You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્યકુમાર અને રિંકુ સિંઘની આક્રમક અડધી સદીઓ છતાં ભારત દક્ષિણ આફ્રિકા સામે કેમ હાર્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મૅચોની ટી20 શ્રેણીની બીજી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
આ મૅચમાં પણ ભારતને વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને ડકવર્થ લુઇસના નિયમને આધાર બનાવીને દક્ષિણ આફ્રિકાને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે આ શ્રેણીની પહેલી મૅચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
આવતા વર્ષે રમાનાર ટી20 વર્લ્ડકપ પહેલા ભારતને જૂજ મૅચો રમવાની છે અને ભારતે આ પ્રવાસમાં પણ ટી20માં પોતાના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહ, શમી વગેરેને આરામ આપ્યો છે.
આ શ્રેણીમાં પણ ભારતની આગેવાની સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે.
રિંકુ સિંઘ અને સૂર્યકુમારની દમદાર બેટિંગ
વરસાદી વાતાવરણમાં દક્ષિણ આફ્રિકાના ગેબેર્હાના સેન્ટ જ્યૉર્જ પાર્કમાં રમાયેલી આ મૅચમાં દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.
બીમાર હોવાને કારણે ઓપનિંગ બૅટ્સમૅન ઋતુરાજ ગાયકવાડ આ મૅચમાં રમ્યા નહોતા.
ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઓપનિંગ કરી હતી, પરંતુ ભારતની શરૂઆત અતિશય ખરાબ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે ઓવરના અંતે જ ભારતે 6 રનના સ્કોરે જ બે વિકેટો ગુમાવી દીધી હતી. બંને ઓપનરો યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જલદી આઉટ થઈ ગયા.
ત્યારબાદ તિલક વર્માએ 29 રન નોંધાવ્યા હતા.
જોકે, પછી સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહે મોટી ભાગીદારી કરી હતી અને ભારતનો સ્કોર 180 રન સુધી પહોંચાડ્યો હતો.
સૂર્યકુમાર યાદવે 36 બૉલમાં 56 રન નોંધાવ્યા હતા જ્યારે રિંકુ સિઁઘે 39 બૉલમાં 68 રન બનાવીને કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રિંકુ સિંઘ નોટઆઉટ રહ્યા હતા.
દક્ષિણ આફ્રિકા તરફથી કોટ્ઝીએ સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી.
ભારતની ઇનિંગમાં અંતિમ ઓવર ફેંકાઈ રહી હતી ત્યારે જ વરસાદ ત્રાટક્યો હતો અને રમત ફરીથી અટકાવી દેવાઈ હતી.
ભારતે સાત વિકેટે 19.3 ઓવરમાં 180 રન નોંધાવ્યા હતા.
વરસાદને કારણે લક્ષ્ય બદલાયું
ભારે વરસાદને કારણે મૅચ નિર્ધારિત સમયે શરૂ કરી શકાઈ ન હતી અને ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો.
દક્ષિણ આફ્રિકાએ ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી હતી અને બે ઓવરમાં જ 38 રન ફટકાર્યા હતા. અર્શદીપસિંહની એક ઓવરમાં જ દક્ષિણ આફ્રિકાના ઓપનરોએ 24 રન ફટકાર્યા હતા.
ઓપનર મૅથ્યૂ બ્રીઝને રનઆઉટ કર્યા બાદ પણ દક્ષિણ આફ્રિકાની રન ગતિ અટકી ન હતી અને દક્ષિણ આફિકાએ માત્ર આઠ ઓવરમાં જ બે વિકેટે 96 રન બનાવી લીધા હતા.
13 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે 140 રન બનાવી લીધા હતા ત્યાં ફરીથી વરસાદ ત્રાટક્યો હતો અને પછી મૅચ શરૂ કરી શકાઈ ન હતી.
દક્ષિણ આફ્રિકાને પાંચ વિકેટે વિજયી જાહેર કરવામાં આવ્યુ હતું.
તબરેઝ શમ્સીને કરકસરવાળી બૉલિંગ કરવા બદલ ‘પ્લૅયર ઑફ ધી મૅચ’ જાહેર કરવામાં આવ્યા હતા.
મૅચ બાદ સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
મૅચ બાદ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, “એક સમયે મને એવું લાગતું હતું કે આટલો સ્કોર પૂરતો છે. પરંતુ તેમણે ખૂબ સારી બેટિંગ કરી હતી અને 5-6 ઓવરોમાં જ અમારી પાસેથી મૅચ છીનવી લીધી. ”
તેમણે કહ્યું હતું કે, “ભીના બૉલ સાથે બૉલિંગ કરવી અઘરી પડે છે પણ અમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભવિષ્યમાં પણ અમારી સામે આવો પડકાર આવી શકે છે. એટલા માટે અમારી સામે આ શીખવા માટે આ મહત્ત્વની બાબત છે.”
શ્રેણીની અંતિમ મૅચ હવે જોહાનિસબર્ગમાં 14મી ડિસેમ્બરે ગુરુવારે રમાશે.