You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની એ ભૂલ જેના કારણે જંગી જુમલો ખડકવા છતાં દક્ષિણ આફ્રિકા સામે બીજી વનડે મૅચ હાર્યું
રાયપુર ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મૅચ રમાઈ રહી છે, જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો ચાર વિકેટે વિજય થયો છે.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને યજમાન ટીમને બેટિંગ કરવા કહ્યું હતું. ભારતીય ટીમ પહેલાં બેટિંગ કશરવા માટે ઊતરી હતી અને પાંચ વિકેટના ભોગે 358 રન ફટકાર્યા હતા.
જવાબમાં દાવ લેવા ઉતરેલી દક્ષિણ આફ્રકાની ટીમ છ વિકેટના ભોગે 362 રન બનાવ્યા હતા. મારક્રમ (110 રન), બ્રિત્જકે (68 રન), બ્રેવિસના આક્રમક (54 રન) તથા કૅપ્ટન બવૂમાના જવાબદારીપૂર્ણ (46 રન) પ્રદાને મહેમાન ટીમનો વિજય શક્ય બનાવ્યો હતો.
ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ 105 રન ઋતુરાજ ગાયકવાડે બનાવ્યા હતા. તો વિરાટ કોહલીએ સિરીઝમાં બીજી સદી ફટકારી હતી. આ સિવાય કેએલ રાહુલે પણ કપ્તાનને છાજે એવી ઇનિંગ રમી હતી અને અડધી સદી મારી હતી.
સિરીઝનો ત્રીજો અને છેલ્લો મૅચ છઠ્ઠી ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. એ પછી નવમી ડિસેમ્બરથી પાંચ ટી20 મૅચની સિરીઝ ચાલુ થશે.
કોહલીની ફરી કમાલ, ઋતુ'રાજ'
ભારતીય ઇનિંગનું આકર્ષણ કોહલી અને ગાયકવાડની જોડીએ ત્રીજી વિકેટ માટે ફટકારેલી 195 રનની ભાગીદારી હતી.
કોહલીએ 90 બૉલમાં 100 રન ફટકાર્યા હતા, જે તેમની 53મી ઇન્ટરનૅશનલ વનડે સેન્ચુરી છે. એ પહેલાં 47 બૉલમાં અડધી સદી ફટકારી હતી.
કોહલી 93 બૉલમાં 102 રન બનાવીને આઉટ થયા હતા. તેમણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઋતુરાજ ગાયકવાડે 83 બૉલમાં 105 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
કૅપ્ટન કેએલ રાહુલે અણનમ 66 રન (43 બૉલ) બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. સામે છેડે રવીન્દ્ર જાડેજાએ અણનમ 24 રન (27 બૉલ) બનાવીને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. જાડેજાએ બે ચોગ્ગા માર્યા હતા.
આ સિવાય યશસ્વી જાયસ્વાલ (22 રન, 38 બૉલ), વૉશિંગ્ટન સુંદર (એક રન, આઠ બૉલ) અને રોહિત શર્મા (14 રન, આઠ બૉલ) મેદાન ઉપર આવ્યા હતા.
માર્કો યાનસન (63 રન) અને લુંગી એન્ગિડીએ (51 રન) તેમના ક્વોટાની 10-10 ઓવરો પૂરી કરી હતી અને તેમને અનુક્રમે બે અને એક સફળતા મળી હતી. જ્યારે નાંદ્રે બર્ગરે 6.1 ઓવરમાં 43 રન આપ્યા હતા. જ્યારે વૉશિંગ્ટન સુંદર રનઆઉટ થયા હતા.
દક્ષિણ આફ્રિકાના વિજયના સારથી
દક્ષિણ આફ્રિકા તરફથી એડન મારક્રમ તથા ક્વિન્ટન દ કૉકે ઇનિંગની શરૂઆત કરી હતી. જોકે, દક્ષિણ આફ્રિકાનો સ્કોર માત્ર 26 રન હતો ત્યારે કૉક (આઠ રન, 11 બૉલ) આઉટ થઈ ગયા હતા. અર્શદીપના બૉલ ઉપર વૉશિંગ્ટન સુંદરે કૅચ પકડ્યો હતો.
એ પછી કૅપ્ટન ટેમ્બા બવૂમા મેદાન ઉપર આવ્યા હતા અને તેમણે મારક્રમની સાથે ઇનિંગને સંભાળી હતી, બંનેએ બીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી. બવૂમા 48 બૉલમાં 46 રન (ત્રણ ચોગ્ગા, એક છગ્ગો) ફટકારીને આઉટ થયા.
