You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સાપની જેમ સરકી'ને લુટારુઓની પકડમાંથી ભાગેલા એક છોકરાની કહાણી
- લેેખક, ક્રિસ ઇવોકોર
- પદ, બીબીસી ન્યૂઝ, કુરીગા
17 વર્ષના મૂસા ગરબાનું લુટારુઓએ અપહરણ કરી લીધું હતું. તેમને ઉત્તર નાઇજિરિયાનાં જંગલ વિસ્તારમાં રખાયો હતો, જ્યાંથી ભાગી નીકળીને તેમણે પોતાનો જીવ બચાવ્યો.
પોતાનો જીવ બચાવવા તેમણે જમીન પર સાપની જેમ સરકીને ચાલવું પડ્યું હતું, જેથી અપહરણ કરનારાઓને તેમની કોઈ ભાળ ના મળે.
આ અગાઉ કિશોર મૂસા ગરબા (ઓળખ છૂપાવવા માટે તેમનું નામ બદલી દેવાયું છે) અને તેમની સાથે અપહરણ કરાયેલા અન્ય બાળકોને લુટારુઓ બળજબરીથી ચલાવીને લઈ જઈ રહ્યા હતા. જ્યારે તેમને રસ્તામાં થોડો આરામ કરવા કહેવાયું તો તે સમયે તેમણે પોતાના ગણવેશમાં છૂપાઈને કિશોર મૂસા કપાયેલા ઘાસના એક ઢગલામાં છૂપાઈ ગયા હતા.
ગત ગુરૂવારે નાઇજિરિયાના કદુનામાં કુરીગા વિસ્તારમાંથી શાળાના 280થી વધારે બાળકોનું અપહરણ કરી લેવાયું હતું. જેના કારણે બાળકોના માતા-પિતા ખૂબ જ આઘાતમાં છે.
ગુરૂવારે સવારે બનેલી આ ઘટનાને યાદ કરતા મૂસાએ બીબીસીને જણાવ્યું, “અમે રસ્તા પર મોટરસાઇકલ ચાલતી જોઈ, અમને લાગ્યું કે તે સૈનિકો છે. પરંતુ પછી તેમણે શાળાની ઇમારત પર કબજો કરી લીધો અને ગોળીબાર કર્યો.”
મૂસા અને તેમની સાથે અપહરણ કરાયેલા જે બાળકોનો ઉલ્લેખ થયો છે તેમની સુરક્ષા માટે નામ બદલી દેવાયા છે.
લુટારુઓ લોકોનું અપહરણ કેમ કરે છે?
મૂસાએ બીબીસીને જણાવ્યું, "અમે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે અમારો પીછો કરી, અમને આંતરી લીધા. તેમણે અમને એવી રીતે ત્યાં ભેગા કર્યાં જેવી રીતે ગાયોનાં ધણને ભેગું કરાય છે."
મોટરસાઇકલ પર સવાર આ હથિયારધારી લોકોને સ્થાનિક લોકો લુટારુઓ કહીને બોલાવે છે. ઘણા સમયથી અહીંના સ્થાનિક સમુદાયોમાં તેમનો ડર છે. એટલે સુધી કે સુરક્ષા કર્મચારી પણ આવા જોખમ સામે લડવામાં સફળ નથી થતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુરીગામાં લોકોનું અપહરણ કરીને તેમને મુક્ત કરવા માટે રૂપિયા માગનારા આવા જૂથો ઘણા દિવસોથી સક્રિય છે.
પણ આ વખતે અપહરણ કરાયેલા લોકોમાં સાત વર્ષની ઉંમરના નાના બાળકો પણ સામેલ હોવાથી લોકોમાં રોષ છે.
હથિયારધારી લુટારુઓએ હાજાય હુઆવા નામના બાળકનું પણ અપહરણ કરેલું છે. અશ્રુભરી આંખો સાથે તેમણે કહ્યું, “આ જ એ જગ્યા છે જ્યાંથી અમે અમારા બાળકોને લઈ જવાતાં જોયા હતાં, અમે કશું ના કરી શક્યા, બસ લાચાર બની જોતા રહી ગયા. અમારી પાસે સેના નથી, અમારા સમુદાયમાં તો પોલીસ જેવી વ્યવસ્થા પણ નથી.”
બાળકોમાં લુટારુઓનો ડર
મૂસાએ અમને જણાવ્યું, "અમે ઝાડીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એક જગ્યાએ અમને બધાને બહુ તરસ લાગી હતી પણ ત્યાં પાણી હતું નહીં. ચાલતાં ચાલતાં કેટલાક છોકરાઓ અને છોકરીઓ ઢળી પડતા હતા."
તેઓ કહે છે કે "અપહરણ કરાયેલાંમાંથી કેટલાકને લુટારુઓને તેમની બાઇક પર બેસાડીને આગળ લઈ જવાં પડ્યાં હતાં."
ઘેરી ઝાડીઓમાંથી પસાર થતાં એક જગ્યા પર બાળકોને એક નદી મળી ત્યારે તેમને ત્યાં પાણી પીવા મળ્યું.
આનાથી બાળકોને મોટી રાહત મળી હતી કારણ કે તેમણે સવારથી નાસ્તો પણ નહોતો કર્યો. ખૂબ ગરમી વચ્ચે બાળકોને કલાકો સુધી ચાલાવાં મજબૂર કરાયાં હતાં.
ચાલતાં ચાલતાં મૂસા સતત લુટારુઓની પકડમાંથી ભાગવાનો રસ્તો શોધતા રહ્યા હતા. તેમણે અન્ય બાળકોને પણ ત્યાંથી ભાગી નીકળવા કહ્યું પરંતુ તેઓ ખૂબ ડરેલા હતા.
મૂસાને ભાગી નીકળવાની તક ત્યારે દેખાઈ જ્યારે સૂરજ આથમી રહ્યો હતો. મૂસાએ ચારે બાજુ નજર દોડાવી ને જોયું કે કોઈનું ધ્યાન તેના પર તો નથીને? તે પછી તે ઘાસના એક ઢગલામાં છૂપાઈ ગયા અને હલન ચલન કર્યા વગર તે ત્યાં જ પડ્યા રહ્યા.
મૂસાએ જણાવ્યું, "જ્યારે બહારનું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું (જેથી છૂપાયેલા હોવાની કોઈને જાણ ના થાય) ત્યારે હું જમીન પર સાપ સરકે તેવી રીતે સરકીને આગળ વધવા લાગ્યો."
જ્યારે ચારે બાજુ અંધારું થઈ હયું, ત્યારે મૂસાએ ઊભા થઈને ચાલવાનું શરૂ કર્યું. તેઓ ગામ સુધી ના પહોંચ્યા ત્યાં સુધી ચાલતા રહ્યા. અહીં તેમને મદદ મળી.
મૂસાએ લુટારુઓની પકડમાંથી ભાગી નીકળવા ખૂબ મોટું જોખમ લીધું હતું. આ સમયે જો એક નાની અમથી પણ ભૂલ થઈ જતી તો તેમનો જીવ જતો. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે ઈશ્વરે મૂસાની રક્ષા કરી.
આગલા દિવસે જ્યારે મૂસા કુરીગા ગામ પહોંચ્યા તો તેમના માતા-પિતાના આનંદનો પાર ના રહ્યો. પરંતુ મૂસા તેમની સાથે અપહરણ કરાયેલા બાળકોની પીડાદાયક કહાણી લઈને આવ્યા હતા, જેનાથી લોકોનો આનંદ ગાયબ થઈ ગયો હતો. બાળકો હજુ પણ લુટારુઓની પકડમાં હતા.
પરિવારોને બાળકોની રાહ
હથિયારધારી લુટારુઓએ જુલાઈ 2021માં એક બોર્ડિંગ સ્કૂલમાંથી 140થી વધારે બાળકોનું અપહરણ કર્યું હતું.
10 વર્ષના સાદિક ઉસ્માન અબ્દુલ્લાહીના માતા-પિતા હજુ પણ તેમના બાળકના કોઈ સમાચાર મળે તેની રાહ જોઈ રહ્યા છે.
પરિવારનું કહેવું છે કે તેમણે તેમનાં હસતાં રમતાં બાળકને ત્યારે જોયો હતો જ્યારે ગુરૂવારની સાવરે તે શાળાએ જતાં જતાં અચાનક પાછો આવ્યો હતો.
સાદિક પેન્સિલ લઈ જવાનું ભૂલી ગયો હતો અને તે જ લેવા પાછો આવ્યો હતો. પેન્સિલ લઈને જ્યારે તે ફરી શાળાએ ગયો ત્યારે લુટારુઓએ ગામ પર હુમલો કરી દીધો હતો.
સાદિકનો 21 વર્ષનો ભાઈ હસન એ દિવસને યાદ કરતા કહે છે, “તે રસ્તામાંથી ઘરે પાછો આવ્યો હતો, તેણે મને પાછા આવીને પૂછ્યું હતું કે શું મારી પાસે પેન્સિલ છે? મેં તેને કહ્યું કે તે મારી બૅગમાં જોઈ લે. સાદિક ઉતાવળમાં હતો, તો તેણે મારી બૅગ વેરવિખેર કરી નાખી કરી હતી. તેને પેન્સિલ મળી ગઈ તો તે લઈને તરત જ ભાગી ગયો હતો. મેં તેને કહ્યું કે મારી બૅગ ફરી સરખી મૂકી દે. પણ તે ઉતાવળે જતો જ રહ્યો.”
સાદિકના માતા રહમતુ ઉસ્માન અબ્દુલ્લાહી કહે છે કે જે દિવસે સાદિકનું અપહરણ કરાયું તે દિવસથી તેઓ ઊંઘી નથી શક્યા.
તેઓ કહે છે, "હું દરેક ક્ષણે મારાં દિકરા વિશે વિચારતી રહું છું. મને ઊંઘ નથી આવતી. મને ઊંઘ આવે પણ કેવી રીતે? ઈશ્વર અમારી સહાય કરે."
લુટારુઓ વિચારસરણી શું છે?
મૂસા અને સાદિક એ ચાર હજાર લોકોમાંના બે ઉદાહરણ છે, જેમનું એક અનુમાન મુજબ છેલ્લાં આઠ મહિના દરમિયાન નાઇજિરિયામાંથી અપહરણ કરાયું છે.
છેલ્લાં 15 વર્ષોમાં ઉત્તર નાઇજીરિયામાં લોકો સંગઠિત અને હથિયારધારી ઉપદ્રવીઓનાં હુમલાઓનો સામનો કરી રહ્યા છે.
શરૂઆતમાં આવી ઘટનાઓ નાઇજિરિયામાં બોર્નો, અદામાવા અને યોબે વિસ્તારોમાં બનતી હતી. જ્યાં બોકો હરામ(જેનો અર્થ છે પશ્ચિમી શિક્ષણ હરામ છે) નામનું ઇસ્લામિક ચરમપંથી સંગઠન સક્રિય છે.
હવે આ વિસ્તારમાં કથિત ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવતું વધુ એક સંગઠન ઝડપથી વિકસી રહ્યું છે.
ચરમપંથીઓનાં આ બંને સંગઠન આ વિસ્તારના લોકોના અપહરણમાં સામેલ હોય છે. તેમના લડવૈયાઓ ખેડૂતો અને પ્રવાસીઓને નિશાન બનાવીને હુમલાઓ કરે છે અને ઘણીવાર તો તેમણે આખે આખાં ગામ બરબાદ કરી દીધાં છે.
આ જેહાદી સંગઠન શાળાઓને પશ્ચિમી શિક્ષણનો ગઢ માને છે અને આ જ કારણે તેને વારંવાર નિશાન બનાવે છે. 10 વર્ષ અગાઉ ચિબોકમાં છોકરીઓની એક શાળા પર કરાયેલો હુમલો આ સંગઠનોની કરતૂતનો દાખલો છે.
