You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો 'તાલમેલ' LOC પર કેવી રીતે બદલાવ લાવી રહ્યો છે?
- લેેખક, જુગલ આર. પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા, LOC-કાશ્મીરથી
નદીની પેલે પારથી એક માણસ બૂમ પાડે છે, “અમને વિરાટ કોહલી આપી દો.”
ઉત્તર કાશ્મીરના કેરાન ગામના 23 વર્ષની વયના રહેવાસી તુફૈલ અહમદ ભટ જવાબ આપે છે, “ના. અમે નહીં આપીએ.”
આ સામાન્ય સંવાદને દેખીતી રીતે નોંધપાત્ર બનાવે છે એ તેનું સ્થાન છેઃ નિયંત્રણ રેખા (એલઓસી). એલઓસીની બન્ને બાજુએથી તે સંવાદ થઈ રહ્યો છે અને એલઓસી ભારત તથા પાકિસ્તાનને અલગ કરતી પહાડી તેમજ મોટા ભાગે અસ્થિર સરહદ છે.
એલઓસીની આસપાસના કેરન સહિતના વિસ્તારો વર્ષોથી બન્ને દેશ વચ્ચેની દુશ્મનીનું પરિણામ ભોગવતા રહ્યા છે.
ભારતે જણાવ્યું હતું કે તેણે 2021માં એલઓસીનું 594 વખત ઉલ્લંઘન થયાનું નોંધ્યું છે. ઉલ્લંઘનનો અર્થ મોર્ટાર અને તોપખાનાનાં શસ્ત્રોનો ઉપયોગ કરીને કરવામાં આવતો ગોળીબાર તથા બૉમ્બમારો થાય છે. આ જ વર્ષમાં ચાર ભારતીય જવાનોનાં મોત થયાં હતાં.
બીજી તરફ પાકિસ્તાને આવાં જ ઉલ્લંઘનો માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી છે, તેમજ ઉલ્લંઘન તથા જાનહાનિનો પોતાનો ડેટા એકઠો કર્યો છે. એલઓસીની બંને બાજુ સેંકડો નાગરિકો આ દ્વંદ્વયુદ્ધોમાં અપંગ થયા છે તેમજ માર્યા ગયા છે, એ સર્વવિદિત છે.
જોકે, 2021માં બંને દેશનાં સૈન્યો વચ્ચે સમજૂતી થયા પછી 2022 અને સપ્ટેમ્બર 2024 દરમિયાન આવાં માત્ર બે જ ઉલ્લંઘન થયાં છે.
હિંસામાં આ તીવ્ર ઘટાડો જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી રહ્યો છે તે અમે આ પ્રદેશમાં સ્થાનિકો અને સત્તાવાળાઓ સાથેની ડઝનેક મુલાકાતોના આધારે નોંધ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરહદી વિસ્તારોમાં કઈ રીતે થઈ રહ્યું છે પરિવર્તન?
તુફૈલ આ પરિવર્તનનું પ્રતીક છે.
તેઓ એક હોમસ્ટે ચલાવે છે, જે એલઓસીથી થોડેક જ દૂર આવેલો છે. તેમના હોમસ્ટેની છત પર અગાઉના યુદ્ધવિરામના ઉલ્લંઘનની ગોળીઓનાં નિશાનની અસર જોઈ શકે છે.
તેમણે કહ્યું હતું, “અહીં ઘણા હોમસ્ટે શરૂ થવાની પ્રક્રિયા ચાલી રહી છે.”
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરહદી પર્યટનને પ્રોત્સાહન આપવા બદલ તેઓ સરકારને શ્રેય આપે છે.
તેમણે ઉમેર્યું હતું, “તે અમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થયું છે. અગાઉ કોઈના પણ માટે પોતાનું ઘર બાંધવા રોકાણ કરવાનું કોઈ કારણ ન હતું.”
ઈદ્રીસ અહમદ ખાન કેરનમાં દુકાન ચલાવે છે.
તેઓ માને છે કે આ પ્રદેશની લાંબા સમયથી અવગણના કરવામાં આવી છે.
તેમણે મને કહ્યું હતું, “માત્ર નરેન્દ્ર મોદી સરકારે અમારા માટે કામ કર્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં અમને રસ્તા મળ્યા છે, વીજળી મળી છે. હું તેમના પક્ષને મત આપીશ, પરંતુ તેમના પક્ષનો કોઈ ઉમેદવાર અહીંથી ચૂંટણી લડતો નથી.”
જમ્મુ અને કાશ્મીરમાં 2018થી કેન્દ્રીય શાસન છે. છેલ્લી પ્રાદેશિક ચૂંટણી 2014માં યોજાઈ હતી. કેરન તથા ઉત્તર કાશ્મીરના અન્ય વિસ્તારોના લોકો પહેલી ઑક્ટોબરે મતદાન કરવાના છે.
