You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર કરાયા, તમામ ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેચ્યાં
સુરતમાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી ફૉર્મ રદ થયા બાદ હવે નવો વળાંક આવ્યો છે.
સુરત લોકસભાની બેઠકને બિનહરીફ જાહેર કરવામાં આવી છે કારણ કે તમામ ઉમેદવારોએ હવે પોતાના ફૉર્મ પાછાં ખેંચી લીધાં છે.
સુરત કલેક્ટર અને રિટર્નિંગ ઑફિસર ડૉ. સૌરભ પારધીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી અને તેમને સર્ટિફિકેટ આપ્યું હતું.
ભાજપે પોતાના ઉમેદવાર વિજેતા થયા હોવાની ઉજવણી પણ શરૂ કરી દીધી છે.
સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને "બિનહરીફ ચૂંટાવા બદલ" અભિનંદન પણ આપી દીધાં છે.
સુરતથી બીબીસીના સહયોગી રૂપેશ સોનવણેના જણાવ્યા અનુસાર, નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ સુરત લોકસભા બેઠક પર નવ ઉમેદવારો વધ્યા હતા. તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાનાં ફૉર્મ પરત ખેંચી લીધાં છે.
બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી પર સૌ કોઈની નજર હતી, પરંતુ આખરે પ્યારેલાલ ભારતીએ ફૉર્મ પરત ખેંચ્યું છે.
તમામ ઉમેદવારોએ ફૉર્મ પાછાં ખેંચી લીધાં હોવાથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. એવામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સી.આર. પાટીલને મળવા પહોંચી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના વિજેતા જાહેર થયેલા સાંસદ મુકેશ દલાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સીઆર પાટિલનો આભાર માન્યો હતો.
તેમણે વિપક્ષના ‘લોકશાહીની હત્યા’ના આરોપો અંગે કહ્યું હતું કે, "આ બધી વાત જૂની થઈ ગઈ છે. જ્યારે પોતાની ઇચ્છા પ્રમાણે કામ થાય તો વિપક્ષને લોકશાહીની હત્યા નથી લાગતી અને ઇચ્છા વિરુદ્ધ કામ થાય તો તરત જ લોકશાહીની હત્યા લાગે છે."
નીલેશ કુંભાણીનું ફૉમ રદ કેમ થયું હતું?
ગુજરાતની સુરત લોકસભા બેઠક પર મતદાન પહેલાં જ એવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે વિપક્ષને મોટો ફટકો પડ્યો છે. કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારીપત્રક અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો અને તેમનું ફોર્મ હવે રદ કરી દેવામાં આવ્યું હતું.
વિવાદ બાદ કૉંગ્રેસના ઉમેદવારના ટેકેદારો હાજર ન થતાં આ ફોર્મ રદ થયું હતું. કૉંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું પણ ફૉર્મ રદ કરી દેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કુંભાણીના ટેકેદાર 'યોગ્ય ના હોવાનો' દાવો કરાયો હતો. આ મામલે રિટર્નિંગ ઑફિસર સમક્ષ રવિવારે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી અને પછી આ ચુકાદો આપવામાં આવ્યો છે.
નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી.
આથી, કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો કે તેમનું આ અંગે શું કહેવું છે. ત્યારબાદ કલેક્ટરે તેમને 21 એપ્રિલ, રવિવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
નીલેશ કુંભાણીના ટેકેદાર તરીકે રમેશભાઈ બળવંતભાઈ પોલરા, જગદીશ નાગજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાએ સહીઓ કરી હતી. જગદીશ સાવલિયા નીલેશ કુંભાણીના બનેવી, ધ્રુવિન ધામેલિયા તેમના ભાણેજ અને રમેશ પોલરા તેમના ધંધાનો ભાગીદાર રહ્યા છે.
આ ત્રણેય લોકો નીલેશ કુંભાણીની સૌથી અંગત વ્યક્તિઓમાંથી હોવાને કારણે એ સવાલો ઊઠ્યા હતા કે તેમણે આવું કેમ કર્યું? આ ઘટનાક્રમ સામે આવ્યો ત્યારથી તેઓ સંપર્કવિહોણા થઈ ગયા હતા.
અત્યાર સુધીનો ઘટનાક્રમ
તો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એવો દાવો કર્યો હતો કે તેમના ઉમેદવારના ટેકેદારોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.
આપના નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં શનિવારે દાવો કર્યો હતો કે "નીલેશભાઈના ટેકેદારોનું 'અપહરણ' કરીને તેમને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. એમના ફોન ચાલુ નથી. કોઈ વ્યક્તિએ ટેકેદારોને ધાકધમકી આપીને, દબાણ ઊભું કરીને એમની પાસેથી સોગંદનામું લઈને અહીં કલેક્ટર કચેરીએ આપી દીધું છે."
આ દરમિયાન કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી હતી અને એમાં પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
'ટેકેદારોના અપહરણ' મામલે ભાજપના નેતા અને સુરત શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલે કહ્યું કે "ચૂંટણી હોય કે ન હોય કૉંગ્રેસના નેતાઓનું કામ ભાજપ પર આક્ષેપો કરવાનું હોય છે. બધાની હાજરીમાં ફૉર્મ ભરવામાં આવ્યાં છે. અચાનક એવું બન્યું કે કૉંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોએ સોગંદનામું કર્યું? એ એમના જ માણસો હતા, એમનાં જ ફૉર્મ હતાં. આ બધી વાતમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી."