You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ખાનગી સ્કૂલનો ખર્ચ ન પોસાતા તો સરકારી શાળામાં ભણીને દસમામાં 92 ટકા માર્ક લીધા' - આર્થિક મુશ્કેલીમાં સફળતાની કહાણી
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ધોરણ-1થી 9 સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી હતી, પરંતુ શાળાની ફી ન પહોંચી વળતા મેં 10મા ધોરણમાં સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. આજે મને 10મા ધોરણમાં સફળતા મળી તેનાથી હું ખુબ ખુશ છું. "
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારનાં રહેવાસી અને સિલાઈ કામ અને હૉસ્પિટલમાં કેર ટેકરનું કામ કરતાં માતા-પિતાનાં દીકરી ખુશી ભાવસારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં 92 ટકા અને 99.66 પર્સેન્ટાઇલ મેળવ્યા બાદ, કંઈક આ રીતે પરીક્ષામાં પોતાની સફળતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
હવે તેઓ આગળ ધોરણ-11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરી ડૉક્ટર બનવાં માગે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા 25 મેના રોજ ગુજરાતનું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ પરિણામ ઘણા માટે સફળતા તો ઘણા માટે નિષ્ફળતાના સમાચાર લઈને આવ્યું છે.
આ વિદ્યાર્થીઓમાં કેટલાક ખુશી ભાવસાર જેવાં વિદ્યાર્થીઓ પણ હતાં, જેમણે જીવનની તમામ મુશ્કેલીઓને પરીક્ષામાં પોતાની સફળતાને આડે ન આવવા દીધી.
પોતાનાં અને માતા-પિતાનાં સપનાં સાકાર કરવાની દિશામાં પડકારો છતાં ધોરણ 10માં સફળતાનું પગલું ભરી લીધું.
આ વર્ષે 64.62 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ધોરણ 10માં પાસ થયા છે, જ્યારે ગયા વર્ષે 65.18 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો, વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ 11 ટકા વધુ આવ્યું છે.
ગુજરાતમાં છોકરાઓનું 59.98 ટકા, જ્યારે વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ છે.
'સરકારી સ્કૂલમાં મેળવ્યો પ્રવેશ'
ખુશીનાં માતા-પિતા પોતાનાં કામમાંથી મહિને માંડ 10-12 હજાર રૂપિયાની કમાણી કરે છે.
પરંતુ તેમની દીકરીએ ગુરુવારે તેમના પરિશ્રમને ‘સ્વમાનભરી અમૂલ્ય સફળતા’ માં ફેરવીને પરિવારનું ગૌરવ વધારી દીધું.
ખુશીએ પોતાની સફળતા અંગે જણાવ્યું હતું કે, "અમારી આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી મારાં માતા-પિતા મને ભણાવવા ખૂબ જ સંઘર્ષ કરી રહ્યાં છે. ખાનગી શાળાની ફી અને ઘરખર્ચ પરવડે તેવો ન હોવાથી મે સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો."
ખુશીએ કહ્યું હતું કે, "તેઓ દૈનિક ધોરણે જે અભ્યાસ કર્યો હોય તેનું રોજે રોજ રિવીઝન કરતાં હતાં. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ દ્વિધામાં છે કે તેમનો પરિવાર એમબીબીએસની ફી ભરી શકશે કે નહીં."
રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પિતાની દીકરીએ મેળવ્યા 98 પર્સેન્ટાઇલ
અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ધોરણ 10ના પરિણામમાં વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓએ વધુ સારો દેખાવ કર્યો છે.
અમરાઈવાડીમાં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પિતાની દીકરી અંકિતાએ ધોરણ 10ની પરીક્ષામાંં 89 ટકા અને 98 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
અંકિતા તેમનાં પરિવાર અને તેમની મહેનત વિશે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે તેમનાં માતા ઘરે વણાટકામ કરે છે. તેઓ શાળા અને ટ્યૂશન બાદ દિવસમાં 3 કલાક વાંચીને દૈનિક રિવિઝન કરતાં હતાં.
તેમણે કહ્યું હતું કે, "રાત્રે હું વાંચતી હોવ ત્યારે મારાં માતા મારી સાથે જાગતાં. મારા પિતા રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમ છતાં મને શાળા અને ટ્યૂશનમાં મોકલતા હતા."
