ભરવાડણોની છેલ્લી પેઢી જે હજારો મીટર ઊંચા પહાડો પર ઘેટાં-બકરાં ચરાવવા ચડે છે અને પતિ ઘરે ખેતી કરે છે

ઇમેજ સ્રોત, TASEER BEYG
- લેેખક, ફરહત જાવેદ
- પદ, બીબીસી 100 મહિલાઓ
સદીઓથી, પાકિસ્તાનના વાખી ભરવાડો તેમનાં પશુઓને ચરાવવાં માટે દૂરના પર્વતીય વિસ્તારોમાં જતા હતા. તેમાંથી પેદા થયેલી આવક તેમના સમુદાયમાં પરિવર્તન લાવવા માટે જરૂરી હતી.
તેમની આ આવકે આરોગ્ય સંભાળ, શિક્ષણ અને તેમની ખીણમાં બનેલા પ્રથમ રસ્તાઓ જે બાકીના વિશ્વ સાથે જોડાયેલા હતા તેના માટે ચૂકવણી કરવામાં મદદ કરી હતી.
પરંતુ જીવન જીવવાની આ રીત ત્યાંથી અદૃશ્ય થઈ રહી છે.
બીબીસી 100 મહિલાઓની શ્રેણીની ટીમ આ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની છેલ્લામાંની એક યાત્રામાં જોડાયાં હતાં.
પામીર ઘાસનાં મેદાનોમાં અમારી યાત્રા જોખમભરી હતી. ત્યાંના ઊંચા ઊંચા પહોડોની હવા અને રસ્તાઓ એવા હતા કે, જો અમે એક ભૂલભર્યું પગલું લઈએ તો સીધા નીચે જઈએ.

મહિલાઓ ઘેટાં-બકરાં ચરાવવા કેમ જવું પડે છે પહાડો પર?

ઇમેજ સ્રોત, TASEER BEYG
અહીયાં મહિલાઓ ઘેટાં, બકરાં અને યાકને સાંકડા રસ્તાઓ પરથી ભટકતા અને ટેકરી પરથી નીચે પડવાથી બચાવવા માટે સીટી વગાડે છે અને બૂમો પાડે છે.
70 વર્ષનાં બાનો કહે છે, "અત્યાર કરતાં પહેલાં ઘણાં બધાં ઢોર હતાં." "પ્રાણીઓ અહીંથી ત્યાં કૂદી-કૂદીને અદૃશ્ય થઈ ગયાં. કેટલાંક પાછાં આવ્યાં અને કેટલાંક ન આવ્યાં."
ભૂતકાળનાં વર્ષોમાં, દર ઉનાળામાં ડઝનેક વાખી પશુપાલક મહિલાઓ તેમનાં નાના બાળકોને પીઠ પાછળ બાંધી ઉત્તરપૂર્વ પાકિસ્તાનના આકરા ઢાળવાળા કારાકોરમ પર્વતોમાંથી પસાર થતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે આ મહિલાઓએ તેમના પતિઓને શિમશાલ ખીણમાં કામ કરવા માટે ઘરે છોડી દેવા પડતા.
આજે માત્ર સાત મહિલા ભરવાડ બચ્યાં છે.
- ખાતામાં દોઢ હજાર રૂપિયા અને નોકરી પણ નહીં, ચૂંટણી હારીને પણ લોકોનાં દિલ જીતનાર બરેલક્કા કોણ છે?
- ઉઝબેકિસ્તાનમાંથી નોકરીના નામે યુવતીઓને ભારત લાવી કઈ રીતે સેક્સ રૅકેટમાં ધકેલી દેવાય છે? બીબીસી ઇન્વેસ્ટિગેશન
- પ્રેગનેન્સી ટૂરિઝમ : 'તેઓ ગર્ભવતી થવાં અમારી મુલાકાત લે છે', લદ્દાખમાં વસેલા 'શુદ્ધ આર્યો' સાથે એક મુલાકાત

