બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસો આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 18 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદી ગતિવિધિઓમાં વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હાલ દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારાની સ્થિતિ જોવા મળી રહી છે.
હાલ છત્તીસગઢ પર સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધશે તેવી સંભાવના છે. જ્યારે 18 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.
જે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા બની શકે છે અને તે પણ મધ્ય ભારત તરફ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં કયા દિવસોમાં પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં 18 જુલાઈથી વરસાદમાં વધારો થશે, હાલ જ્યાં વરસાદ પડી રહ્યો છે એ સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ વધવાની શક્યતા છે.
18-20 જુલાઈના રોજ દક્ષિણ, પૂર્વ તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 19 જુલાઈની આસપાસથી વરસાદી ગતિવિધિ વધે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે 18 જુલાઈના રોજ ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટની ચેતવણી આપી છે એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના દક્ષિણના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે તો કેટલાક વિસ્તારો ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યો છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 19 અને 20 તારીખના રોજ સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 જુલાઈના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ તથા જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
19 જુલાઈના રોજ વલસાડ અને નવસારી જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
ઉપરાંત સુરત, તાપી, ડાંગ અને જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ છે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
20 અને 21 તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ આ દિવસે ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કયા જિલ્લામાં કેટલો વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય હવામાન વિભાગે 1 જૂનથી 17 જુલાઈ સુધી ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા જાહેર કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન રાજ્યનાં મોટાં શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે અનુક્રમે 287.2 મિમી, 613.3 મિમી, 311.4 મિમી, 509.1 મિમી વરસાદ પડ્યો હતો.
સામાન્યની સરખામણીએ આ પ્રમાણ અનુક્રમે 30 ટકા, 21 ટકા, 5 ટકા, 110 ટકા વધુ હતો.
રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ સમય દરમિયાન અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા ખાતે અનુક્રમે 385.5 મિમી, 404 મિમી, 329.6 મિમી, 438.8 મિમી, 230.2 મિમી અને 350.3 મિમી વરસાદ નોંધાયો હતો.
આ સિવાય ભરૂચમાં 291.5 મિમી, છોટા ઉદેપુરમાં 396.7 મિમી, દાહોદમાં 242.8 મિમી, ડાંગમાં 734.6 મિમી, ખેડામાં 373.3 મિમી, મહિસાગરમાં 342.4 મિમી, નર્મદામાં 347 મિમી, નવસારીમાં 977.6 મિમી, પંચમહાલમાં 352.2 મિમી, તાપીમાં 599.6 મિમી, વલસાડમાં 1022 મિમી વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રના અમરેલીમાં 441.5 મિમી, ભાવનગરમાં 333.2 મિમી, બોટાદમાં 449.8 મિમી, દેવભૂમિ દ્વારકામાં 462.7 મિમી, ગીર સોમનાથમાં 707.8 મિમી, જામનગરમાં 521.5 મિમી, જૂનાગઢમાં 890.2 મિમી, મોરબીમાં 292.6 મિમી, પોરબંદરમાં 481 મિમી, રાજકોટમાં 509.1 મિમી, સુરેન્દ્રનગરમાં 276 મિમી અને કચ્છમાં 504.9 મિમી વરસાદ નોંધાયો હતો.
આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ દાદર નગરહવેલીમાં નોંધાયો હતો.
તેમજ સામાન્ય કરતાં સૌથી વધુ એટલે કે લગભગ 319 ટકા વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.