"મારા પપ્પા મારા ટ્યૂશનની ફી સહિતના ખર્ચને પહોંચી વળવા વધારે કામ કરતા હતા. મને ભણવા માટે હંમેશાં પ્રોત્સાહન આપતા હતા."
અંકિતાએ સફળતા માટે એક વર્ષથી ટીવી કે મોબાઇલનો ઉપયોગ કર્યો નથી. તેઓ કૉમ્પ્યુટર ડિપ્લોમા કે ડિગ્રી ઍન્જિનિયરિંગ કરવા માગે છે.
અંકિતા કહે છે કે તેમનાં માતા તેમને ભણવામાં ખલેલ ન પડે તે માટે એક વર્ષથી જરૂરી ન હોય તેવા પ્રસંગોમાં જવાનું ટાળતાં હતાં.
તેમનાં માતા તેમના વણાટકામ અને અંકિતાના અભ્યાસ પર વધુમાં વધુ ફોકસ કરતાં રહે છે. જેનો અંકિતાને ફાયદો થયો છે.
"માતાપિતાએ અભ્યાસ માટે તેમના મોજ-શોખ ત્યજી દીધા"
અમદાવાદ શહેર અને ગુજરાતની ઘણી દીકરીઓએ પરિવારની આર્થિક તંગી વચ્ચે પણ મહેનત કરીને સફળતા મેળવી છે.
આર્થિક તંગી વચ્ચે પણ સફળતા મેળવનાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતાં પ્રાચી દેસાઈ ધોરણ 10માં 95 ટકા અને 99.9 પર્સન્ટાઈલ સાથે ઉતીર્ણ થયાં છે.
તે પોતાના પરિવાર અંગે જણાવે છે કે, "મારાં માતા ગૃહિણી છે, જ્યારે પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે."
પ્રાચીનું કહેવું છે કે, શાળા અને ટ્યૂશનના કલાકો દરમિયાન અભ્યાસ કરવા સિવાય દિવસમાં 3થી 4 કલાક વાંચતાં હતાં.
તેમને કહ્યું હતું કે, "મારા પિતા છૂટક મજૂરી કરીને મને ભણાવે છે. મારા અભ્યાસ માટે માતાપિતા બંને ખૂબ જ સંઘર્ષ કરી રહ્યાં છે. માતાપિતાએ અમારી કારકિર્દી બનાવવા માટે તેમના બધા જ મોજ-શોખ ત્યજી દીધા છે.”
અંકિતા ધોરણ 11 અને 12 સાયન્સના બી ગ્રૂપમાં અભ્યાસ કરવા માગે છે, સાથે તેઓ ભવિષ્યમાં યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરવા માગે છે.
આઈશા ઍરોનોટિકલ ઍન્જિનિયર બનવા માગે છે
કંઈક આવી જ કહાણી ધોરણ 10માં ઝળહળતી સફળતા મેળવનાર આઇશા શેખની છે.
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારના રહેવાસી અને બિલ્ડિંગ મટીરિયલનું કામ કરતા આઇશાના પિતા માટે પણ ગુરુવારનો દિવસ ખૂબ ખાસ હતો.
તેમની દીકરી આઇશા શેખે ધોરણ 10માં 87 ટકા અને 97 પર્સન્ટાઈલ મેળવ્યા છે.
પરિશ્રમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની આ દીકરી આગળ ધોરણ 11-12 સાયન્સમાં એ ગ્રૂપ સાથે ભણવા માગે છે તેમજ ભવિષ્યમાં ઍરોનોટિકલ એન્જિનિયર બનાવનું ઇચ્છે છે.
પોતાની સફળતા વિશે આઇશા શેખે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "મારાં માતા ગૃહિણી છે. મને ભણવાનો ખૂબ જ શોખ છે. મારા પિતાની આર્થિક સ્થિતિ સારી નથી, તેથી મારા ટ્યૂશન ક્લાસના સંચાલક મને ઓછી ફી લઈને ભણાવે છે."
આઇશાના માતાપિતા તેમને ભણાવવા માટે ખૂબ મહેનત કરે છે, તેથી તેઓ તેમનાં માતાપિતાનું નામ રોશન કરવા માગે છે.
આઇશાનું કહેવું છે કે, તેઓ દિવસમાં શાળા અને ટ્યૂશન બાદ ત્રણ કલાક વાંચતાં હતાં.