી હતી. ગોળી ચલાવવાના આરોપી અધિકારીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે છતાં ફ્રાન્સમાં હિંસા રોકાઈ નથી.
અત્યાર સુધી ફ્રાન્સમાં શું-શું થયું સમજો ત્રણ બિંદુઓમાં
કોણ હતો એ છોકરો, જેનું પોલીસની ગોળીથી મોત થયું
નાહેલ આલજીરિયન મૂળનો હતો.
લે પેરિશિયન નામના સ્થાનિક અખબાર અનુસાર પેરિસના નાનતૅર વિસ્તારમાં રહેતાં માતાનો તે એકમાત્ર પુત્ર હતો.
તેણે 2021માં પાસેના જ શહેરમાં લુઈ બ્લૅરૉટ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરીને સર્ટિફિકેટ મેળવવાનો હતો.
સાથે જ પિત્ઝા ડિલિવરીનું પણ કામ કરતો હતો.
સ્થાનિક અખબાર લે પેરિશિયન અનુસાર તે જે ક્લબમાં રગબી રમવા જતો ત્યાંના પ્રેસિડન્ટે કહ્યું કે, "તે સામાજિક રીતે બધા સાથે હળીમળીને રહેવાનો પ્રયત્ન કરતો હતો. તે ડ્રગ ટ્રાફિકિંગ કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નહોતો. "
વકીલો અનુસાર નાહેલને તેના પાડોશમાં પણ લોકો ખૂબ પસંદ કરતા હતા.
ત્યારે નાહેલનાં માતા અનુસાર તે "તેમનાં માટે બધું હતો. "
નાહેલનાં માતા મૌનિયા એમે રાષ્ટ્રીય ટીવી સ્ટેશન બીએફએમટીવીને કહ્યું, " તે મારું જીવન હતો, મારો સૌથી સારો મિત્ર, મારો પુત્ર હતો, એ મારા માટે બધું જ હતો. "
નાહેલના વકીલે કહ્યું કે તેનો કોઈ ગુનાહિત રેકર્ડ નહોતો પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો પોલીસ સાથે ક્યારેેય સામનો ન થયો હતો.
તેમના મૃત્યુ બાદના કલાકો બાદ શહેરના સરકારી વકીલ તરફથી નિવેદન બહાર પડાયું હતું કે "આ કિશોર ન્યાયિકતંત્રની નોંધમાં હતો, ખાસ કરીને કહ્યું ન માનવા માટે. "
ગોળીબાર કરનાર પોલીસ અધિકારીના નિવેદન અનુસાર નાહેલનું મૃત્યુ તેને રોકવાનું કહ્યા છતાં ન માનવા પર જ થયું હશે.
નાનતૅર પરફેક્ચર ટ્રેન સ્ટેશન નજીક મંગળવારે આ ઘટના બની હતી.
પહેલાં પોલીસના સૂત્રોએ સુનિશ્ચિત કર્યું કે વાહન મોટરસાઇકલ પર રહેલા બે પોલીસકર્મીઓ સાથે અથડાયું.
પરંતુ સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયો જેની સમાચાર સંસ્થા એએફપીએ ખરાઈ કરી છે, બતાવે છે કે બે પોલીસઅધિકારીઓ ગાડીના ડ્રાઇવર સામે ઇશારો કરે છે અને પછી ગાડી ચાલુ થતાં પૉઇન્ટ બ્લૅન્ક રેન્જ પર ગોળીબાર કરે છે.
વીડિયોમાં કોઈ કહે છે કે "એ લોકો તારા માથામાં ગોળી મારશે", પરંતુ એની ખરાઈ નથી કરવામાં આવી કે આ અવાજ કોનો છે.નાહેલને છાતી પર ગોળી વાગી ત્યાર બાદ તરત જ તેનું મૃત્યુ થયું.
38 વર્ષીય પોલીસકર્મીને જીવલેણ ગોળીબાર કરવાના આરોપમાં તપાસ માટે અટકાયતમાં લેવાયા છે.
2. "વંશવાદ" અને પોલીસના અત્યાચારો
નાહેલના કેસે ફ્રાન્સમાં પોલીસ કાર્યવાહી અંગેના વિવાદને ફરી ઉજાગર કર્યો છે. ફ્રાન્સમાં રસ્તા પર ચેકપૉઇન્ટ પર ગત વર્ષે 13 લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં.
આ વર્ષે ફ્રાન્સમાં પોલીસ કાર્યવાહીમાં મરનાર નાહેલ બીજી વ્યક્તિ છે.
બે અઠવાડિયા પહેલાં એક 19 વર્ષીય ડ્રાઇવર પર પણ પોલીસે ગોળી ચલાવી હતી. પશ્ચિમ ફ્રાન્સમાં બનેલી આ ઘટનામાં તે ડ્રાઇવરે કથિત રીતે પોલીસ અધિકારીના પગને ટ્રાફિક ચેકિંગ વખતે માર્યો હતો.
