You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઊર્જા પિશાચ : તમારા જીવનમાં ઊર્જા છીનવી લેનારા મિત્રોની ઓળખ કેવી રીતે કરશો?
- લેેખક, એમિલી હોલ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ
શું તમારા જીવનમાં કોઈ ઍનર્જી વેમ્પાયર એટલે કે ઊર્જા પિશાચ છે?
ના, આ કોઈ અલૌકિક પ્રાણી નથી જેને લોહીની ઝંખના હોય; ઊર્જા-વેમ્પાયર એવા મિત્રોની વાત કરે છે જેઓ તમારી ઊર્જાનો ઉપયોગ કરે છે.
આ લોકો પોતાના જીવન અંગે ફરિયાદ કરી શકે છે, આ પ્રકારના મિત્રો ફક્ત પોતાના વિશે જ વાત કરે છે અને તમારામાં કે તમારા જીવનમાં કોઈ રસ દાખવતા નથી.
તો તમે તેમને કેવી રીતે ઓળખશો?
મનોવિજ્ઞાની અને લેખક સૂઝી રીડિંગના મતે, મિત્ર તરફથી મળતા વ્યવહારમાંં મળતા કેટલાક સંકેતોને ધ્યાનથી નિરીક્ષણ કરવાની જરૂર છે.
તેઓ તમારા મૂડને ધીમે ધીમે બગાડી શકે છે, તેઓ તમારી ખૂબ પ્રશંસા કરે છે, તમને ખુશ રહેવા માટે દબાણ કરે છે.
બેફામ પ્રશંસા દ્વારા અથવા તમને ઉત્સાહિત રહેવા માટે દબાણ કરીને, જ્યાં તેઓ તમને ખરેખર કેવું અનુભવો છો તે વ્યક્ત કરવાની મંજૂરી આપતા નથી.
લેખક અને પત્રકાર રાધિકા સંઘાણી કહે છે કે આ પ્રકારના લોકોને મળ્યા પછી તમને કેવું લાગે છે તે ઘણા સંકેતો આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હું ખરેખર થાકી ગયો છું, અને હું જોઈ રહ્યો છું કે સમસ્યા એ લોકોમાં છે, મારામાં નહીં". જો આ પ્રકારની સમસ્યાનો સામનો તમે પણ કરી રહ્યા છો, તો તેને હૅન્ડલ કરવાની ત્રણ રીતો વિશે અહીં વાંચો.
1. એમને જણાવો કે તમે શું અનુભવો છો
ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે તેમના વર્તનની તમારા પર કેવી અસર પડી રહી છે.
આવા મિત્રોને એ જણાવવું ખૂબ જરૂરી છે કે તમને એના વર્તનથી કેવું લાગી રહ્યું છે. આ એક અસરકારક ઉપાય છે.
સૂઝી કહે છે કે, "એવાં ઘણાં ઉદાહરણો છે જ્યાં લોકોને મિત્ર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે તેઓ નવાઈ પામે છે કારણ કે તેમને ખબર જ નથી કે તેમના વર્તનની અન્ય લોકો પર શું અસર પડી છે."
આ પ્રકારની પ્રામાણિકતા તમને મિત્રતા જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
રાધિકા આ રીતે વાતચીત કરવાનું સૂચન કરે છે, "જ્યારે આપણે બહાર ફરતા હોઈએ છીએ, ત્યારે મને ખરેખર એવું લાગતું નથી કે મારું કોઈ સ્થાન હોય. મને ખાસ કોઈ સાંભળતું પણ નથી."
જો તેઓ સાચા મિત્ર હશે, તો તેઓ તમારી વાત સાંભળશે અને તેને અવગણશે નહીં.
તેઓ કહે છે કે, "જો તેઓ તરત જ તેનો ઇનકાર કરે અથવા બચાવ કરે, તો મને ખ્યાલ આવી જાય છે કે તેઓ એવી વ્યક્તિ નથી જેમને હું મારા જીવનમાં ઇચ્છું છું."
2. સ્પષ્ટ સીમા રાખો
જો તમારા મિત્ર તેમના વ્યવહારમાં કોઈ બદલાવ કરવા માગતા નથી અને તમે જુદા નથી પડી શકતા તો પોતાની સુરક્ષા માટે એક સ્પષ્ટ સીમાઓ નિર્ધારિત કરવી મહત્ત્વપૂર્ણ છે.
તમે તમારા મિત્ર સાથે ઓછો સમય પસાર કરી શકો છો.
એ વાત સ્પષ્ટ રાખો કે શું બરાબર છે અને શું નથી.
સૂઝી કહે છે, "દાખલા તરીકે તમે વધારે પડતા મેસેજીસ મોકલવાનું કે ભાવનાત્મક પાસાં વિશે વાત કરવાનું ટાળી શકો છો."
સાથે સમય પસાર કરતી વખતે પોતાની ગતિવિધિઓમાં પણ બદલાવ લાવીને ઘણો ફરક પાડી શકાય છે. સામાન્ય રીતે તમે સાથે જમો છો અથવા નિયમિત રૂપે કૉફી પીઓ છો તો કોઈ બીજું કામ કરો.
સૂઝી સૂચન કરતાં કહે છે કે, "તમે સાથે ફરવા કેમ નથી જતા? સાથે વ્યાયામ કેમ નથી કરતા? આવી પ્રવૃત્તિઓથી દરેક બાબતમાં તમારા મિત્રનું હાવી થવાનું ઓછું થઈ જશે."
3. મિત્રતા ખતમ કરવા માટે તૈયાર રહો
તમે તમારા મિત્રોને મળ્યા પછી કેવો અનુભવ કરો છો. એના પર ધ્યાન આપો.
શું તમે ઉત્સાહ અનુભવો છો? મુલાકાત પછી થાક અનુભવો છો?
બની શકે કે તમારામાં અન્ય વ્યક્તિ પ્રત્યે સહનશીલતા હોય, માટે તમારે તમારા નિર્ણય પર વિશ્વાસ કરવો જોઈએ કે તમારે એની સાથે સમય પસાર કરવાનું સીમિત કરવું જોઈએ કે નહીં?
જો તમને એમ લાગે છે કે આમાં કશો સુધારો થાય એમ નથી, તો રાધિકા કહે છે કે આ સંબંધને વિરામ આપતા તમારે ડરવું ન જોઈએ.
તેઓ કહે છે કે, "હું આ સંંબંધમાં પાછળ હટી જઈશ. ખાસ કરીને જ્યારે એ વ્યક્તિને હું હમણાં જ મળી હોય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન