બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાશે, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. શનિવાર સવારે રાજ્યના પાંચ જિલ્લાના સાતેક તાલુકામાં વરસાદ પડ્યો છે.
ગત વર્ષની સરખામણીમાં નવ ટકા જેટલી વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનનો સરેરાશ સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
જોકે, આગામી દિવસોમાં ગુજરાત માટે રાહતજનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને વરસાદનો નવો સ્પેલ શરૂ થઈ શકે છે.
જોકે, વરસાદનો આગામી સમય કેટલાકને માટે ઉદાસી લાવનાર પણ હોય શકે છે.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે.
ત્યારે રક્ષાબંધનના દિવસે તથા આગામી દિવસો દરમિયાન કેવું હવામાન રહેશે તથા વર્તમાન સમયમાં કેવી સ્થિતિ છે, તે જાણીએ.
ગુજરાતમાં સપ્તાહના અંતમાં કેવું રહેશે વાતાવરણ?

ઇમેજ સ્રોત, imd.gov.in
શનિવારે ગુજરાત સહિત દેશભરમાં રક્ષાબંધન ઊજવાય રહી છે અને મોટાભાગના સરકારી તથા ખાનગી કર્મચારીઓને રજા મળેલી છે. આથી, કેટલાકે બે દિવસની રજાઓને પગલે 'મિનિ વૅકેશન' પ્લાન કર્યું હશે.
જેમાં વાતાવરણને કારણે કોઈ અડચણ આવવાની શક્યતા જણાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અમુક સ્થળોએ ; હવામાન ખાતાના વર્ગીકરણ પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, નવસારી, છોટા ઉદેપુર અને નર્મદામાં; કચ્છમાં, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ પોરબંદર, દ્વારકા, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, અને અમરેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે.
રવિવારે પણ મહદંશે શનિવાર જેવું જ વાતાવરણ રહેશે અને સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવી જ સ્થિતિ રહેશે.
જ્યારે હવામાન વિભાગનાં 26થી 50 ટકા સ્ટેશન્સમાં વરસાદ પડવાની શક્યતા હોય, ત્યારે તેને 'છૂટોછવાયાં સ્થળો' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
ગુજરાતમાં વરસાદની ઘટ, નવો રાઉન્ડ ક્યારથી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના ડેટા પ્રમાણે, શનિવાર સુધીમાં રાજ્યનો સરેરાશ 63.93 ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષે આ અરસામાં 69.64 ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. આમ વરસાદમાં લગભગ નવ ટકા જેટલી ઘટ છે.
રાજ્યમાં 563.81 મીમી વરસાદ પડી ગયો છે, ગત વર્ષે અત્યાર સુધીમાં લગભગ 615 મીમી વરસાદ પડી ગયો હતો.
તા. આઠમીની સવારની સ્થિતિ પ્રમાણે, કચ્છમાં (65.11 %), ઉત્તર ગુજરાતમાં (66.2%), મધ્યપૂર્વ ગુજરાતમાં 66.23% અને દક્ષિણ ગુજરાતમાં 67.78 % ટકા જેટલો વરસાદ પડ્યો છે.
આ વિસ્તારોમાં રાજ્યના સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જોકે સૌરાષ્ટ્રમાં હજુ સુધી 55.91 % વરસાદ જ પડ્યો છે. જે રાજ્યની સરેરાશ કરતાં ઓછો છે.
ઑગસ્ટ મહિના દરમિયાન પડનારા વરસાદની રાજ્યભરમાં 80 % સુધીની ઘટ જોવા મળી છે.
રાજ્યના 207માંથી માત્ર 30 ડૅમ જ તેમની પૂર્ણ ક્ષમતાએ ભરાયા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડૅમમાં 138.68 મીટરની સપાટીની સામે 131.33 મીટર પાણી ભરાયેલું છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાનો શરૂ થવાની આગાહી છે.
પ્રવર્તમાન સ્થિતિ મુજબ, તા. 13 કે 14 ઑગસ્ટની આસપાસ આ સિસ્ટમ 'લૉ-પ્રેશર એરિયા'માં ફેરવાય જાય તેવી શક્યતા છે, એ પછી ભારતના મધ્યભાગ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ગુજરાતમાં આ સિસ્ટમની અસર 16 ઑગસ્ટની આસપાસ થવાની શક્યતા છે. જોકે, તા. 13 અને 14 ઑગસ્ટથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમે-ધીમે વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ' પડશે, જેની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થશે. રાજ્યમાં અમુક સ્થળોએ ભારે તો કેટલાંક સ્થાનોએ અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાય રહી છે.
હવામાન વિભાગે હાલ અને આગામી દિવસો માટે કોઈ ઍલર્ટ નથી આપ્યું, પરંતુ વરસાદના નવા રાઉન્ડ દરમિયાન અલગ-અલગ સ્તરનાં ઍલર્ટ બહાર પાડવાં પડે, એટલો વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર રાહતજનક બની રહેશે. જોકે, આ અરસામાં જ જન્માષ્ટમીનો તહેવાર અને સાતમ-આઠમના મેળા આવે છે.
ઑગસ્ટ મહિનાનું બીજું પખવાડિયું સૌરાષ્ટ્ર વિસ્તારમાં 'શ્રીકાર વરસાદ' વરસાવી શકે છે, જ્યાં હજુ સુધી રાજ્યના સરેરાશ વરસાદ કરતાં આઠ ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













