તુર્કીની વિમાન કંપની પર હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત, 22 લોકો ઘાયલ

તુર્કીની વિમાન કંપની પર હુમલો, 4 લોકોનાં મોત, ડઝનથી વધારે ઘાયલ

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, તુર્કીની વિમાન બનાવતી કંપનીની અંદર સીસીટીવીમાં કેદ થયેલો શંકાસ્પદ હુમલાખોર

તુર્કીની રાજધાની અંકારામાં બુધવારે એક સરકારી વિમાન કંપનીના મુખ્યાલય સામે વિસ્ફોટ થયો. અધિકારીઓ મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે અને 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આંતરિક મામલાના મંત્રી અલી યર્લિક્યાએ કહ્યું હતું કે બે હુમલાખોરો, એક મહિલા અને એક પુરુષને પકડવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આ હુમલામાં કુર્દિશ બળવાખોરોનો હાથ હોઈ શકે છે.

જોકે કોઈએ હજુ આ હુમલાની જવાબદારી લીધી નથી.

સ્થાનિક મીડિયાએ આપેલી જાણકારી પ્રમાણે ટર્કિશ ઍરોસ્પૅસ ઇન્ડસ્ટ્રીઝની બહાર વિસ્ફોટ સાથે ગોળીબારનો અવાજ પણ સંભળાયો.

આ હુમલામાં અત્યારસુધી ઓછામાં ઓછાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનથી વધારે ઘાયલ છે. આ કંપનીનું મુખ્યાલય ઉત્તર-પશ્ચિમ અંકારાથી 28 કિલોમીટર દૂર છે.

તુર્કીના ગૃહ મંત્રી અલી યર્લિક્યાએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર તેની જાણકારી આપતા લખ્યું કે આ આતંકવાદી હુમલો હતો. તેમણે લખ્યું, “આ હુમલામાં કેટલાક લોકો શહીદ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે.”

તુર્કીના ઉપરાષ્ટ્રપતિ સેવડેટ યિલ્માઝે કહ્યું કે ચાર મૃતકો ટીએઆઈના કર્મચારી હતા જ્યારે પાંચમી વ્યક્તિ એક ટૅક્સી ડ્રાઇવર હતી.

તુર્કીમાં હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પીકેકે તુર્કી, અમેરિકા અને યુકેમાં પ્રતિબંધિત છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ હુમલાખોરોએ હુમલા માટે ટૅક્સી લીધી એ પહેલાં ટૅક્સીના ડ્રાઇવરની હત્યા કરી નાખી. આ હુમલો ત્યારે થયો જ્યારે કર્મચારીઓની શિફ્ટ બદલાઈ રહી હતી અને તેમને શેલ્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી.

યર્લિક્યાએ હુમલામાં સ્પેશિયલ ઑપ્સ દળના સાત સભ્યોના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ કરી છે.

પીકેકે પર તુર્કી, અમેરિકા અને યુકેમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જૂથ 1980ના દાયકાથી કુર્દીશ લઘુમતી સમુદાય માટેના અધિકારો માટે તુર્કીની સરકાર સામે લડી રહ્યું છે.

તુર્કીમાં હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તુર્કીમાં ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસની પણ ઉપસ્થિતિ છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆન બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા ગયા છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિની સાથે બેઠક કરી હતી, જેમાં લાઇવ પ્રસારણમાં તેમણે આ હુમલાને વખોડી કાઢ્યો હતો.

તુર્કીના અધિકારીઓ હુમલાની વધુ માહિતી પ્રસારિત કરવા પર રોક લગાવી છે અને આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તેઓ યુટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ જેવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વાપરી નથી શકી રહ્યા.

તુર્કીના રેડિયો અને ટીવી સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ એબુબકિર સાહીને સોશિયલ મીડિયા પરથી હુમલા સંબંધિત તસ્વીરો હઠાવી લેવાની ચેતવણી આપી છે. તેમણે યુઝર્સને આ તસવીરો પોસ્ટ ન કરવા વિનંતી કરતા કહ્યું કે આનાથી 'આતંકવાદનો હેતુ સધાય' છે.

તુર્કી માટે કેટલી ખાસ આ વિમાન કંપની?

તુર્કી માટે કેટલી ખાસ આ વિમાન કંપની?
ઇમેજ કૅપ્શન, તુર્કીની રાજધાની નજીક આવેલી વિમાન બનાવતી કંપનીમાં થયેલા વિસ્ફોટ બાદ ધુમાડો દેખાઈ રહ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ હથિયારો અને ઍરોસ્પૅસ ટૅક્નૉલૉજી સાથે જોડાયેલી કંપની છે. જેનું મુખ્યાલય તુર્કીની રાજધાની અંકારાની નજીક છે.

આ કંપની સૈન્ય, નાગરિક વિમાનો અને હેલિકૉપ્ટરો બનાવે છે.

આ સિવાય આ કંપની તુર્કી સેના માટે ડ્રૉન સિસ્ટમ પણ બનાવે છે. આ કંપની દુનિયાના ઘણા દેશોને હથિયાર અને ડ્રૉન વેચે છે.

તુર્કીએ દુનિયાના અન્ય દેશો પર હથિયારોની નિર્ભરતા ઓછી કરવા માટે આ કંપની બનાવી હતી. આ કંપનીના નિર્માણમાં એક નાટો દેશની મહત્ત્વની ભૂમિકા રહી છે અને અહીં અમેરિકાના એફ-16 વિમાનોનું નિર્માણ પણ થાય છે. સાથે આ કંપનીમાં જૂના લડાકૂ વિમાનોને આધુનિક બનાવવા માટેનું કામ પણ થાય છે.

બીબીસીના ડિફેન્સ રિપોર્ટર ફ્રેન્ક ગાર્ડનરનું કહેવું છે કે તુર્કીમાં આતંકવાદી હુમલા થવા એ કોઈ નવી વાત નથી.

ઐતિહાસિક રીતે આ પ્રકારના હુમલાઓ કરવા માટે કુર્દ અલગતાવાદીઓને જવાબદાર ગણાવાય છે. કુર્દિશ અલગતાવાદીઓનો કૅમ્પ ઉત્તરી સીરિયામાં છે. આ વિસ્તારમાં તુર્કીની વાયુસેના વારંવાર ઍરસ્ટ્રાઇક કરે છે.

તુર્કીમાં ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસની પણ ઉપસ્થિતિ છે.

જે ટર્કિશ ઍરોસ્પૅસ કંપની પર હુમલો થયો છે તેના દ્વારા બનાવાયેલાં ડ્રૉનથી આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધનું સમીકરણ બદલાઈ ગયું છે.

રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારે શરૂઆતમાં તુર્કીમાં બનેલાં ડ્રૉનથી જ રશિયાની ટૅન્કોને નિશાન બનાવવામાં આવતી હતી. પછી યુક્રેને ખુદ આ પ્રકારનાં ડ્રૉનનું ઉત્પાદન શરૂ કર્યું.

હવે આ મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. તપાસ બાદ ખબર પડશે કે આ હુમલો કોણે કર્યો અને તેની પાછળ તેમનો શો ઉદ્દેશ હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.