'જેમના ઘરેથી પૈસા નહોતા આવતા તેમના મૃતદેહો જોયા', ડૉંકી રૂટથી રશિયા લઈ જવાયેલા ભારતીયોની દર્દનાક કહાણી

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિ

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC

    • લેેખક, કમલ સૈની
    • પદ, બીબીસી સહયોગી

"હવે વિદેશ જવાનો મારો કોઈ ઇરાદો નથી. મેં ખૂબ જ માનસિક ત્રાસ સહન કર્યો છે. મારા પરિવાર પાસે પૈસા બચ્યા નથી. ઘરેણાં ઘરે પાછા લાવતાં બે મહિના થયા."

આ ચોંકાવનારા શબ્દો હરિયાણાના કરનાલના રહેવાસી મુકેશના છે. મુકેશ રશિયામાં જેલવાસ ભોગવીને ભારત પાછો ફર્યો છે.

મુકેશ અને તેના ભાઈ સનીનું સપનું વિદેશમાં જઈને પૈસા કમાવવાનું તથા ખુદને અને પરિવારને ખુશ જોવાનું હતું.

બંને ભાઈ એજન્ટને મળ્યા હતા અને એજન્ટે તેમને વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી, પરંતુ મુકેશ પરદેશ ગયો ત્યારે તેને વર્ક પરમિટ આપવામાં આવી ન હતી. તેને ડોન્કી રૂટ તરીકે ઓળખાતા માર્ગ પર છોડી દેવામાં આવ્યો હતો.

રશિયન સૈન્ય તેમને પકડી લે તો તેમની સામે બે વિકલ્પ હતાઃ રશિયન સૈન્યમાં જોડાઓ અને યુક્રેન સામે યુદ્ધ લડો અથવા 10 વર્ષનો જેલવાસ ભોગવો.

મુકેશ જણાવે છે કે તે સારા ભવિષ્યની આશા સાથે ગયો હતો. એજન્ટોએ તેને જર્મનીની એક રેસ્ટોરાંમાં મોકલવાનું વચન આપ્યું હતું.

મુકેશે વર્ક પરમિટ સાથે પરદેશ જવાનું હતું. મુકેશના કહેવા મુજબ, ત્રણ એજન્ટોએ તેને જર્મની જવાનું સપનું દેખાડ્યું હતું.

મુકેશને જણાવવામાં આવ્યું હતું કે તેને રશિયામાં થોડા દિવસ હોટેલ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવશે અને બાદમાં જર્મની મોકલવામાં આવશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુકેશને જર્મની પહોંચાડવા માટે કુલ રૂ. 14 લાખનો ખર્ચ થશે અને એ પૈકીના બે લાખ રૂપિયા ભારતથી રવાના થતા પહેલાં, આઠ લાખ રૂપિયા રશિયા પહોંચ્યા પછી અને બાકીના જર્મની પહોંચ્યા પછી એજન્ટને આપવાના રહેશે, એવું નક્કી થયું હતું.

જોકે, મુકેશ એમ કહે છે કે તેણે અત્યાર સુધીમાં રૂ. 34 લાખ ચૂકવ્યા છે.

મુકેશ એવો આક્ષેપ પણ કરે છે કે તેને સીધો રશિયા પહોંચાડવાનું વચન આપવામાં આવ્યું હતું.

તેથી રશિયાની પ્લેન ટિકિટ પણ બુક કરવામાં આવી હતી, પરંતુ મુકેશ કહે છે, "એરપોર્ટ પહોંચ્યા પછી અમને થાઇલૅન્ડની ટિકિટ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમારે થોડા દિવસ થાઇલૅન્ડમાં રહેવું પડશે. તમારા આગળના દસ્તાવેજો ત્યાં તૈયાર કરવામાં આવશે."

મુકેશ કહે છે, "મને થાઇલૅન્ડ મોકલવામાં આવ્યો હતો અને થોડા દિવસ ત્યાં એક હોટેલમાં રાખવામાં આવ્યો હતો. એ પછી બલજીત કૌર નામની એક મહિલાનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તમે મોકલેલા થોડા પૈસા મળ્યા છે. બાકીના હજુ સુધી મળ્યા નથી."

