You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભાજપ માટે મારા દિલમાં તાળું લાગી ગયું છે,' શંકરસિંહ વાઘેલાએ આવું કેમ કહ્યું?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
હાથમાં ભાલો લઈને ઊભેલા યુવકના નિશાન સાથે પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા ફરી ગુજરાતમાં સક્રિય રાજકારણની નવી ઇનિંગ રમવા આવી પહોંચ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યથી માંડીને આગામી વિધાનસભા સુધીની તમામ ચૂંટણી તેમની પાર્ટી લડવા જઈ રહી છે."
તેમણે એમ પણ કહ્યું હતું કે, "આ પાર્ટી નવી નથી."
ઉલ્લેખનીય છે કે સાઠના દાયકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા પછી શંકરસિંહ વાઘેલા જનતા મોરચો, જનસંઘ, ભાજપ, કૉંગ્રેસ જેવી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે.
રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા), જનવિકલ્પ જેવું સગઠન તેમજ હવે પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટી જેવી નવી રાજકીય પાર્ટીના તેઓ સૂત્રધાર રહ્યા છે. શક્તિદળ જેવું એક યુનિફૉર્મબદ્ધ સંગઠન પણ તેમણે રચ્યું હતું.
ગુજરાતના સક્રિય રાજકારણમાં શંકરસિંહ કદાચ એકમાત્ર નેતા હશે જેઓ મોખરાની પાર્ટીઓમાં રહ્યા હોય તેમજ નવી પાર્ટી શરૂ કરી હોય એવો બેવડો અને બહોળો અનુભવ ધરાવતા હોય.
જોકે, શંકરસિંહે અગાઉ રચેલી પાર્ટીઓમાંથી રાજપાને બાદ કરીએ તો કોઈ પાર્ટીને ખાસ સફળતા મળી નથી. રાજપાની રાજકીય ઇનિંગ પણ લાંબી નહોતી. આવી સ્થિતિમાં આગામી ચૂંટણીઓમાં તેઓ કેટલો પ્રભાવ પાડી શકશે એ મોટો સવાલ છે.
નવી પાર્ટીની રચનાથી શું ફરક પડશે?
વરિષ્ઠ પત્રકાર અજય નાયકે શંકરસિંહ દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને પાર્ટી ફરીથી સક્રિય કરવા પાછળની સંભવિત વ્યૂહરચના વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "ભાજપ અને કૉંગ્રેસ જેવાં પક્ષો પર દબાણ ઊભું કરવાના આશયથી તેમણે આ પાર્ટી ફરીથી સક્રિય કરી હોઈ શકે. થોડા વખત અગાઉ એવી વાતો શરૂ થઈ હતી કે તેમને કોઈક રાજ્યમાં રાજ્યપાલ બનાવવામાં આવશે. રાજકારણમાં પ્રસ્તુત રહેવા માટે પણ તેમણે પાર્ટીને સક્રિય કરી હોઈ શકે."
નોંધનીય છે કે દેશના ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ સાથે 2024માં ઑગસ્ટ મહિનામાં ગાંધીનગર સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી. તેના ચાર મહિના પછી પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટી સક્રિય કરાઈ છે.
હવે એવા સવાલો ઊઠી રહ્યા છે કે શું આગામી ચૂંટણીઓમાં ભાજપને આડકતરી મદદ કરવા માટેનું તેમનું આયોજન છે?
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શંકરસિંહ વાઘેલાએ આ વાતનો જવાબ આપતાં કહ્યું હતું કે, "અમિત શાહ સાથે એ એક ઔપચારિક મુલાકાત હતી. એ કોઈ રાજકીય મુલાકાત નહોતી. ગુજરાતમાં ઐતિહાસિક 150 કરતાં વધુ બેઠકો ભાજપ વિધાનસભામાં ધરાવે છે. કેન્દ્રમાં લોકસભામાં સારી બહુમતી છે. અમિત શાહ ભાજપમાં છે અને હું ભાજપ કે કૉંગ્રેસ એકપણ પાર્ટીમાં નથી તો હું ભાજપને શું ફાયદો કરાવવાનો? ભાજપ ગુજરાતમાં અને કેન્દ્રમાં અનુકૂળ બહુમતી ધરાવે છે તો એને કોઈ ફાયદાની જરૂર પણ શું હોય? અને મારાથી તેમને ફાયદો પણ શું થઈ શકે?"
અમિત શાહને મળ્યા બાદ તેમણે પાર્ટી લૉન્ચ કરી હોવાના આરોપો અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો.
વાઘેલાએ કહ્યું હતું કે, "મારે કંઈ સર્ટિફિકેટ થોડું લેવાનું હતું? આ પાર્ટી તો 2022થી રજિસ્ટર્ડ હતી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું નિધન થયું તેના કારણે અમે પક્ષનું લૉન્ચિંગ બંધ રાખ્યું હતું. એ પછી કૉંગ્રેસ સાથે પણ મેં વાટાઘાટ કરી હતી. ત્યાં અનુકૂળ આવ્યું નહોતું. એટલે પાર્ટી તો ચાર મહિના પહેલાંથી જ સક્રિય હતી."
"બીજી વાત એ કે ગુજરાતના રાજકારણમાં મેં જેટલો અનુભવ લીધો છે એટલો કોઈનો નહીં હોય. એ અનુભવને આધારે કહું તો કોઈ કોઈને લાભ કરાવી શકતું નથી. લોકો પોતે જ નક્કી કરે છે કે કઈ પાર્ટીને હરાવવી કે જિતાડવી."
જોકે, શંકરસિંહ આ વાત જણાવે છે એમ શીરાની જેમ ગળે ઊતરી જાય એવી રાજકીય સમીક્ષકોને સરળ લાગતી નથી.
2024માં લોકસભાની ચૂંટણી અગાઉ રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના રાજારજવાડાં વિશેના નિવેદન પછી ક્ષત્રિયો રોષે ભરાયા હતા અને આંદોલન થયું હતું.
રૂપાલા તો ચૂંટણી જીતી ગયા, પણ હવે રાજ્યમાં પંચાયત વગેરેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે.
જેમાં કેટલેક ઠેકાણે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ હોય, ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ શંકરસિંહ નવી પાર્ટી લઈને આવે અને મતોનું ધ્રુવીકરણ થાય તો સરવાળે ભાજપને ફાયદો થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
મુંબઈસ્થિત વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે કે, "એ શક્યતાને નકારી શકાય નહીં. જો શંકરસિંહ કહેતા હોય કે તેમની પાર્ટી આગામી ચૂંટણીઓ લડવાની છે તો તેમની પાર્ટી જે મતો કાપશે, એટલે કે ધ્રુવીકરણ થશે તો એનો ફાયદો ભાજપને થઈ શકે છે. તેથી આ નવી પાર્ટી ભાજપ માટેની ગોઠવણ પણ હોઈ શકે છે."
'ભાજપ માટે મારા દિલમાં તાળું લાગી ગયું છે'
શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટી સક્રિય કર્યાનો ભાજપને લાભ થયાની વાત અંગે બીબીસીને જણાવ્યું હતું કે, "ભાજપ માટેની વાત જ મારા માટે અસ્થાને છે. ભાજપ માટે મારા દિલમાં તાળું લાગી ગયું છે. હું નૈતિક મૂલ્યો સાથે ભાજપ સામે લડવાનો છું એ વાત ફાઇનલ છે."
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "ભાજપના જે સમર્પિત મતદારો છે તે ભાજપ સાથે જ રહે છે તેથી કોઈ પાર્ટી આવે અને ધ્રુવીકરણનો લાભ ભાજપને થાય એવી કોઈ વાત જ નથી."