ભૂસ્ખલનનું જોખમ

ઇમેજ સ્રોત, TASEER BEYG
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે વરસાદ, બરફ અને કાળઝાળ ગરમીમાં દિવસમાં આઠ કલાક ચાલીએ છીએ. જે પ્રવાસમાં તે પુરુષોને પાંચ દિવસનો સમય લાગે છે તે જ પ્રવાસમાં મહિલાઓને ત્રણ દિવસનો સમય લાગતો હતો.
આ ઘેટાંપાળકો, વયોવૃદ્ધ હોવાં છતાં, હંમેશાં બીજાં બધાં કરતાં ઘણાં આગળ ચાલે છે કારણ કે તેમને આ ઊંચાઈએ ચાલવાની ટેવ છે.
ભૂસ્ખલનનું જોખમ હંમેશાં રહે છે અને ઘેટાંના ચાલવાનો અવાજથી જમીન કંપી ઊઠે છે, જેના કારણે ખડકો અને ધૂળ નીચે પડે છે.
ભૂતકાળમાં તો આ પહાડોની યાત્રા વધુ મુશ્કેલ હતી. અગાઉ, ભરવાડો પાસે આ વિસ્તારમાં ચાલવા માટે થર્મલ જૅકેટ કે યોગ્ય જૂતાં નહોતાં.
88 વર્ષીય અન્નાર કહે છે, "અમે સાદા કુરતાં પહેરતાં હતાં. અમે ખુલ્લા પગે ચાલતા હતા અને બરફ પર પણ તે રીતે જ ચાલતા હતા."
અફરોઝ, જે હવે 67 વર્ષનાં છે, તેઓ ખીણનાં પહેલાં મહિલા હતાં જેમને એક જૂતાની જોડી મળી હતી.
તેઓ કહે છે, "મારાં લગ્ન વખતે મારા ભાઈએ મને બે જોડી જૂતાં આપ્યાં હતાં.લોકો ફક્ત તે જૂતાં જોવાં આવતા હતા. લોકો ઘણીવાર લગ્નપ્રસંગોમાં જતી વખતે મારાં કપડાંની સાથે સાથે મારાં જૂતાં પણ પહેરવાં લઈ જતા."
જ્યારે અમે અંતે પામીરના પહાડો, જે સમુદ્ર સપાટીથી લગભગ 5,000 મીટરની ઊંચાઈએ છે ત્યાં પહોંચીએ છીએ, ત્યારે અમારું સ્વાગત લીલાછમ ગોચર અને ગ્લેશિયરમાંથી નીકળતાં ચમકતાં પાણીથી થાય છે. આ ગોચર બરફથી ઢંકાયેલાં શિખરોથી ઘેરાયેલાં છે.

બંધ પત્થરના ઘરો

ઇમેજ સ્રોત, TASEER BEYG
મહિલાઓ ગીતો ગાઈ રહી છે અને નૃત્ય કરી રહી છે. ત્યાં જ અન્નાર યાદ કરતાં કહે છે કે, "અમે અમારા મા અને દાદી સાથે આ પહાડો ફર્યાં છીએ. અમારી જેમ તેઓ પણ ભરવાડ હતાં, તેમણે માખણમાંથી દહીં બનાવ્યું છે."
અહીં પથ્થરનાં બનેલાં 60 જેવાં ઘરો છે, જે લુપ્ત થઈ રહેલી આ જીવનશૈલીનો પુરાવો આપે છે.
સૌથી વૃદ્ધ ભરવાડ હોવાને કારણે, અન્નાર એક ખેતરમાં પ્રવેશતાં પહેલાં પ્રાર્થના કહે છે અને સળગતાં પાંદડાંનો ચૂલો લઈને પ્રવેશ કરે છે.
તે ખાતરી કરે છે કે ધુમાડો બધાં પ્રાણીઓને સ્પર્શે અને આગળ કહે છે કે,"અમારા વડીલોએ અમને સ્પંદૂર નામના આ છોડનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું. તેઓએ અમને કહ્યું કે તેને હંમેશાં અમારી સાથે રાખો, કારણ કે આ છોડ સમસ્યાઓને દૂર રાખે છે."
ભૂતકાળમાં, વરુઓ અને દીપડાઓને ડરાવવા માટે, તેઓ અત્યંત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં પણ છત પર સૂતાં હતાં. તેમણે જાળી પણ બનાવી અને આગ પણ સળગાવી.
અન્નાર કહે છે કે, "રાતે પૂર્ણ અંધકાર રહેતો. અમારી પાસે કોઈ રોશની કે મશાલ ન હતી અને સવાર સુધી અમને એ પણ જાણ ન થતી કે અમે શું ગુમાવ્યું છે."
તે ખૂબ જ મુશ્કેલ સમયને પણ યાદ કરે છે. જેમકે એક ઉનાળામાં તેમણે 12 બાળકોને ઘાસના મેદાનમાં દફનાવ્યાં. આમાં તેમનો પુત્ર અને પુત્રી પણ સામેલ હતાં.
આ પર્વતી વિસ્તારોમાં કોઈ ડૉકટરો કે આરોગ્ય કેન્દ્રો નહોતાં.
"હું ખાલી હાથે રહી ગઈ હતી, બિલકુલ અત્યારની જેમ," અન્નારે નિસાસો નાખ્યો, તેમની મુઠ્ઠીઓ ખોલી અને બંધ કરી, "હજુ પણ લગભગ 60 વર્ષ પહેલાંની પીડા અનુભવું છે."

