'મારું કંઈ નહીં થાય', ભાજપના નેતા પર રેપનો આરોપ અને ધમકીનો વીડિયો વાઇરલ

    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્યપ્રદેશના સતના જિલ્લાના રામપુર બઘેલાન ક્ષેત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જેમાં કથિતપણે ભાજપના નેતા એક મહિલા સાથે ગેરવર્તન કરતા, ગાળાગાળી કરતા અને ધમકી દેતા દેખાય છે.

ભાજપના આ નેતાનું નામ અશોકસિંહ છે.

આ વીડિયોમાં જ્યારે મહિલા પોતાની સાથે થયેલા વ્યવહારની ફરિયાદ કરવાનું કહે છે ત્યારે આરોપી તરફથી અવાજ સંભળાય છે, "મારું શું થશે? કંઈ નહીં થાય, નાખી દે સોશિયલ મીડિયા પર વીડિયો."

આ વીડિયોમાં મહિલા રડતાં રડતાં ફરિયાદ કરવાની વાત કરતાં સંભળાય છે.

આ મામલામાં સતના પોલીસે બીબીસીને જણાવ્યું હતું કે આરોપી અશોકસિંહની 28 સપ્ટેમ્બરે ધરપકડ કરાઈ હતી.

સાથે જ પોલીસે એવું પણ કહ્યું કે અશોકસિંહ વિરુદ્ધ અગાઉના ઘણા ગુના પેન્ડિંગ છે અને હાલ આ મામલાની તપાસ કરાઈ રહી છે.

મહિલાએ પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ સતના પોલીસ અધીક્ષક હંસરાજસિંહની ઑફિસમાં 22 ડિસેમ્બરના રોજ કરી હતી.

પોલીસ અધીક્ષક હંસરાજસિંહે પાંચ દિવસ બાદ 27 ડિસેમ્બરની રાત્રે દસ વાગ્યા ને 47 મિનિટે આ મામલે નિવેદન આપતાં બીબીસીને જણાવ્યું કે, "આ મામલામાં મહિલાની ફરિયાદને આધારે હાલ એફઆઇઆર દાખલ થઈ રહી છે."

કેસ દાખલ કરવામાં પાંચ દિવસ કેમ લાગ્યા?

એસપીએ કેસ દાખલ કરવામાં થયેલા વિલંબ અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, "તમે મને જણાવો કે, શું એફઆઇઆર એસપી ઑફિસમાં નોંધાય છે?"

"જો કોઈ તમારી વિરુદ્ધ મુખ્ય મંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી દે તો શું અમે એફઆઇઆર નોંધી લઈશું? મહિલાને આજે પોલીસ સ્ટેશન બોલાવાયાં છે અને તેમના નિવેદન આધારે એફઆઇઆર નોંધાઈ રહી છે."

આટલું કહ્યા બાદ પોલીસ અધીક્ષકે ફોન કાપી નાખ્યો.

મોડી રાત્રે પોલીસે જણાવ્યું, "ફરિયાદીની ફરિયાદ આધારે રામપુર બઘેલાન પોલીસ સ્ટેશનમાં અશોકસિંહ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. ફરિયાદીની ફરિયાદમાં અશ્લીલ ઇશારા કરવા, અશ્લીલ ભાષાનો પ્રયોગ કરવા, છેડતી, અશ્લીલ હરકત કરવા અને ધમકી આપવાના આરોપ લગાવાયા છે."

"મહિલાની ફરિયાદ આધારે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો અંતર્ગત આ કેસ દાખલ કરાયો છે."

વાઇરલ વીડિયો અંગે મહિલાએ આરોપ કર્યો કે આરોપીએ 11 નવેમ્બરથી માંડીને 27 ડિસેમ્બર સુધી ઘણી વખત તેમની જાતીય સતામણી કરી અને તેમને જાતભાતની ધમકીઓ પણ આપી, આ ધમકીઓ તેઓ ઘણી વખત મોબાઇલમાં રેકૉર્ડ કરવામાં પણ સફળ રહ્યાં.

બીબીસીએ જ્યારે અશોકસિંહના ફોન નંબર પર કૉલ કર્યો તો સામેથી તેમના ભાણેજ વિષ્ણુપ્રતાપસિંહે જવાબ આપ્યો.

તેમણે કહ્યું, "આરોપ લગાડનાર મહિલા ત્રણ વર્ષથી અમારાં ભાડૂત છે. પાછલા ઘણા મહિનાથી તેમણે ભાડું નથી ચૂકવ્યું. ઘટનાના દિવસે મામા ભાડાની વાત કરવા જ ગયા હતા, પરંતુ તેઓ થોડા પીધેલા હતા અને તેથી સામા પક્ષે તેમનો વીડિયો ઉતારીને વાઇરલ કરી દીધો. તેમના પર લાગી રહેલા આરોપ જૂઠા છે."

મહિલાઓ વિરુદ્ધ અપરાધ

મધ્યપ્રદેશ દેશમાં મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો મામલે ટોચનાં પાંચ રાજ્યો પૈકી એક છે.

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર રાજ્યમાં વર્ષ 2023માં મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધના 32,342 કેસ નોંધાયા હતા.

સતનાના આ મામલાની ફરિયાદ 22 ડિસેમ્બરના રોજ પોલીસ અધીક્ષક (એસપી) કચેરીમાં લેખિતમાં કરાઈ હતી.

મહિલાએ પોતાની લેખિત ફરિયાદમાં આરોપ કર્યો છે કે અશોકસિંહ લગભગ છ મહિના પહેલાં તેમના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસીને ચપ્પુ બતાવીને તેમની સાથે રેપ કર્યો અને આ દરમિયાન આપત્તિજનક વીડિયો પણ ઉતાર્યો.

મહિલાનો આરોપ છે કે આરોપીએ વીડિયો વાઇરલ કરવાની અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપીને તેમને ચૂપ રહેવા માટે મજબૂર કર્યાં.

સતના પોલીસ દ્વારા પાંચ દિવસ સુધી આ કેસમાં એફઆઇઆર ન નોંધવામાં આવી, આ બાબતને કારણે પોલીસના ઢીલા વલણ સામે ગંભીર સવાલ ઊઠી રહ્યા છે.

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે 20 ડિસેમ્બરે આરોપીએ ફરી એક વાર મહિલા પાસે પહોંચી અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને તેમની છેડતી કરી, જે બાદથી તેઓ અત્યંત ગભરાયેલાં છે.

બીબીસીને મળેલા દસ્તાવેજો અનુસાર, અશોકસિંહ પર આઠ પોલીસ કેસ થયેલા છે.

જે પૈકી વર્ષ 1996થી 2024 દરમિયાન અશોકસિંહ પર આઇપીસીની કલમ 294 અંતર્ગત ચાર કેસ પેન્ડિંગ છે.

નોંધનીય છે કે આઇપીસીની કલમ 294 અંતર્ગત જાહેર સ્થળ પાસે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિઓને કનડગત થાય એવી રીતે અશ્લીલ હરકત કરે કે અશ્લીલ ગીત ગાય કે અશ્લીલ શબ્દો કહે તો આવી વ્યક્તિને ત્રણ વર્ષની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે.

સતનાના પૂર્વ કલેક્ટર અનુરાગ વર્માના વર્ષ 2024ના એક આદેશ અનુસાર આરોપીના ગુનાહિત રેકૉર્ડ અંગે અગાઉ પણ જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી કરી ચૂક્યું છે.

બીબીસી પાસે રહેલા દસ્તાવેજો પ્રમાણે, તત્કાલીન કલેક્ટર અનુરાગ વર્માએ વર્ષ 2024ના પોતાના આદેશમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે રામપુર બઘેલાન પોલીસ સ્ટેશનમાં વર્ષ 1996થી 2024 સુધી અશોકસિંહ વિરુદ્ધ કુલ આઠ ગુનાહિત કેસ દાખલ થયેલા છે.

આ આદેશમાં આરોપી અશોકસિંહના નિવેદન અનુસાર તેઓ રામપુર બઘેલાનના વર્તમાન ધારાસભ્ય વિક્રમસિંહના સંબંધી છે.

અનુરાગ વર્માના આદેશમાં એવી પણ ચોખવટ છે કે લોકસભા ચૂંટણીપ્રક્રિયા દરમિયાન અશોકસિંહ કાયદા-વ્યવસ્થાની સ્થિતિને પ્રભાવિત કરી શકે છે અને જનતામાં ભયનો માહોલ પેદા કરી શકે છે. આ જ આધારે પોલીસે તેમની વિરુદ્ધ ઘણા પ્રકારના પ્રતિબંધ લાદવાના નિર્દેશ આપ્યા હતા.

જોકે, પોલીસે જૂના કેસો અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી નથી કરી.

બીબીસી સાથેની વાતચીતમાં એક પોલીસ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, "અશોકસિંહ એક રીઢો ગુનેગાર છે અને તેની સામે ઘણા કેસ દાખલ થયેલા છે. રાજકીય પૃષ્ઠભૂમિને કારણે અત્યાર સુધી કોઈ કઠોર કાર્યવાહી નથી થઈ શકી."

કૉંગ્રેસે ભાજપ પર ગુનેગારને રક્ષણ આપવાનો આરોપ કર્યો

મધ્યપ્રદેશમાં વિપક્ષ કૉંગ્રેસે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા 'એક્સ' પર પોસ્ટ કરીને ભાજપ પર ગુનેગારોનું રક્ષણ કરવાનો આરોપ કર્યો છે.

જોકે, આ મામલે સત્તાધારી ભાજપ કે રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધી કોઈ આધિકારિક પ્રતિક્રિયા સામે નથી આવી.

મધ્યપ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જિતુ પટવારીએ એક્સ પર લખ્યું, "સતનામાં ભાજપના નેતા અશોકસિંહે એક મહિલા સાથે ચપ્પુ બતાવીને દુષ્કર્મ આચર્યું, વીડિયો બનાવ્યો ને ફરી દુષ્કર્મ આચરવા માટે મહિલાના ઘરે પહોંચ્યો..."

જિતુ પટવારીએ આગળ મુખ્ય મંત્રી મોહન યાદવને સવાલ કર્યો, "તમે સરકાર ચલાવી રહ્યા છો કે સર્કસ? આ શું તમાશો છે, જ્યાં તમારી પાર્ટીના નેતા રાજ્યની દીકરી સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરે છે અને છ મહિના સુધી તમારી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. આ બેદરકારીને કારણે જ ભાજપનો આ દુષ્કર્મી નેતા ફરી વાર કુકૃત્ય કરવા માટે પહોંચી ગયો..."

મુખ્ય મંત્રી મોહન યાદવ 27 ડિસેમ્બરના રોજ સતનામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ મામલે અત્યાર સુધી ના મુખ્ય મંત્રી કે ના ભાજપ તરફથી કોઈ નિવેદન આવ્યું છે.

26 ડિસેમ્બરની રાત્રે સતના જિલ્લામાં જ વધુ એક મહિલા ન્યાયની માગ સાથે આખી રાત એસપી ઑફિસની બહાર ધરણા પર બેઠાં રહ્યાં. તેમણે ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષ વિરુદ્ધ ચાલી રહેલા રેપના કેસમાં ધરપકડની માગ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન