માંકડ કરડે તો શું થાય? માંકડને કારણે પેરિસ ઑલિમ્પિક પર જોખમ કેમ તોળાઈ રહ્યું છે?

માંકડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હ્યૂ સ્કૉફીલ્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ, પેરિસ

પેરિસ અને ફ્રાન્સનાં અન્ય શહેરો હાલના દિવસોમાં માંકડને કારણે પરેશાન છે. વાત ત્યાં સુધી પહોંચી છે કે આવતા વર્ષે પેરિસમાં યોજાનારા ઑલિમ્પિક પર પણ સવાલો કરાઈ રહ્યા છે. દેશના મીડિયામાં આ મુદ્દે વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

કેટલીક હદ સુધી તો આ સવાલો વાજબી પણ છે પરંતુ સંપૂર્ણ રીતે નહીં. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં માંકડોની સંખ્યા વધવાના સમાચારો આવ્યા છે પણ આ વધારો તો ઘણાં વર્ષોથી થઈ રહ્યો છે.

ફ્રાન્સના માર્સાય શહેરમાં રહેતા જિન મિશેલ બૅરેન્ગર ઍન્ટોમોલોજિસ્ટ છે. ઍન્ટોમોલોજિસ્ટ જીવવિજ્ઞાનની એ શાખા સાથે જોડાયેલા હોય છે જે જીવજંતુઓ, કીડાઓનું ગહન અધ્યયન કરે છે.

બેરેંગર કહે છે, “દરેક વર્ષે ઉનાળાના અંતમાં માંકડની સંખ્યા વધે છે. લોકો જુલાઈ અને ઑગસ્ટમાં બહાર જાય છે અને પાછા ફરતી વખતે તેમના સામાનો સાથે માંકડ લઈને આવે છે અને દર વર્ષે તેમની સંખ્યા વધતી જાય છે.

પેરિસના ફ્લૅટમાં રહેનાર લોકો આ કારણે ગભરાટ અનુભવી રહ્યા છે. તાજેતરમાં એવો રિપોર્ટ પણ આવ્યો છે કે આ માંકડ સિનેમાઘરોમાં પણ જોવા મળી રહ્યા છે પરંતુ તેનો કોઈ પુરાવો મળી રહ્યો નથી.

એમ છતાં પણ લોકો આ વાતને ગંભીરતાથી લઈ રહ્યા છે. આ સિવાય ટ્રેનોમાં માંકડ કરડવાના સમાચારો આવી રહ્યા છે.

પેરિસ ઑલિમ્પિક પહેલાં આવી આ મુસીબત

પેરિસ 2024 ઓલિમ્પિક

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, 4 ઑક્ટોબરની એક તસવીર જેમાં ફ્રાન્સના એક અખબારમાં માંકડ સંબંધિત જાણકારીઓ છપાયેલી જોવા મળે છે.

પેરિસ નગર નિગમ અને રાષ્ટ્રપતિ મૅક્રોનની સરકાર પણ આ મુદ્દે પગલાં ભરવાની વાત કરવા લાગી છે. આ એ વાતનો પુરાવો છે કે મામલો કેટલો ગંભીર છે. સૌને પેરિસ ઑલિમ્પિક પહેલાં શહેરની ઇમેજની ચિંતા છે.

કદાચ એ જ કારણ છે કે શાસકો તેને માત્ર સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાહો કે ચિંતાની જેમ જ નથી લઈ રહ્યા. જોકે, આ મામલે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી પોસ્ટ્સ પણ સમાંતરે ડરામણું ચિત્ર ઊભું કરે છે.

ઇન્ટરનેટ પર ઘણી ડરામણી વાતો શૅર કરવામાં આવી રહી છે. આ સમાચાર તો અખબારો કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. ખાસ કરીને સિનેમાહોલના માલિકો સોશિયલ મીડિયા પોસ્ટથી પરેશાન થઈ ગયા છે. તેઓ થિયેટર સીટો પર માંકડ દેખાતા હોય તેવા વીડિયોને ગંભીરતાથી લઈ રહ્યા છે.

