હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહનાં મોત બાદ કાશ્મીરમાં પ્રદર્શન

    • લેેખક, માજીદ જહાંગીર
    • પદ, બીબીસી માટે

28 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહનાં મોત બાદ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો થયાં.

શ્રીનગર અને બડગામ સિવાય ખીણના બારામૂલાના કેટલાક વિસ્તારોમાં પણ હજારો લોકો રસ્તા પર આવી ગયા અને હસન નસરલ્લાહનાં મૃત્યુ સામે પ્રદર્શન કર્યું.

પ્રદર્શન કરનારાઓમાં મહિલાઓ, નવયુવાનો તથા બાળકો પણ સામેલ હતાં. તેઓ ઇઝરાયલ અને અમેરિકા સામે નારેબાજી કરી રહ્યા હતા. આ પ્રદર્શનો કાશ્મીરના શિયા વિસ્તારમાં જોવાં મળ્યાં હતાં.

કાશ્મીર ઝોનના ઇન્સ્પેક્ટર જનરલનું કહેવું છે કે આ પ્રદર્શનો દરમિયાન કોઈ અનહોનીના સમાચાર નથી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે.

પ્રદર્શનમાં સામેલ એક પ્રદર્શનકારીએ બીબીસીને જણાવ્યું કે શનિવારે સાંજે તેમના શ્રીનગર વિસ્તારમાં ઘણા લોકોએ હસન નસરલ્લાહનાં મોતની સામે પ્રદર્શન કર્યું.

તેમનું કહેવું હતું કે જ્યારે પ્રદર્શનકારીઓ શ્રીનગરના સઈદા કદલથી આગળ ખાનયાર તરફ આગળ વધ્યા ત્યારે પોલીસે તેમને રોક્યા અને તેમને આગળ ન વધવા દીધા.

તેમનું કહેવું હતું કે ત્યારબાદ મોડી રાત્રે પણ પ્રદર્શનકારીઓ રસ્તા પર હાજર હતા અને વિરોધ કરી રહ્યા હતા.

શ્રીનગરની નજીક બડગામ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પણ હસન નસરલ્લાહનાં મોત સામે વિરોધપ્રદર્શનો થયાં.

ચૂંટણી અને રાજકીય પાર્ટી

આ બધા વચ્ચે કાશ્મીરમાં ચાલી રહેલી ચૂંટણીના ત્રીજા ચરણ માટે આજે પ્રચારને ઘણી પાર્ટીએ રદ કરી દીધો છે.

નેશનલ કૉન્ફરન્સના સાંસદ આગા રહુલ્લાહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “હું મારો પ્રચાર બંધ રાખું છું.”

પીડીપીનાં અધ્યક્ષા અને પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આજે તેમનો પ્રચાર બંધ રાખ્યો છે. તેમણે ઍક્સ પર લખ્યું, “હું લેબનોનમાં અને ગાઝામાં શહીદો સાથે, ખાસ હસન નસરલ્લાહની સાથે ઊભી છું. આ કારણે મેં કાલે(રવિવારે) મારો ચૂંટણી પ્રચાર રદ કરી રહી છું. આ દુ:ખની ક્ષણમાં હું પેલેસ્ટાઇન અને લેબનોન સાથે છું.”

ભાજપે તેના પર પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતા કવીન્દ્ર ગુપ્તાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “હસન નસરલ્લાહનાં મોતથી મહેબૂબા મુફ્તીને આટલું દુ:ખ કેમ થાય છે? જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ થતી હતી ત્યારે તેમનો અવાજ કેમ બંધ થઈ જાય છે?”

પોલીસે શું કહ્યું?

કાશ્મીર ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ વિધિકુમાર બિરદીએ બીબીસીને ફોન પર કહ્યું કે શનિવારે શ્રીનગર અને બડગામના કેટલાક વિસ્તારોમાં હસન નસરલ્લાહની મોતની ખબર સાથે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. પોલીસે આ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે. તેમનું એ પણ કહેવું હતું કે કોઈ પણ જગ્યાએથી અનિચ્છનીય બનાવના સમાચાર નથી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.