You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીર: પગમાં પોલીસનું GPS ટ્રૅકર પહેરીને આ ઉમેદવાર કેમ કરી રહ્યો છે પ્રચાર?
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કૉમ, શ્રીનગરથી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો માટે ચાલી રહેલા ચૂંટણીપ્રચારમાં 43 મહિલાઓ સહિત 873 ઉમેદવારો મેદાનમાં છે.
આ તમામ ઉમેદવારોમાંથી 36 વર્ષીય મોહમ્મદ સિકંદર મલિક પણ ઉમેદવાર છે. જેલમાંથી છૂટ્યા તે સમયે પોલીસે તેમના પગમાં જીપીએસ ટ્ર્રૅકર પણ લગાવી દીધું હતું જેથી કરીને તેની ગતિવિધિઓ વિશે પોલીસને જાણકારી મળતી રહે.
સિકંદર બાંદીપુરાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં ત્રીજા અને છેલ્લા ચરણ માટે પહેલી ઑક્ટોબરે મતદાન થશે.
સિકંદર મલિક શ્રીનગરથી ઉત્તર-પૂર્વ તરફ 65 કિમી દૂર આવેલા બાંદીપુરા ક્ષેત્રમાં જનમ્યા હતા. કિશોરાવસ્થામાં જ તેઓ LOC પાર કરીને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર ચાલ્યા ગયા જ્યાં તેમણે એક મદરેસામાં કુરાન કંઠસ્થ કર્યું અને ત્યારપછી એક સ્થાનિક કૉલેજમાંથી ગ્રૅજ્યુએશનની પદવી હાંસલ કરી.
તેમના પર આરોપો શું છે?
ભારત સરકાર તેમના પર LOC પાર કરીને ચરમપંથી સમૂહો પાસેથી હથિયારોની ટ્રેનિંગ લેવાનો આરોપ લગાવતી રહી છે.
2008માં તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમે પાકિસ્તાન અથવા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાંથી એવા કાશ્મીરીઓને પાછા લાવવાની નીતિ જાહેર કરી હતી જેઓ કોઈ સશસ્ત્ર સંગઠનમાં નહોતા અને જેમણે શસ્ત્રો ઉપાડવાને બદલે શિક્ષણ અથવા વ્યવસાયને પ્રાથમિકતા આપી હતી.
આવા 500 થી વધુ યુવાનોને 2010 અને 2012 વચ્ચે નેપાળ મારફતે કાશ્મીર પરત લાવવામાં આવ્યા હતા. તેમાં સિકંદર મલિક પણ સામેલ હતા.
કાશ્મીર પરત ફર્યા પછી સિકંદર મલિકે ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજીમાંથી અરબી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી લીધી. આ સમય દરમિયાન તેઓ સ્થાનિક જમાત-એ-ઇસ્લામીમાં જોડાયા. વર્ષ 2015માં જમાત-એ-ઇસ્લામીએ તેમને બાંદીપોરા જિલ્લાના પ્રમુખ તરીકે ચૂંટ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જુલાઈ 2016માં, સશસ્ત્ર કમાન્ડર બુરહાન વાનીનું ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ચરમપંથીઓ સાથેનાં મૃત્યુ પછી, સમગ્ર કાશ્મીરમાં હિંસક વિરોધનું મોજું ફાટી નીકળ્યું હતું અને સિકંદર પણ તેમની સાથે જોડાયા હતા. ઑગસ્ટમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પછી એક વર્ષ પછી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
બાદમાં ઘણાં વર્ષો સુધી, લાંબા સમય સુધી તેઓ જેલમાં બંધ રહ્યા હતા . ગત વર્ષે ડિસેમ્બરમાં તેઓ જામીન પર છૂટ્યા હતા, પરંતુ પોલીસે તેમના પગની ઘૂંટીમાં જીપીએસ ટ્રૅકર ફીટ કર્યું હતું અને તેમને દિવસ-રાત તેને પહેરી રાખવાની કડક સૂચના આપ્યા બાદ જ તેમને છોડવામાં આવ્યા હતા.
