ગુજરાત : શહેરમાં અચાનક પાણી આવતું બંધ થયું અને પાઇપલાઇન તપાસી તો મળ્યા 'મૃતદેહના ટુકડા'

પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુરની નગરપાલિકામાં સ્થાનિક લોકોએ એક અઠવાડિયા પહેલાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરી હતી.

કેટલાક વિસ્તારમાં અત્યંત દુર્ગંધવાળું પાણી આવતું હતું. જ્યારે કેટલાકમાં પાણી આવવાનું જ બંધ થઈ ગયું હતું.

જેને લઈને સ્થાનિકોએ વિરોધ કરતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટર તેમજ નગરપાલિકા અને પોલીસ સત્તાધીશો સાથે બેઠક યોજી હતી.

ત્યાર બાદ તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોદકામ કરીને પાણીની પાઇપલાઇનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્રણ દિવસની તપાસ બાદ મંગળવારે અને બુધવારે બે જુદાજુદા વિસ્તારોમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.

અવશેષોને અમદાવાદ ખાતે એફએસએલમાં તપાસ માટે મોકલીને હાલ પણ વિવિધ વિસ્તારોમાં અન્ય અવશેષોની તપાસ ચાલી રહી છે.

શું હતો સમગ્ર મામલો?

આ મામલો શરૂ થયો હતો 11 મેના રોજ. અચાનક જ સિદ્ધપુર નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં પાણી આવવાનું બંધ થઈ ગયું હતું અને જ્યાં આવી રહ્યું હતું, ત્યાં એકદમ ધીરે અને અત્યંત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું હતું.

સિદ્ધપુર નગરપાલિકાના ચૅરમેન ધર્મેન્દ્ર ઠાકરના કહેવા પ્રમાણે, "સવારે જ્યારે પાણી ન આવ્યું તો હું ઑફિસે ગયો અને પાણી પુરવઠાવિભાગને જાણ કરીને માણસોને બોલાવ્યા."

ત્યાર પછી પાઇપલાઇન ખોદવાની શરૂઆત થઈ. પાઇપલાઇનના નેટવર્કને ખોદીને આ સમસ્યાનું મૂળ શોધવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન સ્થાનિક લોકોએ દૂષિત પાણીને લઈને રજૂઆતો કરી અને તેનું નિવારણ લાવવા માટે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પણ મધ્યસ્થી કરી હતી.

પાલિકા દ્વારા ત્રણ દિવસ સુધી ખોદકામ હાથ ધરાયા બાદ 16મી મેએ સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારમાં પાઇપલાઇનમાં કંઇક ફસાયેલું મળ્યું.

પોલીસ અને પાલિકાના સત્તાધીશો પ્રમાણે તે મૃતદેહના અવશેષો હતા.

મામલાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તેને કબજે કરીને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા.

જોકે, આ ઘટના ત્યાં જ પૂરી થઈ નહોતી. હજુ પણ ઘણા વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા હતી. પાલિકાએ પાઇપલાઇન ખોદવાનું ચાલુ રાખ્યું હતું અને બીજા દિવસે એટલે કે 17મી મેએ ફરી એક વખત કંઇક મળ્યું.

આ વખતે પણ મૃતદેહના અવશેષો જ મળ્યા હતા. જોકે, તે અગાઉ મળી આવેલા અવશેષોથી દૂર સિદ્ધપુરના નિશાળ ચકલા પાસેથી મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા આ અવશેષોને પણ પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

સિદ્ધપુરમાં જ રહેતા વિશાલ જયસ્વાલનું કહેવું છે કે, "હાલ પણ પાલિકાના સત્તાધીશો દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનની તપાસ ચાલી રહી છે."

મૃતદેહને લઈને ઘેરાયેલા સવાલો

  • મૃતદેહના અવશેષો માણસના છે કે પછી પ્રાણીના
  • જો તે માણસના હોય તો હત્યા છે કે પછી આત્મહત્યા?
  • જો અલગઅલગ વિસ્તારમાંથી અવશેષો મળ્યા હોય તો શું કોઈકે ટુકડાં કરીને નાખ્યા હોઈ શકે? આપોઆપ ટુકડા થવાની શક્યતા કેટલી?
  • આ અવશેષો પાઇપલાઇન સુધી ક્યાંથી અને કેવી રીતે પહોંચ્યા હોઈ શકે?

પોસ્ટમૉર્ટમમાં શું જાણવા મળ્યું?

સિદ્ધપુરમાંથી સતત બે દિવસ મળી આવેલા મૃતદેહના આવશેષો પોલીસે સૌથી પહેલાx સિદ્ધપુર સિવિલ હૉસ્પિટલમાં મોકલ્યા હતા.

જોકે, અવશેષો એટલી વિકૃત હાલતમાં હતા કે તે ખરેખર માણસના છે કે પછી પ્રાણીના તે સુદ્ધાં જાણી શકાય તેમ નહોતું.

સિવિલ હૉસ્પિટલના તબીબ ડૉ. હર્ષ ત્રિવેદીએ કહ્યું કે "અવશેષોની હાલત અત્યંત ખરાબ અને સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી તેમની ત્યાં પોસ્ટમૉર્ટમના તારણો કાઢવા મુશ્કેલ હતા. જેથી તેને વધુ તપાસ માટે અમદાવાદ ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે."

પોલીસે આ અવશેષો અમદાવાદસ્થિત એફએસએલ લૅબોરેટરીમાં મોકલીને હજુ અન્ય અવશેષોની તપાસ ચાલુ રાખી છે.

'પ્રાથમિક તબક્કે માણસનો મૃતદેહ લાગે છે'

પ્રથમ દિવસે જ્યારે મૃતદેહના અવશેષો મળ્યા ત્યારે પાટણ જિલ્લાના ઇન્ચાર્જ એસપી વિશાખા ડબરાલે સ્થળની મુલાકાત લીધી હતી.

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પાલિકાએ બ્લૉકેજ શોધવા માટે ઠેરઠેર ખાડા ખોદ્યા હતા. આ દરમિયાન પહેલા દિવસે ઉપલી શેરી વિસ્તારમાં અને બીજા દિવસે લાલ ડોશીની પોળ પાસેથી પસાર થતી પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા."

તેમણે આગળ કહ્યું, "પહેલાં અમે તેને પોસ્ટમૉર્ટમ માટે સ્થાનિક હૉસ્પિટલમાં મોકલ્યા પણ તેઓ તારણો કાઢી શકે તેમ ન હોવાથી અમદાવાદ એફએસએલમાં મોકલ્યા છે."

મળી આવેલા મૃતદેહ વિશે એસપી વિશાખા ડબરાલે શક્યતા વ્યક્ત કરી હતી કે "પ્રાથમિક તબક્કે આ માણસનો મૃતદેહ લાગે છે પરંતુ એફએસએલના રિપોર્ટ બાદ એ ખબર પડશે કે હકીકતમાં તે કોણો છે, તેની ઉંમર અને તે મહિલાનો છે કે પુરુષનો. એ પછી આગળની તપાસ હાથ ધરવામાં આવશે."