You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડકપ ફાઇનલ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની સૌથી મોટી પરીક્ષા
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદથી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીના તેના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ મૅચ રમાવા જઈ રહી છે.
રવિવારના દિવસે વર્ષ 2023ના વનડે વર્લ્ડકપની ફાઇનલની ટક્કર મેજબાન ટીમ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આ મેદાન પર જ જામશે.
આથી સ્વાભાવિકપણે સવા લાખ પ્રેક્ષકોની ક્ષમતાવાળા વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પીચની આ સૌપ્રથમ મોટી પરીક્ષા છે.
અગાઉ મોટેરાના નામથી જાણીતા આ સ્ટેડિયમમાં ઘણી મહત્ત્વપૂર્ણ મૅચો રમાઈ ચૂકી છે, જેમાં વર્ષ 2011ના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ પણ સામેલ છે, જે જોગાનુજોગ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જ યોજાઈ હતી.
બેટિંગ માટે સારી મનાતી આ પીચ પર ભારતનો વિજય થયો હતો.
પીચને કેવી રીતે તૈયાર કરવામાં આવી?
સ્ટેડિયમના નવીનીકરણ સાથે જ મેદાનમાં નવી પીચો પણ બનાવાઈ છે અને સામાન્યપણે જોવા મળ્યું છે કે આ મેદાનની પીચો બેટિંગને અનુકૂળ હોય છે.
વરિષ્ઠ ક્રિકેટ વિશ્લેષક અયાઝ મેમણે અમદાવાદના મેદાન પર ડઝનબંધ મોટી મૅચ કવર કરી છે અને તેમના અનુસાર, “આ મેદાનમાં બૅટ્સમૅનોએ પીચ સામે ઝઝૂમવું નથી પડતું. જો પીચને વધુ રોલ કરાશે તેમજ જો ઉપરથી ઘાસ પણ હઠાવી દેવાય તો સ્પિન બૉલિંગને પણ મદદ મળશે.”
જો ઇતિહાસ પર નજર કરીએ અને વનડે મૅચોની વાત કરાય તો અમદાવાદમાં અત્યાર સુધી 30 વનડે મૅચ રમાઈ છે, જેમાંથી 15માં પ્રથમ બેટિંગ કરનારી ટીમને જીત હાંસલ થઈ છે અને 15 લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ધીમી પીચ છતાં અમદાવાદના મેદાન પર રન સ્કોરિંગની સરેરાશ પાંચ રન પ્રતિ ઓવરની આસપાસ જ રહી છે.
જોકે, પાછલાં કેટલાંક વર્ષોમાં અમદાવાદની પીચમાં અગાઉ કરતાં વધુ ઝડપ જોવા મળી છે અને આઈપીએલની મૅચોમાં આનાથી બૅટ્સમૅનોને વધુ રન સ્કોર કરવામાં પણ મદદ મળી છે.
રસપ્રદ વાત તો એ પણ છે કે આ જ વર્લ્ડકપની પ્રારંભિક મૅચ, જેમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમનો મુકાબલો ગત વર્ષની ફાઇનલિસ્ટ ટીમ ન્યૂઝીલૅન્ડ સામે યોજાયો હતો, તેમાં ન્યૂઝીલૅન્ડના ડેવન કૉનવેએ અણનમ 152 રન ફટકારીને આ મેદાન પર વનડે ક્રિકેટનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરવાનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો.
દ્રવિડ અને રોહિતે કરી પીચની તપાસ
શુક્રવારના દિવસે ટીમ ઇન્ડિયાનો ઑપ્શનલ નેટ અભ્યાસ હતો, જેમાં તમામ ખેલાડી તો ન આવ્યા પરંતુ નિર્ણય ઘડતર કરનાર ટીમ મૅનેજમૅન્ટ ત્યાં જરૂર હાજર હતું.
કપ્તાન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બૉલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે ઓછામાં ઓછી 20 મિનિટ સુધી પીચને ચારેકોરથી તપાસી અને એકમેક સાથે વાત કરતા દેખાયા.
આ મેદાનમાં વર્લ્ડકપની ચાર મૅચ યોજાઈ છે અને પ્રથમ મૅચને બાદ કરતાં બાકીની ત્રણેય લો-સ્કોરિંગ રહી છે, કારણ કે પીચ પર ધીમી બૉલિંગ એટલે કે સ્પિનને વધુ મદદ મળી છે.
આ જોતાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાને તેમની 20 ઓવર દરમિયાન મદદ મળવી જોઈએ.
જો ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે યોજાયેલી સેમિફાઇનલ મૅચમાં તેમના બૅટ્સમૅનો સ્પિનરો સામે ઝઝૂમતા જોવા મળ્યા હતા અને સ્ટીવ સ્મિથ તો ક્લીન-બોલ્ડ પણ થયા હતા.
પીચ અંગે ભારતના પક્ષે માત્ર એક જ મોટી દુવિધા હશે. જો આ પીચ ધીમી રમે તો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ઘાતક જણાઈ રહેલી ભારતીય પેસ બૉલરોની ત્રિપુટીએ વધુ મહેનત કરવી પડશે.
બુમરાહ, શમી અને સિરાજને પોતાની સીમ બૉલિંગ માટે પીચથી થોડી મદદ જોઈએ, જે માટે થોડી ઘાસની પણ જરૂરિયાત રહેશે.
આમ આ મેદાન પર રમાયેલી ગત પાંચ મૅચોમાંથી ત્રણમાં એ ટીમ જીતી છે, જેણે પ્રથમ બૉલિંગ કરીને બાદમાં ટાર્ગેટનો પીછો કર્યો હોય.