માનવ અધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ અને કાઉન્સિલ ઑફ યૂરોપે ફ્રાન્સનાં સુરક્ષાદળો પર પ્રદર્શનો વખતે દમન કરવાનો આક્ષેપ કર્યો છે, જેમાં યેલો વેસ્ટ અને પેન્શનમાં સુધારાને લઈને થયેલા પ્રદર્શન સામેલ છે.
નાહેલના મૃત્યુથી એવું લાગે છે કે આ સમસ્યા ઘણી ગંભીર છે.
તેના મૃત્યુના ત્રણ દિવસ બાદ પણ યુએને ફ્રાન્સને શુક્રવારે વંશવાદની સમસ્યા અને પોલીસદળોમાં વંશીય ભેદભાવને ગંભીરતાથી લેવાનું કહ્યું છે.
યુએન હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ રવીના શામદાસાનીએ કહ્યું કે, "ફ્રાન્સમાં પોલીસદળોમાં જાતિવાદની સમસ્યા અને ભેદભાવની સમસ્યાને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે."
રવીના શામદાસાનીએ કહ્યું કે ફ્રૅન્ચ અધિકારીઓએ એ જોવું પડશે કે હિંસક તત્ત્વો સામે બળપ્રયોગ કરતી વખતે કાયદેસર, જરૂરી અને પ્રમાણસર તથા ભેદભાવરહિત કાર્યવાહી થાય.
3. શહેરી વિસ્તારોની સમસ્યા
નાહેલના મૃત્યુએ ફરીથી ફ્રાન્સમાં મોટાં શહેરોની આસપાસના વિસ્તારો, જેમાં ઝૂપડપટ્ટી આવેલી છે તેમની તરફ ધ્યાન ખેંચ્યું છે. આ વિસ્તારોમાં ગરીબવર્ગના લોકો વસવાટ કરતા હોય છે.
મોન્ટેઇન ઇન્સ્ટિટ્યૂટ માટે લખેલા એક લેખમાં લખ્યું કે, "આ વિસ્તારોમાં વસતા લોકો મોટાભાગે પ્રવાસીઓ હોય છે અને તેમના બેરોજગાર હોવાની શક્યતા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ત્રણ ગણી વધારે હોય છે. "
શહેરની ફરતે આવેલા આ વિસ્તારો નાહેલના મૃત્યુ જેવી ઘટનાઓ બાદ હિંસક પ્રદર્શનોનાં સાક્ષી બને છે. 2005માં પેરિસના એક અન્ય વિસ્તાર ક્લિશ-સૂસ-બૉઇસમાં બે મુસ્લિમ કિશોરો (ઉંમર 15 અને 17 વર્ષ)નાં મૃત્યુ બાદ હિંસકપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં. આ બંને કિશોરો પોલીસથી બચીને ભાગી રહ્યા હતા અને ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં વિજળીના પ્રવાહની ઝપેટમાં આવતાં તેમનું મૃત્યુ થયું હતું.
ફ્રાન્સના તત્કાલીન આંતરિક મંત્રી અને બાદમાં રાષ્ટ્રપતિ બનેલા નિકોલસ સારકોઝીએ પ્રદર્શન શરૂ કરનારાઓને અપશબ્દ કહ્યા હતા.
2017માં પેરિસના જ એક વિસ્તારમાં એક યુવાન પોલીસના હિંસક વર્તનનો ભોગ બન્યો હતો ત્યારે પણ હિંસા ફાટી નીકળી હતી.
હવે નાનતૅરમાં નાહેલનું મૃત્યુ થયાં બાદ ફાટી નીકળેલી હિંસાને કાબૂમાં કરવી સરકાર માટે મુશ્કેલ બની રહી છે.
ફ્રાન્સના સમાજશાસ્ત્રી ફાબિયન ટ્રૂઑંગ યુનિવર્સિટી ઑફ પેરિસ-VIIIમાં પ્રોફેસર છે.
તેમણે લ મૉન્ડ અખબારને કહ્યું હતું કે કેટલાક પ્રદર્શનકારીઓ મૃત્યુ પામેલા કિશોરની ઉંમરના જ છે, તેમની પ્રતિક્રિયા હિંસક એટલે છે કારણ કે તેમને લાગી રહ્યું છે કે તેમાંથી કોઈ એક પીડિત હોઈ શકત.
"આવા વિસ્તારોમાં રહેતા લગભગ બધા કિશોરોની પાસે પોલીસ સાથે બોલાચાલીનો નકારાત્મક અને હિંસક અનુભવ થયો હોવાની યાદો છે."
"આ વિસ્તારોમાં ગરીબી અને અસુરક્ષા એ એક સત્ય છે એટલે જ આ એક રાજનૈતિક ગુસ્સો છે."