એ પછી મારક્રમે મૅથ્યૂ બ્રિત્જકે સાથે ત્રીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી. દરમિયાન મારક્રમે સદી ફટકારી. મારક્રમ 110 રન (98 બૉલ) બનાવીને આઉટ થયા. તેમણે 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફઠકાર્યા.
ત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાની ઇનિંગ મજબૂત બની ગઈ હતી. ડેવાલ્ડ બ્રેવિસે 34 બૉલમાં 54 રન ફટકારીને મૅચનું પાસું પલટવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
બ્રેવિસની ઇનિંગ કેટલી આક્રમક હતી તેનો અંદાજ એ તથ્ય પરથી મેળવી શકાય છે કે તેમણે પાંચ છગ્ગા અને એક ચોગ્ગો માર્યા હતા. ચોથી વિકેટ માટે બ્રેવિસ તથા બ્રિત્જકેએ આક્રમક 91 રન ઉમેર્યા.
બ્રેવિસના આઉટ થયા બાદ બ્રિત્જકેએ ઇનિંગને સંભાળી રાખી અને 68 રનના (64 બૉલ) વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા. તેમણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા માર્યા હતા.
એ પછી બેટિંગ કરવા આવેલા દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનોએ કોઈ ચૂક કરી ન હતી અને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. બૉશ અને કેશવ મહારાજે ભારતના પરાજયને સુનિશ્ચિત કર્યો હતો.
આ દરમિયાન ભારતીય ફિલ્ડરો રન બચાવવામાં તથા બૉલરો વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા દેખાયા હતા. દક્ષિણ આફ્રિકાની ભાગીદારીઓ ન તોડી શકવાને કારણે મહેમાન ટીમ વિજય તરફ આગળ વધતી રહી હતી.
ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા ખૂબ જ મોંઘા સાબિત થયા હતા, તેમણે 8.2 ઓવરમાં 85 રન આપીને બે વિકેટ લીધી હતી.
જ્યારે અર્શદીપસિંહ (54 રન), હર્ષિત રાણા (70 રન) અને કુલદીપ યાદવ (78 રન) આપી તેમના સ્પેલ પૂરા કર્યા હતા.
અર્શદીપને બે, રાણાને એક તથા યાદવને એક સફળતા મળી હતી.
વૉશિંગ્ટન સુંદર (ચાર ઓવર, 28 રન) તથા રવીન્દ્ર જાડેજાને (સાત ઓવર, 41 રન) કોઈ સફળતા મળી ન હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન
રાંચી ખાતેની મૅચ જીતીને ભારત આ સિરીઝમાં 1-0થી આગળ છે. જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રને પરાજય આપ્યો હતો.
સિરીઝની પહેલી વનડે મૅચમાં વિરાટ કોહલીએ 120 બૉલમાં 135 રન બનાવ્યા હતા.
ભારતની ટીમ : કેએલ રાહુલ (કૅપ્ટન અને વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, રવીન્દ્ર જાડેજા, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
દક્ષિણ આફ્રિકાની ટીમ: ટેમ્બા બવૂમા (કૅપ્ટન), ક્વિન્ટન દ કૉક (વિકેટકીપર), કેશમ મહારાજ, લુંગી એન્ગિડી, નાંદ્રે બર્ગર, કૉર્બિન બૉશ, માર્કો યાનસન, એડન મારક્રમ, મૅથ્યૂ બ્રિત્જકે, ટોની ડીજૉર્જી, ડેવાલ્ડ બ્રેવિસ.
બુધવારે જ બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ ટી20 માટે ભારતીય ટીમ ની જાહેરાત કરી હતી. જેના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ તથા ઉપકપ્તાન તરીકે શુભમન ગિલે વાપસી કરી છે. જોકે, ગિલે ફિટનેસ્ટ ટેસ્ટ ક્લિયર કરવાની રહેશે.
પાંચ મૅચોની ટી20 સિરીઝની શરૂઆત તા. નવમી ડિસેમ્બરે થશે. જેનો પહેલો મૅચ કટકમાં, બીજા ચંદીગઢમાં, ત્રીજો ધર્મશાલા ખાતે અને ચોથો લખનઉમાં રમાશે. પાંચમો અને છેલ્લો ટી20 મૅચ ગુજરાતના અમદાવાદ ખાતે રમાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન