અતીક અહમદ : 'ગોળી વાગી અને બંને ઢળી પડ્યા', ગોળીબારને નજરોનજર જોનારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની શનિવારે રાત્રે પોલીસની હાજરીમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે.
આ હત્યા એ સમયે થઈ હતી, જ્યારે પોલીસ બંને ભાઈને મેડિકલ ચેકઅપ માટે કાલ્વિન હૉસ્પિટલમાં લઈ જઈ રહી હતી. ગોળીબાર થયો ત્યારે અતીક અહમદને મીડિયાના પ્રતિનિધિ પ્રશ્નો પૂછી રહ્યા હતા.
ત્યારબાદ અશરફ અહમદે કૅમેરામાં ગુડ્ડુ મુસ્લિમ નામની એક વ્યક્તિ વિશે કંઈક કહેવાનું શરૂ કર્યું અને એટલામાં એક હુમલાખોરે અતીક અહમદના માથામાં પિસ્તોલ ચલાવી દીધી હતી.
ત્યાર બાદ બંને ભાઈને નિશાન બનાવીને અનેક ગોળીઓ ચલાવી અને બંને ભાઈ નીચે પડી ગયા.
આ ઘટના બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
અતીક અહમદ અને તેના પરિવારે નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સુરક્ષાની માગ કરી હતી.
એક મહિના પહેલાં અતીક અહમદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી હતી કે ઉમેશ પાલની હત્યાની તપાસ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
આ ઘટનાને નજીકથી જોનારા અતીક અહમદના વકીલ વિજય મિશ્રાએ ગોળીબારની આખી ઘટના જણાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, “પોલીસ તેમને ગાડીમાંથી બહાર કાઢીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી. મેડિકલ કૅમ્પના ગેટથી બે ડગલાં આગળ વધતાની સાથે જ ગોળીનો અવાજ આવ્યો અને બંને ત્યાં જ પડી ગયા, એ પછી નાસભાગ મચી ગઈ.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પોલીસે તેમને બચાવાનો પ્રયાસ કર્યો? ત્યારે તેમણે કહ્યું કે, “પોલીસે તરત જ ગોળીબાર કરનારને પકડી લીધા હતા.”
શું પોલીસે કોઈ ગોળી ચલાવી હતી? આ સવાલ પર તેમણે કહ્યું કે, “ના, નાસભાગ મચી જવાથી તેવું કંઈ જોઈ શક્યા નથી.”

ઇમેજ સ્રોત, @PTI_News
પ્રયાગરાજમાં ઘટનાસ્થળે હાજર પીટીઆઈના પત્રકાર પંકજ શ્રીવાસ્તવે કહ્યું કે, “મારા એક મિત્રએ મને નીચો કરી દીધો અને મારો જીવ બચાવ્યો.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “પ્રયાગરાજમાં અતીક અને અશરફને મેડિકલ ચેકઅપ માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એ સમયે હું અને મારી સાથે અન્ય પત્રકારો પણ હાજર હતા. એ સમયે અમે બાઇટ લઈ રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબાર થયો અને તેમાં અતીક અહમદ અને અશરફ બંને નીચે પડી ગયા અને તેમનાં મૃત્યુ થઈ ગયાં.”
તેમણે ઉમેર્યું કે, “અમને પણ ઈજા થઈ છે, કમસે કમ 15થી 20 રાઉન્ડ ગોળી ચાલી હતી. ત્રણથી ચાર લોકો હુમલાખોર હતા. મારા સહયોગી પત્રકારે મને હઠાવી દીધો, તેથી ગોળી મારી ઉપરથી જતી રહી તેથી મારો જીવ બચી ગયો.”
“પોલીસે આ ઘટનામાં બે પિસ્તોલ કબજે કરી છે.”

હત્યા પહેલાં શું થયું?

ઇમેજ સ્રોત, ANI
જે સમયે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ પર હુમલો થયો હતો, તે સમયે પોલીસકર્મી તેઓને મેડિકલ ચેક-અપ માટે પ્રયાગરાજની મોતીલાલ નેહરુ ડિવિઝન હૉસ્પિટલ (કાલ્વિન હૉસ્પિટલ)માં લઈ જઈ રહ્યા હતા.
તેની થોડી જ ક્ષણો પહેલાં એક પોલીસ જીપ હૉસ્પિટલની બહાર આવીને ઊભી રહી. કેટલાક પોલીસકર્મી આગળથી ઊતરીને પાછળ આવ્યા, ત્યારે કેટલાક પાછળની સીટ પરથી બહાર આવ્યા.
જીપમાંથી પહેલાં અશરફને ઉતારવામાં આવે છે, ત્યારબાદ અતીક અહમદને એક પોલીસકર્મી ટેકો આપીને બહાર ઉતારે છે.
અશરફે કાળી ટીશર્ટ અને પૅન્ટ પહેર્યું હતું, જ્યારે અતીક અહમદ સફેદ કુર્તો પહેર્યો હતો.