કેવી રીતે આ ભરવાડણોએ નવી પેઢી માટે રસ્તા ખોલ્યા

ઇમેજ સ્રોત, TASEER BEYG
આ વર્ષોમાં ભરવાડણ સફળ બિઝનેસ-વુમન બની ગયાં.
બાનો કહે છે, "અમે દહીં અને ડેરી ઉત્પાદનો બનાવવા માટે પ્રાણીઓમાંથી દૂધ એકઠું કર્યું. અમે ઘેટાંનું ઊન કાઢતાં અને ગામમાં લઈ જવા માટેની વસ્તુઓ બનાવી."
વાખી સમુદાય વિનિમય પર નિર્ભર હતો અને તેમની પેદાશોના બદલામાં, લોકો મહિલાઓ માટે ઝૂંપડીઓ અને ઘરો બનાવતાં હતાં.
અફરોઝે બે ઘર બનાવવાં જેટલી કામણી કરી હતી, એક શિમશાલમાં અને બીજું નજીકના શહેર ગિલગિતમાં.
તેઓ ગર્વથી કહે છે, "મેં આ જગ્યાથી ઘણું બધું મેળવ્યું છે." " આ જ કમાણીથી મેં મારાં બાળકોનાં ભણતરનો ખર્ચો ઉઠાવ્યો છે અને બાળકોનાં લગ્નનો ખર્ચો ઉઠાવ્યો."
2000ના દાયકાની શરૂઆત સુધી બાકીની દુનિયાથી અજાણ આ મહિલાઓનું પશુપાલન અને પુરૂષોની ખેતીનું સંયોજન સમગ્ર સમુદાય માટે એક વળાંક હતો.
બંને પ્રવૃત્તિઓએ શિમશાલ ખીણમાંથી નીકળતા એકમાત્ર રસ્તો બનાવવા માટેના નાણાં પૂરાં પાડવામાં મદદ કરી, જે શહેરને પાકિસ્તાન અને ચીન વચ્ચેના કારાકોરમ હાઇવે સાથે જોડે છે.
અગાઉ જે મુસાફરી કરવામાં દિવસો લગતા એને કલાકોમાં ઘટાડી દેવામાં આવી અને જીવન બદલાઈ ગયું. આરોગ્ય સંભાળ અને શિક્ષણની વધુ સારી પહોંચ મળી અને નવા વિચારોનો ઉદય થયો.
બાનોના પુત્ર વઝીર હવે સાવ અલગ જીવન જીવે છે. તે એક પ્રવાસન કંપની ચલાવે છે જે હાઇકિંગ, પર્વતારોહણ અને સાંસ્કૃતિક પ્રવાસોનું આયોજન કરે છે.
તેઓ કહે છે , "જ્યારે નવો રસ્તો ખુલ્યો, ત્યારે અમારી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ."

ઘેટાં ચરાવવા એ નોકરી કરતાં વધારે મહત્વ

ઇમેજ સ્રોત, TASEER BEYG
"તે જ સમયે મેં મારો વ્યવસાય શરૂ કર્યો."
24 વર્ષનાં ફઝિલા, શિમશાલ ખીણના પ્રથમ ગેસ્ટહાઉસનાં માલકણ છે, જે તેમના પિતાએ તેમના મૃત્યુ પહેલાં બાંધ્યું હતું.
તેમનાં માતા એક ભરવાડણ છે, પરંતુ ખરાબ સ્વસ્થના લીધે આ વર્ષે ચરાવવા માટે બહાર ના જઈ શકયાં.
તેઓ જણાવે છે કે, "અમારી માતાઓએ અમને ભરવાડ બનવાને બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કર્યાં. જેથી અમારે પણ તેમના જેવી જ મુશ્કેલીઓમાંથી પસાર થવું ન પડે."
"અમને જે જોઈએ છે તે કરવાની અમને સ્વતંત્રતા છે. જો મેં મારો અભ્યાસ ચાલુ ન રાખ્યો હોત, તો હું તેમની જેમ મુશ્કેલ જીવન જીવી રહ્યો હોત. આ ચક્ર ચાલુ રહેત."
જ્યારે તે પોતાની જીપને કઠોર પહાડોમાંથી પસાર કરે છે, ત્યારે વઝીર સંમત થાય છે અને કહે છે: "અમારી માતાઓનો આભાર, અમારી પાસે ડૉકટરો, એન્જિનિયરો અને અન્ય ઘણા વ્યાવસાય છે."
વૃદ્ધ પશુપાલકો ખુશ છે કે તેમનાં બાળકો માટે પરિસ્થિતિ સારી છે. પરંતુ એક ઉદાસીનો આભાસ પણ છે કે પામીર ગોચરની યાત્રાઓ હવે શક્ય નથી.
અફરોઝ કહે છે, "ઘેટાં ચરાવવા એ નોકરી કરતાં વધારે મહત્ત્વ છે. અમે પામીર સાથે મજબૂત બંધન અનુભવીએ છીએ. તે ફૂલ જેવો સુંદર છે. તે અમારો ખજાનો છે."
અને જ્યારે અન્નાર ધીમે ધીમે કબ્રસ્તાન તરફ જાઈ રહ્યાં છે જ્યાં તેમણે તેમનાં બાળકોને દફનાવ્યાં હતાં, ત્યારે તેમની આંખો આંસુઓથી ભરાઈ જાય છે.
અન્નાર કહે છે, "હું પામીરમાં મૃત્યુ પામવા માગુ છું જેથી કરીને મને મારાં બાળકોની બાજુમાં દફનાવી શકાય."
તેઓ કહે છે, " જયારે હું ઘાસનાં મેદાનોમાં આવું છું તો હું મારાં બાળકોની નજીક હોવાનું અનુભવું છું."