મેટ્રોમાં સવારી કરતા લોકો હવે કાળજીપૂર્વક તેમની સીટ તપાસી રહ્યા છે. કેટલાક લોકો તો સીટ પર બેસવાને બદલે ઊભા રહે છે.

બેરેંગર કહે છે, “આ વર્ષે એક નવી વસ્તુ પણ બની છે. ડર ફેલાઈ ગયો છે. જોકે, એક રીતે આ સારું છે કારણ કે તેના કારણે લોકો માંકડથી સાવધાન રહેશે. પરંતુ ઘણીબધી વાતો અતિશયોક્તિભરી છે."

વાસ્તવિકતા એ છે કે છેલ્લાં 20થી 30 વર્ષોમાં માંકડે જાણે કે પુનરાગમન કર્યું છે. પરંતુ આવું માત્ર ફ્રાન્સમાં જ નથી બન્યું.

શું છે કારણો?

પેરિસ 2024 ઓલિમ્પિક

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના પરિવહનમંત્રીએ માંકડની મુસીબત પર એક બેઠક પણ કરી હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કન્ટેનર મારફતે થતો વેપાર, પર્યટન, જળવાયુ પરિવર્તન અને અપ્રવાસન આની પાછળનાં મુખ્ય કારણો ગણાય છે. એટલે કે આ સમસ્યા પાછળ વૈશ્વિકીકરણ પણ જવાબદાર છે.

માંકડને લૅટિન ભાષામાં 'સિમેક્સ લૅક્ટૂલારિયસ' કહે છે. એ ઘરની અંદર રહેતો જીવ છે. એ ત્યાં જ વસવાટ કરે છે જ્યાં મનુષ્ય હોય છે. બીજા વિશ્વયુદ્ધ પછી માંકડ અને મચ્છર લગભગ ગાયબ થઈ ગયાં હતાં. તેનું કારણ યુદ્ધ પછી ડીડીટીનો વ્યાપક પ્રમાણમાં થયેલો છંટકાવ હતો.

જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં ડીડીટી અને અન્ય કેમિકલ બંધ કરી દેવામાં આવ્યાં છે કારણ કે મનુષ્યના સ્વાસ્થ્ય પર તેનાથી વ્યાપક નુકસાન થાય છે.

એટલે કે વચ્ચે કેટલાક સમયગાળામાં માંકડની સંખ્યા ઓછી થઈ ગઈ હતી પરંતુ પહેલાંના માંકડના કેટલાક પૂર્વજો બચી ગયા હતા જે ફરીથી એકવાર મનુષ્યો પર હુમલો કરી રહ્યા છે.

ત્રીજું કારણ એ દુનિયામાં વંદાઓની ઘટતી વસતિ પણ હોઈ શકે છે. કારણ કે વંદાઓ માંકડને ખાઈ જાય છે. પણ તેનાથી ડરીને વંદાઓને ઘરમાં લાવવાની જરૂર નથી.

બેરેંગર પ્રમાણે વિકસિત દેશોમાં માંકડને કારણે એટલે ડર ફેલાઈ જાય છે કારણ કે અહીંના લોકોને માંકડ છેલ્લે ક્યારે જોયા એ મોટા ભાગે યાદ નથી કારણ કે દાયકાઓ પછી આ જોવા મળ્યું છે.

દુનિયાના બીજા ભાગોમાં જ્યાં પણ માંકડ જોવા મળે છે ત્યાંના લોકોમાં એટલો ડર જોવા મળતો નથી.

માંકડ કરડવાથી શું થાય?

ડૉ. જિન મિશેલ બૅરેન્ગર
ઇમેજ કૅપ્શન, ડૉ. જિન મિશેલ બેરેંગર

જોકે, હકીકત એ છે કે માંકડ એક મુસીબત તો છે જ સાથેસાથે આ ડર શારીરિક હોવાની સાથેસાથે મનોવૈજ્ઞાનિક પણ છે. સિમેક્સ લૅક્ટૂલારિસ ખતરનાક તો છે જ પરંતુ અત્યાર સુધીમાં મળેલી જાણકારીના આધારે તેમના કારણે આપણને તેનાથી કોઈ બીમારીનો ચેપ લાગતો નથી.

જ્યારે માંકડ કરડે છે ત્યારે અતિશય દર્દ થાય છે પરંતુ એ દર્દ લાંબા સમય સુધી નથી રહેતું. માંકડ તેમની પાછળ કાળા ડાઘ છોડીને જાય છે જે હકીકતમાં તેમનો મળ હોય છે. માનવગંધ આવે એટલે તેઓ તરત જ તેમની જગ્યાએથી બહાર આવી જાય છે.

માંકડ કંઈ પણ ખોરાક વગર એક વર્ષ સુધી ભૂખ્યા રહી શકે છે. પરંતુ તેમના કરડવાથી અસલી નુકસાન માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.

એક વર્ષ પહેલા મારા 29 વર્ષીય પુત્રને અમારા 20મા માળે આવેલા ફ્લેટમાં માંકડ કરડ્યું હતું. તેણે તેનું આખું ગાદલું ફેંકી દીધું, બધાં કપડાં ધોઈ નાખ્યાં અને આખા ઘરને ઉપરથી લઈને નીચે સુધી સાફ કર્યું.

આટલું કર્યા પછી પણ અમને ઊંઘ આવી રહી નહોતી. તેને લાગતું હતું કે તેની ચામડી પર માંકડ દોડી રહ્યા છે. તેને સતત આવા પ્રકારનો ભ્રમ થયા કરતો હતો.

એક મોટી પેસ્ટ-કંટ્રોલ કંપનીની સ્ટીમ ટ્રીટમેન્ટ પછી જ તેમને નિરાંત થઈ. કેટલીક પેસ્ટ કંટ્રોલ કંપનીઓ માંકડને શોધવા માટે કૂતરાંનો ઉપયોગ પણ કરે છે.

માંકડને પકડવા માટે કૂતરાઓનો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માંકડને શોધવા માટે કૂતરાંનો ઉપયોગ

બેરેંગર કહે છે, “ઘરમાં માંકડ હોવા એ કંઈ હળવાશમાં લેવા જેવી વાત નથી. આવી કેટલીય કહાણીઓ એ વાતની સૂચક છે કે આ જીવો કેટલી ઝડપથી ફેલાય છે. મારા મતે તેમને રોકવા માટે સુપર-સ્પ્રૅડર્સમાં તેમનો ફેલાવો થતો રોકવો જરૂરી છે.”

સુપર સ્પ્રૅડર એટલે કે એવા વિસ્તારો કે જ્યાં વસતિ અતિશય ગીચ છે અને આર્થિકરૂપે નબળા લોકો રહે છે. સમાજના આ વર્ગના લોકો પાસે પોતાનું ધ્યાન રાખવા માટે પૂરતાં સાધનો નથી હોતાં.

બેરેંગર અને તેમની ટીમને એક એવી વ્યક્તિના ફ્લૅટ પર બોલાવવામાં આવ્યાં જ્યાં સેંકડો માંકડ હતા જે અલમારીઓથી લઇને બારીઓ સુધી ફેલાયેલા હતા.

ફ્લૅટમાં દરેક જગ્યાએ માંકડનાં ઇંડાં દેખાતાં હતાં.

બેરેંગર કહે છે, “જ્યારે કોઈ આવી વ્યક્તિઓ તેમના ઘરેથી નીકળીને કોઈ સાર્વજનિક સ્થાને જાય ત્યારે તે તેની સાથે માંકડને પણ લઈ જાય. બસ આ પ્રકારના લોકોને જ મદદ કરવાની જરૂર છે.”