પ્રયાગરાજ પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હત્યાની આ ઘટના વિશે પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા અનુસાર, “તેમને ફરજિયાત મેડિકલ તપાસ માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર જેમણે તેમની પર હુમલો કર્યો તેઓ ત્રણ લોકો હતા, જેઓ મીડિયાકર્મી તરીકે આવ્યા હતા. આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછ ચાલી રહી છે. જે લોકો પકડાયા છે, તેમની પાસે કેટલાંક હથિયારો પણ છે. ગોળીબારમાં અતીક અહમદ અને તેમના ભાઈ અશરફના મોત ઉપરાંત એક પોલીસકર્મીને પણ ગોળી વાગી છે. સાથે એક પત્રકાર પણ ઇજાગ્રસ્ત થયા છે.”
તેઓએ અતીક અને તેમના ભાઈ અશરફના મૃત્યુની પુષ્ટિ કરી છે અને એ પણ કહ્યું છે કે હુમલાખોરો પકડાઈ ગયા છે.
તેઓએ કહ્યું છે, "આમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે પૂછપરછ કરી રહ્યા છીએ. આમાં અતીક અને અશરફનું મોત થયું છે. ANIના લખનૌના એક પત્રકારને પણ ઇજા થઈ છે. સાથે જ એક કૉન્સ્ટેબલ માનસિંહ પણ ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયા છે.”
આ દરમિયાન તેમને મીડિયાકર્મીઓ દ્વારા હુમલાખોરો અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તપાસ હજુ ચાલુ હોવાનું કહીને અન્ય કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

હુમલાખોરો કોણ છે?

ઇમેજ સ્રોત, UGC
અતીક અહમદ હત્યાકાંડમાં પોલીસે હજી સુધી હુમલાખોરોના નામ નથી જાહેર કર્યા. જોકે, પોલીસે કહ્યું છે કે, આ મામલે તેમણે ત્રણ લોકોને પકડ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.
આ ત્રણેય હુમલાખોરો ગુનાઇત ભૂતકાળ ધરાવતા અપરાધી હોવાનું દૈનિક ‘હિંદુસ્તાન’ના સમાચારમાં કહેવામાં આવ્યું છે.
અખબારે લખ્યું છે કે હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે. ત્રણમાંથી એક હમીરપુર, એક કાસગંજ અને એક બાંદાના રહેવાસી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, હુમલાખોરોની ઓળખ લવલેશ અને સની સિંહ તરીકે થઈ છે. મીડિયા સાથે વાત કરતા લવલેશના પિતા યજ્ઞ તિવારીએ કહ્યું કે, “અમે ટીવી પર આ ઘટના જોઈ. અમે લવલેશની હરકતોથી વાકેફ નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા પણ નથી.”
તેઓએ કહ્યું કે, “તેઓ ક્યારેય અહીં રહ્યા ન હતા અને ન તો તે અમારા પારિવારિક બાબતોમાં સામેલ રહ્યા. તેણે અમને કશું કહ્યું નથી. તે પાંચ-છ દિવસ પહેલાં અહીં આવ્યો હતો.”
તેઓએ ઉમેર્યુ હતું કે, “અમે તેની સાથે વર્ષોથી વાતચીત કરતા નથી. તેની સામે પહેલાથી જ કેસ નોંધાયેલા છે. આ કેસમાં તેને જેલની સજા થઈ હતી. તે કામ કરતો નથી. તે ડ્રગ એડિક્ટ હતો. અમારા ચાર બાળકો છે. આ વિશે અમારે કંઈ કહેવું નથી.”
સનીના ભાઈ પિન્ટુએ એએનઆઈને જણાવ્યું કે, “સની અહીં-તહીં ભટકતો રહેતો હતો અને કોઈ કામ કરતો નહોતો. અમે અલગ રહીએ છીએ અને ખબર નથી કે તે કેવી રીતે ગુનેગાર બની ગયો. અમને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી.”














