ભાજપે કાશ્મીર ખીણની 47 બેઠકો પૈકી 28 બેઠકો પર ઉમેદવાર કેમ ન ઊભા રાખ્યા

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી માટે, શ્રીનગરથી

10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટી પડકારોનો સામનો કરી રહી છે.

જમ્મુ, જ્યાં ભાજપ અપેક્ષાકૃત સારા પ્રદર્શનની આશા રાખે છે. પરંતુ ત્યાં પાર્ટીમાં અસંતોષના સમાચારો મળી રહ્યા છે. ત્યાં કાશ્મીર ખીણની 47 બેઠકો પર ભાજપે માત્ર 19 ઉમેદવારો જ ઊભા રાખ્યા છે. જેનો અર્થ થાય છે કે ભાજપે 28 બેઠકો પર ઉમેદવારો ઊભા નથી રાખ્યા.

તેથી સવાલો થાય છે કે શું ભાજપ જમ્મુ-કાશ્મીરમાં અલોકપ્રિય થઈ ગયો છે?

આ બધા સવાલોનો જવાબ જાણવાની બીબીસીએ કોશિશ કરી.

કાશ્મીરમાં ભાજપને કેટલી આશા છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહથી લઈને પાર્ટીના નેતાઓએ દાવો કર્યો હતો કે કલમ 370 હઠાવ્યા બાદ ક્ષેત્રમાં પહેલાં કરતાં શાંતિ છે અને કાશ્મીરના લોકોનો સરકાર અને ભાજપ પર ભરોસો વધ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે કાશ્મીરની ખીણમાં ઉમેદવાર નહોતો ઉતાર્યો અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણી બેઠકો પર ઉમેદવારો ઊભા નથી રાખ્યા. જેને કારણે તેના પર સવાલો ઊઠી રહ્યા છે.

રવિવારનો દિવસ. સવારે સાડા દસ વાગ્યાનો સમય છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાની એક બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રફીક વાની પોતના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે. થોડીવારમાં તેમણે ચૂંટણીના પ્રચાર માટે જવાનું છે.

બપોરે 12 વાગ્યાનો સમય છે. કડક સુરક્ષા વચ્ચે તેઓ 15 ગાડીના કાફલા સાથે પ્રચાર માટે નીકળે છે. આ રેલી નિપોરા વિસ્તારમાં થઈ રહી હતી.

તમામ પ્રયત્નો છતાં સ્થળ પર કેટલીક મહિલાઓ સહિત લગભગ 300 લોકો પહોંચ્યા હતા. રફીક વાની એ ઉમેદવારો પૈકીના એક છે જેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

કાશ્મીરમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું, “એક તો અમે ચૂંટણી જીતતા નથી અને પછી ટોણો મારવામાં આવે છે કે તમને ટિકિટ આપી હોવા છતાં ચૂંટણી જીત્યા નહીં. તેથી પાર્ટીએ આ વખતે નક્કી કર્યું છે કે અમે એ બેઠકો પર ઉમેદવારો નહીં મૂકીએ જ્યાં હાલત કમજોર છે.”

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે કાશ્મીર ખીણમાંથી ઉમેદવાર નહોતો મૂક્યો. માત્ર જમ્મુમાં જ ઉમેદવારો મેદાનમાં હતા. જમ્મુની લોકસભાની બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી.

2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતી કલમ 370ને મોદી સરકારે હઠાવી દીધી હતી. ત્યારબાદ કાશ્મીર ખીણમાં લાંબા સમય સુધી વિરોધપ્રદર્શનો થયાં હતાં. હડતાળ થઈ હતી અને કેટલીક જગ્યાએ આંદોલનકારીઓને કાબૂમાં કરવા માટે સુરક્ષાદળો દ્વારા બળપ્રયોગ કરવાનો આરોપ પણ લાગ્યો હતો.

ભાજપે દાવો કર્યો કે કલમ 370 હઠ્યા પછી ખીણમાં શાંતિ છે અને સામાન્ય જનજીવન થાળે પડી રહ્યું છે.

સરકારે એ પણ દાવો કર્યો હતો કે ત્યારબાદ ચરમપંથી ઘટનાઓમાં ઘટાડો થયો છે અને લોકો મુખ્યધારામાં પરત આવવા લાગ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વરસે માર્ચમાં શ્રીનગરમાં એક રેલી પણ કરી હતી.

ખીણમાં ભાજપની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમને ક્યાં તો ઉમેદવારો નથી મળતા અથવા તો તેને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું યોગ્ય નથી લાગી રહ્યું.

વરિષ્ઠ પત્રકાર તારિક બટ કહે છે, “કાશ્મીરમાં ભાજપની સ્પર્ધા અહીંથી ક્ષેત્રીય પાર્ટીઓ સાથે છે. જેમણે દશકોથી અહીં કામ કરીને લોકો વચ્ચે પોતાની પહોંચ બનાવી છે. ભાજપ માટે અહીં સ્પર્ધા કરવી મુશ્કેલ છે.”

