લૉસ એન્જલસમાં ગોળીબારમાં 10નાં મૃત્યુ, એશિયન બહુમતીવાળા વિસ્તારમાં બની ઘટના

અમેરિકા

ઇમેજ સ્રોત, EPA

પોલીસે જણાવ્યું હતું કે અમેરિકાના કૅલિફોર્નિયા શહેરના મોન્ટેરી પાર્કમાં વેપારના સ્થળે થયેલ ગોળીબારની ઘટનામાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે.

રવિવારે સવારે 11 વાગ્યે 20 મિનિટે (ભારતીય સમયાનુસાર) આ ઘટના બની હતી.

નોંધનીય છે કે મોન્ટેરી પાર્ક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ માટે શહેરમાં અગાઉ હજારો લોકો એકત્રિત થયા હતા.

હજુ સુધી ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે અંગે પોલીસે કંઈ કહ્યું નથી. આ સિવાય આ ઘટના સંદર્ભે કોઈ ધરપકડ થઈ હોવાની વાત અંગે પણ પોલીસે કંઈ જણાવ્યું નથી.

લૉસ એન્જલસ કાઉન્ટી શેરિફના વિભાગે જણાવ્યું છે કે આ ગોળીબારના શકમંદ પુરુષ છે.

સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલા વીડિયોમાં શહેરમાં પોલીસની ભારે સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે, નોંધનીય છે કે આ શહેર લૉસ એન્જલસના પૂર્વમાં 13 કિલોમીટરના અંતરે આવેલું છે.

પોલીસ

ઇમેજ સ્રોત, Reuters

આ ઘટનાના સાક્ષીએ લૉસ એન્જલસ ટાઇમ્સને જણાવ્યું હતું કે ત્રણ લોકો તેમના રેસ્ટોરાંમાં દોડી આવ્યા અને તેમને દરવાજો બંધ કરવા કહ્યું, કારણ કે વિસ્તારમાં મશીનગનવાળી એક વ્યક્તિ હતી.

મોન્ટેરી પાર્કની વસતિ 60 હજારની છે, ત્યાં મોટા ભાગે એશિયન લોકો રહે છે.

વાર્ષિક લ્યુનાર ન્યૂ યર ફેસ્ટિવલ એ સપ્તાહના અંતે યોજાતો એક ઉત્સવ છે જ્યાં અગાઉ એક લાખ કરતાં વધુ મુલાકાતીઓ આવ્યા હતા.

યુએસના સમય અનુસાર શનિવારે રાત્રે ઉત્સવનો આ કાર્યક્રમ નવ વાગ્યે પૂરો થવાનો હતો.

બીબીસી
બીબીસી