ઉત્તરપ્રદેશમાં SIR પછી ડ્રાફ્ટ મતદારયાદી જાહેર, 2.89 કરોડ મતદારોનાં નામ હઠાવાયાં

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તરપ્રદેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ, ચૂંટણીપંચે ડ્રાફ્ટ મતદારયાદી બહાર પાડી છે. આ યાદી મુજબ 2.89 કરોડ મતદારોના નામ હઠાવવામાં આવ્યા છે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે આ યાદી 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાના ભાગ રૂપે તૈયાર કરવામાં આવી હતી, જે 27 ઑક્ટોબર, 2025 ના રોજ શરૂ થઈ હતી.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, યુપીમાં SIRની ગણતરીનો તબક્કો 4 નવેમ્બર, 2025 થી શરૂ થયો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનર નવદીપ રિનવાએ મંગળવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "ઉત્તરપ્રદેશના 15.44 કરોડ મતદારોના મતગણતરી ફોર્મ તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પછી તેમાંથી 2.89 કરોડ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે."
ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર હવે એક મતદાન મથકમાં 1200થી વધુ મતદારો રહેશે નહીં.
પહેલાં, આ સંખ્યા લગભગ 1500 હતી. આથી, નવા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે અને તેના કારણે આ સમગ્ર પ્રક્રિયા માટે વધારે સમય લાગ્યો હતો.
મોહમ્મદ શમીને ચૂંટણીપંચે નોટિસ કેમ આપી?– ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પશ્ચિમબંગાળમાં મતદાર યાદીના એસઆઈઆર હેઠળ ચૂંટણીપંચ દ્વારા સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે.
આ મામલે તેમના ભાઈ મોહમ્મદ કૈફને પણ નોટિસ જાહેર કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણીપંચના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે શમી અને તેમના ભાઈના ઉમેદવારી ફોર્મમાં નાની ભૂલો હતી. આ ભૂલોને સુધારવા માટે તેમની વ્યક્તિગત હાજરી જરૂરી હતી.
શરૂઆતમાં સુનાવણી 5 જાન્યુઆરીએ થવાની હતી, પરંતુ શમીએ કમિશનને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં હોવાથી તે દિવસે ઉપલબ્ધ રહેશે નહીં.
આ પછી કમિશને સુનાવણીની તારીખ 9 થી 11 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે.
ચૂંટણીપંચનું કહેવું છે કે જો શમી પોતાના કામને કારણે આવી ન શકે તો તેઓ સુનાવણીની તારીખ વધુ લંબાવી શકે છે.
તેમનું કહેવું છે કે ચૂંટણીપંચે હજુ સુધી કોઈ એવી સૂચના જાહેર કરી નથી જેનાથી શમી આ પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકે. તેથી, તેમની વ્યક્તિગત હાજરી જરૂરી છે.
મોહમ્મદ શમી ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના રહેવાસી છે. અહેવાલો અનુસાર, શમીએ 2024ની લોકસભા ચૂંટણીમાં અમરોહામાં મતદાન કર્યું હતું. બાદમાં તેમણે કોલકાતામાં પોતાનું મતદાર ઓળખપત્ર નોંધાવ્યું, જ્યાં તેઓ છેલ્લા કેટલાક સમયથી રહે છે.
તેઓ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 93માં મતદાર તરીકે નોંધાયેલા છે, જે રાસબિહારી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે.
કોલકાતાથી બીબીસી સંવાદદાતા ઇલ્મા હસને જણાવ્યું એ પ્રમાણે લોકોને તેમના મતદાર રેકૉર્ડ ચકાસવા માટે સુનાવણી માટે બોલાવવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયામાં નામ, સરનામાં, પરિવારની વિગતો અને અન્ય દસ્તાવેજોમાં ભૂલો સ્પષ્ટ કરવાનો સમાવેશ થાય છે. ચૂંટણીપંચનું કહેવું છે કે આ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પ્રક્રિયાનો એક ભાગ છે.
ડિસેમ્બરમાં પ્રકાશિત થયેલી ડ્રાફ્ટ યાદીમાંથી 58 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા હતા. અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ જાહેર થવાની છે.
ચૂંટણીપંચના મતે આ એક સામાન્ય વહીવટી પ્રક્રિયા છે અને તેમાં કોઈ મોટા ઉલ્લંઘનનો કેસ નથી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનની બહાર ગોળીબારના અહેવાલ