અલબત્ત, અહીંની દરેક વ્યક્તિ ઈદ્રીસ અહમદ ખાન જેટલી પ્રભાવિત નથી.
ભૂતપૂર્વ પોલીસકર્મી અને સ્થાનિક રહેવાસી અબ્દુલ કાદીર ભટે કહ્યું હતું, “અમને વીજળી મળે એ તેમણે જરૂર સુનિશ્ચિત કર્યું છે, પરંતુ વીજ પુરવઠો નિયમિત રીતે ખોરવાતો રહે છે. રાતના સમયે એલઓસી પર એક સેકન્ડ માટે પણ વીજ પુરવઠો ખોરવાતો નથી. રસ્તાઓ પર નજર કરો. તેઓ બધું જ કરી શકતા હોય તો અમે કેમ ન કરી શકીએ?”
સ્થાનિક અધિકારીઓએ અમને જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોના વિકાસ માટે સંકલિત પ્રયાસો કરવામાં આવ્યા છે. કેરન જે જિલ્લાનો એક હિસ્સો છે તે કુપવાડામાં 2021-2022માં સ્થાનિક “વિકાસ”ના 2,227 પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા હતા. એ સંખ્યા 2022-23ના વર્ષે વધીને 4,061 થઈ હતી અને 2023-24માં 3453 થઈ હતી.
ભારત સરકાર દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલી માહિતી જણાવે છે કે તમામ સરહદી પ્રાંતોમાં તાજેતરનાં વર્ષોમાં બાંધવામાં આવેલા નવા સરહદી રસ્તાઓમાં જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો સૌથી વધુ છે.
મંજૂર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કેટલાંક અન્ય સરહદી રાજ્યો કરતાં તેનો હિસ્સો વધારે છે.
એક કલાક દૂર આવેલા તંગધારમાં તેનાથી કોઈ ચિંતા દૂર થઈ નથી.
ગામના સરપંચ મોહમ્મદ રફીક શેખે અમને જણાવ્યું હતું કે તેમના પ્રદેશને ઑલ-વેધર કનેક્ટિવિટીની સખત જરૂર છે.
તેમણે મને કહ્યું હતું, “અમારા યુવાનોએ પરીક્ષા આપવા માટે બહાર જવું પડે છે. હિમવર્ષાને કારણે માર્ગો બંધ થઈ ગયા હોય અને તેમણે રોજગારની તક ગુમાવી હોય તેવા અનેક કિસ્સા છે.”
તંત્રથી ક્યાંક નારાજગી તો ક્યાંક ખુશીનો માહોલ
અમે અહીંના જે લોકો સાથે વાત કરી એ બધાએ આ પ્રદેશમાં યુવાનોની બેરોજગારીની વાત વારંવાર જણાવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પર્વતીય ભૂપ્રદેશ હોવાને કારણે અહીં મોટા પ્રમાણમાં ખેતી કરી શકાતી નથી અને અહીં પૂરતા ઔપચારિક રોજગાર પણ નથી.
આ કારણે એક નવી પરિસ્થિતિ આકાર પામે છે.
શેખે કહ્યું હતું, “અમારો બધો રોજગાર સૈન્ય પર આધારિત છે. સૈન્ય અહીંના લોકોને કૂલી તરીકે રોજગારી આપે છે અને તેમાં મર્યાદિત લોકોને રોજગારી આપી શકાય છે.”
“તાજેતરનાં વર્ષોમાં અહીંના યુવાનોમાં ડ્રગ્ઝના સેવનની બદી પણ જોવા મળી છે. યુવાનોનો સાચો માર્ગ મળે તે સુનિશ્ચિત કરવા અમે આકરી મહેનત કરી છે, પરંતુ સમસ્યા યથાવત્ રહી છે.”
આ પ્રદેશ વર્ષોથી ચરમપંથી પ્રવૃત્તિનો પણ સાક્ષી બની રહ્યો છે અને તેના પરિણામે અહીં સંખ્યાબંધ સિક્યૉરિટી ચેકપોસ્ટ્સ જોવા મળે છે.
અહીં સરળતાથી પ્રવેશી શકાતું નથી. આ વિસ્તારની મુલાકાત માટે અગાઉથી પાસ મેળવવા પડે છે. પાસ મેળવ્યા હોવા છતાં સુરક્ષા કર્મચારીઓ ઘણી વાર ઓળખ સંબંધી દસ્તાવેજો માગે છે. અમારાં વાહન તથા સાધનોની વારંવાર તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય સંભાળના અભાવ અને ગરીબો માટે અપૂરતા રૅશનની વાત પણ સ્થાનિક લોકોએ કરી હતી. અમે નાહિદી પરવીનને સીમારી ગામમાં મળ્યા હતા. તેઓ સ્નાતક છે અને એક દિવસ શિક્ષિકા બનવા ઇચ્છે છે.
