સાત મિનિટમાં 2000 કિલોમીટર દૂર પહોંચીને હુમલો કરી શકે તેવી ઈરાનની સેજિલ મિસાઇલ કેટલી ખતરનાક છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હાલના સંઘર્ષમાં બંને દેશોની યુદ્ધ ક્ષમતાની સાથે સાથે તેમનાં હથિયારોની પણ કસોટી થઈ રહી છે.
બુધવારે રાતે ઈરાને જ્યારે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે પહેલી વખત સ્વદેશી બનાવટની સેજિલ મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે. સેજિલ એ વજનદાર, લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવી, મોટું વૉરહેડ ધરાવતી મિસાઇલ છે.
જોકે, ઇઝરાયલનો દાવો છે કે તેની સેનાએ સફળતાપૂર્વક સેજિલ મિસાઇલને આંતરી હતી.
આ મિસાઇલની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ઈરાનના નતાંજ શહેરમાંથી તેને લૉન્ચ કરવામાં આવે તો માત્ર સાત મિનિટમાં તે ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સુધી પહોંચી શકે છે. આ બે શહેરો વચ્ચે લગભગ બે હજાર કિમીનું અંતર છે.
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર (આઈઆરજીસી)એ કહ્યું છે કે બુધવારે રાતે 'ઑપરેશન ટ્રુ પ્રૉમિસ 3' હેઠળ આ કાર્યવાહી થઈ હતી.
આ હુમલા પછી સેજિલ મિસાઇલને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે.
સેજિલ મિસાઇલ કેટલી શક્તિશાળી છે?

ઇમેજ સ્રોત, Getty Images
19 જૂન, ગુરુવારે ભારતમાં હાજર ઈરાની દૂતાવાસે આઈઆરજીસીના હવાલાથી સેજિલ મિસાઇલ વિશે માહિતી આપી હતી.
ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "આ ઑપરેશન 'ટ્રુ પ્રૉમિસ 3'ની બારમી જવાબી કાર્યવાહી છે, જે બહુ ભારે અને લાંબા અંતર સુધી પ્રહાર કરતી ટુ-સ્ટેજ સેજિલ મિસાઇલ સાથે શરૂ થઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"સેજિલ મિસાઇલો સૉલિડ ફ્યુઅલથી સંચાલિત હોય છે. તે ઈરાનની સૌથી સચોટ અને શક્તિશાળી સ્ટ્રેટેજિક હથિયારો પૈકી એક છે. તે દુશ્મનના મહત્ત્વનાં ઠેકાણાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે."
સેજિલ મિસાઇલની લંબાઈ લગભગ 18 મીટર છે અને તે સૉલિડ ફ્યુઅલથી સંચાલિત હોવાથી બીજા ઈંધણની તુલનામાં ફાયદો મળે છે. તે ઝડપથી લૉન્ચ માટે તૈયાર થઈ શકે છે, સ્ટોરેજ ક્ષમતા સારી હોય છે અને યુદ્ધ દરમિયાન વધુ અસરકારક પ્રદર્શન કરી શકે છે.
- રેન્જઃ સેજિલ મિસાઇલની મહત્તમ રેન્જ 2000 કિમી છે, જેથી તે મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ ગણાય છે. આટલી રેન્જ હોવાના કારણે આ મિસાઇલ ઈરાનથી ઇઝરાયલ, દક્ષિણ-પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાના કેટલાક ભાગ સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં ટાર્ગેટ પર હુમલો કરવા માટે સક્ષમ છે.
- પૅલોડઃ આ મિસાઇલ લગભગ 700 કિલો વજનનો વૉરહેડ લઈ જઈ શકે છે, જેથી તે ટાર્ગેટને નષ્ટ કરવાની વિધ્વંસક ક્ષમતા મેળવે છે.
- લૉન્ચ વેટઃ આ મિસાઇલ સિસ્ટમનું અંદાજિત વજન એટલે કે લૉન્ચ વેટ લગભગ 23,600 કિલોગ્રામ છે.