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે રાત્રે વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ભવન પાસે ગોળીબારના અહેવાલ મળી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, રાષ્ટ્રપતિના પૅલેસની બહાર ફાયરિંગ થયું હતું, જ્યારે સરકારના નજીકના સૂત્રને ટાંકતા એજન્સી લખે છે કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજધાની કારાકાસના મધ્યમાં આવેલા મિરાફ્લોરેસ પૅલેસ પર અજ્ઞાત ડ્રોન ઊડતાં જોવા મળ્યાં હતાં. એ પછી સ્થાનિક સમય મુજબ સાંજે આઠ વાગ્યે સુરક્ષાબળોએ વળતું ફાયરિંગ કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે વચગાળાનાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં, એ પછી ગોળીબારના સમાચારને કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનને સત્તાવાર રીતે મિરાફ્લોરેસ પૅલેસ તરીકે ઓળખાય છે. જે રાષ્ટ્રપતિનું મુખ્ય કાર્યાલય પણ છે.
વેનેઝુએલના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના પુત્ર અને સાંસદ નિકોલસ માદુરો ગુએરાએ તેમનાં માતાપિતાની ધરપકડ અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "જો કોઈ દેશના રાષ્ટ્રપતિના અપહરણને સામાન્ય બાબત બનાવી દેવામાં આવશે, તો કોઈ પણ દેશ સલામત નહીં રહે."
"આજે વેનેઝુએલા છે, કાલે ઝૂકવાનો ઇનકાર કરનાર અન્ય કોઈ પણ દેશ હોઈ શકે છે. આ માત્ર પ્રાદેશિક સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક સ્થિરતા ઉપર સીધું જોખમ છે."
બીજી બાજુ, ક્યૂબાનું કહેવું છે કે તેની સેના તથા ગુપ્તચર તંત્રના 32 લોકો શનિવાર રાતની અમેરિકાની કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
રિલાયન્સ ગ્રૂપ રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદે છે? કંપનીએ આપ્યો આ જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે કે જામનગરમાં આવેલી તેની રિફાઇનરીમાં ગત ત્રણ અઠવાડિયાંથી રશિયન ક્રૂડઑઇલ આવ્યું નથી તથા જાન્યુઆરી મહિનામાં આવે તેવી કોઈ શક્યતા પણ નથી.
કંપનીએ આ સ્પષ્ટતા કંપનીના ઍક્સ હેન્ડલ પર 'નિવેદન' સ્વરૂપે મૂકવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને ટાંકતા કેટલાક મીડિયામાં અહેવાલ છપાયા હતા કે "રશિયાનું ક્રૂડઑઇલ ભરેલાં ત્રણ જહાજ રિલાયન્સની જામનગરની રિફાઇનરી તરફ આગળ વધી રહ્યાં છે."
રિલાયન્સનું કહેવું છે કે ન્યૂઝ એજન્સી દ્વારા તેના રદિયાને મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું તથા આ અહેવાલ કંપનીની 'કંપનીની પ્રતિષ્ઠાને ખરડનારો' છે.
ચાઇનીઝ નાગરિકો માટે ભારતે વિશેષ વિઝા શરૂ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે ચીનના નાગરિકો માટે ઇ-પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા (ઇ-બી-4 વિઝા) શરૂ કર્યા છે.
આ વિઝા હેઠળ ચીનના બિઝનેસમૅન ચોક્કસ પ્રકારની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે ભારત આવવા માટે અરજી કરી શકે છે, જેમાં ઇક્વિપમેન્ટનું ઇન્સ્ટોલેશન તથા કમિશનિંગ સામેલ છે.
ચીનમાં ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર ઇ-બી-4 વિઝા સંદર્ભે ઍડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.
તેમાં કયા-કયા પ્રકારની પ્રવૃત્તિઓ માટે ચાઇનીઝ નાગરિક ભારત આવવા માટે અરજી કરી શકે છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે.
જે ભારતીય કંપનીઓ ઇ-બી-4 વિઝા હેઠળ ચાઇનીઝ નાગરિકોને બોલાવવા માગતી હોય, તે ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડના (ડીપીઆઈઆઇટી) એનએસડબલ્યૂએસ (નૅશનલ સિંગલ વિંડો સિસ્ટમ) પૉર્ટલ ઉપર "લૉગઇન-બિઝનેસ યૂઝર લૉગઇન" ટૅબ હેઠળ રજિસ્ટર કરીને ઍપ્લાય કરી શકે છે.
પશ્ચિમ બંગાળમાં ડિટેન્શન કૅમ્પ નહીં બને

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) મુદ્દે કેન્દ્રીય ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું હતું.
મમતા બેનરજીને ટાંકતા ન્યૂઝ એજન્સી એએનઆઇ લખે છે કે એસઆઇઆરને કારણે મતદારોને ભારે હાલાકી થઈ રહી છે. તેમણે ચૂંટણીપંચની સામે કાયદાકીય પગલાં લેવાની તથા સુપ્રીમ કોર્ટમાં જવાની વાત પણ કરી હતી.
24 પરગણા જિલ્લામાં જાહેરસભાને સંબોધતી વેળાએ મમતા બેનરજીએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને લોકોનાં નામ હઠાવાઈ રહ્યાં છે. એકલા 24 પરગણા જિલ્લામાં 54 લાખ મતદારોનાં નામ કાપવામાં આવ્યાં હોવાની વાત પણ મમતા બેનરજીએ કરી હતી.
મમતા બેનરજીએ કહ્યું હતું કે મતદારોના અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ચૂંટણીપંચને 'વૉટ્સઍપ કમિશન' પણ કહ્યું હતું.
મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં 'ડિટેન્શન કૅમ્પ' ઊભા કરવામાં નહીં આવે અને તેને કાયદેસર રીતે પડકારવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