તમે સરકાર પાસેથી શું ઇચ્છો છો, એવો સવાલ મેં કર્યો ત્યારે તેમણે કહ્યું હતું, “અહીં ખાનગી શાળા શરૂ કરવાની સુવિધા આપવાની વિનંતી હું સરકારને કરવા ઇચ્છું છું. આજે અહીં એવું કશું નથી. અહીં સરકારી નોકરીઓ પણ નથી. મારા જેવી શિક્ષિત છોકરીઓ તે સ્કૂલમાં ભણાવશે.”
યુવાનો સહિત સ્થાનિક લોકોમાં પણ ચિંતા દેખાઈ
મોટા ભાગના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીમાં ભાગ લેશે.
એક અન્ય રહેવાસી અબ્દુલ અઝીઝ લોને સમજાવ્યું હતું, “દરેક ઘરને એક મોભીની જરૂર છે તે અમે જાણીએ છીએ અને અત્યારે કાશ્મીર માટે એવું કોઈ નથી. એવું કોઈ મળી જશે પછી પરિસ્થિતિમાં સુધારો થશે તેની મને ખાતરી છે.”
અમારું છેલ્લું સ્ટોપ તંગધારથી ઉત્તરપૂર્વમાં અને એલઓસીથી 100 કિલોમીટર દૂર આવેલ માચિલ વેલી હતું.
આ ગામમાં સરકાર પ્રાયોજિક બૉમ્બ શેલ્ટર્સ બનાવવામાં આવ્યાં છે. અમે આવા જ એક આશ્રયસ્થાનમાં ગયા હતા. કોંક્રિટના બનેલા અને ઉપયોગમાં ન લેવાયેલા એ શેલ્ટરના દરવાજા પર કાટ લાગી ગયો હતો, પરંતુ તે ઉપયોગી હતા.
એક રહેવાસીએ કહ્યું હતું, “અહીં 1,000થી વધારે લોકો રહે છે, જ્યારે શેલ્ટરમાં 100થી વધુ લોકોને ભાગ્યે જ સમાવી શકાય છે.”
તાજેતરમાં અહીં પણ વીજ પુરવઠો મળતો થયો છે.
માચિલમાં આઠમા ધોરણની વિદ્યાર્થિની સાનિયાએ મને જણાવ્યું હતું કે વીજળીની સુવિધાને કારણે તે લાંબા સમય સુધી અભ્યાસ કરી શકે છે. મોટા થઈને શું બનવાનું તારું સપનું છે, એવું પૂછ્યું ત્યારે સાનિયાએ જણાવ્યું હતું કે તે આઈએએસ ઑફિસર બનવા માગે છે.
ભારત અને પાકિસ્તાનના સંબંધની અસ્થિર પ્રકૃતિને જોતાં સ્થાનિકોએ અમને જણાવ્યું હતું કે તેમને ફરી યુદ્ધવિરામના ઉલ્લંઘનનો ડર છે.
અબ્દુલ હમીદ શેખ નામના શિક્ષકે કહ્યું હતું, “અમારામાંથી કોઈ એ દિવસોને ભૂલ્યું નથી અને અમે આશા રાખીએ છીએ તેમજ પ્રાર્થના કરીએ છીએ કે શાંતિ જળવાઈ રહે.”
દરમિયાન, કેરન અને સીમારીમાં યુવાનોએ તેમની સૌથી મોટી ચિંતા – મોબાઇલ નેટવર્કના અભાવનો ઉલ્લેખ કર્યો હતો.
તુફૈલે કહ્યું હતું, “મારા હોમસ્ટે માટે એક વેબસાઇટ છે. તેના માટે યૂટ્યૂબર્સ અને વ્લૉગર્સના રેફરન્સિસ પણ છે, પરંતુ અહીં કોઈ મોબાઇલ નેટવર્ક જ ન હોય તો મારા સુધી પહોંચવા માટે તે લોકોને કેવી રીતે ઉપયોગી થાય?”
નાહીદાએ કહ્યું હતું, “અમારા ફોન પર નેટવર્ક મેળવવા અમારે એક કલાક ચાલવું પડે છે. આ કામ કરવું જરૂરી છે, એવો અમારો સંદેશો તમે કૃપા કરીને અધિકારીઓ સુધી પહોંચાડશો?”
(ઍડિશનલ રિપોર્ટિંગઃ વિકાર અહમદ શાહ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન