કેટલાં વર્ષ જૂના ચોખા ખાઈ શકાય? ચોખા કેટલા સમય સુધી ચાલી શકે?

જૂના ચોખા ખાઈ શકાય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ઓનૂર અરેમ
    • પદ, બીબીસી સંવાદદાતા

થાઇલૅન્ડની સરકારે હમણાં જ 15 હજાર ટન ચોખાની હરાજી કરી હતી. જોકે, આ ચોખા નવા નહીં પરંતુ દસ વર્ષ જૂના છે.

થાઇલૅન્ડની સરકાર દસ વર્ષથી એક વિવાદાસ્પદ યોજના થકી આ ચોખાનો ભંડાર એકઠો કરી રહી હતી. સરકારે ચોખાને દેશના ખેડૂતો પાસેથી બજાર કરતા ઊંચા ભાવે ખરીદ્યા હતા.

વર્ષ 2011માં તત્કાલીન વડા પ્રધાન યિંગલક શિનવાત્રા દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાના ભાગરૂપે ખેડૂતો પાસેથી મોટા જથ્થામાં ચોખા ખરીદવામાં આવ્યા હતા.

આ યોજનાએ શિનવાત્રાના રાજકીય કરિયરનો પાયો નાખ્યો હતો.

સરકારે આ ચોખાને ખરીદવા માટે ભારે કિંમત ચૂકવી હતી. સરકારે 28 અબજ અમેરિકન ડૉલર (લગભગ બે લાખ કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા, જેમાં મોટા ભાગની રકમ દેવું કરીને લીધી હતી.

જોકે, આ યોજના અસફળ રહી અને સરકાર માથે એક આર્થિક બોજ બની હતી. સરકાર આ ઊંચી કિંમતે ખરીદેલા ચોખાને વેચી ન શકી. આ કારણે સરકાર પાસે મોટા પ્રમાણમાં ચોખાનો ભંડાર હતો.

થાઇલૅન્ડના નાણામંત્રી ફુમથમ વેચયાચાઈએ ગયા મહિને કહ્યું હતું કે ચોખાને વેચવા માટેની પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે એક સમિતિ બનાવાશે.

વી-8 ઇન્ટર ટ્રેડિંગ કંપની લિમિટેડ નામની એક થાઇ કંપનીએ 17 જૂનના રોજ લગભગ 45 કરોડમાં ચોખાનો કેટલોક જથ્થો ખરીદ્યો હતો.

દસ વર્ષ જૂના ચોખા અત્યારે કેવા છે? ચોખાનો જ્યારે આટલા લાંબા સમય માટે સંગ્રહ કરવામાં આવે તો તે કેવા રહે છે?

બીબીસી ગુજરાતી

ચોખા યોજના પછી શું થયું?

ચોખા

થાઇલૅન્ડ ચોખાનો નિકાસ કરતા દેશોમાં પ્રથમ ત્રણ દેશોમાં સ્થાન ધરાવે છે. આ કારણે થાઇલૅન્ડ ઊંચી કિંમતે ચોખાની નિકાસ ન કરી શક્યો.

થાઇલૅન્ડના નાણા મંત્રાલયની માહિતી પ્રમાણે, આ યોજનાને કારણે 125 હજાર કરોડનું નુકસાન થયું હતું.

2014માં મહિનાઓ સુધી થયેલાં વિરોધપ્રદર્શનો પછી સૈન્યે વડા પ્રધાન યિંગલક શિનાવાત્રાની સરકારનો તખ્તાપલટ કર્યો હતો.

આ યોજનાને કારણે થયેલા નુકસાનની તપાસ 2017માં કરવામાં આવી હતી. જોકે, તેઓ હાજર ન હતા છતાં તેમને આ મામલે દોષી ઠેરાવવામાં આવ્યા હતા.

ચોખાની ગુણવત્તા કેવી છે?

ચોખાનો ભંડાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થાઇલૅન્ડના વેપારમંત્રી ફુમથમે ગયા મહિને પોતે જ મીડિયા સામે આ ચોખાને રાંધીને ખાધા હતા, જેથી પુરવાર કરી શકાય કે ચોખા ખાવા માટે સુરક્ષિત અને સારી ગુણવત્તાવાળા છે.

તેમણે કહ્યું,“ ચોખાના આ દાણા હજુ પણ સારા છે. કદાચ તે થોડાક પીળા પડી ગયા છે. 10 વર્ષ જૂના ચોખા એવા જ દેખાય છે.”

ફુમથમે મીડિયાને પણ પડકાર ફેંક્યો હતો કે તેઓ ચોખાનો કોઈ પણ કોથળો ખોલીને તેની ગુણવત્તાની તપાસ કરી શકે છે.

થાઇલૅન્ડના નાણા મંત્રાલયે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સંચાલિત એક પ્રયોગશાળામાં ચોખાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસનાં પરિણામો મીડિયા સામે સાર્વજનિક કરવામાં આવ્યાં હતાં.

આ તપાસમાં જાણવા મળ્યું કે ચોખામાં એફ્લાટૉક્સિન, ડીઑક્સીનિવેલેનોલ, બ્રોમાઇટ આયન, એથિલીન ઑક્સાઇડ કે બીજાં ઝેરી રસાયણો નથી.

પ્રયોગશાળામાં ચોખામાં રહેલાં પોષકતત્ત્વોની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ ચોખા અને વર્તમાનમાં બજારમાં વેચાતા ચોખામાં કોઈ ફર્ક નથી.

થાઇલૅન્ડની ચેનલ-3 નામની ટીવી ચેનલે એક સ્વતંત્ર પ્રયોગશાળામાં તપાસ કરાવીને પુષ્ટિ કરી હતી કે આ ચોખા ખાવા માટે સલામત છે.

જોકે બીબીસીએ સ્વતંત્રરૂપે આ ચોખાનું પરીક્ષણ કર્યું નથી.

શું ચોખા ખરાબ થાય છે?

સંયુક્ત રાષ્ટ્ર ખોરાક અને ખેતી સંગઠન (એફએઓ) પ્રમાણે, ચોખાને હવાચુસ્ત પાત્રમાં સૂકી અને ઠંડી જગ્યાએ લાંબા સમય માટે રાખી શકાય છે.

રાઇસ ફેડરેશન ઑફ અમેરિકાનું કહેવું છે કે ચોખાને યોગ્ય રીતે પીસવામાં આવે તો તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.

શું ચોખાનું પોષણ મૂલ્ય ઘટે ખરું?

ચોખા

બીબીસીએ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનને પૂછ્યું કે એક દાયકા સુધી ચોખાને સાચવી રાખવામાં આવે તો તેમાં ખરાબી આવી શકે કે કેમ.

તો સંગઠને જવાબ આપ્યો કે જો બધા દિશાનિર્દેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો કોઈ જોખમ નથી.

શું એક દાયકામાં ચોખાનું પોષણ મૂલ્યો ઘટી જાય છે?

આ સવાલનો જવાબ આપતા એફએઓએ કહ્યું કે ચોખાના થોડાક પ્રમાણમાં હાજર વિટામિનો જેવાં સૂક્ષ્મ પોષકતત્ત્વોનું પ્રમાણ ઘટી શકે છે.

એફએઓનું કહેવું છે, “ચોખામાં સૌથી મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ સ્ટાર્ચમાંથી આવે છે, જે શરીરમાં ઊર્જામાં પરિવર્તિત થાય છે.”

એફએઓએ કહ્યું, “ચોખાનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે તેમ છતાં પણ તેમાં સ્ટાર્ચના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર થતો નથી.”

શું ચોખાના સ્વાદમાં ફેરફાર આવી શકે?

ચોખા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

એફએઓએ કહ્યું કે સામાન્ય રીતે ચોખા સમયની સાથે પોતાનો સ્વાદ ગુમાવી દે છે. જોકે, ચોખાના સ્વાદનો આધાર તેને કેવી રીતે સંગ્રહ કરવામાં આવે છે તેના પર રહે છે.

થાઇ ટીવી ઍન્કર સોરાયુત સુથાસનચિંદાએ 10 વર્ષ જૂના ચમેલી ચોખાનો (એક પ્રકારના લાંબા સુગંધિત ચોખા) સ્વાદ ચાખ્યો હતો. ત્યાર બાદ તેમણે કહ્યું કે ચમેલી ચોખાનો સ્વાદ સફેદ ચોખા જેવો હતો, પરંતુ આ ચોખા ખૂબ સુગંધિત અને નરમ ન હતા.

થાઇ ચૂંટણી સમિતિના પૂર્વ સભ્ય સોમચાઈ શ્રીસુથિયાકોર્ને પણ જૂના ચોખા ખાવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમણે કહ્યું કે ચોખામાંથી સારી સુગંધ આવતી ન નથી અને તે તૂટેલા છે અને સખત નથી.

આ ચોખાનું અંતે શું થશે?

થાઇ રાઇસ એક્સપૉર્ટર્સ ઍસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા થાઇલૅન્ડના ચોખાના સૌથી મોટા ખરીદદાર હતા.

થાઇલૅન્ડની એક મોટી ચોખા મિલિંગ કંપનીના પિય્રોટ વાંગ્ડીએ કહ્યું, “જૂના ચોખા ખાનાર મોટા ભાગના લોકો ગરીબ દેશમાં રહે છે.”

થાઇલૅન્ડ દક્ષિણ આફ્રિકા ઉપરાંત બીજા આફ્રિકાના દેશોને પણ ચોખા વેચે છે.

ફુમથમે કહ્યું કે થાઇલૅન્ડના ચોખાની સામાન્ય રીતે આફ્રિકામાં વધારે માગ છે.

થાઇલૅન્ડ સરકારે ચોખાના વેચાણની જાહેરાત કરી ત્યારથી આફ્રિકાના સોશિયલ મીડિયા યૂઝર્સે આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરવામાં આવી કે “વિશ્વ જેનો અસ્વીકાર કરશે, આફ્રિકા તેનો સ્વીકાર કરશે. આફ્રિકા બીજા દેશો માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયું છે.”

કેન્યાની સરકારે કહ્યું કે જે ચોખા માપદંડો પર યોગ્ય ઊતરશે અને જે ચોખાની પ્રયોગશાળામાં તપાસ થયેલી હોય તે જ ચોખાની દેશ આયાત કરશે.

થાઇલૅન્ડના ચોખાની હરાજી જીતવાવાળી કંપની વી-8 ઇન્ટર ટ્રેડિંગને કરાર પર હસ્તાક્ષર કરવા અને ખરીદી પૂર્ણ કરવા માટે 30 દિવસનો સમય અપાયો છે.

જોકે, કંપનીએ હજુ સુધી જાહેર કર્યું નથી કે તે આ ચોખા કયા દેશોમાં વેચવા માગે છે.