મમતા બેનરજીએ વિપક્ષના ગઠબંધન 'ઇન્ડિયા'નો ભાગ રહેવા પર શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું કે ટીએમસી ભવિષ્યમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ રહેશે.
મમતા બેનરજીએ કહ્યું, “મેં પહેલાં પણ કહ્યું હતું કે બંગાળમાં કોઈ પણ ગઠબંધન નહીં થાય, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર થશે.”
તેમણે કહ્યું, “મેં રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં મદદ કરી હતી. અમે કેન્દ્રમાં ગઠબંધનના સહયોગી તરીકે સરકાર બનાવીશું. અમે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છીએ અને ભવિષ્યમાં પણ રહીશુ.”
મમતા બેનરજીએ લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને ટીએમસી નેતાઓ વચ્ચે ઘણી બોલચાલી થઈ હતી.
તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે પશ્ચિમ બંગાળથી પસાર થઈ રહી હતી ત્યારે મમતા બેનરજી આ યાત્રામાં સામેલ થયાં નહોતાં.
કેજરીવાલે કહ્યું, “આ મોદીજીનો જ બનાવેલો નિયમ છે અને તેઓ 75 વર્ષના થશે એટલે નિવૃત્ત થઈ જશે”

ઇમેજ સ્રોત, ANI
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લખનઉમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “મોદીજી તેમના માટે નહીં પરંતુ અમિત શાહને વડા પ્રધાન બનાવવા માટે મત માંગી રહ્યા છે. ભાજપ જો જીતી જશે તો યોગી આદિત્યનાથને બે-ત્રણ મહિનામાં જ મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"જો ભાજપ જીતશે તો બંધારણમાં ફેરફાર કરીને એસસી, એસટી અને ઓબીસી માટેની અનામત નાબૂદ કરવામાં આવશે. ચાર જૂને આવનારા પરિણામોમાં ભાજપ અને એનડીએને બહુ ઓછી બેઠકો મળવાની છે.”
અરવિંદ કેજરીવાલે કહ્યું, "જ્યારે મોદી 2014માં પીએમ બન્યા ત્યારે તેમણે નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને સંસ્થાઓ અને સરકારમાં કોઈ જવાબદારી નહીં આપવામાં આવે."
"આ નિયમ હેઠળ અડવાણી અને જોશીજી નિવૃત્ત થયા હતા. મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે અને તેઓ આવતા વર્ષે અમિત શાહને પીએમ બનાવશે.”
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "મોદીજી એક વર્ષથી આ યોજના પર કામ કરી રહ્યા છે. અમિત શાહના રસ્તામાં અવરોધક એવા તમામ નેતાઓને ઠેકાણે પાડી દેવામાં આવ્યા છે.”
અમિત શાહના માર્ગમાં હવે માત્ર યોગી આદિત્યનાથ જ બચ્યા છે જેમને સાઇડલાઇન કરી દેવામાં આવશે.
"મોદીજીએ એવું નથી કહ્યું કે તેઓ 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત નહીં થાય. આ મોદીજી દ્વારા બનાવવામાં આવેલ નિયમ છે અને તેઓ ચોક્કસપણે તેનું પાલન કરશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે પણ એવો દાવો કર્યો હતો કે ભાજપ ભલે ચારસો પારનો દાવો કરતો હોય પણ હકીકતમાં તે 143 બેઠકોથી વધુ જીતી શકશે નહીં. પ્રજા તેમને 140 બેઠકો માટે પણ તરસાવી દેશે.
કેજરીવાલના જામીન વિશે અમિત શાહે કહ્યું, “હું માનું છું કે આ રૂટિન અને નૉર્મલ પ્રકારનો ચુકાદો નથી”

ઇમેજ સ્રોત, ANI
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના નેતા અમિત શાહે સમાચાર એજન્સી એનએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં અરવિંદ કેજરીવાલ વિશે વાત કરી છે.
અરવિંદ કેજરીવાલ હાલમાં જ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા પછી જેલમાંથી બહાર આવ્યા હતા અને એવું નિવેદન કર્યું હતું કે મોદી અમિત શાહ માટે મત માગી રહ્યા છે અને અમિત શાહ વડા પ્રધાન બનશે.
અમિત શાહે કેજરીવાલના આ દાવા વિશે કહ્યું હતું કે, “હું ફરીથી સ્પષ્ટ કરી દેવા માંગું છું કે 2029 સુધી નરેન્દ્ર મોદી જ રહેશે. કેજરીવાલજી, તમારા માટે કોઈ સારા સમાચાર નથી. 2029 પછી પણ નરેન્દ્ર મોદી જ અમારા ચૂંટણીઅભિયાનોનાં નેતા છે. તેમના નેતૃત્ત્વમાં જ અમે ચૂંટણી લડીશું.”
કેજરીવાલને જામીન મળ્યા અંગે અમિત શાહે કહ્યું હતું કે, “મને લાગે છે કે રૂટિન અને નૉર્મલ ચુકાદો નથી. દેશમાં ઘણા લોકો એવું માને છે કે તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.”
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. ત્યારબાદ તેમને સરેન્ડર કરવું પડશે.
કેજરીવાલે ચૂંટણીમાં કરેલા વાયદાઓ પર ટોણો મારતાં શાહે કહ્યું હતું કે, “આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને એવો વાયદો કરી રહી છે કે સમગ્ર દેશનું વીજળી બિલ માફ કરી દેશે. અરે ભાઈ, તમે 22 બેઠકો પર લડી રહ્યા છો ત્યારે સરકાર કઈ રીતે બનાવશો?”
વારાણસીથી કૉમેડિયન શ્યામ રંગીલાનું ઉમેદવારીપત્રક રદ, ચૂંટણીપંચ પર ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, SHYAMRANGEELA/FB
વારાણસીમાં પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર કૉમેડિયન શ્યામ રંગીલાનું ઉમેદવારીપત્રક રદ કરી દેવામાં આવ્યું છે.
ચૂંટણીપંચની વેબસાઇટ પર પણ શ્યામ રંગીલાનું ફૉર્મ રદ થયેલા ફૉર્મની યાદીમાં દેખાય છે.
નૉમિનેશન રદ થયા બાદ શ્યામ રંગીલાએ મીડિયાને કહ્યું, “મારા જેવા લોકોને ખબર નથી હોતી. આ તેમનું (વહીવટી) કામ છે. તેમણે કંઈ કર્યું નથી. માત્ર ડિપોઝીટની રકમ લીધી, ચાર સ્લીપ આપી અને મને બહાર મોકલી દીધો. અમને લાગ્યું કે અમે અમારું ફૉર્મ જમા કર્યું છે. જ્યારે હું બહાર આવ્યો, ત્યારે મેં જોયું કે એક વસ્તુ ખૂટે છે. અમે ફરીથી ગયા ત્યારે કલેક્ટર સાહેબે પોલીસકર્મીઓને કહીને ત્યાંથી ભગાડી દીધા. અમને લાગ્યું કે આ અમારી ભૂલ હશે. સવારે હું આવ્યો ત્યારે ડીએમ સાહેબ ત્યાં ન હતા. જ્યારે વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે- તમે દસ્તાવેજો લાવ્યા નથી.”
શ્યામ રંગીલાએ કહ્યું કે, અમે નેતાઓ જેવા બિલકુલ દેખાતા નથી. નેતાઓ એવા છે જેઓ ઉમેદવારી નોંધાવે છે અને પાંચ મિનિટમાં જ નીકળી જાય છે. અમે સામાન્ય લોકો તરીકે લડવા માટે આગળ આવ્યા હતા. જેમાં અમારી લોકશાહીના મેદાનની અંદર એન્ટ્રી પણ થઈ શકતી નથી. ચૂંટણીપંચની આવી પરિસ્થિતિ છે.”

ઇમેજ સ્રોત, ECI
શ્યામ રંગીલાએ ટ્વીટ કરીને કહ્યું કે,"તે નક્કી હતું કે તેઓ મને વારાણસીથી લડવા નહીં દે, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. દિલ ચોક્કસપણે તૂટી ગયું છે. મનોબળ તૂટ્યું નથી. તમારા બધાના સહકાર બદલ આભાર. મીડિયા અને શુભેચ્છકોને વિનંતી છે કે મહેરબાની કરીને અત્યારે ફૉન કરશો નહીં, અહીં જે પણ માહિતી ઉપલબ્ધ હશે તે હું આપતો રહીશ. હવે થોડીવાર વાત કરવાનું મન થતું નથી."
આ પહેલા શ્યામ રંગીલાએ દાવો કર્યો હતો કે તેમણે ઉમેદવારી નોંધાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા.
પરંતુ 14મી મેની રાત્રે આખરે શ્યામ રંગીલાએ ઉમેદવારી નોંધાવી હતી, જેને હવે રદ કરી દેવામાં આવી છે.
ચૂંટણીપંચની વેબસાઈટ અનુસાર, વારાણસી બેઠક માટે જે ચાર લોકોના નામાંકન ફૉર્મ સ્વીકારવામાં આવ્યા છે તેમાં નરેન્દ્ર મોદી, કૉંગ્રેસના અજય રાય, અપના દળ (એ)ના ગગન પ્રકાશ અને અપક્ષ ઉમેદવાર દિનેશ કુમાર યાદવનો સમાવેશ થાય છે.
આ સિવાય બીએસપીના અથર જમાલ, અપક્ષ ઉમેદવાર સંજય કુમાર તિવારી, આરએસજેપીના પારસનાથ કેસરીના નામાંકન ફૉર્મ પણ સ્વીકારવામાં આવ્યા છે.
ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થ જામીન મળતાં જેલમાંથી બહાર આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રબીર પુરકાયસ્થ બુધવારે મોડી રાત્રે તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા.
પ્રબીર પુરકાયસ્થ ગત વર્ષે 2 નવેમ્બરથી તિહાડ જેલમાં હતા.
સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બૅન્ચે બુધવારે ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બૅન્ચે એમ પણ કહ્યું હતું કે પુરકાયસ્થની ધરપકડ અને ત્યારબાદ તેમને જેલમાં રાખવા એ ગેરકાયદેસર હતું.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે પુરકાયસ્થની ધરપકડ સમયે તે જણાવવામાં આવ્યું ન હતું કે તેનો આધાર શું હતો. આ કારણે તેમની ધરપકડ રદ કરવામાં આવી છે.
પુરકાયસ્થની ગત વર્ષે ઑક્ટોબરમાં ચીન પાસેથી ગેરકાયદેસર ભંડોળ લેવાના આરોપમાં યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.