‘હું ખુશ છું કે ટ્રૅકર લગાવ્યું’
સિકંદર મલિકને છેલ્લાં 10 વર્ષમાં મોટાભાગે ધરપકડ, અને એક જેલથી બીજી જેલ અને પોલીસસ્ટેશનમાં ટ્રાન્સફરનો સામનો કરવો પડ્યો છે. તેમના પર લોકોને રાજ્ય વિરુદ્ધ ભડકાવવાનો, હિંસા ભડકાવવાનો અને શાંતિ ભંગ કરવાનો આરોપ છે.
પોલીસ દ્વારા તેમના પગમાં ટ્રૅકર પહેરાવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે બીબીસીને કહ્યું, "મને કોઈ વાંધો નથી, હું ખુશ છું કે ટ્રૅકરના કારણે મારી વારંવાર ધરપકડ નથી કરવામાં આવી રહી. કારણ કે તેમને મારી પ્રવૃત્તિઓ વિશે માહિતી દિવસ-રાત મળતી રહે છે.”
પોલીસ પાસે ટ્રૅકર ન હતું ત્યારે સિકંદર પર વિવિધ પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવ્યાંં હતાં.
તેઓ કહે છે કે થોડાં વર્ષો પહેલાં જ્યારે તેમને મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમના પર પ્રતિબંધ હતો કે તેઓ તેમના ઘરની આસપાસના 20 કિલોમીટરની ત્રિજ્યામાં જ આવાગમન કરી શકે છે. તેમને તેની બહાર ક્યાંય જવાની છૂટ નહોતી.
એ જ રીતે, એકવાર તેમણે છૂટ્યા પછી સ્થાનિક શાળામાં ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે તેમને તેની પરવાનગી આપવામાં આવી નહોતી. તેઓ કહે છે કે, “પોલીસને ડર હતો કે હું ત્યાં વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી શકું છું.”
GPS ટ્રૅકર સાથે સિક્યોરિટી ગાર્ડ પણ
રસપ્રદ વાત એ છે કે ચૂંટણીપંચના નિયમો પ્રમાણે બીજા ઉમેદવારોની જેમ જ જમ્મુ અને કાશ્મીર પોલીસ ગાર્ડના જવાનો સિકંદર મલિકની સુરક્ષા માટે તહેનાત છે.
આ વિરોધાભાસ પર તેમણે કોઈ ટિપ્પણી કરી ન હતી.
તેમણે કહ્યું, “મેં અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ મારા શિક્ષણ અને ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારી પાસે હવે એક મોકો છે કે લોકશાહી ઢબે હું નૈતિક સમાજના નિર્માણમાં મારી ભૂમિકા અદા કરું.”
"હું વિકાસ, વધુ સારી તબીબી અને શિક્ષણ સુવિધાઓ અને યુવાનોની નૈતિક તાલીમ માટે મત માંગી રહ્યો છું."
નોંધનીય છે કે જમાત-એ-ઇસ્લામીને ઘણાં વર્ષો પહેલાં ગેરકાયદે જાહેર કરવામાં આવી છે, તેથી તે ચૂંટણીમાં સીધી રીતે ભાગ લઈ રહી નથી, પરંતુ જમાતના પદાધિકારીઓ ઘણા વિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમને જમાત-એ-ઇસ્લામીનું સમર્થન મળી રહ્યું છે.
છેલ્લાં 30 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયાને સામાન્ય લોકોનો ભરોસો પ્રાપ્ત થયો છે. અગાઉ અલગતાવાદી દળો અને સશસ્ત્ર જૂથો ચૂંટણીના બહિષ્કારની હાકલ કરતાં હતાં જેના કારણે મતદાન ઓછું થતું હતું.
પરંતુ આ વખતે અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીના બંને તબક્કામાં રેકૉર્ડ મતદાન થયું છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક પરિવર્તન ગણાવી રહ્યા છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)