કહુના વિસ્તારના પૂર્વ સીનેટર શેહૂ સાની કહે છે, "ઉત્તર નાઇજિરિયામાં શાળાઓ પર ચરમપંથી હુમલાઓ વધી રહ્યા છે. અહીં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ જ નહીં વિશ્વવિદ્યાલયો પર પણ હુમલાઓ થઈ રહ્યા છે."
શેહૂ સાની કહે છે કે આ સંગઠનોનો હેતુ છે કે માતા-પિતા બાળકોને શાળાએ ના મોકલે.
તેઓ કહે છે, "આ સાથે જ્યારે તેઓ હુમલો કરીને બાળકોનું અપહરણ કરે તો તેમનો હેતુ રૂપિયા મેળવવાનો પણ હોય છે. તેઓ આનાથી વધારે હથિયારો ખરીદી પોતાની ગુનાહિતત પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે."
પરંતુ હાલ ઉત્તર નાઇજિરિયામાં અન્ય વિસ્તારમાં લુટારુ કહેવાતા ગુનેગારો પણ તેમની પ્રવૃત્તિને અનુસરી રહ્યા છે.
તેઓ શાળાના બાળકોનું અપહરણ કરે છે જેનાથી સરકારનું ધ્યાન તેમના તરફ જાય. બાદમાં તેઓ બાળકોને મુક્ત કરવા માટે પૈસા વસૂલે છે.
શેહૂ સાની કહે છે, "તેમનો હેતુ પૈસા કમાવવાનો હોય છે. તે બસ લોકોનું અપહરણ કરી તેમને બંધક બનાવી લે છે. અને જ્યારે પૈસા તેમને ચૂકવવામાં આવે છે, તો તેઓ બંધકોને મુક્ત કરી દે છે. તેમનો કોઈ રાજકીય એજન્ડા નથી હોતો, ના તેની આગેવાની કોઈ એક વ્યકિતના હાથમાં હોય છે."
સુરક્ષા વ્યવસ્થા કેવી છે?
સરકારે આ પડકાર સામે લડવા ઘણું રોકાણ કર્યું છે અને સમય પણ ખર્ચ્યો છે. પરંતુ હજુ સુધી દેશમાં પોતાને અસુરક્ષિત અનુભવતાં હોય તેવાં અનેક સમુદાય છે.
કુરીગા તેમાંથી જ એક છે.
એક સ્થાનિક જૂથના પ્રમુખ જિબ્રીલ ગ્વાદાબે કહે છે કે આ વિસ્તારમાં સુરક્ષા દળો ઓછા પ્રમાણમાં છે. આ જ સૌથી મોટું કારણે આ વિસ્તારમાં લુટારુઓ વધારે છે.
64 વર્ષના જિબ્રીલ કહે છે, "હું પોતે આનો શિકાર થયેલો છું. બે અગાઉ જ્યારે હું મારા ખેતર તરફ જઈ રહ્યો હતો, લુટારુઓએ મને આંતર્યો હતો. હું તેમની સાથે વાદવિવાદ કરવા લાગ્યો અને એમાંના એક વ્યક્તિએ મારા પેટમાં ગોળી મારી દીધી. ગોળી મારા શરીરને વીંધીને પીઠમાંથી નીકળી ગઈ. હું કદુનામાં આશરે એક મહિના સુધી હૉસ્પટલમાં રહ્યો. સારું છે કે મારો જીવ બચી ગયો."
કુરીગામાં અધિકારીઓએ લોકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ જલદી જ બધાં બાળકોને સુરક્ષિત છોડાવી લેશે. પંરતુ કુરીગાના લોકો ચિંતિત છે.
જિબ્રીલ ગ્વાદાબે કહે છે, "અમને હજુ સુધી અમારા બાળકોની કોઈ ભાળ મળી શકી નથી. અમને ખબર નથી કે તેઓ ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે."