You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તુર્કી: ઇસ્તાંબુલના એક ક્લબમાં આગ લાગવાને કારણે 29 લોકોનાં મોત
તુર્કીના ઇસ્તંબુલમાં એક નાઇટ ક્લબમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 29 લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ ક્લબ ઇસ્તંબુલના એક બિલ્ડિંગના બૅઝમેન્ટમાં ચાલતી હતી. આ ક્લબ સમારકામની કામગીરીને કારણે બંધ હતી.
મીડિયા સાથે વાત કરતાં ઇસ્તાંબુલના ગવર્નર ડાવુત ગુલે કહ્યું કે, "આગ લાગવાનું કારણ શું છે તે અંગે હજુ ખબર નથી."
ગવર્નરે કહ્યું કે આગના કારણે જે લોકો માર્યા ગયા છે તેમાં કામ કરવાવાળા લોકો હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તે કર્મચારી ક્લબના હતા કે પછી કૉન્ટ્રાક્ટર હતા.
સ્થાનિક વહીવટીતંત્રે કેસની તપાસ શરૂ કરી દીધી છે. ઇસ્તાંબુલના મેયરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આમ આદમી પાર્ટીને મોટી રાહત, સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
કથિત શરાબનીતિ ગોટાળા મામલે છેલ્લા છ મહિના કરતાં પણ વધુ સમયથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમયે જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, “તેમની પાસેથી કશું જ મળ્યું નથી, લાંચ લેવાના અત્યાર સુધી કોઈ સીધા પુરાવા મળ્યા નથી. તેઓ છેલ્લા છ મહિનાથી જેલમાં છે.”
જસ્ટિસ સંજીવ ખન્નાએ (ED દ્વારા) આપેલા નિવેદનને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે સંજય સિંહને ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનાર નિયમો અને શરતો પર મુક્ત કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ કોર્ટે કહ્યું હતુ કે સંજયસિંહ રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખવા માટે પણ હકદાર છે.
કોર્ટમાં એડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે ઈડીના ડાયરેક્ટરે સંજયસિંહને જામીન મળે તેની સામે કોઈ વિરોધ ન કર્યો.
સંજયસિંહ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી તેમનો પક્ષ મૂકી રહ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, અને સત્યેન્દ્ર જૈન જેલમાં છે. આવી પરિસ્થિતિમાં સંજયસિંહને જામીન મળતા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે.
રૂપાલા ટિપ્પણી વિવાદ પર બે હાથ જોડીને સી. આર. પાટીલ શું બોલ્યા?
કેન્દ્રીય મત્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય-રાજપૂતોની બે વાર માફી માગ્યા છતાં તેમની ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઇરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.
હવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે પણ ક્ષત્રિય-રાજપૂત સમાજને પરશોત્તમ રૂપાલાની શાબ્દિક ભૂલ બદલ માફ કરવા હાથ જોડીને વિનંતી કરી છે.
ગાંધીનગરમાં પાટીલે પત્રકારોને જણાવ્યું, “ટિપ્પણી મુજબ સમાજનો રોષ હોય સ્વાભાવિક છે પણ તેમણે(રૂપાલાએ) માફી માગી લીધી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને(રૂપાલાને) માફ કરે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ તેના માટે માફી મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે જોડાય તેવી હું હાથ જોડીને વિનંતી કરું છું.”
ગાંધીનગર ખાતે પાટીલની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સાથેની બેઠક મળી હતી ત્યારે પાટીલે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
આ બધા વચ્ચે રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજનું વિરોધપ્રદર્શન યથાવત્ છે. આ બધા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ક્ષત્રિય સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચી ગયો છે.
સુરેન્દ્રનગર ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી સચિન પીઠવાના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાનાં પાંચ ગામોમાં ભાજપના આગેવાનો કે કાર્યકરોના પ્રવેશ પર પ્રવેશબંધીનાં પોસ્ટરો લાગ્યાં છે.
તેઓ વધુમાં જણાવે છે, “અહીં પેઢડા અને મોઢવાણા ગામમાં પરશોત્તમ રૂપાલા સહિત ભાજપના કોઈ પણ આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવાં પોસ્ટરો લાગ્યાં છે.”
આ ગામમાં 'રાજપૂત કરણી સેના' દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખ્યું છે કે “જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ આ ગામોમાં પ્રવેશ કરવો નહીં.”
સચિન પીઠવા કહે છે કે સુરેન્દ્રનગરમાં પહેલાંથી જ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની સામે પક્ષના કેટલાક કાર્યકર્તાઓમાં અસંતોષ છે અને હવે આ પ્રવેશબંધીના પોસ્ટરે આ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
બીજી તરફ રાજકોટ જિલ્લાનાં કેટલાંક ગામોમાં રાજપૂત સમાજમાં પણ રૂપાલા વિરુદ્ધ રોષ ભભૂકી ઊઠ્યો છે. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય જ્યારે રાજકોટ જિલ્લાના રતનપર ગામે પહોંચ્યા ત્યારે ગામવાસીઓએ તેમને કહ્યું,'અમે ભાજપને અમારા ગામમાં પ્રચાર નહીં કરવા દઈએ'.
‘ભાજપે કહ્યું પાર્ટીમાં સામેલ થાઓ નહીંતર ધરપકડ કરીશું’
કેજરીવાલ સરકારમાં મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે ભાજપે તેને કહ્યું છે કે 'પાર્ટીમાં સામેલ થઈ જાઓ નહીંતર તમારી ધરપકડ કરવામાં આવશે.'
આતિશીએ એક પત્રકારપરિષદમાં જણાવ્યું કે ભાજપે તેમની એક અંગત વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો અને તેમને પાર્ટીમાં સામેલ થવાની ઑફર આપી હતી.
આતિશીએ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવા માગે છે. વધુમાં તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો, “આપની અગ્રીમ નેતાગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. પહેલાં સત્યેન્દ્ર જૈનને પકડી લેવાયા, પછી મનિષ સિસોદિયા, સંજયસિંહ અને હવે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ.”
તેમણે એ પણ ભય વ્યક્ત કર્યો કે હવે પછી તેમનો તથા સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાનો વારો છે.
તેમણે કહ્યું, “જો ભાજપ એવું વિચારતો હોય કે તે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરીને પાર્ટીને ખતમ કરી નાખશે તો એવું નહીં બને.”
વરુણ ગાંધીને ટિકિટ ન મળવા પર શું બોલ્યાં મેનકા ગાંધી?
ભાજપનાં વરિષ્ઠ નેતા અને યુપીના સુલ્તાનપુરનાં સાંસદ મેનકા ગાંધીએ પીલીભીતથી તેમના પુત્ર વરુણ ગાંધીને ટિકિટ ન આપવા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઉત્તર પ્રદેશમાં સુલ્તાનપુરમાં પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન મેનકા ગાંધીએ કહ્યું કે તેઓ ભાજપમાં રહીને ખુશ છે.
મેનકા ગાંધીએ કહ્યું, “ભાજપમાં છું એટલે ખુશ છું. હું અમિત શાહ, પીએમ મોદી તથા નડ્ડાજીનો ટિકિટ આપવા બદલ આભાર પ્રકટ કરું છું. ટિકિટનું એલાન મોડું થયું તેથી દુવિધા હતી કે હું ક્યાંથી લડીશ, પીલીભીતથી કે સુલ્તાનપુરથી? પણ પાર્ટીએ જે નિર્ણય લીધો તેનાથી હું ખુશ છું.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વરુણ ગાંધીને ટિકિટ નથી આપવામાં આવી ત્યારે તેઓ શું કરશે? તો તેના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું, “આ સવાલ તમે તેમને જ પૂછો કે તેઓ શું કરશે? અમે ચૂંટણી બાદ તેના પર વિચાર કરીશું. અત્યારે સમય નથી.”
તેમણે કહ્યું કે તેઓ સુલ્તાનપુર આવવાથી ખુશ છે કારણ કે કોઈ પણ સાંસદે અહીં બીજીવાર ચૂંટણી નથી જીતી.
ટિકિટ મળ્યા બાદ તેઓ સુલ્તાનપુર પહેલીવાર આવ્યાં હતાં. તેઓ પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન પોતાના લોકસભા વિસ્તારમાં 101 ગામોની મુલાકાત લેશે.