આ મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ 2008માં થયું હતું અને તે વખતે મિસાઇલે 800 કિમીની ઉડાન ભરી હતી. આધુનિક ટૅક્નોલૉજી અને નેવિગેશન સિસ્ટમનું પરીક્ષણ કરવા મે 2009માં તેને બીજી વખત લૉન્ચ કરવામાં આવી હતી.
અમેરિકન થિંક ટેન્ક સેન્ટર ઑફ સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ મુજબ સેજિલ મિસાઇલના ઘણા વેરિયન્ટ હોઈ શકે છે. 2009માં ઈરાને મિસાઇલ ટેસ્ટિંગને સેજિલ 2ના રૂપમાં દર્શાવ્યું હતું. એક પુષ્ટિ ન ધરાવતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સેજિલ 3 વધુ બહેતર હોઈ શકે છે. સેજિલ ત્રણમાં કથિત રીતે ત્રણ તબક્કા હશે, તેની વધુમાં વધુ રેન્જ 4000 કિલોમીટર હશે અને લૉન્ચ વેટ 38,000 કિલોગ્રામ હશે."
આ મિસાઇલનું 2012 પછી જાહેરમાં પરીક્ષણ કરવામાં નથી આવ્યું, તેથી તેના ઉપયોગ અંગે અનિશ્ચિતતા હતી. પરંતુ હાલના સંઘર્ષમાં ઈરાને સેજિલ મિસાઇલ ફાયર કરી તેવા દાવા પછી અનિશ્ચિતતા દૂર થઈ છે.
આ અગાઉ ઈરાને લગભગ એક દાયકાની નિષ્ક્રિયતા પછી 2021માં એક યુદ્ધ અભ્યાસ વખતે તેને લૉન્ચ કરી હતી.
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં અત્યાર સુધીમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
13 જૂને ઇઝરાયલે ઈરાનના કેટલાક મિલિટરી અને પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા જેમાં તહેરાન, નતાંજ અને ઈસ્ફહાન સામેલ છે. ઇઝરાયલે આ કાર્યવાહીને 'ઑપરેશન રાઇઝિંગ લાયન' નામ આપ્યું હતું.
ઇઝરાયલના કહેવા પ્રમાણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને વાતચીતનો કોઈ ઉકેલ આવતો ન હતો તેથી ઈરાન ઉપર હુમલો કરવો એ અંતિમ ઉપાય હતો.
જવાબી હુમલામાં ઈરાને ઇઝરાયલ પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો ફાયર કરી. ઈરાનના એક હુમલામાં દક્ષિણ ઇઝરાયલના બેર્શેબાસ્થિત સોરોકા હૉસ્પિટલને મિસાઇલથી નુકસાન થયું હતું. જોકે, ઈરાનનું કહેવું છે કે હૉસ્પિટલ નજીક એક સૈન્ય સ્થળ તેમનું નિશાન હતું.
ઇઝરાયલના આરોગ્ય મંત્રાલય મુજબ આ હુમલામાં 71 લોકોને ઈજા થઈ છે. ઇઝરાયલના ઘણા અન્ય વિસ્તારોમાં પણ રાતભર હુમલા થયા હતા.
જવાબી કાર્યવાહીમાં ઈરાને પહેલી વખત સેજિલ મિસાઇલથી હુમલો કર્યાનો દાવો કર્યો છે.
હૉસ્પિટલ પર મિસાઇલ હુમલા પછી ઇઝરાયલે ઈરાનના અરાક અને નતાંજ સહિત અનેક પરમાણુ અને મિલિટરી ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં.
આ દરમિયાન રાતે ઇઝરાયલી સેનાએ ઈરાનનાં પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. તેમાં અરાક હેવી વૉટર રિએક્ટર પણ સામેલ છે. આ હુમલા પછી ઈરાની અધિકારીઓએ જાનહાનિ વિશે કોઈ માહિતી આપી ન હતી.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