મુકેશ અને તેના પરિવારજનોએ એજન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે બલજીત કૌર તેમનાં બૉસ છે અને ભવિષ્યમાં બલજીત જ તમારી સાથે વાત કરશે. તેમના કહ્યા મુજબ તમારે કામ કરવાનું રહેશે.

બીબીસી

એજન્ટે ફોન મૂકી દીધો

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિ

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC

એ પછી ત્રણેય એજન્ટના મોબાઈલ નંબર બ્લોક કરી દેવામાં આવ્યા હતા.

ડરી ગયેલા મુકેશે એજન્ટને બાકીના પૈસા ચૂકવી આપવા તેના પિતાને જણાવ્યું હતું. પુત્રના કહેવાથી પિતાએ એજન્ટને પૈસા ચૂકવી દીધા હતા, એવું મુકેશના પરિવારજનોનું કહેવું છે.

મુકેશ કહે છે, "એ પછી મેં તેમને ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. પછી તેમણે મને મોસ્કો (રશિયા)ની ટિકીટ મોકલી આપી હતી."

"કેટલાક લોકો મને લેવા મૉસ્કો એરપોર્ટ પર આવ્યા હતા અને મને તેમના ઘરે લઈ ગયા હતા. થોડા દિવસ સુધી બધું સરસ ચાલ્યું હતું."

પરિવારજનોના કહેવા મુજબ, તેઓ પણ સંતુષ્ટ હતા. બલજીત કૌર મુકેશના પરિવારજનો સાથે સારી રીતે વાતચીત કરતાં હતાં. ભાઈ સની મુકેશ પાસે પહોંચ્યો પછી બધું બદલાઈ ગયું હતું.

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિ

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC

મુકેશના જણાવ્યા મુજબ, સનીના આગમન પછી તેમને ત્રાસ આપવાનું શરૂ થયુ હતું.

મુકેશે એજન્ટ્સનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુકેશના કહેવા મુજબ, એજન્ટોએ મુકેશનો નંબર બ્લોક કરી દીધો હતો.

મુકેશ ઉમેરે છે, "બલજીત કૌરે મને પાકિસ્તાનીઓને હવાલે કરી દીધો હતો, જેઓ મને ગેરકાયદે બેલારુસ લઈ ગયા હતા. તેઓ મને વારંવાર જંગલમાંથી લઈ ગયા હતા."

"તેઓ મારાં કપડાં પર છરી રાખતા હતા અને મારા પરિવારજનોને વીડિયો કૉલ્સ કરતા હતા. મારા પરિવારજનો તરફથી પૈસા મોકલવામાં એક-બે દિવસનો વિલંબ થાય ત્યારે તેઓ સળગતી સિગારેટ વડે મારા શરીર પર ડામ દેતા હતા. મને લાકડી અને સળિયાથી માર મારતા હતા."

બીબીસી

પાછા કેવી રીતે ફર્યા?

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિ

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC

મુકેશના કહેવા મુજબ, બાદમાં તેને માફિયાને હવાલે કરવામાં આવ્યો હતો. પછી તેમણે સાથે મળીને મુકેશને રશિયન સૈન્યમાં જોડાવા અથવા દસ વર્ષનો કારાવાસ ભોગવવા જણાવ્યું હતું.

મુકેશ કહે છે, "મેં 10 વર્ષનો કારાવાસ પસંદ કર્યો હતો અને એ દરમિયાન હું ત્યાં માંદો પડ્યો ત્યારે તેમણે મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો."

"મારી સાથે જે છોકરાઓ હતા તેને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 12-13 દિવસ બાદ હું હૉસ્પિટલમાંથી પાછો ફર્યો ત્યારે મને પણ ફરી જેલમાં ગોંધી દેવાયો હતો."

મુકેશના જણાવ્યા અનુસાર, એ સમય દરમિયાન તે એ કે બે વખત જ પરિવારનો સંપર્ક કરી શક્યો હતો.

મુકેશ કહે છે, "એજન્ટ્સ જાણતા હતા કે અમે જેલમાં છીએ. તેથી તેમણે કોઈની મારફત મારા પરિવારજનોને જણાવ્યું હતું કે તમારો દીકરો જેલમાં છે. એજન્ટ્સે મારા પરિવારજનોને કહ્યું હતું કે તેઓ એક વકીલ મારફત મને જેલમાંથી મુક્ત કરાવશે."

"એજન્ટ્સે પરિવારજનોને આટલું જણાવીને તેમના નંબર પણ બ્લૉક કરી દીધા હતા."

"એ પછી મારા પરિવારે એક વકીલની સેવા લીધી હતા અને મને જામીન પર મુક્ત કરાવ્યો હતો. મને મુક્ત કરાવીને ભારત પાછા લાવવા માટે વકીલે રૂ. 6 લાખ લીધા હતા."

આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હોવાનું પણ મુકેશે જણાવ્યું હતું.

બીબીસી

આંખો સામે સાથીઓના મૃતદેહો

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિ

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC

સનીના કહેવા મુજબ, તેના શરીર પર પણ સિગારેટ, સળગતા લાકડાંના ડામના તથા છરીના ઘાના નિશાન છે.

સની કહે છે, "તેમણે અમને શેંગેન વિઝા(યુરોપના 29 દેશોમાં થોડા દિવસ રહેવા માટે આપવામાં આવતા વિઝા)ની વાત કરી હતી, પરંતુ તેમણે અમને બેલારુસમાં ફસાવ્યા હતા. ત્યાં અમને ત્રાસ આપવામાં આવ્યો હતો."

સનીના કહેવા મુજબ, "ત્યાં બીજા ઘણા છોકરાઓ હતા. જેમના પરિવારજનો પૈસા મોકલતા હતા તેમને જીવતા રાખવામાં આવતા હતા અને જેમની પાસેથી પૈસા ન મળે તેમની હત્યા કરવામાં આવતી હતી."

"જેમના પરિવારજનો પૈસા ન મોકલી શક્યા હોય એવા અનેક લોકોના મૃતદેહ મેં જોયા હતા."

દીકરાને પાછો લાવવા જમીન વેચવી પડી

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓને હેરાનગતિ

ઇમેજ સ્રોત, KAMAL SAINI/BBC

મુકેશના પિતા શ્યામ લાલ જણાવે છે કે મુકેશ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો સ્નાતક છે અને તે કાયદાનો અભ્યાસ કરવા ઇચ્છતો હતો.

તે એક મિત્રથી દોરવાયો હતો અને તેણે પરદેશ જવાનો નિર્ણય કર્યો હતો.

શ્યામ લાલ કહે છે, "મુકેશન હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હોવાથી તેને જર્મની મોકલવાનું અને ત્યાં દર મહિને અઢી લાખ રૂપિયા પગાર મળશે એવું તેમણે કહ્યું હતું."

"મુકેશને ફસાવવામાં આવ્યો હતો અને તેની મુક્તિ માટે પૈસા ચૂકવવાની ફરજ મને પાડવામાં આવી હતી. મુકેશને પાછો લાવવા મારે જમીન વેંચી નાખવી પડી."

શ્યામ લાલ ભારે અવાજે ઉમેર છે, "એકેય દિવસ એવો ન હતો, જ્યારે મેં મુકેશ સાથે વાત ન કરી હોય. એ રશિયન લશ્કરમાં જોડાવા માનસિક રીતે તૈયાર હતો."

બીજી તરફ સનીના માતા મીનાદેવી કહે છે, "અમારાં બાળકોને છેતરવામાં આવ્યાં છે. તેઓ અમારા સંતાનોને મારતા હતા. અમારી પાસેથી પૈસા માગતા હતા. સનીના પિતા હૃદયરોગના દર્દી છે. તેઓ કમ કરી શકતા નથી."

"અમે અમારું ભોજનાલય વેંચીને પૈસા મોકલ્યા હતા. અમારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. સંતાનોના મેસેજની રાહ અમે આખી રાત જોતા હતા."

પોલીસના જણાવ્યા મુજબ, શ્યામ લાલની ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ અધિકારી અશોક કુમાર કહે છે, "રૂ. 35 લાખનો ફ્રૉડ થયો છે. સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે."

બીબીસી
બીબીસી