You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાન બૉર્ડર પાસેની ઍરસ્ટ્રિપ કોણે 'છેતરપિંડી'થી વેચી મારી?
- લેેખક, હરમનદીપ સિંહ પુરી અને કુલદીપ બ્રાર
- પદ, બીબીસી પંજાબી
કોઈ વ્યક્તિએ તેના દેશની હવાઈ દળની સરકારી સંપત્તિ વેચી મારી હોય એવું તમે ક્યારેય સાંભળ્યું છે?
આ કોઈ હોલીવૂડ કે બોલિવૂડ ફિલ્મની કહાણી નથી, પરંતુ પંજાબમાં બનેલી અસલી ઘટના છે. વાસ્તવમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના ફત્તૂવાલા ગામમાં ભારતીય હવાઈ દળની એક ઐતિહાસિક ઍરસ્ટ્રિપ કથિત રીતે વેચી મારવાની ઘટના બહાર આવી છે.
ભારત-પાકિસ્તાન સરહદ પાસે આવેલી તે હવાઈ પટ્ટીનો ઉપયોગ યુદ્ધના સમયમાં ભારતીય હવાઈ દળ દ્વારા કરવામાં આવતો હતો.
કરોડો રૂપિયાની કિંમતની લગભગ 15 એકર જમીન સંબંધી આ કથિત છેતરપિંડીના ઘટના 1997માં બની હતી, પરંતુ એ બાબતે પોલીસ કાર્યવાહી હવે કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ મામલે એક મા-દીકરા સામે કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, બન્નેએ ભારતીય હવાઈ દળની 15 એકર જમીન પોતાની માલિકીની ગણાવીને વેચી મારી હતી.
બીબીસી પંજાબીએ આરોપીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. હાલ પંજાબ પોલીસ બન્ને આરોપીઓને શોધી રહી છે.
પોલીસનું કહેવું છે કે આ જમીન હવાઈ પટ્ટી માટે આઝાદી પહેલાં ખેડૂતો પાસેથી લેવામાં આવી હતી અને તેમને વળતર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ મહેસૂલ રેકૉર્ડમાં આ જમીન, જે લોકો પાસેથી તે લેવામાં આવી હતી તેમના નામે જ નોંધાયેલી છે.
રેકૉર્ડ બરાબર ન હોવાનો લાભ લઈને આરોપીઓએ (જે પરિવાર પાસેથી આ જમીન લેવામાં આવી હતી) આ જમીનને બાદમાં વેચી નાખી હતી.
આ મામલામાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. એ પછી જ પંજાબ પોલીસે કાર્યવાહી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો
નિવૃત્ત રેવેન્યુ ઇન્સપેક્ટર નિશાન સિંહે ડિસેમ્બર 2023માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
તેના અનુસંધાને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચાર સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ પંજાબ વિજિલન્સ બ્યૂરોના ડિરેક્ટરને 2025ની 30 એપ્રિલે આપ્યો હતો. બ્યૂરોએ 20 જૂને તપાસનો રિપોર્ટ આપ્યો હતો અને તેના આધારે 28 જૂને એક એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
પંજાબ પોલીસે ફિરોઝપુર જિલ્લાના કુલગઢી થાણામાં ઉષા અંસલ અને તેમના પુત્ર નવીન અંસલ સામે કેસ દાખલ કર્યો છે. આરોપીઓ ફિરોઝપુર જિલ્લાના રહેવાસીઓ છે, પરંતુ હાલ દિલ્હીમાં રહે છે.
પંજાબ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમામ 419, 420, 465, 471 અને 120-બી હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ ડીએસપી કરન શર્મા કરી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં ડીએસપી કરન શર્માએ કહ્યું હતું, "આરોપીઓને ખબર હતી કે આ જમીન હવાઈ દળની છે. તેમ છતાં તેમણે તેને વેચી મારી હોવાનું વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું છે."
તેમણે કહ્યું હતું, "આરોપીઓનો દાવો છે કે આ જમીન તેમની છે, જ્યારે અસલી માલિક હવાઈ દળ છે."
આરોપી નવીન અંસલનું પ્રતિનિધિત્વ એક અન્ય કેસમાં કરી રહેલા વકીલ પ્રતીક ગુપ્તા સાથે બીબીસીએ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અંસલ પરિવારે આ મામલે કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે, કારણ કે આ કેસ કોર્ટમાં વિચારાધીન છે.
શું છે આખો મામલો?
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1939માં બ્રિટિશ સરકારે રૉયલ ઍરફોર્સના ઉપયોગ માટે અવિભાજ્ય ભારતમાં 982 એકર જમીન અધિગ્રહિત કરી હતી અને આ હવાઈ પટ્ટી તેનો હિસ્સો હતી. ભારતના વિભાજન પછી આ ઍરસ્ટ્રિપની માલિકી ભારતીય હવાઈ દળને મળી હતી.
