You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સિગારેટના એક ઠૂંઠા'એ કેવી રીતે 48 બોટને ફૂંકી મારી?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરમાં કેટલાક દિવસો પૂર્વે મોટી આગ ફાટી નીકળી હતી. જેમાં 48 બોટ બળીને રાખ થઈ ગઈ હતી.
પોલીસે આ વિશે તપાસ કરી હતી અને હવે પોલીસનું કહેવું છે કે, “સિગારેટના એક ઠૂંઠાએ 48 બોટને ફૂંકી મારી.”
વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનર રવિશંકર. સી. દ્વારા કરાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું કે, બે વ્યક્તિ વાસુપલ્લી નાની અને સત્યમ (તેના કાકા) આ દુર્ઘટના માટે જવાબદાર છે.
કમિશનર રવિશંકરના જણાવ્યા મુજબ, "વાસુપલ્લી નાની રસોઈયા તરીકે અને એલિપિલ્લી સત્યમ વિશાખા ફિશિંગ બંદરની બોટમાં ચોકીદાર તરીકે કામ કરે છે. 19મીએ સાંજે 6 કલાકે બંને બંદરે દારૂ પીવા માટે આવ્યા હતા. એલિપિલ્લી વેંકટેશની બોટ નંબર 887માં દારૂ પીને માછલીઓ ખાધા બાદ તેમણે પાર્ટી કરી હતી. તે પછી તેણે સિગારેટ પીધી અને તેની બાજુમાં આવેલી 815 નંબરની બોટ પર સિગારેટનું ઠૂંઠું નાખ્યું. બોટમાંથી ધુમાડો નીકળતો જોઈને બંને ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા. બાદમાં આગ અન્ય બોટમાં ફેલાઈ હતી.”
પોલીસે કહ્યું, “અમે બંને વિરુદ્ધ આઈપીસીની કલમ 437, 438 અને 285 હેઠળ કેસ નોંધ્યો છે.”
સીસીટીવી બન્યા મહત્ત્વના પુરાવા
પોલીસે વધુમાં ઉમેર્યું કે, "આ કેસની તપાસના ભાગરૂપે અમે ઘણા લોકોની પૂછપરછ કરી. શંકાસ્પદોમાં ત્રણ સાધ્વીનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત પ્રારંભિક માહિતીના આધારે અમે યૂટ્યૂબર નાનીને પણ લાવીને તપાસ કરી."
"જો તે સંડોવાયેલ ન હોવાનું જાણવા મળશે તો, અમે તેમને પ્રક્રિયા અનુસરીને છોડી દઈશું. પરંતુ આ પહેલા તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અમે આ કેસને ઉકેલવા માટે 50થી વધુ સીસીટીવી કૅમેરાની તપાસ કરી. અમે ઘટનાસ્થળના 500 મીટરની અંદર સેલ (મોબાઇલ) સિગ્નલ ધરાવતા લોકોની વિગતો એકઠી કરી છે અને તપાસ હાથ ધરી છે."
"અમે આ દિવસોમાં પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં છીએ. જ્યારે આરોપીએ સિગારેટ ફેંકી ત્યારે નાયલોનની જાળમાં આગ લાગી હતી અને શરૂઆતમાં માત્ર ધુમાડો નીકળતો હતો. તે સમયે પવન પણ તીવ્ર હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુનાની કબૂલાત વિશે જણાવતા પોલીસ અધિકારી જણાવે છે કે, “આરોપી સવારથી જ દારૂ પીતો હતો. સુનાવણીમાં દોષિતે કબૂલ્યું પણ છે. આ અકસ્માતમાં 30 બોટ સંપૂર્ણપણે બળી ગઈ હતી જ્યારે 18 બોટને આંશિક નુકસાન થયું હતું.”
પોલીસ કમિશનર દુર્ઘટનાથી થયેલા નુકસાન વિશે જણાવતા કહે છે કે, દુર્ઘટનાને પગલે લગભગ 8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવી ઘટનાઓ ફરી ન બને એટલે હવેથી હાર્બરનું સઘન મૉનિટરિંગ કરવામાં આવશે.
મહિલાઓનું વિરોધપ્રદર્શન
કેટલીક માછીમાર મહિલાઓએ વિશાખાપટ્ટનમ ટાઉન પોલીસ સ્ટેશનની સામે વિરોધ કર્યો હતો. તેમનો દાવો છે કે, નાની અને સત્યમને બોટ સળગાવવાના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
તેમણે પોલીસ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા મહિલાઓને અટકાવવામાં આવતાં તેઓએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
અટકાયત કરેલા બંનેને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરવામાં આવતાં પોલીસ સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
એ રાત્રે શું થયું હતું?
વિશાખા હાર્બર ખાતે માછીમારી કરવા માટે તૈયાર બોટ તેમજ પહેલેથી જ માછીમારી કરીને આવેલી બોટ લાંગરવામાં આવી હતી. તેમાં સી ફૂડ એટલે કે માછલી, ઝીંગા સહિતનો ફિશરિઝ માલ પણ રાખેલો હતો.
માછીમારોએ જણાવ્યું કે, દુર્ઘટના સમયે બંદરમાં 250 જેટલી બોટ લાંગરવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલાં શિકાર માટે દરિયામાં ગયેલી બોટો પણ રવિવારે સાંજે કિનારે પહોંચી હતી. રવિવારે રાત્રે 11 વાગ્યા બાદ બોટમાંથી આગ ફાટી નીકળી હતી.
અકસ્માતમાં બોટ ગુમાવનારા માછીમારે બીબીસીને કહ્યું, “આગ લાગી તે સમયે ત્યાં માછલીઓ અને ઝીંગા ભરેલી બોટ લાંગરેલી હતી. અમે સવારે તેમની હરાજી કરતા હોઈએ છીએ. દરેક બોટમાં આશરે રૂપિયા 5થી 6 લાખની કિંમતની માછલીઓ હોય છે."
"મને રાત્રે 11 વાગ્યે ફોન આવ્યો કે આગ લાગી છે. હું દસ મિનિટમાં અહીં આવી ગયો પણ આવ્યો ત્યારે પહેલેથી જ 40થી 50 બોટ સળગતી જોવા મળી હતી. અમે આગ ઓલવવાનો પ્રયાસ કરી શક્યા ન હતા, કેમ કે બોટમાં રસોઈ બનાવવા માટે રાખવામાં આવેલ ગૅસ સિલિન્ડર ફાટી રહ્યા હતા. એના ડરથી અમે નજીક પણ જઈ શક્યા નહીં."