You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહના 'ઍડિટેડ વીડિયો' શૅર કરવા બદલ ગુજરાતમાં બે લોકોની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણીસભાના કથિત 'ઍડિટેડ વીડિયો' મામલે બે લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી લવિના સિન્હાએ પત્રકારપરિષદ ભરીને આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે "પોલીસની તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ આ વીડિયો ઍડિટેડ હોવાનું ધ્યાને આવ્યું છે."
લવિના સિન્હાએ જણાવ્યું કે "આ મામલે સતીશ વણસોલા અને રાકેશ બારિયાની ધરપકડ કરાઈ છે. તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યા હતા."
પોલીસે જણાવ્યું કે "આ વીડિયો તેમણે હકીકત ચેક કર્યા વિના અને ઑરિજિનલ વીડિયો જોયા વિના ફેક વીડિયો પોસ્ટ કર્યા હતા, જે અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમે ગઈ કાલે એક ગુનો નોંધ્યો હતો."
પોલીસના જણાવ્યા અનુસાર, જે બે લોકોની ધરપકડ કરાઈ છે એ સતીશ વણસોલા મૂળ પાલનપુરના છે અને રાકેશ બારિયા દાહોદના છે.
જે બે લોકોની ધરપકડ કરાઈ છે એમનું કોઈ રાજકીય કનેક્શન છે કે કેમ? એ અંગેના સવાલમાં લવિના સિન્હાએ કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ બંને લોકો રાજકીય જોડાણ ધરાવે છે અને અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
પોલીસે જણાવ્યું કે "તેલંગણામાં જે સભા થઈ હતી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ જે અનામત અંગે નિવેદન આપ્યું હતું એનું આ ઍડિટેડ વર્ઝન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આસામમાં પણ અમિત શાહના 'ઍડિટેડ વીડિયો' શૅર કરનારની ધરપકડ
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 'ઍડિટેડ વીડિયો'ને શૅર કરવા પર આસામમાં કૉંગ્રેસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી.
આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું, "આસામ પોલીસે રીતમસિંહ નામની એક વ્યક્તિની ગૃહમંત્રી અમિત શાહ સાથે જોડાયેલા એક વીડિયો મામલે ધરપકડ કરી છે."
આરોપ છે કે રીતમસિંહે અમિત શાહ સાથે જોડાયેલો એક વીડિયો શૅર કર્યો હતો. જોકે બાદમાં આ વીડિયો તેમણે ડિલીટ કરી દીધો હતો.
રીતમસિંહ અને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટથી આ વીડિયોનો કેટલોક ભાગ શૅર કરાયો હતો.
અમિત શાહના 'ઍડિટેડ વીડિયો' શૅર કરવા પર તેલંગણાના મુખ્ય મંત્રીને સમન
દિલ્હી પોલીસ પણ અમિત શાહના આ 'ઍડિટેડ વીડિયો' શૅર કરવા અંગે તપાસ કરી રહી છે.
દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 'ઍડિટેડ વીડિયો' શૅર કરવા મામલે તેલંગણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને સમન મોકલ્યું છે.
કૉંગ્રેસ નેતા રેવંત રેડ્ડીને પોતાના ફોન સાથે પહેલી મેના રોજ દિલ્હી પોલીસના સાયબર યુનિટ સામે હાજર રહેવાનું કહેવાયું છે.
સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર રેવંત રેડ્ડીએ અમિત શાહનો એક ઍડિટેડ વીડિયો શૅર કર્યો હતો.
દિલ્હી પોલીસે આ મામલે અનેક લોકો પર કેસ નોંધ્યા છે. ગૃહ મંત્રાલયે અમિત શાહના ઍડિટેડ વીડિયો શૅર કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.
અમિત શાહનું ભાષણ શું હતું, જે વાઇરલ કરાયું?
અમિત શાહનો રેલીમાં આપેલા ભાષણનો એક અંશ સોશિયલ મીડિયામાં શૅર કરાઈ રહ્યો છે.
કથિત ઍડિટેડ વીડિયોમાં અમિત શાહ કહી રહ્યા છે કે 'જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો એક અનામત બિનબંધારણીય એસસી, એસટી અને ઓબીસીની છે, એ અનામતને અમે સમાપ્ત કરી નાખીશું.'
તો અન્ય એક વીડિયોમાં અમિત શાહ કહેતા સંભળાઈ રહ્યા છે કે 'બિનબંધારણીય મુસ્લિમ અનામતને અમે સમાપ્ત કરી દેશું. આ અધિકાર તેલંગણાના એસસી, એસટી અને ઓબીસીનો છે અને આ અધિકાર તેમને મળશે અને મુસ્લિમોની અનામત અમે સમાપ્ત કરી નાખીશું.'
લવિના સિન્હાએ કહ્યું કે અગાઉ દિલ્હી પોલીસે પણ આ મામલે ફરિયાદ નોંધી છે. તેમજ આ વીડિયો ફેક હોવાનું જે તે પાર્ટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે. તેમજ ઑરિજિનલ વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, હાલ બંને આરોપીના ફોન જપ્ત કરી લેવાયા છે અને એફએસએલમાં મોકલી આપશે. તેમજ વીડિયો કોણે અને કેવી રીતે ઍડિટ કર્યા છે તેની તપાસ કરાશે.
પોલીસે જે લોકોની ધરપકડ કરી તેમાંના એક સતીશ વણસોલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પીએ હોવાનું કહેવાઈ રહ્યું છે.
જોકે આ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "સતીષ વણસોલા મારો પીએ નહીં, મારો ભાઈ છે. તેના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના 50 લાખ દલિતો અને કૉંગ્રેસ પાર્ટી લડશે."
તેમણે કહ્યું, "હું કોઈ પણ સોશિયલ મીડિયા પર ફરતી ફેક પોસ્ટે કે ફેક વીડિયોનો ક્યારેય સમર્થક ન હોઈ શકું. ભારતીય જનતા પાર્ટી કૉર્પોરેટ મીડિયાની મદદથી, ફેક ન્યૂઝ ચલાવવાનું આઈટી સેલ ચલાવે છે. એમના માણસોએ દેશમાં રમખાણો થાય, ભાઈ ભાઈ લડે એવા અનેક વીડિયો છેલ્લાં દસ વર્ષના શાસનમાં વાઇરલ કર્યા છે. આ બધું તેમને દેખાતું નથી અને એક સામાન્ય પરિવારના દીકરાએ સરતચૂકથી આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એને ટાર્ગેટ કરાઈ રહ્યો છે."