You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ: 'અહીં પાંચ મિનિટ ઊભા ન રહી શકાય', 15મી સદીના ઐતિહાસિક સ્મારક પાસે આવતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, શું છે મામલો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
યુનેસ્કોની યાદીમાં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદમાં આવેલાં અનેક ઐતિહાસિક સ્મારકોમાંથી એક સરખેજ રોજાની મુલાકાતે દેશ વિદેશના લોકો આવે છે.
સરખેજ રોજા એ પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (આર્કિયોલૉજી સરવે ઑફ ઇન્ડિયા) દ્વારા રક્ષિત સ્મારક છે.
પરંતુ આ ઐતિહાસિક સ્મારક જોવા આવતા મુલાકાતીઓએ કેટલાક વિસ્તારમાં મોઢા પર રૂમાલ રાખીને ફરવું પડે છે, જેનું કારણ છે ત્યાં આવતી દુર્ગંધ.
આ દુર્ગંધ સરખેજ રોજા તળાવમાંથી આવે છે. સરખેજ રોજાની પાસે આવેલી ચાલીમાં રહેતા લોકો પણ આ દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયા છે.
આ અસહ્ય દુર્ગંધનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને એએસઆઈને આ અંગે રિપોર્ટ તૈયાર કરવાનો હુકમ કર્યો હતો.
સરખેજ કમિટીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પિટીશન અનુસાર શિંગોળા તળાવમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર ગટરનાં કનેકશન જોડ્યાં હોવાનો આક્ષેપ છે. તળાવમાં ગંદું પાણી આવતું હોવાથી આ દુર્ગંધ આવે છે. આ સમસ્યા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આ સમસ્યાનું સમાધાન આવ્યું નથી.
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ એએસઆઈ દ્વારા તળાવની સફાઈ શરૂ કરવામાં આવી છે.
સરખેજ રોજા જોવા આવેલા મુલાકાતીઓએ શું કહ્યું?
બીબીસી ગુજરાતીની ટીમે સરખેજ રોજામાં આવતા મુલાકાતીઓ તેમજ આસપાસના લોકો સાથે આ અંગે વાત કરી હતી. બીબીસી ગુજરાતીની ટીમે પણ અનુભવ્યું હતું કે સરખેજ રોજાના કેટલાક ભાગમાં દુર્ગંધ આવી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેક રિપબ્લિકના નાગરિક આદમ અને તેમનાં સહકર્મી તેરેઝા સરખેજ રોજાની મુલાકાતે આવ્યાં હતાં. આદમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " સરખેજ રોજા એક સુંદર સ્થળ છે પણ કમનસીબે કેટલાક વિસ્તારોમાં ખૂબ જ દુર્ગંધ આવે છે. મને લાગે છે કે આ દુર્ગંધ આવવાનું કારણ ખૂબ જ પ્રદૂષિત તળાવ છે. દુ:ખની વાત છે કે આટલી સરસ જગ્યા જે ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે, તેની સારી રીતે કાળજી લેવામાં આવતી નથી."
તેરેઝાએ કહ્યું હતું કે, "સ્મારક અને લાઇબ્રેરીની જગ્યામાં સૌથી વધારે દુર્ગંધ આવતી હતી. આટલી સુંદર જગ્યામાં આ પ્રકારની દુર્ગંધ આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે."
સરખેજ રોજાના લાયબ્રેરિયન અબ્દુલ જલાલ કાદરી કહે છે કે, "સામાન્ય દિવસોમાં તો મુલાકાતીઓ આવે જ છે. પરંતુ રવિવાર અને ગુરુવારે તેમજ વેકેશનમાં તો દિવસના એક હજાર કરતાં પણ વધારે મુસાફરો આવે છે."
અબ્દુલ જલાલ કાદરી કહે છે કે "આ દુર્ગંધમાં લોકો માટે પાંચ મિનિટ પણ ઊભા રહેવું મુશ્કેલ હોય છે. અમારે આખો દિવસ રહેવાનું હોય છે."
આણંદનાં રહેવાસી તરન્નુમ શેખ તેમના પરિવાર સાથે સરખેજ રોજાની મુલાકાતે આવ્યાં હતાં. તરન્નુમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમે અહીં ફરવા આવ્યાં છીએ. પરંતુ અહીં કેટલાક વિસ્તરામાં દુપટ્ટાથી નાક બંધ કરીને ફરવું પડે છે. અહીં એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે પાંચ મિનિટથી વધારે તમને ઊભા રહેવું પણ ગમે નહીં. આ દુર્ગંધ બંધ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ."
અન્ય એક મહિલા બિસ્મિલાબાનુ કહે છે, "આ અમારી આસ્થાનું સ્થળ છે અમે અવારનવાર આવીએ છીએ. આજે તો પણ થોડી ઓછી દુર્ગંધ આવે છે. 20 દિવસ પહેલાં ગુરુવારે અમે આવ્યાં હતાં ત્યારે તો ઊભા રહી શકાય તેવી સ્થિતી જ ન હતી. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ."
ડૉ. મહેન્દ્ર જે ફિલ્ડ જૉબ કરે છે, તેઓ ક્યારેક તેમના કામની વચ્ચે સમય મળે સરખેજ તળાવ પાસે બેસવા આવે છે. તેઓ કહે છે કે, "ચોમાસામાં પાણી આવવાની શરૂઆત થાય ત્યારે જ દુર્ગંધ શરૂ થાય છે તેમજ તળાવમાં પણ કચરો અને લીલ જોવા મળે છે."
સરખેજ રોજાની આસપાસ રહેતા લોકોનું શું કહેવું છે?
સરખેજ રોજાની ચાલીની પાછળ શિંગોળા તળાવ આવેલું છે. હાલ ત્યાં ખૂબ જ ડહોળું પાણી હતું તેમજ પાણીમાં ખૂબ જ શેવાળ જામેલી હતી. આસપાસના લોકો કહે છે કે આ તળાવમાં પહેલાં ચોખ્ખું પાણી રહેતું હતું. પરંતુ કેટલાક લોકોએ આ તળાવમાં ગેરકાયદેસર રીતે ગટરનાં કનેક્શન આપ્યાં હોવાથી પાણી ગંદું થઈ ગયું છે.
રોજાની ચાલીમાં રહેતાં રસીલાબહેન કહે છે કે, "પહેલાં આ શિંગોળા તળાવનું પાણી ચોખ્ખું રહેતું હતું. તળાવમાં અમારાં બાળકો નાહતાં હતાં અને અમે કપડાં ધોતાં હતાં. પરંતુ છેલ્લાં સાત-આઠ વર્ષથી જ્યારેથી આસપાસ મોટી મોટી બિંલ્ડિંગ અને મકાનો બનવાં લાગ્યાં છે, કેટલાંક મકાનોના ગેરકાયદેસર રીતે ગટરનાં કનેકશન તળાવમાં આપ્યાં છે. જેને કારણે પાણી ખૂબ જ ગંદું થઈ ગયું છે. અમારી બકરી તળાવમાં જાય તો આખી ગંદી થઈને આવે છે. તળાવના તળિયામાં સુએજની ગંદકી છે."
આઈશાબાનુ જેઓ છેલ્લાં 60 વર્ષ કરતાં વધારે સમયથી સરખેજ રોજા પાસે આવેલી ચાલીમાં રહે છે. તેઓ કહે છે કે, "શું અમે માણસો નથી? તમે અહીં જોવો જાનવર પણ ન રહી શકે તેવી દુર્ગંધમાં અમારે રહેવું પડે છે. અમે આ અંગે વારંવાર એએમસીમાં રજૂઆત કરી છે. પરંતુ અમારી સમસ્યાનું સમાધાન આવતું નથી. અમે અમારાં મકાનોનો ટૅક્સ પણ ભરીએ છીએ."
સરખેજ રોજાની ચાલીમાં રહેતી મહિલાઓ એકઠી થઈ હતી અને દુર્ગંધને કારણે થતી પરેશાની અંગે વાત રહ્યા હતા. કેટલાક લોકો તો વરસાદ પડે ત્યારે થોડાક દિવસ સગાં સંબંધીને ઘરે જતા રહેતા હોવાનું પણ જણાવ્યું હતું.
છેલ્લાં 50 વર્ષથી આ ચાલીમાં રહેતાં ફરઝાનાબાનુ કહે છે કે, "આ ગંદકીને કારણ અમે અને અમારાં બાળકો બીમાર પડીએ છીએ. પરંતુ અમારું સાંભળનાર કોઈ નથી."
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ પિટીશનમાં શું કહેવામાં આવ્યું છે?
સરખેજ રોજા ટ્રસ્ટ તરફથી આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન ફાઇલ કરવામાં આવી છે.
સરખેજ રોજા ટ્રસ્ટના વકીલ એ.એસ. ટિંબાલીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "શિંગોળા તળાવનું પાણી સરખેજ રોજા તળાવમાં આવે છે.આ પાણી ગંદું હોય છે, જેથી દુર્ગંધ આવે છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાને આ અંગે સરવે કરવા માટેનો હુકમ કર્યો છે."
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ પિટીશનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિંગોળા તળાવની આસપાસ ગેરકાયદેસર દબાણ થયું છે જેનું અનઅધિકૃત ડ્રેનેજ અને ગટરનું પાણી સીધું શિંગોળા તળાવમાં ઠલવાય છે. જેના કારણે સરખેજ રોજા અને તેની આસપાસનાં જળાશયો પ્રદૂષિત થાય છે. જેનાથી આરોગ્ય અને પર્યાવરણનાં ગંભીર જોખમો ઊભા થાય છે. પાણીની દુર્ગંધ અસહ્ય છે. અને આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને અનેક રજૂઆતો કરવા છતાં ફરિયાદ નિવારણ માટે કોઈ અસરકારક કે નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.
ગુજરાત હાઇકોર્ટ શું આદેશ કર્યો ?
13 ઑક્ટોબરના રોજ જસ્ટિસ નિરલ આર મહેતાની કોર્ટમાં સરખેજ રોજા કમિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિટીશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાને ભેગા થઈને રિપોર્ટ બનાવવાનો મૌખિક આદેશ કર્યો છે.
હાઇકોર્ટના આદેશ અનુસાર જો અરજદાર દ્વારા કરવામાં આવેલા આરોપ સાચા સાબિત થાય તો આ મુદ્દા પર ગંભીર રીતે ધ્યાન આપવા પાત્ર છે. અધિકારીઓની ઉદાસીનતાને કારણે આવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વના સ્મારકને અવગણવામાં આવે તો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આ કોર્ટ અને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણ અને તેમને અસર કરતા અતિક્રમણ અને પ્રદૂષણને રોકવાની જરૂરિયાત અંગે વારંવાર કરવામાં આવેલાં અવલોકનોને આ કોર્ટ અવગણી શકે નહીં. આવાં હેરિટેજ સ્થળો અને કુદરતી સંપત્તિનું રક્ષણ એ સંબંધિત અધિકારીઓની બંધારણીય અને નૈતિક જવાબદારી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને એએસઆઈને સંયુક્ત નિરીક્ષણ કરીને સરવે હાથ ધરીને તેનો રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં સ્મારક અને બન્ને જળાશયોની હાલની સ્થિતી, અતિક્રમણ અને પ્રદૂષણની સ્થિતી જો હોય તો અને પુનઃ સ્થાપન અને વધુ નુકસાન અટકાવવા માટે ચોક્કસ ઉપચારાત્મક પગલાં અંગેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કર્યો છે.
આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ શું કહ્યું?
એએસઆઈના વડોદરા સર્કલનાં સુપરિટેન્ડન્ટ શુભા મજમુદારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "મેં બે દિવસ સરખેજ રોજાની મુલાકાત લીધી છે. એએસઆઈ રક્ષિત સરખેજ તળાવમાં શિંગોળા તળાવનું પાણી આવે છે તેને કારણે સમસ્યા છે. શિંગોળા તળાવમાંથી પાણી આવતું અમે રોકી શકીશું નહીં. તે અંગે એએમસીએ જ પગલાં લેવાનાં રહેશે. હાલ પણ સફાઈ ચાલી રહી છે. કોર્ટના આદેશ મુજબ એએમસી અને એએસઆઈએ સાથે મળીને સરવે કરવાનો છે. તે અંગે અમે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને પત્ર પણ લખ્યો છે. તેમના તરફથી સમય અંગે જાણ કર્યા બાદ સંયુક્ત સરવે હાથ ધરાશે."
એએમસીએ શું કહ્યું?
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ઍડિશનલ ઍન્જિનિયર સંજય સુથારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગુજરાત હાઇકોર્ટનો ઑર્ડર હજુ મારી પાસે આવ્યો નથી. પરંતુ શિંગોળા તળાવના વિકાસના કામ અંગેનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. વરસાદ હમણાં સુધી ચાલુ હોવાથી તેમા કામ ચાલુ થઈ શક્યું ન હતું."
"હવે કામ શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે તળાવમાંથી પાણી ખાલી કરીને ડ્રેનેજ લાઇનમાં નાખવામાં આવી રહ્યું છે. પાણી ખાલી થયા બાદ તેની કમ્પાઉન્ડ વૉલ સહિત વિકાસ કરવાનું કામ શરૂ કરવામાં આવશે."
સરખેજ રોજાનો ઇતિહાસ શું છે?
ગુજરાત ટુરિઝમની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલાના (ઈ.સ. 1411- '42) મિત્ર અને આધ્યાત્મિક સલાહકાર અહમદ ખાટુ ગંજ બક્ષની (મૃત્યુ ઈ.સ. 1445) સ્મૃતિમાં તળાવ તથા આસપાસની ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્થાનિકો અને બહારથી લોકો આ ઐતિહાસિક સ્માકરોને જોવા માટે આવે છે અને આ પરિસર કોમી સૌહાર્દનું પ્રતીક પણ છે.
અહમદશાહ પહેલાના પૌત્ર સુલતાન મોહમ્મદ બેગડાએ પંદરમી સદીના મધ્યભાગમાં આ નિર્માણ કરાવ્યું હતું. જ્યાં અમદાવાદના અનેક શાસક હવાફેર કરવા માટે જતા. બેગડાએ પોતાની તથા પોતાના પરિવારજનોનો મકબરો ગંજ બક્ષના મકબરાની સામે બાંધવાનો આદેશ આપ્યો હતો. મોહમ્મદ બેગડાના દીકરા અહમદ શાહ દ્વિતીય તથા તેમનાં બેગમ રાજબાઈ અહીં દફન છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન