ભારત-ચીન વચ્ચે વેપાર ખરેખર કેટલો વધ્યો, કોણ શું વેચે છે અને શું ખરીદે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2020માં જ્યારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં અથડામણ થઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકોએ ચીની સામાનના બહિષ્કારની ઝુંબેશ શરૂ કરી દીધી હતી.
સોશિયલ મીડિયાથી લઈને બજાર સુધી ચીની સામાન ખરીદવાની સલાહ સાથે જ ભારતમાં બનેલા સામાનને જ ખરીદવાનો આગ્રહ આ ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો.
એ અરસામાં જ ચાઇનીઝ માલિક હોય એવી 50થી વધુ ઍપ્લિકેશન્સ ભારત સરકારે પ્રતિબંધિત કરી દીધી હતી. સરકારનું કહેવું છે કે આ ઍપ્લિકેશન્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
આ ઘટનાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ભારતીયોની ચીનમાં બનેલા સામાન પરની નિર્ભરતા વધતી ગઈ છે. ભારત સરકારના આંકડા જ આ કહાણી રજૂ કરે છે.
ભારત અને ચીનના સંબંધોની ચર્ચા ફરી એક વાર થઈ રહી છે. સરહદે પેટ્રોલિંગના મામલે સમાધાન પછી હવે પીએમ નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રશિયાના કઝાનમાં દ્વિપક્ષીય વાતચીત પણ કરી ચૂક્યા છે.
પાંચ વર્ષ બાદ મોદી અને જિનપિંગની દ્વિપક્ષીય મુલાકાત થઈ છે. એ પહેલાં બંને નેતાઓ વચ્ચે ઑક્ટોબર 2019માં આ રીતે મુલાકાત થઈ હતી, જ્યારે જિનપિંગ ભારત આવ્યા હતા.
પાંચ વર્ષમાં શું બદલાયું?

આ પાંચ વર્ષમાં બંને દેશોના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. વર્ષ 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને સરહદ પર તણાવ વધી ગયો હતો.
આ તણાવ સાથે જ બંને દેશો વચ્ચેનો વેપાર પણ નોંધપાત્ર રીતે વધ્યો અને 2024 સુધીમાં તે એટલો વધી ગયો કે ભારત સાથેના વેપારના મામલે ચીને અમેરિકાને પણ પાછળ રાખી દીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનની અર્થવ્યવસ્થામાં મંદી, સ્થાનિક વપરાશમાં ઘટાડો અને પશ્ચિમી દેશો સાથે વધતા અવરોધ વચ્ચે ભારતનું બજાર ચીન માટે વધુ મહત્ત્વનું બની ગયું છે.
નોંધનીય બાબત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીનમાંથી ભારતમાં થતી આયાતમાં ઉછાળો આવ્યો છે.
ગત મહિને જ્યારે વિદેશમંત્રી એસ. જયશંકરને ભારત અને ચીન વચ્ચેના વેપાર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, “આ મુદ્દો જટિલ છે અને તેમાં બ્લૅક ઍન્ડ જેવું કંઈ નથી.”
ભારત-ચીન વેપારના તાજા આંકડા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2024માં ચીને બે વર્ષ બાદ ફરી ભારતના સૌથી મોટા સહયોગીનું સ્થાન હાંસલ કર્યું હતું. વર્ષ 2023માં ચીનનું સ્થાન અમેરિકાએ લીધું હતું.
વેપાર મુદ્દે મે 2024માં ગ્લોબલ ટ્રેન્ડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઈ)એ આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અનુસાર, 2024માં નાણાકીય વર્ષમાં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 118. અબજ ડૉલર રહ્યો છે.
જીટીઆરઆઈના રિપોર્ટ અનુસાર, ભારતે ચીનથી થતી આયાતમાં કમી લાવવા માટે ઍન્ટી ડમ્પિંગ ટૅક્સ અને ક્વૉલિટી કંટ્રોલ સંબંધિત નિયમો લાગુ કર્યા છે. પરંતુ તેની કોઈ અસર ભારતની આયાત પર જોવા મળી નથી.
જોકે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવીનતમ ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં એપ્રિલથી ઑગસ્ટ સુધી, અમેરિકા એ ચીન કરતાં નજીવા માર્જિનથી આગળ નીકળી ગયું છે અને ટોચ પર છે.
આ સમયગાળા દરમિયાન, અમેરિકા અને ભારત વચ્ચે કુલ 53 અબજ ડૉલરનો વેપાર થયો છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે 52.43 અબજ ડૉલરનો વેપાર થયો છે.
ચીન ભલે થોડા માર્જિનથી અમેરિકાથી પાછળ હોય પરંતુ નિકાસની દૃષ્ટિએ તેણે અમેરિકા કરતાં બમણી નિકાસ કરી છે.
એપ્રિલથી ઑગસ્ટ સુધીમાં ચીને ભારતને 46.6 બિલિયન ડૉલરનો સામાન મોકલ્યો હતો, જ્યારે અમેરિકાએ ભારતને 19 બિલિયન ડૉલરનો સામાન મોકલ્યો હતો.
આ પાંચ મહિનામાં ભારતે ચીનને માત્ર 5.7 અબજ ડૉલરનો સામાન મોકલ્યો હતો, જે આયાતના માત્ર 8 ટકા છે.
જ્યારે આ જ સમયગાળા દરમિયાન ભારતે અમેરિકાને લગભગ 34 અબજ ડૉલરનો માલ મોકલ્યો હતો, જે આયાતના લગભગ 180 ટકા છે.
તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે વેપારની સ્થિતિ શું હતી?
એપ્રિલ 2020થી, વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધવા લાગ્યો અને જૂન સુધીમાં, ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ.
આ સંઘર્ષને છેલ્લા ચાર દાયકામાં સૌથી ગંભીર સંઘર્ષ તરીકે વર્ણવવામાં આવ્યો હતો અને તેમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.
ભારત તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની સેનાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે, પરંતુ અત્યાર સુધી ચીને ક્યારેય તેના સૈનિકોને થયેલા નુકસાનની કોઈ વિગતો આપી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ચીન સાથેના વેપારને લગતા વર્ષના આંકડા જાહેર કર્યા છે.
2019: આ તણાવ પહેલાંનું નાણાકીય વર્ષ છે. આ વર્ષમાં ભારત અને ચીન વચ્ચે લગભગ 82 અબજ ડૉલરનો વેપાર થયો હતો. જેમાં આયાત 65 અબજ ડૉલર અને નિકાસ 16 અબજ ડૉલરની હતી.
2020: તણાવના એક પછી પણ વેપારમાં 5 ટકાનો વધારો થયો છે. આ વર્ષે બંને દેશો વચ્ચે લગભગ 86.5 અબજ ડૉલરનો વેપાર થયો હતો. જેમાં આયાત 65 અબજ ડૉલરથી વધુ અને નિકાસ 21 અબજ ડૉલરની હતી.
2021: આ વર્ષમાં ભારત અને ચીન વચ્ચેના વેપારે સદી ફટકારી હતી. બંને દેશો વચ્ચે 115 અબજ ડૉલરનો વેપાર થયો હતો અને ગત વર્ષની સરખામણીમાં લગભગ 34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન નિકાસ આગળના વર્ષની જેમ જ 21 બિલિયન ડૉલર રહી હતી, પરંતુ આયાત 45 ટકા વધીને 94.5 બિલિયન ડૉલર સુધી પહોંચી હતી.
2022: આ વર્ષે વેપારમાં 1.74 ટકાનો ઘટાડો થયો અને આ આંકડો 113 બિલિયન ડૉલર પર અટકી ગયો હતો. આ વર્ષે નિકાસમાં 28 ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો પરંતુ આયાત 4 ટકા વધીને 98.5 અબજ ડૉલર થઈ હતી.
2023: ગત વર્ષે ભારત અને ચીન વચ્ચેનો વેપાર છેલ્લા પાંચ વર્ષમાં 118 બિલિયન ડૉલરના રેકૉર્ડ સ્તરે પહોંચ્યો હતો. પાંચ વર્ષમાં પ્રથમ વખત, આયાત 101 બિલિયન ડૉલર સુધી પહોંચી અને નિકાસ માત્ર 16.6 બિલિયન ડૉલર હતી.
ભારત ચીન પાસેથી શું ખરીદે છે અને શું વેચે છે?

ઇમેજ સ્રોત, Getty Images
2023માં ચીન એ ભારત માટે સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે. ભારતે ચીનમાંથી કુલ આયાતના 13 ટકા આયાત કર્યા છે.
સરળ શબ્દોમાં કહીએ તો, રૂ. 100ની કિંમતના કુલ વિદેશી સામાનમાંથી ભારત એકલા ચીન પાસેથી રૂ. 13નો સામાન ખરીદે છે. સવાલ એ છે કે એ કઈ વસ્તુઓ છે જેના માટે ભારતને ચીન તરફ જોવાની મજબૂરી છે?
ખર્ચ પ્રમાણે જોઈએ તો, ભારત વર્ષ 2023-24માં ઇલેક્ટ્રિકલ મશીનરી, સાધનો અને તેમના પાર્ટ્સ માટે ચીન પર સૌથી વધુ નિર્ભરતા ધરાવે છે. આમાં સાઉન્ડ રેકૉર્ડર, ટીવી અને તેના પાર્ટ્સનો સમાવેશ થાય છે.
બીજા નંબરે પરમાણુ રિઍક્ટર, બોઇલર, મશીનરી અને તેના ભાગોનો સમાવેશ થાય છે.
ટૉપ ટેનની વાત કરીએ તો તેમાં પ્લાસ્ટિક અને તેને લગતી ચીજવસ્તુઓ, ઑર્ગેનિક રસાયણો, ખાતરો, લોખંડ અને સ્ટીલનો સામાન, વાહનના પાર્ટ્સ અને ઍલ્યુમિનિયમનો સમાવેશ થાય છે.
પરંતુ ભારત ચીનને શું મોકલે છે?
ભારત ચીનને સૌથી વધુ ઍરક્રાફ્ટ, સ્પેસક્રાફ્ટ અને તેનો સામાન વેચે છે.
ટૉચની દસ ચીજો જોઈએ તો ભારત ઍલ્યુમિનિયમ ઉત્પાદનો, કપડાં, લોખંડ અને સ્ટીલ, ચામડાની ચીજવસ્તુઓ, હૅન્ડબેગ્સ અને તેના જેવી વસ્તુઓ, રેશમ, પથ્થર, સિમેન્ટ, પ્લાસ્ટર જેવી ચીજો ચીનમાં નિકાસ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