1964માં તત્કાલીન ભારતીય વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ખાદ્યાન્નની અછતની સમસ્યા વખતે અનાજનું ઉત્પાદન વધારવા માટે સંરક્ષણ મંત્રાલયની ખાલી પડેલી જમીનનો ઉપયોગ ખેતી માટે કરવાની યોજના શરૂ કરી હતી.
તે યોજના હેઠળ હવાઈ પટ્ટીની જમીન મદન મોહન લાલ અને તેમના ભાઈ ટેક ચંદને આપવામાં આવી હતી. તેમને "પાકની દેખરેખ"ની જવાબદારી પણ સોંપવામાં આવી હતી, પરંતુ મદન મોહનના મૃત્યુ પછી તેમના નામના પાવર ઑફ ઍટર્નીના આધારે તે જમીન વેચી મારવામાં આવી હતી.
વિજિલન્સ બ્યૂરોના એક અહેવાલ મુજબ, ડુમનીવાલા ગામનાં એક મહિલા અને તેમના પુત્રએ મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓની કથિત મદદથી 1997માં એ જમીન પર પોતાનો માલિકી હક્ક સુદ્ધાં લઈ લીધો હતો અને પછી એક વ્યક્તિને તે વેચી મારી હતી.
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના હસ્તક્ષેપ પછી વિજિલન્સ બ્યૂરોએ આ મામલાની તપાસ કરી હતી. પંજાબ પોલીસે પણ પોતાની તપાસ વિજિલન્સ રિપોર્ટના આધારે કરી છે.
એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, પંજાબ પોલીસ વિજિલન્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે ફત્તૂવાલા અને આસપાસનાં ચાર ગામોની જમીન હવાઈ દળે આઝાદી પહેલાં લીધી હતી. એ પછી ત્યાં એક લૅન્ડિંગ ગ્રાઉન્ડ બનાવ્યું હતું.
તેમ છતાં રેકૉર્ડમાં કેટલીક જમીન હવાઈ દળના નામે ટ્રાન્સફર થઈ ન હતી. મહેસૂલ વિભાગના રેકૉર્ડમાં આ જમીન કેટલાક લોકોનાં નામે ચડતી રહી હતી.
અરજદાર નિશાન સિંહે બીબીસી સંવાદદાતા સરબજીત સિંહે ધાલીવાલ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, "મહેસૂલ વિભાગના રેકૉર્ડમાંની ભૂલનો લાભ લઈને આરોપીઓએ સરકારી અધિકારીઓની મિલીભગત વડે ભારતીય હવાઈ દળની જમીન વેચી મારી હતી."
મામલો કેવી રીતે બહાર આવ્યો?
નિશાન સિંહે જણાવ્યું હતું કે આ જમીન શરૂઆતમાં મદન મોહન લાલના નામે હતી અને તેઓ 1991માં અવસાન પામ્યા હતા.
તેમના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોએ 1997માં બનાવટી રજિસ્ટ્રી મારફત આ જમીન દારા સિંહ, મુખ્તિયાર સિંહ, જાગીર સિંહ, સુરજીત કૌર અને મનજીત કૌરને વેચી મારી હોવાનો આરોપ છે.
નિશાન સિંહે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યા મુજબ, 2021માં હલવાલા ઍરફોર્સ સ્ટેશનના કમાન્ડન્ટે આ છેતરપિંડીને ઉઘાડી પાડી હતી અને ફિરોઝપુરના ડૅપ્યુટી કમિશનર પાસે તપાસની માંગ કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
એ પછી નિશાન સિંહે ડિસેમ્બર 2023માં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જમીનના અસલી માલિક મદન મોહન લાલનું મૃત્યુ 1991માં થયું હતું, પરંતુ 1997માં બનાવટી રજિસ્ટ્રી દ્વારા આ જમીન વેચી મારવામાં આવી હતી.
નિશાન સિંહે જણાવ્યું હતું કે સૈન્યએ આ જમીન ક્યારેય કોઈને ટ્રાન્સફર ન કરી હોવા છતાં, 2009-10માં સુરજીત કૌર, મનજીત કૌર, મુખ્તિયાર સિંહ, જાગીર સિંહ, દારા સિંહ, રમેશ કાંત અને રાકેશ કાંત આ જમીનના માલિક તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
નિશાન સિંહે આ મામલે લગભગ બે વર્ષ પહેલાં અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ફિરોઝપુરના ડૅપ્યુટી કમિશનરની બેદરકારી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સલામતી માટે ખતરો છે.
હાઇકોર્ટે પંજાબ વિજિલન્સ બ્યૂરોના વડાને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે 30 એપ્રિલે આપેલા ચુકાદામાં ચાર સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલાં ભારતીય હવાઈ દળે પણ પંજાબના રાજ્યપાલ સમક્ષ પણ હસ્તક્ષેપની માગણી કરી હતી.
દરમિયાન જે લોકોએ આ જમીન ખરીદી છે તેમણે પણ જમીનનો કબજો મેળવવા માટે અલગ-અલગ અદાલતોમાં ધા નાખી છે.
અરજદાર નિશાન સિંહના જણાવ્યા મુજબ, જમીન ખરીદનાર લોકો જિલ્લા અદાલતોમાં કબજાનો કેસ જીતી ચૂક્યા છે, પરંતુ ભારતીય હવાઈ દળે તે ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો છે.
'અમારી જમીન માટે અમને કોર્ટમાં ઘસેડ્યા'
આ મામલમાં જમીન ખરીદનારો પૈકીના એક જાગીર સિંહનો દાવો છે કે તેમણે આ જમીન તેના માલિકો પાસેથી ખરીદી હતી.
તેમણે કહ્યું હતું, "અમારી સૈન્ય સાથે કોઈ લડાઈ નથી. અમે આ જમીન સીધી માલિકો પાસેથી ખરીદી હતી, પરંતુ હવે અમને વધારે પડતા હેરાન કરવામાં આવી રહ્યા છે. આ જમીન પર કબજા બાબતે અમારો કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે."
તેમણે ઉમેર્યું હતું, "અમે 1975થી આ જમીન ભાડાપટ્ટે લઈને ખેતી કરતા હતા. પછી 1997માં અમે તે ખરીદી લીધી હતી, પરંતુ 2001માં સૈન્યએ અમને અહીંથી કાઢી મૂક્યા હતા અને ત્યારથી અમે કોર્ટમાં કેસ લડી રહ્યા છીએ. અમારું એક મોટર કનેક્શન આજે પણ એ જમીનમાં ચાલી રહ્યું છે. અમારી એકમાત્ર માંગ છે કે એ અમને અમારી જમીન પાછી આપવામાં આવે."
મુખ્તાર સિંહનું કહેવું છે કે, "મારા પિતા દારા સિંહે આ જમીન ખરીદી હતી અને તેનું રજિસ્ટ્રેશન મારાં ભાઈ, માતા અને મારા નામે કરાવ્યું હતું."
સરકારી અધિકારીઓ પર આક્ષેપ કરતાં મુખ્તાર સિંહ કહે છે, "અમે જૂનો રેકૉર્ડ જોઈને જમીન ખરીદી હતી. અમે અભણ છીએ, પરંતુ આ વિભાગના અધિકારીઓ તો ભણેલા હતા. તેમને ખબર ન હતી કે આ જમીન સરકારી છે?"
તેઓ ઉમેરે છે, "આ સરકારી જમીન હતી તો અધિકારીઓએ તેનું રજિસ્ટ્રેશન અમારા નામે કેમ કરવા દીધું? અમે તેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે એટલે અમને હક્ક મળવો જોઈએ. અમે 2001થી કોર્ટમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. અમને અમારો હક્ક મળવો જોઈએ."
અરજદારને વાંધો શું છે?
અરજદાર નિશાન સિંહે કહ્યું હતું, "પંજાબ વિજિલન્સ તરફથી આ મામલો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે, વાસ્તવમાં આ મામલે કાર્યવાહી ખુદ પંજાબ વિજિલન્સે કરવી જોઈતી હતી. આ છેતરપિંડી વરિષ્ઠ અધિકારીઓની મિલીભગતથી કરવામાં આવી છે. તેથી આમાં લાંચ પણ સામેલ છે, પરંતુ ફક્ત જમીન વેચનારાઓ સામે જ એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."
"એ ઉપરાંત મને ફરિયાદી બનાવી દેવામાં આવ્યો છે, જ્યારે મેં તો ગડબડનો ખુલાસો જ કર્યો હતો. અસલી ફરિયાદી તો સૈન્ય કે સરકારે હોવી જોઈએ."
કરન શર્માએ કહ્યું હતું, "અમે તપાસ શરૂ કરી દીધી છે. આ મામલામાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે."
ઍરસ્ટ્રિપનો ઇતિહાસ
નિશાન સિંહનું કહેવું છે કે ભારતીય હવાઈ દળે 1962, 1965 અને 1971માં આ ઍરસ્ટ્રિપનો ઉપયોગ કર્યો હતો.
આ હવાઈ પટ્ટીનો ઉપયોગ 1932થી કરવામાં આવી રહ્યો છે. ભારતીય હવાઈ દળે તેની ફરિયાદમાં પણ આ વાત જણાવી છે.
નિશાન સિંહના જણાવ્યા અનુસાર, આ જમીન 1932 પહેલાં હવાઈ દળે અધિગ્રહિત કરી હતી. ત્યારથી આ જમીન ભારતીય હવાઈ દળના કબજામાં છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન