મંગળ પર જીવન હોવાના 'નક્કર પુરાવા' મળ્યા, લાલ ગ્રહ પર નાસાને શું જોવા મળ્યું?

લેપર્ડ સ્પૉટ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA/JPL

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિકોને મંગળ પર એવા ખડકો મળ્યા છે કે જેના રસ્તા પર લેપર્ડ સ્પૉટ જેવાં નિશાન જોવાં મળે છે
    • લેેખક, રેબેકા મોરેલ
    • પદ, વિજ્ઞાન સંવાદદાતા

લાલ ગ્રહ મંગળ પર કેટલાક અસામાન્ય ખડકો જોવા મળ્યા છે, જેને વૈજ્ઞાનિકો મંગળ પરના સંભવિત જીવનના અત્યાર સુધીના સૌથી મજબૂત પુરાવા તરીકે જોઈ રહ્યા છે.

નાસાના પર્સિવરન્સ રોવરને ધૂળભરી નદીના પટમાં કેટલાક કાદવના પથ્થરો મળ્યા છે જેને પર 'લેપર્ડ સ્પૉટ' અને 'પૉપી સીડ્સ' નામ આપવામાં આવ્યાં છે.

વૈજ્ઞાનિકો માને છે કે આ નિશાનોમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા ઉત્પાદિત ખનિજો છે જે પ્રાચીન મંગળ ગ્રહના સૂક્ષ્મજીવાણુઓ સાથે જોડાયેલા હોઈ શકે છે.

જોકે એ પણ શક્ય છે કે આ તત્ત્વો કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિઓને કારણે બન્યાં હોય, પરંતુ એક પ્રેસ કૉન્ફરન્સમાં નાસાએ કહ્યું કે આ નિશાન મંગળ પર અત્યાર સુધીના જીવનના સૌથી સ્પષ્ટ સંકેતો હોઈ શકે છે.

'પહેલા આવું કશું જોવા મળ્યું નથી'

આ તારણો નાસાના "પોટેન્શિયલ બાયોસિગ્નેચર" નામના માપદંડોને પૂર્ણ કરે છે, જે એક પદાર્થ અથવા માળખું છે જે જૈવિક સ્રોત હોઈ શકે છે, પરંતુ જીવનની હાજરી અથવા ગેરહાજરી વિશે કોઈ પણ નિષ્કર્ષ કાઢતાં પહેલાં વધુ ડેટા અને અભ્યાસની જરૂર છે.

આનો અર્થ એ થયો કે નાસા આ રચનાઓ જૈવિક છે કે નહીં તે નક્કી કરવા માટે આગળ વધી શકે છે.

'નેચર' મૅગેઝિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસના સહ-લેખક અને ઇમ્પિરિયલ કૉલેજ લંડનના ખગોળશાસ્ત્રી પ્રોફેસર સંજીવ ગુપ્તા કહે છે, "આપણે પહેલાં આવું કંઈ જોયું નથી, તેથી આ એક મોટી શોધ છે."

"અમને ખડકોમાં એવી રચનાઓ મળી છે, જે જો પૃથ્વી પર જોવામાં આવે, તો તેને સૂક્ષ્મજીવ પ્રક્રિયાઓ સાથે સંબંધિત જીવવિજ્ઞાન તરીકે સમજાવી શકાય છે.

''અમે એમ નથી કહી રહ્યા કે અમે મંગળ પર જીવન શોધી કાઢ્યું છે, પરંતુ અમે ચોક્કસપણે કહી રહ્યા છીએ કે આ દિશામાં શોધ ચાલુ રાખવાનું એક મજબૂત કારણ છે."

નાસાના ઍસોસિયેટ ઍડમિનિસ્ટ્રેટર (સાયન્સ મિશન ડિરેક્ટોરેટ) ડૉ. નિકોલા ફોક્સે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "તે એક જીવાશ્મિ જેવું છે. તે કોઈ ખોરાકનો ભાગ હોઈ શકે છે અથવા તે મળ હોઈ શકે છે અને હવે આપણે તે દેખાઈ રહ્યું છે."

પર્સિવરેન્સ, મંગળ, ખડક, બીબીસી, ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ આ તત્ત્વો કેટલાંક બૅક્ટેરિયામાંથી બનેલાં છે કે કેમ તે ત્યારે જ પુષ્ટિ થઈ શકે છે જ્યારે તે ખડકોના નમૂના તપાસ માટે પૃથ્વી પર લાવવામાં આવે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી ઇએસએએ નાસાના નમૂનાઓ પાછા લાવવા માટે એક મિશનનો પ્રસ્તાવ મૂક્યો હોવા છતાં તેના વિશે હજુ પણ અનિશ્ચિતતા છે.

અમેરિકી સ્પેસ એજન્સી ફંડમાં કાપનો સામનો કરી રહી છે. આને ટ્રમ્પના 2026ના બજેટમાં સામેલ કરાઈ હતી અને સેમ્પલ લાવનારા રિટર્ન મિશન એમાંનું એક છે, જે રદ થવાનો ખતરો છે.

આજે મંગળ એક ઠંડું અને ઉજ્જડ રણ છે, પરંતુ અબજો વર્ષો પહેલાં તેના પર ગાઢ વાતાવરણ અને પાણી હોવાના પુરાવા મળ્યા છે.