તારિક કહે છે, “ભાજપે 370 કલમ હઠાવીને દેશના અન્ય ભાગોમાં એક ખાસ પ્રકારનો જુવાળ જરૂર ઊભો કર્યો. ભાજપે દેશના અન્ય ભાગોમાં લોકોને સમજાવવાની કોશિશ કરી કે 370મી કલમ હઠાવવાથી કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ગયો અને હવે ત્યાંના લોકો ભારત સરકાર સાથે છે.”

કહેવાય છે કે કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સના ગઠબંધને પણ કાશ્મીરમાં ભાજપની તકલીફોમાં વધારો કર્યો છે.

તારિક કહે છે, “કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ વચ્ચે ગઠબંધનથી કાશઅમીરમાં ભાજપ વિરોધી લહેર વધી ગઈ છે. એમ પણ કાશ્મીરમાં ભાજપની કોઈ લહેર નહોતી. કલમ 370 હઠવાથી લોકો ગુસ્સામાં હતા. તેમને કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ ગઠબંધનનો વિકલ્પ મળ્યો છે. ભાજપ માટે આ મોટો પડકાર છે કે તે પોતાનો પક્ષ લોકો સુધી કેવી રીતે પહોંચાડે.”

ભાજપનો જવાબ

ભાજપનો દાવો છે કે કાશ્મીર ખીણના લોકો પણ તેમની સાથે જોડાઈ રહ્યા છે.

28 બેઠકો પર ઉમેદવાર ન ઉતારી શકવાના નિર્ણય વિશે વાતચીત કરતા ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુર કહે છે, “આ ચૂંટણી અમારા માટે ટેસ્ટ છે. જો અમને આજે સફળતા મળે છે તો આગળ તેનાથી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતારીશું. અમને આશા છે કે કાશ્મીર ખીણમાં પણ કમળ ખીલશે. ઓછામાં ઓછી સાત બેઠકો પણ અમે જીતી રહ્યા છે.”

તેઓ દાવો કરે છે કે ઓછા ઉમેદવાર પાર્ટીની મજબૂરી નથી પરંતુ રણનીતિ છે.

અસ્તાફ ઠાકુર કહે છે, “દેશના અન્ય ભાગોમાં પણ અમે ઘણી જગ્યા પર ઉમેદવારો નથી ઉતાર્યા. અમે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કર્યું. અહીં અમારી તાકત જ્યાં છે ત્યાં અમે ઉમેદવારો ઉતાર્યા છે.”

જોકે, ઠાકુર એ વાતનો સ્વીકાર કરે છે કે જમ્મુ ભાજપનો ગઢ છે પરંતુ કાશ્મીરમાં તેઓ સારા પ્રદર્શનની આશા રાખે છે.

અલ્તાફે સંકેત પણ આપ્યો કે પાર્ટીને બહુમત નહીં મળ્યો તો તેઓ સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરી શકે છે. પરંતુ તે પક્ષો કયા હશે તેના તેઓ નામ નહીં આપી શક્યા.

જમ્મુમાં ભાજપનો પડકાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી 43 જમ્મુમાં છે.

જમ્મુ જ ભાજપની વોટબૅન્ક મનાય છે અહીં હિન્દુઓની વસ્તી વધારે છે.

જોકે, આ વખતે ભાજપે જમ્મુના પીરપંજાલમાં ઘણા મુસ્લિમોને ટિકિટ આપી છે. પીરપંજાલ મુસ્લિમ બહુમતિ ધરાવતો વિસ્તાર છે.

પત્રકાર હારુન રેશી કહે છે, “ભાજપે 2019માં પ્રચાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં હાલત ઠીક છે અને શાંતિ છે. પરંતુ જમ્મુના ઘણા વિસ્તારોમાં ચરમપંથી ઘટનાઓમાં વધારો થયો છે. તેથી ભાજપના આ દાવાઓ પર સવાલો ઊઠી રહ્યા છે.”

હાલમાં જ ભાજપે જમ્મુ ક્ષેત્ર માટે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી ત્યારે પાર્ટીના મુખ્ય કાર્યાલય પર વિરોધપ્રદર્શનો થયાં હતાં. ત્યારબાદ પાર્ટીએ એક જ કલાકમાં બીજી યાદી બહાર પાડવી પડી. જોકે, જમ્મુમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ રાજીનામું આપી દીધું.

એવામાં જમ્મુના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું, “મને પણ નજરઅંદાજ કરવામાં આવ્યો. મારી જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપી. ટિકિટ વહેંચણીને લઈને સૌ કોઈ નાખુશ છે.”

અલ્તાફ ઠાકુર કહે છે, “તમામ ચૂંટણીમાં અને તમામ પાર્ટીમાં આમ થતું રહે છે. આ માત્ર ભાજપની વાત નથી.”

ગત ચૂંટણીનું ગણિત

10 વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી એટલે કે પીડીપીએ સૌથી વધુ 28 બેઠકો જીતી હતી.

ભાજપ અને પીડીપીએ ગઠબંધન બનાવીને સરકાર બનાવી હતી. પરંતુ 2018માં પરસ્પર મતભેદોને કારણે ગઠબંધનની સરકાર પડી ભાંગી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર નહોતી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.