તેમણે એમ પણ કહ્યું હતું કે, "શંકરસિંહનો ભૂતકાળ આપણે જોઈએ તો તેમણે જે જનવિકલ્પ પાર્ટી બનાવી હતી એને આખા ગુજરાતમાંથી કુલ એક લાખ જેટલા મત પણ નહોતા મળ્યા. પોતાની પ્રસિદ્ધિ માટે માણસ આવું કરે તે સ્વાભાવિક છે."
2022માં રજિસ્ટર્ડ થયેલી પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીને સક્રિય કરવાનું કારણ એ મારી અંગત મહત્ત્વાકાંક્ષા નથી એવું જણાવતાં શંકરસિંહ કહે છે કે, "મને સતત એવું લોકો કહ્યા કરતા હતા કે બાપુ કંઈક કરો, કંઈક કરો. તેથી અમે સક્રિય થયા છીએ."
પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં તમારી જવાબદારી શું રહેશે? એ સવાલના જવાબમાં શંકરસિંહે કહ્યું હતું કે, "આ પાર્ટી લોકો સુધી જાય એ માટે તન, મન, ધન લગાવી દેવાની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. હું લોકોને કહેવાનો છું કે તમે ભાજપ – કૉંગ્રેસનો સ્વાદ ચાખી લીધો છે. તમે મારા શાસનની એક વર્ષની સરકારનો સ્વાદ પણ ચાખ્યો છે. તમને જો બધાના સ્વાદ કરતાં મારી સરકારનો એક વર્ષનો અનુભવ સારો લાગતો હોય તો ફરી અમને અજમાવી શકો છો."
પણ છેલ્લાં 28 વર્ષથી તો ગુજરાતની પ્રજાને ભાજપનો સ્વાદ દાઢે વળગ્યો હોવાનું લાગે છે, એ વાતના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "સ્વાદ દાઢે નથી વળગ્યો, તેમની સામે કંઈ નથી. તમને કોઈ ચા અથવા કૉફીના વિકલ્પને બદલે ચા અથવા પાણીનો વિકલ્પ આપે તો તમે ચા જ પસંદ કરશોને? કૉંગ્રેસ, ભાજપ સામે મૅચફિકસિંગમાં જ રહેવાની હોય તો એ ક્યારેય ન જીતે."
'શંકરસિંહની અગાઉની પાર્ટી પણ સફળ નથી રહી'
અગાઉ રાજપા, જનવિકલ્પ અને હવે પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટી બાપુને ફળશે ખરી? આ સવાલના જવાબમાં રમેશ ઓઝાએ કહ્યું હતું કે, "ગુજરાતમાં અત્યાર સુધીનો રેકૉર્ડ છે કે ત્રીજી પાર્ટી ક્યારેય સફળ થઈ નથી. ખુદ શંકરસિંહે અગાઉ શરૂ કરેલી પાર્ટી જ સફળ નથી રહી."
શંકરસિંહ વાઘેલા 1996-97માં ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેમજ યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ)ની મનમોહનસિંહના વડપણ હેઠળની સરકારમાં 2004-09 દરમિયાન તેઓ કેન્દ્રમાં ટૅક્સટાઇલમંત્રી રહી ચૂક્યા છે.
નવી પાર્ટીને ફરી સક્રિય કરવા પાછળ શંકરસિંહની કોઈ રાજકીય ઝંખના રહી ગઈ હશે એવું વરિષ્ઠ પત્રકાર અજય નાયકને લાગે છે.
તેઓ કહે છે કે, "તેમને નવું નવું કશુંક કરીને ચર્ચામાં રહેવાનું મન થાય છે. પોતે હજુ પણ સાંપ્રત રાજકારણમાં કેટલા પ્રભુત્વવાળા છે એવું બતાવવા માગતા હોય તેવું પણ હોઈ શકે છે. પ્રજાશક્તિ ડેમૉકૅટિક પાર્ટીને બહાને કોઈ મોટો પક્ષ તેમને પોતાની તરફ ખેંચીને મોટો હોદ્દો આપે એવી પણ તેમની ગણતરી પણ હોઈ શકે છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)