અને આ જ કારણ છે કે અહીં જીવનના સંકેતો શોધવાની ઉત્સુકતા છે.

આ હેતુ માટે પર્સિવરન્સ રોવર મોકલવામાં આવ્યું હતું જે 2021માં મંગળની સપાટી પર ઊતર્યું હતું.

છેલ્લાં ચાર વર્ષથી રોવર જીજેરો ક્રેટર નામના વિસ્તારની શોધખોળ કરી રહ્યું છે, જે એક સમયે એક પ્રાચીન તળાવ હતું, જેમાં એક નદી ભળતી હતી.

ગયા વર્ષે રોવરે "બ્રાઇટ એન્જલ ફૉર્મેશન" તરીકે ઓળખાતી નદીની ખીણના તળિયે લેપર્ડ પ્રિન્ટવાળા ખડકો શોધી કાઢ્યા હતા.

આ ખડકો લગભગ 3.5 અબજ વર્ષ જૂના છે અને તેમને "મડસ્ટોન" તરીકે ઓળખવામાં આવે છે, જે માટીથી બનેલો એક બારીક દાણાવાળો ખડક છે.

ન્યૂ યૉર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટીના પર્સિવરન્સ મિશન વૈજ્ઞાનિક અને પેપરના મુખ્ય લેખક જોએલ હુરોવિટ્ઝે કહે છે, "જ્યારે અમને લાગ્યું કે આ ખડકોમાં કોઈ રસપ્રદ રાસાયણિક પ્રતિક્રિયા થઈ હશે ત્યારે અમે ઉત્સાહિત થઈ ગયા."

મંગળ, ખડક, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મંગળ પર ખડકોની નજીકથી લેવાયેલી તસ્વીરો

રોવર ખડકોમાં હાજર તત્ત્વોની તપાસ કરવા માટે ઘણાં ઉપકરણોથી સજ્જ છે. આ ડેટા વૈજ્ઞાનિક અભ્યાસ માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો.

જોએલ હુરોવિટ્ઝ કહે છે, "અમને લાગે છે કે તળાવના તળિયે જમા થયેલા કાદવમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાઓના પુરાવા મળ્યા છે. એવું લાગે છે કે આ રાસાયણિક પ્રતિક્રિયાઓ કાદવ અને કાર્બનિક પદાર્થો વચ્ચે થઈ હોવાને કારણે નવાં તત્ત્વોનું નિર્માણ થયું હતું."

પૃથ્વી પર આવી સ્થિતિમાં સામાન્ય રીતે જીવાણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નવાં તત્ત્વો બને છે.

તેઓ કહે છે. "આ અત્યાર સુધીની સૌથી મજબૂત સંભવિત બાયોસિગ્નેચર શોધ જેવું લાગે છે."

વૈજ્ઞાનિકોએ એ પણ તપાસ કરી છે કે કાર્બનિક પદાર્થો અથવા બૅક્ટેરિયા વિના આવાં તત્ત્વો કેવી રીતે બને છે અને તારણ કાઢ્યું છે કે રાસાયણિક પ્રતિક્રિયાઓ પાછળ કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય ગતિવિધિઓ પણ હોઈ શકે છે.

જોકે, આ માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે અને આ ખડકોને જોઈને એવું લાગતું નથી કે તેઓ ક્યારેય ગરમ રહ્યા હોય.

હુરોવિટ્ઝ કહે છે, "અમને બિન-જૈવિક અભિગમો અજમાવવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ અમે તેને સંપૂર્ણપણે નકારી શકતા નથી."

પર્સિવરેન્સ, મંગળ, ખડક, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, NASA/JPL

ઇમેજ કૅપ્શન, પર્સિવરેન્સે મંગળ ગ્રહના ખડકોના નમૂના એકત્રિત કર્યા છે. તસવીરમાં ખડકની કોર જોઈ શકાય છે

પર્સિવરેન્સે મંગળ ગ્રહના ખડકોના નમૂના એકત્રિત કર્યા છે.

મંગળ પર પર્સિવરન્સે બ્રાઇટ એંગલ ફૉર્મેશનમાં મળેલા ખડકો સહિત નમૂના પણ એકત્રિત કર્યા છે. કેનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવેલા આ નમૂના મંગળની સપાટી પરથી પાછા આવે એની રાહ જોવાઈ રહી છે.

નાસા દ્વારા આવા મિશનનું ભવિષ્ય અનિશ્ચિત છે, કારણ કે બજેટમાં કાપ મુકાઈ રહ્યો છે, ચીન 2028માં શરૂ થનારા રિટર્ન મિશન માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.

જોકે આ નિર્ણય પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે, વૈજ્ઞાનિકો તેને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાની રાહ જોઈ રહ્યા છે.

પ્રોફેસર ગુપ્તા કહે છે, "આપણે આ નમૂના જોવાની જરૂર છે. મને લાગે છે કે મોટા ભાગના વૈજ્ઞાનિકો પૃથ્વી પર આ નમૂનાઓનું પરીક્ષણ કરવા માગશે, તેથી જ અમે તેને પૃથ્વી પર લાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન